મૂત્રરોગ અને સારવાર .
- આરોગ્ય સંજીવની- જહાનવીબેન ભટ્ટ
મૂત્રમાર્ગની સમસ્યાઓમાં મૂત્રત્યાગ વખતે અતિશય કષ્ટ થવા, મૂત્ર અટકી જવું, મૂત્ર ટીપે-ટીપે આવવું, મૂત્રમાર્ગનું સંકોચન થઈ જવું, મૂત્રાશયમાં ગાંઠ થઈ જવી. મૂત્રાશયમાં પથરી થવી, પ્રોસ્ટેટ વૃધ્ધિ થવી વગેરે મુખ્યરૂપે જોવા મળતી તકલીફો છે. ઘણીવાર પેશાબ અટકી જવાથી આફરો, બેચેની, શ્વાસ, ગભરામણ વગેરે જેવી ફરિયાદો પણ થતી જોવા મળતી હોય છે. મૂત્રનાં અટકવાથી પેશાબ માર્ગનાં ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે.
ઘણીવાર મૂત્રાશયગતશોથ, મૂત્રાશયમાં પથરી,મૂત્રાશયમાં ગાંઠ, મૂત્રમાં અધિક અમ્લતા વગેરેના કારણે પણ મૂત્ર કષ્ટતાપૂર્વક થતો હોય છે. આ ઉપરાંત અતિશય અધિક વ્યાયામ, અતિપ્રમાણમાં આલ્કોહોલ- દારૂનું સેવન, ઘોડેસવારી, અજીર્ણમાં ભોજન વગેરેથી પણ દોષો દૂષિત થઈ મૂત્રમાર્ગમાં સંકોચ ઉત્પન્ન કરે છે. તો ક્યારેક દોષો મૂત્રાશય પર દબાણ વધારે છે, જેથી મૂત્રત્યાગના સમયે કષ્ટતા-તકલીફ થાય છે. આયુર્વેદની ભાષામાં આ રોગને 'મૂગકૃચ્છ'નામ આપેલું છે. એ જ રીતે જ્યારે મૂત્ર મૂત્રાશયમાંથી બહાર ન આવે એટલે કે, પેશાબ રોકાઈ જાય કે અટકી જાય તેને આયુર્વેદની પરિભાષામાં 'મૂત્રઘાત'નામનો વ્યાધિ કહે છે. જે વ્યક્તિઓને મૂત્રને રોકવાની કુટેવ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુમાં વધુ રહે છે.
આ ઉપરાંત ઘડપણ આવવાથી જેમ સ્વાભાવિક રીતે વાળ સફેદ થાય જ છે. તેવી જ રીતે વૃધ્ધાવસ્થામાં મોટેભાગે પુરુષોમાં પ્રોસ્ટેટની વૃધ્ધિ થતી જોવા મળે છે. જેનું કારણ આધુનિક સાયન્સમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ માનવામાં આવે છે. આ રોગમાં મોટા ભાગે રોગનાં સમયે મૂત્રપ્રવૃત્તિ અધિક થાય છે. રોગીએ રોગમાં ૩ થી ૪ વખત પેશાબ માટે ઉઠવું પડે છે તથા પેશાબ માટે જોર લગાવવા છતાં ઘણીવાર પેશાબ આવતો નથી. અથવા ટીપે-ટીપે આવે છે, અને પૌરુષગ્રંથિ આકારમાં પણ વધેલી દેખાય છે.
મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. આજે મૂત્રમાર્ગની સમસ્યાઓ માટે કેટલાંક ઘરગથ્થું અને આયુર્વેદિક ઉપચારો સૂચવું છું. કેટલીક વાર આ ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આવી જાય છે. એક સાથે એક થી બે પ્રયોગ કરી શકાશે.
જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યા હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે કૂતરિયા ઘાસનાં બી અડઘો તોલો છાશમાં આપવાં. આ પ્રયોગથી દર્દીનો રોકાઈ ગયેલો પેશાબ છૂટે છે અથવા આ ઘાસનું શરબત નીચે પ્રમાણે બનાવીને દર્દીને આપવું. આ ઘાસનો રસ કાઢી તેમાં ૫ થી ૧૦ ગ્રામ જેટલી સાંકર અને થોડી ઇલાયચી નાખવી જેથી શરબત તૈયાર થશે. આ શરબતનેં ગરમ કરવું નહીં. આ શરબત લાંબો સમય રહે છે. બગડતું નથી.
- ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે.
- પેશાબ ખૂબ અટકી ગયો હોય ત્યારે 'ગળી'નામની વનસ્પતિનો રસ પેઢુ ઉપર ચોપડવો, તેનાથી પણ પેશાબનો ભરાવો નીકળી જાય છે.
- ઇન્દ્રવરણાનાં મૂળ પાણીમાં ઘસી દર્દીને પીવડાવવાથી પણ ઝાડા અને પેશાબની છૂટ થાય છે.
- ગોખરું ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી, પેસાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે અને પેશાબની છૂટ થાય છે.
- કેસૂડાનાં પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઈ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું. રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઈ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.
- પેશાબમાં બળતરાં થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચ તોલા અને સાંકરનું શરબત બનાવી પીવું. જેથી તરત જ પેશાબ માર્ગમાં થતી બળતરા બંધ થાય છે.
- ઘણીવાર મૂત્રમાર્ગનું સંકોચન થવાથી પણ પેશાબ છૂટથી આવી શક્તો નથી. આવાં સમયે કેળાનાં રોપા (કેળનું પાણી) પાંચ તોલા અને તપેલું ઘી પાંચ તોલા મિક્સ કરી પીવાથી બંધ થઈ ગયેલો પેશાબ તરત જ છૂટો થાય છે અને આ રીતે પીધેલું ઘી પણ છૂટું પડી પેશાબ વાટે નીકળી જાય છે. તે પેશાબનાં રસ્તાને પણ ખુલ્લો કરી દે છે.
ઘણીવાર પેશાબ ટીપે-ટીપે આવે છે. જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલા સામાન્ય ઉપાયોથી પણ બેચેન બનાવી દેતી આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે. જેમાં લાલ કોળાનો રસ ૨-૨ તોલાં સવાર-સાંજ પીવાથી ટપકતો પેશાબ બંધ થાય છે.
- આદુનો રસ ખડી સાંકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
- આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, હારિમૂલકવાથ, ભોંયરીંગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરવામાં આવે તો નિ:સંશય આયુર્વેદથી ધાર્યા પરિણામો મેળવી શકાય છે.