Get The App

મૂત્રરોગ અને આયુર્વેદ' .

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
મૂત્રરોગ અને આયુર્વેદ'                                            . 1 - image

- આરોગ્ય સંજીવની

જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ- તેમ મૂત્રમાર્ગની તકલીફોની શરૂઆત થવા લાગે છે. અને યોગ્ય સારવાર સમયસર રીતે ન મળે તો આ સમસ્યાઓ ગંભીરરૂપ ધારણ કરી લે છે.

મૂત્રમાર્ગની સમસ્યાઓમાં મૂત્રત્યાગ વખતે અતિશય કષ્ટ થવો, મૂત્ર અટકી જવું, મૂત્ર ટીપે ટીપે આવવું, મૂત્રમાર્ગનું સંકોચન થઈ જવું, મૂત્રાશયમાં અર્બુદ (ગાંઠ) થવી, મૂત્રાશયમાં પથરી થવી, પ્રોસ્ટેટ વૃધ્ધિ થવી વગેરે મુખ્યરૂપે જોવા મળતી તકલીફો છે. ઘણીવાર પેશાબ અટકી જવાથી આફરો, બેચેની, શ્વાસ, ગભરામણ વગેરે જેવી ફરિયાદો પણ થતી જોવા મળતી હોય છે. મૂત્રનાં અટકવાથી પેશાબ માર્ગના ગંભીર રોગો થવાની શકયતા વધી જાય છે.

ઘણીવાર મૂત્રાશયગત શોથ (સોજો), મૂત્રાશયમાં પથરી, મૂત્રાશયમાં ગાંઠ, મૂત્રમાં અધિક અમ્લતા વગેરેના કારણે પણ મૂત્ર કષ્ટતાપૂર્વક થતો હોય છે. આ ઉપરાંત અતિશય અધિક વ્યાયામ, અતિ પ્રમાણમાં આલ્કોહોલ દારૂનું સેવન, ઘોડેસવારી, અજીર્ણમાં ભોજન વગેરેથી પણ દોષો દૂષિત થઈ મૂત્રમાર્ગમાં સંકોચ ઉત્પન્ન કરે છે. તો ક્યારેક આ દોષો મૂત્રાશય પર દબાણ વધારે છે, જેથી મૂત્રત્યાગનાં સમયે કષ્ટતા-તકલીફ થાય છે. આયુર્વેદની ભાષામાં આ રોગને 'મૂત્રકૃચ્છ' (ઘઅજેિૈચ) નામ આપેલું છે, એ જ રીતે જ્યારે મૂત્ર મૂત્રાશયમાંથી વહન ન આવે એટલે કે, પેશાબ રોકાઈ જાય કે અટકી જાય તેને આયુર્વેદ પરિભાષામાં 'મૂત્રાધાત' નામનો વ્યાધિ કહે છે. જે વ્યક્તિઓને મૂત્રને રોકવાની કુટેવ હોય તેમને આ રોગ થવાની સંભાવના વધુમાં વધુ રહે છે. આ ઉપરાંત ઘડપણ આવવાથી જેમ સ્વાભાવિક રીતે વાળ સફેદ થાય જ છે. તેવી જ રીતે વૃધ્ધાવસ્થામાં મોટો ભાગે પુરુષોમાં પૌરુષગ્રંથિ (પ્રોસ્ટેટ)ની વૃદ્ધિ થતી જોવા મળે છે. જેનું કારણ આધુનિક સાયન્સમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ માનવામાં આવે છે. આ રોગમાં મોટા ભાગે રોગના સમયે મૂત્રપ્રવૃત્તિ અધિક થાય છે. રોગીએ રાત્રિમાં ૩ થી ૪ વખત પેશાબ માટે ઉઠવુ પડે છે તથા પેશાબ માટે જોર લગાવવા છતાં ઘણીવાર પેશાબ આવતો નથી. અથવા ટીપે-ટીપે આવે છે અને પૌરુષગ્રંથિ આકારમાં પણ વધેલી દેખાય છે.

મૂત્રમાર્ગની સમસ્યાઓ અનેક ગંભીર સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેથી આજે મૂત્રમાર્ગની સમસ્યાઓ માટે કેટલાક સરળ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો સૂચવું છું. કેટલીકવાર આ ઉપચારો સામાન્ય હોવા છતાં કાળજી કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ આવી જાય છે. એક સમયે ૧ થી ૨ પ્રયોગ કરી શકાશે.

જ્યારે દર્દીને પેશાબ માર્ગની સમસ્યા હોય અને પેશાબ અટકી ગયો હોય ત્યારે કૂતરિયા ઘાસનાં બી અડધો તોલો છાશમાં આપવા- આ પ્રયોગથી દર્દીનાં રોકાઈ ગયેલો પેશાબ છૂટે છે. અથવા આ ઘાસનું શરબત નીચે પ્રમાણે બનાવીને દર્દીને આપવું.

આ ઘાસનો રસ કાઢી તેમાં ૫ થી ૧૦ ગ્રામ જેટલી સાકાર અને થોડીક ઇલાયચી નાખવી જેથી શરબત તૈયાર થઈ જશે. આ શરબતને ગરમ કરવું નહીં. આ શરબત લાંબો સમય રહે છે, બગડતું નથી.

- ૨ થી ૩ ગ્રામ જેટલી પ્રવાલપિષ્ટી તેટલી જ એલચી સાથે ગરમ દૂધમાં લેવાથી પેશાબની છૂટ થાય છે.

- વળી, ઇન્દ્રાવરણાનું મૂળ, પાણીમાં ઘસી દર્દીને પીવડાવવાથી પણ ઝાડી અને પેશાબની છૂટ થાય છે.

- પેશાબ ખૂબ અટકી ગયો હોય ત્યારે 'ગળી'નામની વનસ્પતિનો રસ પેઢુ ઉપર ચોપડવો, તેનાથી પણ પેશાબનાં ભરાવો નીકળી જાય છે.

- ગોખરું ચૂર્ણને દૂધમાં પકવી તેની ખીર બનાવી ખડી સાકર નાખી પીવાથી પેશાબ માર્ગની તમામ સમસ્યાઓમાં રાહત થાય છે અને પેશાબની છૂટ થાય છે.

- કેસુડાના પાન અને કેળાની છાલનું ચૂર્ણ અડધો તોલો લઈ તેને ૧૦૦ ગ્રામ પાણીમાં પલાળવું રાત્રે આ ચૂર્ણ પલાળી સવારે મસળીને ગાળી લઈ આ પાણી પીવાથી બંધ પેશાબ ઝડપથી છૂટે છે.

પેશાબમાં બળતરા થતી હોય તો લૂણીની ભાજીનો રસ પાંચતોલા અને શાકરનું શરબત બનાવી પીવું, જેથી તરત જ પેશાબમાર્ગમાં થતી બળતરા બંધ થાય છે.

- ઘણીવાર મૂત્રમાર્ગનું સંકોચન થવાથી પણ પેશાબ છૂટથી આવી શક્તો નથી. આવા સમયે કેળનું પાણી (કેળાના રોપાનું) પાંચ તોલા અને તળેલું ઘી પાંચ તોલા મિક્સ કરી પીવાથી બંધ થઈ ગયેલો પેશાબ તરત જ છૂટો થાય છે. અને આ રીતે પીધેલું ઘી પણ છૂટું પડી પેશાબ વાટે નીકળી જાય છે, તે પેશાબનાં રસ્તાને પણ ખુલ્લો કરી દે છે.

ઘણીવાર પેશાબ ટીપે-ટીપે આવે છે જેથી પેશાબ ટપકતો રહેતો હોય ત્યારે નીચે બતાવેલા સામાન્ય ઉપાયોથી પણ બેચેન બનાવી દેતી આ ફરિયાદમાં ઘણો જ ફાયદો થાય છે.

- જેમાં લાલ કોળાનો રસ ૨-૨ તોલા સવાર-સાંજ પીવાથી ટપકતો પેશાબ બંધ થાય છે.

- આદુનો રસ ખડી સાંકરમાં મેળવીને પીવાથી પણ ટપકતાં પેશાબની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. આયુર્વેદિક ઔષધોમાં ગોક્ષુર, શિલાજીત, પુર્નનવા, હરિભૂલકવાથ, ભોંયરીગણી, ત્રિફળા, આમળા વગેરે મૂત્રરોગોમાં સારું પરિણામ આપે છે. આ ઔષધોનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરી શકાય છે. યોગ્ય સમયે અને યોગ્ય રીતે ઔષધ પ્રયોગ અવશ્ય રોગની ગંભીરતમાંથી કરાયેલ મુક્તિ અપાવે છે.

- જ્હાનવીબેન ભટ્ટ