Get The App

નિરાળી ડિઝાઈનની છત્રીઓ બેસ્ટ એક્સેસરી

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
નિરાળી ડિઝાઈનની છત્રીઓ બેસ્ટ એક્સેસરી 1 - image


- આ ચોમાસાને 'માથે' લીધું છે પારદર્શકથી લઈને રાઈફલના હાથાવાળી છત્રીઓએ

હિન્દુસ્તાનના  મહાનગરો  પણ  હવે  ફેશનના  ક્ષેત્રે  પેરિસના પગલે ચાલી રહ્યાં છે.  માત્ર વસ્ત્રાભૂષણોમાં જ નહીં, પ્રત્યેક   એક્સેસરીમાં પણ.  મઝાની વાત એ છે કે હવે છત્રી પણ એક મહત્ત્વની  એક્સેસરી બની ગઈ  છે. આજની તારીખમાં  છત્રીમાં  કંઈકેટલીય  જાતની વિવિધતા  જોવા મળે છે. એટલું જ નહીં, છત્રીના કવર પણ  વિવિધ આકારમાં  બનાવવામાં  આવે  છે. ફેશન ડિઝાઈનરો  કહે છે કે એ દિવસો વિતી ગયા જ્યારે માનુનીઓ  એવી  ફરિયાદ  કરતી કે તેમની છત્રીને કારણે  તેમના ફેશનેબલ વસ્ત્રો પણ  ઝંખવાઈ જાય છે.  હવે સ્ટાઈલિશ  છત્રીઓ  પામેલાઓના આકર્ષક  પરિધાનમાં  વધારાનું  છોગું ઉમેરે  છે. સરસ મઝાની   છત્રી  તેમના વ્યક્તિત્વને  વધુ પ્રભાવશાળી  બનાવે છે. આ  વર્ષે  બબલ્સ અમ્બ્રેલાની ફેશન  પૂરબહારમાં  ખીલી  છે. ગુંબજ  આકારની પ્લાસ્ટિકની  છત્રીઓ દેખાવમાં  તો આકર્ષક  છે જ.  સાથે સાથે તે પવન સાથે વઆવતાં ઝાપટામાં  તમને કોરા રાખવામાં મદદ  કરે  છે. આ છત્રીઓ  પારદર્શક  પ્લાસ્ટિકની  હોવાથી તમારા કોઈપણ  પરિધાન સાથે  શોભી  ઉઠે  છે.  એક જાણીતી  ફેશન  ડિઝાઈનર  કહે  છે કે  આ વર્ષના  આરંભમાં  ન્યુયોર્ક  ખાતે યોજાયેલા  ફેશન વીકમાં  કેટલાંક  ફેશન ડિઝાઈનરો  પોતાની મોડેલોેને  બબલ છત્રી  સાથે રેમ્પ પર ઉતારી  ત્યારે  ત્યાં હાજર  લોકો ચિચિયારીઓ  પાડી ઉઠયા  હતા. તે વધુમાં કહે છે કે ક્વીન એલિઝાબેથ-૨  ફેશનેબલ  યુવતીઓ  માટે  પ્રેરણાસ્રોત  બની શકે.  તેઓ પોતાના પોશાકને  અનુરૂપ  છત્રી લઈને પોેતાના  વ્યક્તિત્વમાં  વધારાનું  છોગુ  ઉમેરે  છે.

આ  વર્ષે  પણ લેસવાળી છત્રીઓની  ફેશન  જારી  રહી  છે.  બલ્કે એમ કહી  શકાય  કે ગયા વર્ષની  લેસવાળી  છત્રીએ  નવા વાઘા ધારણ  કર્યાં  છે.   ગયા   વર્ષે  નિયમિત  રીતે ઉપયોગમાં લેવાતી   પ્રિન્ટેડ  અથવા પ્લેન છત્રીના કિનારે લેસ લગાવીને તેને નવો લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  પરંતુ આ  વર્ષે  આખી  છત્રી  પર  લેસની  ડિઝાઈન હોય એવી  છત્રીની  ફેશન ચાલી છે. ફેશન ડિઝાઈનરો કહે છે કે પારદર્શક  પ્લાસ્ટિક  પર લેસની ડિઝાઈન  ખૂબ જચે  છે. તેમાંય  જો પ્લેન  ડ્રેસ સાથે આવી  છત્રી લો તો  વધુ સુંદર  દેખાય.  ચોમાસામાં  આવી છત્રી  તમારી બેસ્ટ  એક્સેસરી  લેખાય. 

ફ્લોરલ  પ્રિન્ટ દરેક વસ્તુમાં  ઓલ ટાઈમ  ફેવરિટ  ગણાય છે. તો પછી છત્રી તેમાંથી  શી રીતે બાકાત રહે? એવું પણ નથી કે છત્રીમાં ફ્લોરલ  પ્રિન્ટ આજકાલની  ફેશન છે. ૭૦ના દશકમાં  પણ ફૂલોની ડિઝાઈનવાળી  છત્રીઓની ફેશન હતી. ફેશન ડિઝાઈનરો કહે છે કે નાની પ્રિન્ટવાળા  કે પછી પ્લેન ડ્રેસ  સાથે  ફ્લોરલ  પ્રિન્ટની  છત્રી  સરસ દેખાય.  જેમ તમે પ્લેન બોટમ  સાથે ફૂલોની  ડિઝાઈનવાળું  ટોપ  પહેરો  તો   સારું  લાગે  તેમ પ્લેન ડ્રેસ પર આવી પ્રિન્ટની  છત્રી શોભે. પરંતુ  જો તમે ફ્લોરલ   પ્રિન્ટનું  ટોપ પહેર્યું હોય તો  તેની સાથે બબલ  છત્રી બેસ્ટ ઓપ્શન  ગણાશે.

એવું  નથી  કે  જૂતાં, પર્સ કે  ડ્રેસમાં જ એનિમલ  પ્રિન્ટનો  ઉપયોગ થાય છે. હવે  ઝેબ્રા, ચિત્તા, વાઘ કે  સર્પની  ચામડી જેવી પ્રિન્ટ   અમ્બ્રેલા  પર પણ   જોવા મળે  છે.  ફેશનેબલ  માનુનીઓ   એનિમલ  પ્રિન્ટના  પગરખાં કે પર્સ સાથે આવી પ્રિન્ટની  છત્રી લે છે. જો કે નવા નવા પ્રયોગો કરવામાં ન  ખચકાતી  યુવતીઓ કોઈ પણ  ડ્રેસ સાથે આવી છત્રીનો ઉપયોગ કરે છે. તેઓ  કહે છે કે  જો  બધી છત્રીઓ પ્લેન કે સાવ હળવી  પ્રિન્ટના  પોશાક સાથે લેવાની હોય તો શું અમારે  સમગ્ર વર્ષાઋતુ  દરમિયાન પ્લેન વસ્ત્રો જ પહેરવાં?

તમને જાણીને નવાઈ લાગશે કે એક્શન ફિલ્મોની  શોખીન  માનુનીઓ  રાઈફલ  જેવા હાથાવાળી  છત્રી લેવાનું પસંદ  કરે  છે.  આવી  છત્રી  હાથમાં   હોય ત્યારે  તેમના શરીરમાં  એક પ્રકારની  ઉત્તેજના  ફરી વળે  છે. જ્યારે કેટલીક પામેલાઓ  છત્રી કરતાં તેના ફેન્સી  કવરને વધુ મહત્ત્વ  આપે  છે.  કોર્પોરેટ  કંપનીમાં  કામ કરતી  એક યુવતી કહે છે કે મને સતત   પ્રવાસ કરવો  પડતો  હોવાથી  હું ફોલ્ડિંગ  છત્રી લેવાનું વધુ પસંદ કરું છું.  પરંતુ તેનું કવર  આકર્ષક  હોય એવો  આગ્રહ  અચૂક  રાખું છું. મને કેળાના આકારના કે પછી વાઈન  બોટલ જેવા  કવર અત્યંત  પ્રિય છે.

Tags :