Get The App

નવરાત્રિનો નોખો શણગાર : માતાજીની આરતીની સજાવટ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિનો નોખો શણગાર : માતાજીની આરતીની સજાવટ 1 - image

જય આદ્યશક્તિ મા જય આદ્યશક્તિ

અખંડ બ્રહ્માંડ દિપાવ્યા પડવે પંડિત મા

ઓમ જયો જયો મા જગદંબે

ઘંટનાદ, લયબદ્ધ તાળીઓ, ઘંટડીનો કર્ણમંજુલ રણકાર કે મંત્રોચ્ચારનો ધ્વનિ કર્ણપટલ પર પડતાં જ સમજાઈ જાય કે આટલામાં ક્યાંક આરતી થઈ રહી છે.

આરતીએ રૂની વાટથી માંડીને પૂજાપાની સાધનસામગ્રીના થાળ વડે થતી ધાર્મિક ભાવનાત્મક અભિવ્યક્તિ છે. 

હિન્દુ ધર્મમાં આરતીનું વિશિષ્ટ મહત્વ છે. ભગવાનની આરતીથી માંડીને રક્ષાબંધનના દિને ભાઈને અને નવવધૂના ગૃહપ્રવેશ ટાણે એની આરતી ઉતારવાનું પારંપારિક મહત્ત્વ ભારતીય સ્ત્રીઓને મન ઘણું છે.

ભાવનાત્મક અભિવ્યક્તિ કરવાની આરતીની રીતમાં અલગ પ્રકારના ભાવો જોડાયેલા છે. રૂની વાટ ઘીમાં બોળી તેને દીવામાં મૂકીને દીવાને કે દીવીવાળી થાળીને ગોળાકારને અર્ધગોળાકાર આકારે શ્રદ્ધાપૂર્વક ફેરવવાની ક્રિયાને આપણે આરતીરૂપે ઓળખીએ છીએ.

વારતહેવારે પ્રસંગોચિત સુશોભિત આરતી બનાવવાના ચલણે ખાસ કરીને છેલ્લા દશકાથી ખૂબ જોર પકડયું છે. માત્ર કંકુ લગાડાયેલી થાળીમાં દીવો મૂકીને આરતી કરવાથી માંડીને ફળ, ફૂલ મોતી, સૂકા મેવા ઇત્યાદિ વિધવિધ સામગ્રીઓ વડે આરતીની થાળીને શણગારનું ચલણ મહિલાઓમાં અને યુવતીઓમાં આજે પણ જોવા મળે છે. ધાર્મિક તહેવારોમાં ખાસ કરીને ગણેશોત્સવ અને નવરાત્રી ટાણે જુદી જુદી સ્ત્રીમંડળીઓ આરતીની હરીફાઈઓ રાખે છે. અને આરતી સુશોભનના ખાસ વર્ગો પણ એ ગાળામાં ચાલતા હોય છે. આરતી થાળનો અહીં હવે પછી આરતી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નવરાત્રિના પર્વમાં બનાવાતી આરતીઓમાં હવનકુંડની આરતી ઉલ્લેખનીય છે. કેટલીક કલાબાજ યુવતીઓ થાળીમાં નાનોશો મંડપ ઊભો કરીને ટેબલ ઉપર યજ્ઞાવેદી બનાવીને એમાં પૂજા કરતાં સ્ત્રી અને પુરુષ તેમજ મંત્રોચ્ચાર કરતા ગોરબાપાને પણ ઊભા કરી દે છે, એટલું જ નહિ, બાજુમાં જ પરંપરાગત વસ્ત્રભૂષામાં સજ્જ રાસગરબા ખેલતાં યુવકયુવતીઓનો પણ સમાવેશ કરે છે. આમ, માતાજીની આરતી ઉતારવા માટે તૈયાર થયેલી થાળીમાં ત્રણ ત્રણ પ્રસંગો સુપેરે નિરૂપવામાં આવતા હોય છે.

પ્રસંગોપાત થતી આરતીમાં જન્માષ્ટમીમાં લાલજીના જન્મદિને થતી પારણાની આરતી લોકપ્રિય છે. થાળીમાં પારણંુ ઊભું કરી જન્માષ્ટમીની આરતી થતી હોય કેસત્ય નારાયણની કથાની આરતી, મંત્રોચ્ચારની સાથે ઉતારવામાં આવતી આરતી સમગ્ર વાતાવરણમાં અલૌકિકતાની સુવાસ ફેલાવે છે. જનમાનસમાં ઉત્સાહ અને ઉમંગનું મોજું ફરી વળે છે. 

પ્રાચીન કાળની જેમ આજેય નવરાત્રિનો ઉત્સવ શહેરોમાં ધામધૂમપૂર્વક યથાશક્તિ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આજે પણ સોસાયટીઓમાં કે પછી ગલીઓમાં, મેદાનોમાં કે ઘરની અંદર માતાજીની પ્રતિમા, છબી કે ગરબાની સ્થાપના કરીને નિયમિત દસેય દિવસ સવાર સાંજ દીપ, ધૂપ કરીને નૈવેધ ધરાવીને આરતી કર્યા બાદ જ ગરબારાસના કાર્યક્રમો શરૂ થાય છે. ખાનગી મકાનો કે ઘરોની અંદર જ્યાં જ્યાં માતાજીની છબિની કે ગરબાની સ્થાપના કરવામાં આવી હોય ત્યાં સ્ત્રીઓની સંગે પુરુષો પણ ઓછામાં ઓછા પાંચ ગરબા રમીને માતાજીને પૂજે છે. માતાજીના ગરબાને દીપ, ધૂપ કરવામાં આવે છે. ગરબામાં રાખવામાં આવતો દીવો ગરબાનાં નાનાં નાનાં કાણામાંથી પ્રકાશ રેલાવતો રહે છે જેની માટે એવું મનાય છે કે આપણા શરીરમાં રહેલો આત્મા પણ આ ગરબાના પ્રકાશની જેમ જ આંતરિક પ્રકાશ ફેલાવતો રહે. 

ગરબાનો મૂળ અર્થ ગર્ભિણી સ્ત્રી એવો પણ થાય છે. સ્ત્રી શક્તિનું પ્રતીક છે અને ગરબાની અંદરની જ્યોતને ગર્ભનું જીવનું પ્રતીક પણ ગણવામાં આવે છે. ગૂઢરૂપે સ્ત્રી-માતા-જનનીની આરાધના ગરબામાં કરવામાં આવે છે અને એટલા માટે જ આપણે ગરબામાં અને આરતીમાં માતાજીનાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા, આરાધના અને સ્તુતિ કરીએ છીએ.

માતાજીની આરતી ટાણે દીપની સાથે ધૂપ અચૂક હોય છે. આ ધૂપ વાતાવરણમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોનું નિકંદન કરે છે.

નવરાત્રિના દીપધૂપ બાદ દિવાળીના દીપમાળની શરૂઆત થાય છે. ખાસ કરીને દિવાળીના ચાર દિવસોમાં ધનતેરસ, કાળીચૌદશ, અમાસ અને એકમના રોજ મંદિરો દીપમાળથી ઝળહળી ઊઠે છે. દિવાળીની આરતી મોતી વડે શણગારવામાં આવે છે. દિવાળીના પર્વ નિમિત્તે જૈન દેરાસરોમાં પણ આંગીઓ પૂરવામાં આવે છે. દિવાળીના દિવસે થતાં લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજનની આરતીમાં ચોપડા પર લક્ષ્મીજી અને ગણપતિ બિરાજમાન હોય એવા પ્રતીકવાળી આરતી ઘણાય વેપારીઓના પૂજનમાં જોવા મળે છે. વૈષ્ણવોમાં છપ્પનભોગનું અનેરું મહત્ત્વ હોય છે. આ છપ્પન ભોગમાં ઠાકોરજીને છપ્પન પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે. એવી જ રીતે આરતીમાં પણ છપ્પનભોગનું સુશોભન થાય છે. આરતીની થાળીમાં લોટ પાથરીને તેમાં છપ્પન ખાનાં કરીને તેમાં દૂધઘર, શાકઘર એમ અલગ અલગ છપ્પન પ્રકારની સામગ્રીઓની સજાવટ કરવામાં આવે છે.

જોકે જરૂરી નથી કે આરતીની સજાવટ મોંઘીદાટ સામગ્રીઓ વડે જ કરવી પડે. થાળીમાં કંકુ પાથરીને એની ઉપર સાદો સાથિયો કે ઁ લખીને પણ અભિવ્યક્તિ કરી શકાય છે. આરતીની સજાવટમાં પ્રસંગનો કે તહેવારનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. પ્રસંગોચિત સુશોભન જ કલાબાજની કોઠાસૂઝ અને કાબેલિયતનો પરિચય આપે છે. આરતીના શણગારમાં મુખ્યત્વે શાકભાજી, સૂકોમેવો, ફૂલ, મોતી, આભલા, ફળ ઇત્યાદિ સાધનસામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે. 

કંકુની આરતી સહેલી છે. તેમ હાથવગી પણ છે. અચાનક જરૂર પડે તો ઘરમાં રહેલાં ભગવાનના મંદિરમાંથી કંકુ અને ઘી તરત મળી જાય. વળી બનાવવાની પણ સહેલી છે. દીવડાની પીળી જ્યોત અને લાલચટક કંકુ આરતીમાં અનેરી ભાત ઊભી કરે છે. લાલ ગુલાબની તરોતાજા પાદડીઓ આખી થાળીમાં પાથરી ઉપર દીવા ગોઠવવામાં આવે તો તે પણ સુંદર દેખાય છે. કંઈ પણ મહેનત વગર ફક્ત પાંચ મિનિટમાં માતાજીની આરતી તૈયાર થઈ જાય. આરતી સજાવવાની શરૂઆત થઈ તેમ તેમાં નવી નવી ફેશનો આવતી ગઈ. લોકો પોતાની પસંદગી મુજબ ફેરફારો કરતા ગયા. આજે તો આરતી માટે જરૂરી સુશોભનની સામગ્રી સ્ટેશનરીની દુકાનોમાં વેચાતી મળે છે. નવરાત્રિ હોય કે પૂજા હોય આરતી માટેની તૈયારી દિવસો પહેલાંથી શરૂ થઈ જાય છે. યુવતીઓમાં સારી આરતી બનાવવાની જાણે હરીફાઈ ચાલે છે. અને દરેક યુવતી પોતાનામાં રહેલા કળા-કૌશલને બહાર લાવવા માટે મળેલી આ તકનો ભરપૂર ઉપયોગ કરે છે. આરતી સુશોભનની કળા શીખવાની શરૂઆત તો આજે છોકરીઓ ૬-૭ વર્ષની હોય ત્યારથી થઈ જાય છે. શાળામાં આરતીની હરીફાઈ ગોઠવાય અને દરેક છોકરી પ્રથમ નંબર મેળવવાની હોડમાં જોડાઈ જાય.

મુંબઈ, વડોદરા, અમદાવાદ કે રાજકોટમાં  જુદાં જુદાં મહિલામંડળો, જુદી જુદી જ્ઞાાતિનાં મંડળો, વસાહતોનાં મંડળો જુદી જુદી હરીફાઈઓ  યોજતાં જ હોય છે. તેમાં સુશોભિત આરતી સૌનો મનગમતો વિષય છે. જેમ જેમ હરીફાઈ વધતી જાય છે તેમ તેમ આરતીના પ્રકારોમાં પણ વિવિધતા આવતી જાય છે. આરતી બનાવતાં પહેલાં થાળીમાં બેઝ તૈયાર કરવો પડે છે. આ બેઝ માટે એટલી જુદી જુદી વસ્તુઓ વાપરી શકાય છે કે તેની કલ્પના મુશ્કેલ છે. થોડાં વર્ષો પહેલાં ગૃહિણીઓ બેઝ તરીકે ઘઉંના લોટની કણક પસંદ કરતી હતી. બાંધેલા લોટને પ્લાસ્ટિકની થેલીમાં રાખી ફ્રિજમાં રાખીએ તો ૨૪ કલાક સુધી તાજો રહી શકે છે.  આ લોટને જુદા જુદા આકાર આપી થાળીમાં ગોઠવી શકાય. ક્યારેક આખી થાળીમાં લોટનો રોટલો પણ પાથરી શકાય. પછી તેના પર ડિઝાઈન થઈ શકે. કણકમાંથી કમળ કે બીજા કોઈ પણ ફૂલનો આકાર બનાવી તેને ચાસણીમાં ઉકાળીએ તો તે આરતી લાંબા સમય સુધી સાચવી શકાય છે. નહીંતર લોટ આઠકલાક પછી સુકાઈ જતાં તેમાં કરચલી પડે છે અને દેખાવ બગડે છે.

 ઘઉંના લોટની કણકનો રંગ બદલવાં જુદાં જુદાં માધ્યમોનો ઉપયોગ કરી શકાય. લોટ બાંધતા પહેલાં જ તેમાં રંગ ભેળવવો જોઈએ. મીઠાઈના રંગ, કંકુ, હળદર, ગળી કે સિંદૂર તો ગૃહિણીને તરત જ મળી જાય. તે સિવાય વિદ્યાર્થીના દફતરમાંથી પોસ્ટર કલર કે ફેબ્રિક કલર પણ મેળવી શકાય. લક્ષ્મીપૂજન વખતની આરતી તૈયાર કરવા માટે તો રંગોળીના રંગનો ઉપયોગ થઈ શકે. તો હોળીના રંગને શા માટે બાકાત રાખવા! અબીલ ગુલાલ પણ લોટમાં નાખીને રંગ બદલી શકાય અને બધા રંગના માધ્યમો ફક્ત કણકની આરતી માટે જ નહીં, બીજા બેઝને માટે પણ વાપરી શકાય. એક વાતનું ધ્યાન રાખવું પડે કે ભગવાન કે માતાજીની આરતી બનાવવી હોય ત્યારે લોટ બાંધવામાં પાણીનો ઉપયોગ ન કરી શકાય તેની જગ્યાએ દૂધ કે નારિયેળના પાણીથી લોટ બાંધવો જોઈએ. જેવી રીતે પ્રસાદનો શીરો પણ આપણે દૂધમાં જ રાંધીએ છીએ તેમ અને બીજી વાત એ કે ભગવાન કે માતાજીની આરતી બનાવીએ તેના બેઝમાં, રંગમાં કે સુશોભનમાં કાળો રંગ ન વપરાય તેનું ધ્યાન રાખવું. ભારતીય સંસ્કૃતિમાં કાળા રંગ સાથે અપશુકનને જોડવામાં આવે છે. આમ જોવા જઈએ તો શ્રીકૃષ્ણ પણ કાળા જ હતાને!

કણકની આરતી લાંબો સમય સુધી રાખી શકાય, તો જેમ્સ, વરિયાળી પીપરની મદદ વડે મગજના બેઝને અનોખો ઊઠાવ મળે છે. મગજ કડક થઈ જાય તો ગરમ ઘી લગાવવાથી તેને નરમ કરી શકાય છે અને આ બન્ને આરતીની બીજી ખાસિયત એ કે નવરાત્રિના નવ દિવસ આરતી તરીકે ઉપયોગ કર્યા પછી દશેરાના દિવસે તેને પ્રસાદ તરીકે પણ વહેંચી શકાય. 

એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે બેઝ લોટનો હોય કે મગજનો કે પછી વેલવેટનો ઉપર સુશોભન કરવા માટે વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી શકાય. લોટના બેઝ પર ઠગરની કળીઓથી ડિઝાઈન બનાવી શકાય. ચોખાના લોટમાં હળદર નાખી મેંદી જેવો ઢીલો લોટ બાંધી કોનમાં ભરીને લોટના બેઝ પર મેંદીની જેમ જ ડિઝાઈન કરી શકાય છે, પણ આ આરતીની વિશિષ્ટતા એ છે કે ચોખાનો લોટ સુકાય છે તેમ ડિઝાઈનનું કદ સંકોચાતું જાય છે તેથી આ આરતી તો અડધા કલાક પહેલા જ તૈયાર કરવી પડે છે. 

ફક્ત ફૂલ અને પાંદડાથી બનતી આરતીને કોઈ પણ પ્રકારના બેઝની જરૂર પડતી નથી. મોરનાં પીછાં, પાન, લોટના દીવડા, ઠગરની કળી જેવી સામગ્રીથી એક નયનરમ્ય આરતી તૈયાર થઈ શકે છે. તો જુદાજુદા રંગોનાં ફૂલોથી થાળીમાં જુદી જ ભાત ઉપસાવી શકાય. આ ઇન્સ્ટન્ટ આરતી સમય પણ નથી માગતી તો ઓછી મહેનતે ફ્રેશ આરતી બનાવી છે તેવો આનંદ પણ આપે છે. આ કુદરતી આરતી તો બનાવનારની સાથે સાથે જેની ઉતારવામાં આવતી હોય તેને પણ ગમી જાય છે.

રંગોળીની જેમ આખી મીઠા કે સાબુદાણા રંગીને બનાવાય છે તેવી જ રીતે જુદા જુદા રંગોની મદદ વડે આખા મીઠાને રંગીને આરતી પણ બનાવી શકાય. રંગેલા સાબુદાણાની કે રંગીન લાકડાનાં વહેરની આરતી પણ ૬-૭ દિવસ સુધી રહી શકે તેવી હોય છે. ચોખાનો ઉપયોગ તો વર્ષોથી થતો આવ્યો છે. સગાઈના નાળિયેર પર ચોખા સાથિયાના આકારમાં ગોઠવાય છે. એક એક અખંડ દાણો શોધીને સ્વસ્તિક બનાવાય છે. તેવી જ રીતે આરતીની થાળીમાં કંકુના બેઝ પર ચોખાનો સ્વસ્તિક બનાવી શકાય છે. ઘણાં લોકો ઓમ ન બનાવવો જોઈએ તેવો મત ધરાવે છે. તો આરતીની થાળીમાં કોઈ દેવદેવીની મૂર્તિ પણ ન ગોઠવવી જોઈએ તેવો વિચાર પણ પ્રવર્તે છે, કારણ એક ભગવાનની આરતી ઉતારીએ તે થાળીમાં બીજા ભગવાન કેમ રાખી શકાય.

જુદાં જુદાં અનાજ અને કઠોળની મદદ વડે આરતી વિવિધ રંગે સજાવી શકાય છે. પણ આ અનોજ કે કઠોળ ફેવિકોલથી ચીટકાડવાં જરૂરી બને છે. લીલાં-તાજાં શાકભાજીની આરતી, સલાડ, સુશોભનની માફક જ બનાવી શકાય છે. લાલ કડક ટમેટાંની છાલમાંથી ગુલાબ કે પપૈયાનો દીવો તો ઘણાં વર્ષોથી જાણીતા છે. જુદી જુદી ભાજીનાં પાન અને શાકનું કચુંબર આરતીના વૈવિધ્યમાં વધારો કરે છે. સિલોની કોપરાંના ખમણને બેઝ તરીકે તેમજ સુશોભનમાં બને તે રીતે વાપરી શકાય. કોપરાંના ખમણમાં સાકર, દૂધનો પાઉડર, મીઠાઈના રંગ, વેનિલા એસેન્સ નાખી થાળીમાં સજાવાય છે. આ કોપરાને પ્રસાદ તરીકે પણ વહેંચી શકાય. અખરોટનાં કોચલાં, નાળિયેરનાં કોચલાનો પણ સુશોભનમાં ઉપયોગ થઈ શકે છે. લોટની આરતીમાં વિરોધી રંગની બોર્ડર બનાવવા આ કોચલાંનો ઉપયોગ થઈ શકે. લાલ રંગની ચણોઠી, કાળા માથાવાળી લાંબી ચણોઠી બન્નેને મગજ બેઝ પર સુશોભનમાં વાપરી શકીએ. શ્રીનાથજીને લાલ ચણોઠી અતિ પ્રિય છે. તેમને ચણોઠીના હાર ચડાવવામાં આવે છે. આરતી ઉતારતી વખતે શ્રીનાથજીને પ્રસન્ન કરવા હોય તો આરતીનું સુશોભન લાલ ચણોઠીનું જ હોવું ઘટે.  

- નયના