Get The App

કેલ્શિયમની ઉણપની સમજ - ચેતવણીના સંકેત

Updated: Mar 18th, 2024

GS TEAM

Google News
Google News
કેલ્શિયમની ઉણપની સમજ - ચેતવણીના સંકેત 1 - image

શરીરની યોગ્ય કામગીરી અને મજબૂત હાડકા માટે  કેલ્શિયમ એક મહત્વનું ખનિજ છે. સરેરાશ પુખ્ત વ્યક્તિમાં લગભગ બે ટકા કેલ્શિયમ હોય છે જેમાંથી મોટાભાગનું તેના હાડકા અને દાંતમાં હોય છે અને બાકીનું કોષો અને રક્તમાં હોય છે. કેલ્શિયમના અપૂરતા સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાંથી ઓસ્ટીયોપોરોસીસ મહત્વની સમસ્યા છે. એમાં શરીરના હાડકા નબળા પડે છે અને સહેલાઈથી ફ્રેક્ચર થાય છે. ઉપરાંત સાંધા પણ નબળા પડે છે, ખાસ કરીને પગના ઘૂંટણ નબળા પડી જાય છે. કમનસીબે ભારતના મોટાભાગના લોકોને તેમના ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ન મળવાથી ઓસ્ટીયોપોરોસીસની સમસ્યા વધી ગઈ છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો કેલ્શિયમની ઉણપના સહેલાથી શિકાર બને છે.

દાંત અને હાડકા ઉપરાંત કેલ્શિયમ હૃદય માટે પણ એટલું જ જરૂરી છે. ઉપરાંત બ્લડ પ્રેશર, વજન અને પ્રોસ્ટેટ કેન્સર નિવારવામાં પણ તે લાભકારક પૂરવાર થયું છે. કેલ્શિયમ રક્ત પ્રવાહમાં પણ ભળી જાય છે અને હાડકામાં પણ સંગ્રહાયેલું રહે છે. રક્તમાં રહેલું કેલ્શિયમ સ્વ નિયંત્રિત હોય છે. પણ જો આહારમાં કેલ્શિયમની ઉણપને કારણે રક્તમા કેલ્શિયમની કમી સર્જાય તો હાડકામાંથી કેલ્શિયમનો સ્રાવ થાય છે. આ કેલ્શિયમથી હાડકા નરમ પડતા ઓસ્ટિયોપોરોસીસની સમસ્યા થાય છે.

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ અનુસાર ૧૯થી ૫૦ વર્ષની વયના પુખ્ત લોકોને પ્રતિ દિન હજાર મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે. આમ તો કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા છે પણ જો તેનું સમયસર નિદાન અને સારવાર ન થાય તો તે ગંભીર બની જાય છે. કેલ્શિયમની ઉણપ સર્જાતા શરીર અનેક સંકેત આપે છે. તેને ઓળખીને આ સમસ્યા દૂર કરવાના પગલા લેવા જરૂરી છે.

૧- મામૂલી ઈજાથી હાડકા ફ્રેક્ચર થવા

નજીવા અકસ્માતથી કાંડામાં ફ્રેક્ચર થાય તો તે કેલ્શિયમની ઉણપની નિશાની છે જેનાથી હાડકા નરમ પડી ગયા છે. ૩૦ વર્ષની વય સુધી હાડકાની ઘનતા ઉચ્ચ સ્તરે પહોંચે છે, જેના પછી તે ઘટવા લાગે છે. ઉણપ પૂરી કરવામાં ન આવે તો સમસ્યા સર્જાય છે. મેનોપોઝ પછી  તેની ઉણપ   સામાન્ય છે.

૨ - સ્નાયુઓ ખેંચાઈ જવા

સ્નાયુમાં ક્યારેક સહેજ ખેંચ આવે તે સામાન્ય છે, પણ આવું વારંવાર થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો. એ કેલ્શિયમન તીવ્ર ઉણપનો સંકેત છે. કેલ્શિયમની તીવ્ર ઉણપથી સ્નાયુ નબળા પડી જાય છે.

૩ - મૂંઝવણ અને સ્મૃતિદોષ

મૂંઝવણ, દિશાહિનતા તેમજ યાદશક્તિમાં ઘટાડો તમામ કેલ્શિયમની ઉણપના લક્ષણો છે. ચેતા અને મગજના કોષો કેલ્શિયમ પર આધાર રાખે છે. ચેતાતંત્રમાં પ્રવેશીને કેલ્શિયમ ન્યુરોટ્રાન્સમીટરો મુક્ત કરે છે. કેલ્શિયમની ઉણપથી મગજની કામગીરી પર નોંધપાત્ર રીતે વિપરીત અસર થાય છે.

૪ - અનિયમિત ધબકારા

હૃદયના અનિયમિત ધબાકારા કેલ્શિયમની ઉણપની વિશિષ્ટ નિશાની છે અને તે ગંભીર હોય તો જીવલેણ સાબિત થઈ શકે છે. એમાં કોઈ સંશય નથી કે કેલ્શિયમની ઉણપ હૃદયની કામગીરીમાં વિક્ષેપ પાડી શકે છે. હૃદયના કોષોને પૂરતુ કેલ્શિયમ ન મળે તો તેઓ પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી શકતા. હૃદયની ધમનીઓ પણ કેલ્શિયમની ઉણપથી સાંકડી થઈ જાય છે.

૫ - થાક

કેલ્શિયમની ઉણપ થાકનું કારણ બની શકે છે. સ્નાયુ તંતુઓ અને ચેતાઓને કેલ્શિયમની જરૂર હોવાથી તેની ઉણપથી નબળાઈ આવે છે અને જલદી થાક લાગે છે.

૬ - હાઈ બ્લડ પ્રેશર

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ અનુસાર દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટી જાય છે. ડેરી, ડ્રાય ફ્રુટ અને કોબી વગેરે જેવા કેલ્શિયમ યુક્ત આહારનું સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ નથી સર્જાતી.

૭ - સ્થૂળતા

ઓછું ખાવા છતાં વજન વધુ ઝડપથી વધે તે પણ કેલ્શિયમની ઉણપનો સંકેત છે. કેલ્શિયમ યુક્ત ખોરાકના સેવનથી વજન ઘટાડવામાં સહાય મળતી હોવાનું સાબિત થયું છે.

૮ -  દાંતનો સડો

મોઢામાં અસ્વચ્છતાને કારણે દાંતની સમસ્યા થતી હોય છે. પણ શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ દાંતના સડામાં પોતાનો ફાળો નોંધાવે છે. આવું ખાસ કરીને યુવા મહિલાઓ અને સગર્ભાઓમાં વધુ જોવા મળે છે.

૯ - નબળા નખ

કેલ્શિયમની ઉણપની સૌથી મહત્વની નિશાની છે નખનું વારંવાર તુટી જવું. જો તમે સતત નખ તુટવાનો અનુભવ કરતા હો તો કેલ્શિયમની ઉણપ ભોગવી રહ્યાનું સમજી જવું. એવા સમય વધુને વધુ કેલ્શિયમ યુક્ત ખોરાકનું સેવન કરવાથી આવી સમસ્યાથી બચી શકાય છે. 

કેલ્શિયમની ઉણપ ધ્યાનમાં આવતા તાત્કાલિક ડોક્ટરની સલાહ વિના કેલ્શિયમની ગોળીઓ લેવાની પણ જરૂર નથી હોતી. કેલ્શિયમ યુક્ત આહાર રોજિંદા ભોજનમાં સામેલ કરવાથી કેલ્શિયમની ઉણપ આસાનીથી દૂર થઈ શકે છે. દૂધ અને દૂધની બનાવટો, ડ્રાય ફ્રુટ, ટોફુ, બીજ, જેવા ખોરાકમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. આવો ખોરાક લેવા છતાં સમસ્યામાં સુધારો ન થાય ત્યારે ડોક્ટરની સલાહથી જ કેલ્શિયમના સપ્લીમેન્ટ લેવા જોઈએ. 

- ઉમેશ ઠક્કર