ચોમાસું આવી પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છએ વાવાઝોડા-વરસાદનો સ્વાદ ગયા મહિને ચાખી લીધો. મુંબઈ પણ છેલ્લા ત્રણેક અઠવાડિયામાં ભીનું થઈ જશે. ફરી એકવાર છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકના ચંપલ- સેન્ડલની મોસમ આવી પહોંચી છે. પરંતુ આ મોસમને ગુજરાત - મુંબઈના ગુજરાતીઓ જુદી જુદી રીતે વધાવે છે. ખાસ તો ચોમાસાના આગમન સાથે ખરીદીની જે મોસમ ખીલે છે તે ગુજરાત અને મુંબઈમાં જુદી જુદી રીતે ખીલે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના આગમનના સાથે કોઈ ખાસ પ્રકારની ખરીદી ફાટી નીકળે તેવું બહુ ઓછું બને છે. લોકો પોતાની એ જ જૂની છત્રીઓ અને રેઈનકોટ વડે વરસોવરસ ગાડું ગબડાવી લેતાં હોય છે. ચોમાસામાં સેન્ડલ-ચંપલ નવેસરથી ખરીદવાં જોઈએ એવો ખ્યાલ હજુ ગુજરાતમાં ખાસ પ્રચલિત નથી થયો. વરસાદ આવે ત્યારે વરસો જૂનાં છત્રી-રેઈનકોટ મેડી પરથી , પટારામાંથી, ભડકિયામાંથી કાઢવામાં આવે છે. પણ મુંબઈમાં પરિસ્થિતિ જુદી છે. અહીંતો વરસાદનો પહેલો છાંટો પડે તે સાથે જ 'ચોમાસુ ચીજો' ની ખરીદી પણ ફાટી નીકળે છે.
સૌથી પહેલાં તો ભીના રસ્તા અને કીચડથી ઓછામાં ઓછા બગડે તેવાં નિર્લેપ બૂટ-ચંપલ - સેન્ડલ ખરીદવામાં આવે છે પછી છત્રી-રેઈન કોટ તો ખરા જ.
છત્રીની બાબતે મુંબઈ એક સ્ત્રૈણ શહેર છે. આ શહેરના લોકોને જેન્ટ્સ છત્રીઓ નથી ફાવતી, લેડીઝ જ ફાવે છે. (લેડીઝ છત્રી જ ફાવે છે) તેનું કારણ બહુ સ્પષ્ટ છે. લોકલ ટ્રેનમાં બે હાથવાળું માનવશરીર માંડ પ્રવેશી શકતું હોય ત્યાં વળી માણસના શરીર પર ઊગેલા ત્રીજા હાથ જેવી જેન્ટ્સ છત્રી લઈને કોણ ટ્રેનમાં ચડવાનું હતું? વળી જેન્ટ્સ છત્રીનો, નીચેનો અણીદાર છેડો લોકલ ટ્રેનમાં કજિયાનું છોરું સાબિત થઈ શકે તેમ હોવાથી જેન્ટ્સ છત્રી લઈને અહીં ટ્રેનમાં નથી ચડતું. લોકો લેડીઝ છત્રીઓ અતિ વૈભવી બ્રીફકેસ, પર્સ, થેલી વગેરેમાં લઈને ઘરની બહાર નીકળે છે.
પછી જ્યારે વરસાદ પડે છે ત્યારે ફટાફટ છત્રીઓ ઊઘડે છે અને એ છત્રીઓને ધારીને જોવા જેવી હોય છે. કાળા રંગની સાદી લેડીઝ છત્રીઓથી માંડીને આખી દુિનિયાની સૌથી આધુનિક છત્રીઓ મુંબઈના રસ્તાઓ પર માણસના હાથમાં ચાલતી જોવા મળે છે.
નવી નવી જાતની છત્રીઓ વિશે છત્રી બનાવતી સૌથી જૂની કંપની (ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ, જે હવે સ્ટેગ બ્રાન્ડની છત્રી બનાવે છે) ના અઝીઝભાઈ ઉત્સાહપૂર્વક કહે છે, ''તડકામાં રંગ બદલાય તેવી છત્રીઓ અમે બજારમાં મૂકી રહ્યા છીએ. આ ઉપરાંત વૂડનમાં લેડીઝ અને જેન્ટ્સ છત્રીઓ બજારમાં આવી છે, જેમાં અમે કાળા રંગની જગ્યાએ ચેક્સનો ઉપયોગ કર્યો છે.''
અઝીઝભાઈની ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ કંપની ૧૩૯ વરસ જૂની છે. આ કંપનીની શરૂઆત થઈ ત્યારે છત્રી માટે જરૂરી તમામ સામગ્રી પરદેશથી આવતી. જેમ કે, હેન્ડલ માટેનું લાકડું પણ છેક ચીનથી મગાવવામાં આવતું. શરૂઆતથી આજ સુધી આ કંપનીએ ભારતના છત્રી ઉદ્યોગમાં ટોેચનું સ્થાન ભોગવ્યું છે.
તમારી પાસે અડધી સદીથી પણ જૂની છત્રી જો સચવાઈ રહી હોય તો સમજવું કે તે ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સની છત્રી હોવાની પૂરી શક્યતા છે. આ કંપનીવાળા પાસે એક ભાઈ એ જ કંપનીની ૯૦ વરસ જૂની છત્રી લઈને આવ્યા. કંપનીએ પોતાની એ ઐતિહાસિક છત્રીને પોતાની પાસે રાખી લેવા પેલા ગ્રાહકને અનેક નવી છત્રીઓની ઓફર કરી. ગ્રાહક માની ગયો. એટલે આજે ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ પાસે તમને ૯૦ વરસ જૂની છત્રી જોવા મળી શકે છે. એ છત્રીનું કપડું ફાટયું છે પણ બોડી અકબંધ છે.
ભારતની બજારમાં હવે એવી આધુનિક છત્રીઓ આવી રહી છે જે કોઈને મગજ કામ કરતું બંધ થઈ જાય. લાઈટવાળી એવી એક છત્રી તૈયાર કરાઈ છે જેમાં તમે સ્વિચ દાબો કે તરત છત્રીની અંદરનો હિસ્સો પ્રકાશમય બની જાય. બીજી એક છત્રી એવી છે જેના પર પાણી પડતાંની સાથે જ ડિઝાઈન ઊપસી આવે. જેવી છત્રી સુકાય કે પેલી ડિઝાઈન પણ ગાયબ થઈ જાય. એમ તો સુગંધિત શાહીવાળી બોલપેનની માફક સુગંધિત છત્રીઓ બનાવવા બાબતે પણ છત્રી બનાવતી કંપનીઓએ ભેજું દોડાવ્યું છે.
છત્રીઓનું 'વોલ્ટ ડિઝની' કલેક્શન પણ બજારમાં મુકાય છે. તેમાં છત્રી પર જાણીતા કાર્ટૂનો દોરાયેલો હોય છે. આવી પ્રિન્ટ્સવાળી છત્રીઓના માનવતાં ગ્રાહકો સ્વાભાવિકપણે જ ટાબરિયાંઓ હોય છે. બાળકો અને સ્ત્રીઓ માટેની રંગબેરંગી છત્રીઓ મુંબઈમાં ઘણી વેચાય છે. જોકે આ છત્રીઓ માત્ર બાળકો કે સ્ત્રીઓ જ વાપરે છે. એવું નથી, પુરુષો પણ આવી વરણાગી છત્રી લઈને નીકળી પડે છે અને પુરુષના હાથમાં આવી છત્રી જોઈને મુંબઈગરાને નવાઈ પણ નથી લાગતી.
જો કે છત્રીની માર્કેટમાં સરવાળે તો નાવીન્ય કરતાં પરંપરાગત ઢબનું માહાત્મ્ય વિશેષ છે. સાદી, કાળા રંગની છત્રી સૌથી વધુ વેચાય છે. ખુશ થવા જેવી વાત એ છે કે આ વરસે છત્રીઓના ભાવ ઘટયા છે.
છત્રીમાર્કેટમાં એક સમયે ગુજરાતી મુસ્લિમોનું વર્ચસ્વ હતું. આજે અહીં મારવાડીઓનું જોર વધારે છે. આ માર્કેટમાં જેટલા પણ ગુજરાતીઓ છે તેમાં પણ મોટો ભાગના લોકો કચ્છીઓ છીએ.
એક જમાનામાં કોટનની છત્રી વધુ વેચાતી. હવે નાયલોનની છત્રીઓ જ વધારે ચાલે છે. મુંબઈની બજારમાં કુલ વેચાતી છત્રીઓમાં ૬૦ ટકા છત્રીઓ લેડીઝ હોય છે.
મુંબઈની છત્રીબજારમાં હરીફાઈ એટલી જોરદાર છે કે હવે તે છત્રી સાથે ગેરેન્ટીનું પ્રમાણપત્ર આપવાનું ચલણ શરૂ થયું છે. છત્રી ખરીદ્યા પછી અમુક સમયમાં તે બગડે તોે રિપેરિંગનું કામ કંપની કરી આપે. એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કહે છે, ''ગયા વરસથી અમે અમારું અનોખું ફ્રી રિપેર સર્વિસ સેન્ટર શરૂ કર્યું છે. અમારી છત્રીમાં ગ્રાહકને કોઈ વાંધો પડે તો તેણે અમારા સર્વિસ સેન્ટરમાં ફક્ત છત્રી અને ખરીદીનો કેશ મેમો જ રજૂ કરવાનાં રહે છે. કેશ મેમોની તારીખ જો ચાલુ સીઝનની હોય તો અમે વિનામૂલ્ય ગ્રાહકની ફરિયાદનું નિરાકરણ કરીએ છીએ. અમારી કંપનીની, અગાઉના વરસોમાં ખરીદાયેલી છત્રીને પણ અમારા સર્વિસ સેન્ટરમાં માત્ર મટિરિયલના પૈસા લઈને રિપેર કરી આપવામાં આવે છે.''
૧૧૯ વરસ જૂની સન અમ્બ્રેલા હવે તાઈવાનની કંપની સાથે કોલાબરેશન ધરાવે છે. ભારતની અનેક મોટી મોટી ૫૦ કંપનીઓ સન અમ્બ્રેલાની રેગ્યુલર ગ્રાહક છે. તેમાં એર ઈન્ડિયા, બેયર, લાર્સન એન્ડ ટુર્બો વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.
છત્રી :
શહેનશાહથી અદના આદમી સુધીની યાત્રા
છત્રીની શોધ વરસાદથી બચવા માટે નહીં, પરંતુ ભયાનક તાપથી બચવા માટે થઈ હતી. કેટલીય પુરાણી સંસ્કૃતિઓમાં છત્રી એ જુદા જુદા હોદ્દાઓનું પ્રતિક ગણાતી હતી. દાખલા તરીકે ઈજિપ્ત અને બેબિલોનમાં એક માત્ર અમીર-ઉમરાવો અને રાજાઓ જ છત્રી વાપરવાનો અધિકાર ધરાવતા હતા. વરસાદથી શરીરને બચાવવા માટે છત્રીને વાપરવાનો ચાલ અઢારમી સદીમાં શરૂ થયો. તે વખતે યુરોપમાં લાકડામાંથી વજનદાર છત્રીઓ બનાવવામાં આવતી હતી તે ક્રમશ: પ્રચલિત બનવા લાગી હતી. ઓગણીસમી સદીમાં વજનમાં હળવી અને સુશોભિત છત્રીઓ બનવા લાગી. યુરોપમાં તેને પરાસોસ તરીકે ઓળખવામાં આવતી. માત્ર યુરોપિયન જ નહીં બલ્કે અમેરિકન મહિલાઓમાં પણ આ રૂપકડી છત્રીઓ ફેશનેબલ ગણાવા લાગી હતી. આમાંની મોટા ભાગની છત્રીઓની ફ્રેમ વ્હેલ માછલીના હાડકાં યા તોધાતુમાંથી બનતી. રેશમી કપડાનું કવરિંગ રહેતું : તેમાં ઝાલર પણ મૂકવામાં આતી. ૧૯૨૦ સુધી આ પ્રકારની છત્રીઓ પોપ્યુલર રહી. ત્યાર પછી શરૂ થયો આધુનિક છત્રીનો જમાનો.


