લગ્નસરા ટાણે અજમાવો સાડી પહેરવાની નવી સ્ટાઈલ
પ્રિયંકા ચોપરા, શ્રધ્ધા કપૂર, કિયારા અડવાણી, કરીના કપુરથી લઈને સોનાક્ષી સિંહા સુધી સાડી પહેરીને પોતાનો જાદુ બતાવી રહ્યા છે અને કેમ ન બતાવે. ૬ ગજ લાંબી સાડીએ પોતાના ચાર્મ અને ગ્રેસ ગુમાવ્યા વિના જ આટલી લાંબી સફર કાપી છે.
બદલાતા સમયની સાથે સાથે સાડીનું ગ્લેમર જરા પણ ઓછું નથી થયું. તહેવાર અને લગ્નની સીઝનમાં મહિલાઓ માટે પરંપરાગત લુકની સાથે ગ્લેમરસ દેખાવું કોઈ પડકારથી કમ નથી હોતું, પણ તે સ્થિતિમાં તમારું ફિગર ગમે તેવું કેમ ન હોય, સાડી તમારી સાદગી અને શાલીનતાનું પ્રતીક બની રહે છે. હા, સાડીની સ્ટાઇલ ચોક્કસ બદલાઈ છે, પરંતુ આજે પણ સાડી ટ્રેન્ડમાં છે. મેકઅપ અને સ્ટાઇલિશ સાડી ડ્રેપિંગ એક્સપર્ટ અર્ચના ઠક્કરે સાડી પહેરવાની અલગ અલગ રીત જણાવી કે જેથી સાડીમાં તમારા લુકનો એક અલગ જ ઉઠાવ આવે અને સુંદરતા છલકે.
ફેશન ડિઝાઇનર્સે વર્ષોથી એક જ સ્ટાઇલથી પહેરવામાં આવતી સાડીને ટ્રેન્ડી લુકમાં પરિવતતત કરી છે. હવે સાડીની અલગ અલગ સ્ટાઇલ થઈ ગઈ છે. કુરતા સ્ટાઇલ સાડી, નેકલેસ લુક સાડી, ગાઉન સ્ટાઇલ સાડી, બેલ્ટ સ્ટાઇલ સાડી, જેકેટ સ્ટાઇલ સાડી, ડેનિમ અને લેગિંગ સ્ટાઇલ સાડી વગેરે.
બદલાતા સમય અને મહિલાઓની પસંદને ધ્યાનમાં રાખીને ડિઝાઇનરોએ સાડીને ટ્રેન્ડી અવતારમાં પરિવતત કરી છે. હવે સાડી સાથે એકએકથી ચડિયાતા સ્ટાઇલિશ બ્લાઉઝ તો છે જ, પણ યંગ છોકરીઓ સાડી સાથે બ્લાઉઝની જગ્યાએ બિકીનિ, જેકેટ્સ અને વેસ્ટકોટ પહેરવાનું પણ પસંદ કરે છે. આ ઉપરાંત પેટીકોટની જગ્યાએ પેંટ, લેગિંગ અને ડેનિમ પહેરાય છે, આ ટ્રેન્ડી અવતાર સાડીઓને તમે મોડર્ન પાર્ટી અથવા ફંક્શન, લગ્ન વગેરેમાં પહેરી શકો છો. તમે સાડીના ફયૂઝન લુકમાં બોલીવુડની સુંદર અદાકાર દીયા મિર્ઝા, સોનમ કપૂર અને સોહા અલી વગેરેને જોઈ હશે.
કુરતા સ્ટાઇલ સાડી :
આ સાડીને કમર પર પેટીકોટ સાથે ટેગ કરો. પછી પ્લીટ્સ બનાવીને સાડીને ૨ રાઉંડ ફેરવો. પાલવને ખભા પર લઈને નીચેથી એક રાઉંડ લઈને બ્લાઉઝ સુધી લાવો. આગળથી પોઇન્ટેડ પાલવ દેખાશે.
નેકલેસ લુક સાડી :
તમે જેમ નોર્મલ સાડી પહેરો છો તે રીતે જ પહેરો. પછી સાડીના પાલવની પાટલી વાળીને ગળા સાથે લગાવીને પાલવની કિનારી આગળ સુધી લાવો અને ખભા પર પિનથી બરાબર સેટ કરી દો. જો તેમાં પાતળી બોર્ડરવાળી સાડી હશે તો સાડીનો લુક નેક પર ખૂબ સુંદર લાગશે અને તમારે નેકલેસ પહેરવાની જરૂર નહીં પડે.
ગાઉન સ્ટાઇલ સાડી :
ફોર્મલ સાડી પહેરો. પછી સાડીના પાલવને લઈને એક હાથની નીચેથી કાઢી બીજા ખભા પર લાવી ટેગ કરો.
બેલ્ટ સ્ટાઇલ સાડી :
આ સાડીને પહેરવા માટે કમર પર બેલ્ટ અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો. તેમાં સાડીને કમર ઉપર બ્લાઉઝ લાઇનની સાથે અને કમરની નીચે હિપ્સથી થોડી ઉપર પહેરવામાં આવે છે. સ્કાર્ફની સાથે સાડીને સ્ટાઇલિશ બનાવવા માટે તેને રેક્ટેગલ ફોલ્ડ કરીને કમર પર બાંધવામાં આવે છે. તમે સ્કાર્ફની જગ્યાએ બ્રોકેટના કાપડ અથવા લેસનો પણ ઉપયોગ કરી શકો છો.
જેકેટ સ્ટાઇલ સાડી :
સાડીનો લુક તેના બ્લાઉઝથી નિખરે છે, તેથી સાડીને ટ્રેન્ડી બનાવવા માટે જેકેટ સ્ટાઇલ સ્ટિચ બ્લાઉઝ અથવા સિંપલ બ્લાઉઝ ઉપરાંત એક અલગ વનટોન જેકેટ સાથે પહેરી શકાય છે, પણ ધ્યાન રાખો કે બ્લાઉઝનો કલર કોન્ટ્રાસ્ટ હોવો જોઇએ.
ડેનિમ અને લેગિંગ સ્ટાઇલ સાડી :
ટ્રેન્ડી અવતાર માટે તમે તેને સ્કિન ફિટ ડેનિમ અથવા લેગિંગ સાથે પહેરો. તેનાથી ન તો સાડી ફસાવાની કોઈ સમસ્યા રહે છે કે ન તો ચાલવામાં કોઈ તકલીફ પડે છે, તેમાં તમે સાડીને ડેનિમ અથવા લેગિંગ પર જ ડ્રેપ કરો અને સાડીની પ્લેટ્સને લેફ્ટ પગ પર જ રાખો. બીજા પગનું ડેનિમ અથવા લેગિંગ દેખાવા દો. આ જ લુકમાં સાડીના પાલવને ડાબા ખભા પર લઈને પિનઅપ કરો.
સાડીની પસંદગી કરો ધ્યાનથી :
જ્યારે સાડી ખરીદો ત્યારે હળવા ફેબ્રિકની જ પસંદ કરો. જેમ કે કેપ, શિફોન, જોર્જેટ, નેટ વગેરે.
બોડી પ્રમાણે સાડીની પસંદગી
સ્લિમ બોડી :
જો તમે સ્લિમટ્રિમ છો તો કોટન, ઓરગેંજા, સિલ્ક વગેરે પહેરી શકો છો, જેમાં હળવા રંગ અને ભારે સાડીની સાથે મોટી પ્રિન્ટવાળી સાડી હોવી જોઈએ.
વધારે હેવી બોડી :
હેવી બોડી વાળી મહિલાઓએ ક્યારેય સ્ટાર્ચવાળી ફૂલેલી સાડી ન પહેરવી જોઈએ. તે શિફોન, સિલ્ક અને હેન્ડલૂમની સાડી કેરી કરી શકે છે.
પિયર શેપ બોડી :
જે મહિલાઓની બોડી પિયર શેપ હોય છે, તેમણે શિફોન, જોર્જેટની સાડી પહેરવી જોઈએ અને તે પણ બ્રાઇટ કલર તેમજ સીધા પાલવ વાળી, તેનાથી પિયર શેપ ઓછો દેખાય છે.
એપ્પલ શેપ બોડી :
આવી મહિલાઓએ હંમેશાં લાંબા બ્લાઉઝ સાથે ઊંચી સાડી બાંધવી જોઈએ અને પારદર્શક સાડી ન પહેરવી જોઈએ. સાડી એવી પહેરો જેમાં તમારું બોડી કવર રહે.
બ્લાઉઝ પર એક્સપરિમેન્ટ કરો :
જો તમે હોટ અને ગ્લેમરસ લુક અપનાવવા ઈચ્છો છો, તો તમારા બ્લાઉઝમાં એક્સપરિમેન્ટ કરો, કારણ કે જો સાડી સિંપલ છે તો બ્લાઉઝ સ્ટાઇલિશ હોવો જોઈએ, તો સાડીનો લુક સારો આવે છે અને સાથે સાથે તમે પણ ગ્લેમરસ દેખાશો.
જો તમે ફોર્મલ પહેરવાનું વિચારી રહ્યા છો તો મેન્ડરીન કોલર્ડ બ્લાઉઝ બેસ્ટ રહેશે. લક્ઝરી લુક માટે તમે જરી વર્ક હોલ્ટર નેક બ્લાઉઝ, પ્લેન સાડી સાથે પહેરી શકો છો. જો ટ્રેડિશનલ લુક સાથે સેક્સી લુક ઇચ્છો છો, તો તમે નેટ સ્લીવ્સ ધરાવતા વેલ્વેટ બ્લાઉઝ, હળવી શિમરી બોર્ડરવાળા એલ્વો બ્લાઉઝ પર પણ પસંદગી ઉતારી શકો છો.