- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- સરેરાશ બાળક પોતાના મનોભાવ, પીડા, પરિસ્થિતિ અંગે આપણી સામે વર્ણવતા હોય ત્યારે આપણે માત્ર તેનો જ દોષ કાઢતા રહીએ તો સ્વાભાવિક છે કે, તેને મનમાં એક વાત ઘર કરી જાય કે હું ગમે તે કહીશ પણ આ લોકો નહીં માને. તેમને મારા ઉપર વિશ્વાસ જ નથી. આપણ વિશ્વાસ કેળવીશું તો એ નિખાલસતાથી આપણી સમક્ષ વાસ્તવિકતા રજૂ કરવા જેટલી હિંમત રાખશે.
તેરી બખ્શિશ કે ભરોસે પે ખતાએં કી હૈં ।
તેરી રહમત કે સહારે ને ગુનહગાર કિયા ।।
હજી તો શાળાઓ શરૂ જ થઈ છે. એકાદ અઠવાડિયું પસાર થયું છે. આ દરમિયાન એક અનોખો કિસ્સો મારા ધ્યાને આવ્યો છે. મારા ઘર પાસેની એક સ્કુલની બહાર બહુ જ ભીડ જામી હતી. મેં અનાયાસે વ્હીકલ રોકીને તપાસ કરવાનો પ્રયાસ કર્યો. ટોળાને ચીરીને હું અંદર પહોંચ્યો ત્યારે એક બાર વર્ષનો છોકરો રડતો હતો અને તેના બે મિત્રો તેને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા. આસપાસ ભેગા થયેલા લોકો અને તેના મિત્રો દ્વારા તેને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. કેટલાક લોકો સવાલોનો મારો ચલાવતા હતા. આખરે ઘટના બહાર આવી. વાત એવી હતી કે, રિસેસ દરમિયાન તે છોકરો નાસ્તો કરવા માટે સ્કુલના ગેટ પાસે આવ્યો. તેણે સ્કુલના ગેટની બહાર નાસ્તો વેચનારી વ્યક્તિને ૫૦૦ રૂપિયાની નોટ આપી. આ દરમિયાન સ્કૂલના પ્યૂનની નજર તેના ઉપર પડી. પ્યૂને જઈને તે છોકરાના ક્લાસ ટીચરને આ વાત કરી. ક્લાસ ટીચરે તેને બોલાવીને આ બાબતે પૃચ્છા કરી.
છોકરાએ કહ્યું કે, મારા પૈસા છે. ટીચરે તેને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. તેમણે પણ પૂછયું તો સરખો જ જવાબ મળ્યો. છેવટે પ્રિન્સિપાલે ફોન કરીને તેના વાલીને મળવા માટે બોલાવ્યા. સ્કૂલનો સમય પૂરો થયા પછી તેમને મળવા માટે બોલાવ્યા હતા. તેના ભયને કારણે તે છોકરો રડતો હતો. છોકરાનું એક જ રટણ હતું કે મારા મમ્મી-પપ્પા મારી વાત નહીં માને અને મને મારશે. કેટલાકે તેને સમજાવ્યો અને ફોસલાવ્યો ત્યારે તેણે કહ્યું કે, મને સવારે સ્કૂલના ગેટ પાસેથી આ નોટ મળી હતી. મેં ખિસ્સામાં મૂકી દીધી. આ વાત પૂરેપૂરી સાચી છે અને છતાં મારા મમ્મી-પપ્પા નહીં માને. તેમને એમ જ લાગશે કે હું જુઠ્ઠું બોલું છું, મેં ચોરી કરી છે અને મને માર પડશે. તે છોકરાના મનમાં પહેલેથી સ્વીકૃત હતું કે મારા માતા-પિતા મારો વિશ્વાસ કરવાના જ નથી.
આવી જ એક ઘટના ઘણા સમય પહેલાં મહારાષ્ટ્રમાં થઈ હતી. આ ઘટના છાપાએ ચડી હતી. તેનું કારણ પણ કંઈક આવું જ હતું. નંદીની નામની એક તેર વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી. તેણે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારે આજે એક મહત્ત્વની વાત કહેવી છે. છ મહિના પહેલાં મારા પિતરાઈ ભાઈ લલિતે મારી સાથે બળાત્કાર કર્યો હતો. મારા મોટા કાકાનો છોકરો છે લલિત. તેણે મારો બળાત્કાર કર્યો અને તેનો વીડિયો ઉતાર્યો. ત્યારબાદ તેણે અને તેના મિત્ર સુરેશે આ વીડિયોના આધારે બ્લેકમેલ કરીને લગભગ દસથી વધારે વખત આવું જ કૃત્ય આચર્યું. મેં એકાદ બે વખત મારી મમ્મીને કહેવાનો પ્રયાસ કર્યો પણ હું સફળ થઈ નહીં. મારા મનમાં સતત મુંઝવણ ચાલતી હતી કે, મમ્મી મારો વિશ્વાસ નહીં કરે. પપ્પા તો મને મારશે જ. તેના કારણે હું મારી પીડા કોઈને કહી શકતી નહોતી.
લલિતે ધીમે ધીમે પોતાનું આ નરાધમ કૃત્ય વધારી દીધું હતું. મારાથી આ પીડા હવે સહન થતી નથી. મને ખબર જ છે કે, મારા આઈ-બાબા મારા ઉપર વિશ્વાસ નહીં જ કરે. તેના કારણે જ હું આ દુનિયા છોડીને જાઉં છું. મારા પેટમાં લલિતનું પાપ છે અને શક્ય હોય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મારા આઈ-બાબાને બતાવજો જેથી તેમને વિશ્વાસ આવે કે હું ક્યારેય ખોટું બોલતી નથી. શક્ય હોય તો પહેલી અને છેલ્લી વખત મારો વિશ્વાસ કરજો અને મને માફ કરજો.
ઉપરોક બંને ઘટનાઓ આમ જોઈએ તો સમાજમાં થતી સામાન્ય ઘટના છે પણ તેના પડઘા બહુ ઉંડે સુધી પડેલા છે. તેની અસરો લાંબાગાળાની છે અને તેના કારણે છેક ઈતિહાસની ગર્તામાં ઢંકાયેલા છે. બાળકને ઘણી વખત પોતે સાચું હોવા છતાં ભય લાગ્યા કરે છે કે, તેના માતા-પિતા તેની વાત નહીં માને. જગતના મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનનો જ વાંક જૂએ છે અને તે પ્રમાણે જ વર્તન કરે છે અથવા તો ઘટનાનો પ્રતિભાવ આપે છે. તેના પગલે બાળક ધીમે ધીમે જુઠ્ઠું બોલતું થઈ જાય છે અથવા તો પહેલેથી જ ભુલ સ્વીકારીને માનસિક અને શારીરિક રીતે સજા ભોગવવા સજ્જ થઈ જાય છે. દરેક કિસ્સામાં આવું હોતું નથી.
તેમ છતાં મિત્રો આ એક એવો ભય છે જેની અવસ્થામાંથી આપણે દરેક પસાર થયા છીએ અને આપણા સંતાનો પસાર થતા હશે અથવા તો આગામી સમયમાં થશે. યુગોથી ચાલી આવતી સમાજ વ્યવસ્થામાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવશે કે સંતાનોને કાયમ એક વાત મગજમાં સેટ હોય છે કે, મારા માતા-પિતાને મારી ઉપર વિશ્વાસ જ નથી. આ માત્ર ધારણા નથી, કેટલાક પ્રસંગો બન્યા હોય ત્યારબાદ આ માનસિકતા ધીમે ધીમે વાસ્તવિકતાનો આકાર લઈને તેના મગજમાં સેટ થઈ ગઈ હોય છે. કોઈપણ બાબત હોય આપણે સત્ય સ્વીકારવાને બદલે બાળકનું ક્રોસ ચેકિંગ શરૂ કરીએ છીએ. મોટાભાગે મમ્મીઓ ટોણા મારતી હોય છે કે, તારે તો ભણવું જ નથી, તારે બહાના કાઢવા છે, રખડવું હોય તો કેવી મજા આવે છે અને ચોપડી પકડાવો તો ભેંકડા તાણે છે, તું કાયમ જુઠ્ઠું જ બોલતી હોય છે, તારી બહેનપણીઓ જોઈ આવ કેવા સરસ માર્ક લાવે છે, તને ભણવામાં રસ જ નથી, મને ચોક્કસ ખબર છે તેં જ કંઈક તોડયું હશે પણ તું નામ બીજાનું આપે છે.
આવા અનેક વાક્યો આપણે સાંભળ્યા છે, અનુભવ્યા છે અને હાલમાં અનુભવ કરાવતા પણ હોઈશું. આ બધું ન કરી શકનારા માતા-પિતા મોટાભાગે હિંસાનું શસ્ત્ર ઉગામતા હોય છે. સંતાનની ભુલ હોય એટલે મારપીટ કરી લેવાની. બીચારા સંતાનોને ઢોરમાર મારવામાં આવે છે. ઘણી મમ્મીઓ એવો માર મારે કે બીચારા સંતાનોના શરીર ઉપર ચકામા ઉપસી આવે. બાળક છે આખરે જવાનું તો માતાની પાસે જ છે. માતાના મારથી રડતું બાળક છાનું રહેવા પણ માતા પાસે જ જાય છે. તે ભુલી જાય છે કે આણે જ માર માર્યો હતો. આ દરમિયાન તેના મનમાં એક ગ્રંથી બંધાતી જાય છે કે, માતા-પિતા સામે શક્ય હોય ત્યાં સુધી જુઠ્ઠું જ બોલવું. સાચું બોલિશું તો સ્વીકારશે નહીં અને માર પડશે તેના કરતાં જુઠ્ઠું બોલી નાખીએ. જુઠ્ઠું બોલાવાથી પકડાઈશું નહીં અને કદાચ પકડાઈ ગયા તો માર પડશે. તેનાથી વધારે કંઈ થશે નહીં.
ચિંતાજનક બાબત એ છે કે, સંતાનોના મગજમાં આ માનસિકતા માતા-પિતાઓના વર્તનથી જ ઘર કરી જતી હોય છે. પહેલાં આપણે તેને જુઠ્ઠું બોલાવાના મહાવરા કરાવીએ છીએ અને પછી તેની પાસેથી સત્ય બોલવાની અપેક્ષા રાખીએ છીએ. ઘણા ઘરમાં ફોન રણકે એટલે પપ્પા કહી દે, બેટા જવાબ આપી દે કે પપ્પાને તાવ આવે છે, સુઈ ગયા છે. પપ્પા નહાવા ગયા છે. મમ્મી કહી દે કે, બેટા આન્ટીને કહે દી કે મમ્મી ફોન ઘરે ભુલી ગઈ છે. મમ્મી બહાર ગઈ છે આવે એટલે ફોન કરાવું. મમ્મી શાક લેવા ગઈ છે અને ફોન ઘરે રહી ગયો... અડધો કલાકમાં ફોન કરાવું. બાળકોની હાજરીમાં પણ ઘણી વખત આપણે પરિસ્થિતિ પ્રમાણે નરોવા કુંજરોવા જેવી વાતો કરતા હોઈએ છીએ. આપણા સંતાનો આપણી પાસેથી જ આ જ્ઞાાન મેળવે છે અને તેનો ઉપયોગ પણ આપણી ઉપર જ કરે છે. આ બહુ જ સ્વાભાવિક વાત છે.
આપણે જો સંતાનોને સત્ય બોલતા શીખવવું હોય અથવા તો તેની પાસેથી સત્ય બોલવાની અપેક્ષા રાખતા હોઈએ તો સત્ય સ્વીકારવાની હિંમત પણ આપણામાં હોવી જોઈએ. બાળક પોતાના મનોભાવ, પીડા, પરિસ્થિતિ અંગે આપણી સામે વર્ણવતા હોય ત્યારે આપણે માત્ર તેનો જ દોષ કાઢતા રહીએ તો સ્વાભાવિક છે કે, તેને મનમાં એક વાત ઘર કરી જાય કે હું ગમે તે કહીશ પણ આ લોકો નહીં માને. તેમને મારા ઉપર વિશ્વાસ જ નથી. આપણ વિશ્વાસ કેળવીશું તો એ નિખાલસતાથી આપણી સમક્ષ વાસ્તવિકતા રજૂ કરવા જેટલી હિંમત રાખશે નહીંતર જનરેશન ગેપના નામે તે આપણાથી અળગા જ રહેવાના છે. જનરેશન ગેપ છે એ સ્વાભાવિક છે પણ ગેપને પૂરવી તો પડશે. તિરાડ પડે પછી જો તેને પૂરવામાં ન આવે તો વધતી જાય અને લાંબાગાળે નુકસાન કરે.
સમાજ વ્યવસ્થામાં પણ જનરેશન ગેપના નામની કાલ્પનિક તિરાડ પડેલી છે જેને હજી સુધી કોઈએ સાંધવાનો પ્રયાસ જ કર્યો નથી અને ગમે ત્યારે સમાજના મિનારા ખરી પડે ત્યારે આપણે જ વલોપાત કરીએ છીએ. કોઈએ તો પહેલ કરવી જ પડશે. જ્યાં સુધી જનરેશન ગેપને વિશ્વાસના પુલથી જોડવામાં નહીં આવે જ્યાં સુધી આ અવિશ્વાસની તિરાડ ઉપર વિશ્વાસ અને સત્યનો સાંધો નહીં મારવામાં આવે ત્યાં સુધી આપણે સાંભળતા જ રહીશું કે, જવા દે ને યાર મારી મમ્મી નહીં માને. બે યાર... મારા બાપાને મારા ઉપર વિશ્વાસ જ નથી.


