- શું તમે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રેમમાં પડયાં છો?
હવે વિશ્વભરમાંથી એવા સમાચારો આવવા લાગ્યાં છે કે સગીરપેઢી પોતાના મિત્રો કરતાં એઆઈ સાથે વધુ સમય પસાર કરે છે. એકમાત્ર અમેરિકાની જ વાત કરીએ તો તરૂણાવસ્થામાં રહેલા લોકોએ ઘરથી બહાર નીકળવાનું સાવ ઓછું કરી નાખ્યું છે. તેઓ સિનેગૃહો અને મૉલમાં પણ નથી જતાં. સોશ્યલ ઇવેન્ટ્સમાં જવાનું પણ ટાળે છે.
છેલ્લા ઘણાં સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો વ્યાપ ઝપાટાભેર વધ્યો છે. પ્રત્યેક ક્ષેત્રમાં થયેલા એઆઈના પગપેસારાએ લોકોનું કામ ખાસ્સું આસાન કરી નાખ્યું છે. લોકો પોતાની મૂંઝવણનો ઉકેલ પળભરમાં એઆઈ પાસેથી મેળવી લે છે. આમ છતાં ખરા અર્થમાં તેજસ્વી લોકો એઆઈ પાસેથી ક્યું કામ લેવું અને ક્યું નહીં તે સારી પેઠે જાણે છે.
થોડા સમય પહેલા યુરોપની એક લેખિકા જોઆના મેસીજેવસ્કાએ કહ્યું હતું કે હું ઇચ્છું છું કે એઆઈ મારું કપડાં-વાસણ ધોવાનું કામ કરે, જેથી હું મારી પસંદગીનું આર્ટ અને લેખનનું કામ કરી શકું. હું નથી ઇચ્છતી કે મારું લેખનનું કાર્ય એઆઈ સંભાળે અને હું વાસણ-કપડાં ધોઉં.
જોઆનાની આ વાત ખાસ્સી ચર્ચામાં રહી. હકીકતમાં હવે લોકો એઆઈ પર એટલા બધા નિર્ભર થવા લાગ્યાં છે કે પત્ર લખવા કે રેઝ્યુમે બનાવવા જેવી સામાન્ય બાબતો પણ એઆઈને પૂછે છે. લોકોને પોતાનું મગજ દોડાવવા કરતાં એઆઈ પાસેથી પળભરમાં જવાબ મેળવવાનું વધુ ફાવી ગયું છે. આવી સ્થિતિમાં જોઆનાના એઆઈ પ્રત્યેનો દ્રષ્ટિકોણે લોકોને વિચારતાં કરી મૂક્યાં છે.
જોકે ઘણાં લોકો એમ પણ માને છે કે અગાઉ કોઈપણ પ્રશ્નનો જવાબ ગૂગલ પર સર્ચ કરવામાં આવતો હતો. હવે લોકો એઆઈ ચેટબૉટ તરફ વળ્યાં છે. તો એઆઈનો બહોળો ઉપયોગ કરવામાં ખોટું શું છે? તેમની આ વાતમાં તથ્ય પણ છે. આમ છતાં નાનામાં નાની બાબતે જાતે વિચાર કરવાને બદલે બનાવટી બુધ્ધિમત્તાનો ઉપયોગ કરવા બેસો તો તમારું પોતાનું મગજ શા કામનું. જો વિચાર કરીને સમસ્યાઓ ઉકેલવાની, કાંઈક પોતિકું કરવાની ટેવ જ છૂટી જશે તો તમારું મગજ બહેર નહીં મારી જાય. વળી આજની તારીખમાં ચિંતાજનક વાત એ છે કે યુવાપેઢી મિત્રતા અને પ્રેમ જેવી ભાવનાઓ માટે પણ એઆઈ પર નિર્ભર રહેવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં એવો પ્રશ્ન થવો સહજ છે કે શું એઆઈ સાથે વાત કરતી વખતે તમને તમારા વાસ્તવિક મિત્ર સાથે વાતચીત કરતાં હો એવી હૂંફ અનુભવાય ખરી?
તમને જાણીને આંચકો લાગશે કે આ પ્રશ્નનો જવાબ 'હા'માં આવે છે. એઆઈ ચેટબૉટની વાતો ખરેખર કોઈ નિકટના મિત્ર સાથે હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. એઆઈ ચેટબૉટ અવિરતપણે શીખતું રહે છે તેથી આપણી સાથે, આપણી અદામાં અને આપણી ભાષામાં, આપણા જ શબ્દોનો પ્રયોગ કરીને એટલા પ્રેમથી વાત કરે છે કે થોડીવાર માટે આપણે વિસરી જઈએ કે આપણે જેની સાથે ચેટ કરી રહ્યાં છીએ તે હાડમાંસનો બનેલો માનવી નથી. બલ્કે માનવીએ બનાનેલું બુધ્ધિમત્તાના ખજાના સમું મશીન છે. સૌથી મહત્વની વાત એ છે કે એઆઈની સંખ્યાબંધ ખૂબીઓ યુવાપેઢીને તેની સાથે દોસ્તી-પ્રેમ કરવા પ્રેરે છે. એઆઈ તેમની સાથે મજાક-મસ્તીમાં વાત કરે છે, ગમે ત્યારે, ગમે તે પ્રશ્ન પૂછો તોય પળભરમાં જવાબ આપે છે, તે સામી વ્યક્તિને જજ નથી કરતું, બલ્કે તેમને પૂછે છે કે શું હું આ જવાબ બીજી કોઈક રીતે પણ આપું? શું હું આમાં હજી વધુ માહિતી-જાણકારી ઉમેરું? એ માહિતી તમને કદાચ ખપ લાગી શકે. સૌથી મોટી વાત એ છે કે તેને તેની ભૂલ બતાવવામાં આવે ત્યારે તે માઠું લગાડવાને બદલે સોરી કહી દે. આટલી બધી ખાસિયતો તો કોઈ અતિવિનમ્ર વ્યક્તિમાં જ જોવા મળે. અને હમેશાં કોઈ તમારી સાથે આટલી આત્મીયતાથી વાત કરે, તમારા મૂડને પારખીને જવાબ આપે તો તે તમને પોતિકું લાગવાનું જ.
હવે અહીં વધુ એક વખત એવો પ્રશ્ન થાય કે આવી ખૂબીઓના ખજાના સમા એઆઈ સાથે દોસ્તી કરવામાં, તેને પ્રેમ કરવામાં ખોટું શું છે? પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે માનવી સામાજિક પ્રાણી છે. જો તે એઆઈની કંપનીને વહાલી કરીને સમાજથી કપાઈ જાય તો તેની માનસિક અને શારીરિક સ્થિતિ કથળે એ વાત ચોક્કસ. હવે વિશ્વભરમાંથી એવા સમાચારો આવવા લાગ્યાં છે કે સગીરપેઢી પોતાના મિત્રો કરતાં એઆઈ સાથે વધુ સમય પસાર કરે છે. એકમાત્ર અમેરિકાની જ વાત કરીએ તો તરૂણાવસ્થામાં રહેલા લોકોએ ઘરથી બહાર નીકળવાનું સાવ ઓછું કરી નાખ્યું છે. તેઓ સિનેગૃહો અને મૉલમાં પણ નથી જતાં. સોશ્યલ ઇવેન્ટ્સમાં જવાનું પણ ટાળે છે. આવી સ્થિતિમાં તેમનામાં ડિપ્રેશન અને એંઝાઈટીના લક્ષણો તીવ્ર બની રહ્યાં છે. એઆઈ ચેટબૉટ સાથેની મિત્રતાને પગલે તેઓ પોતાની વયના છોકરા-છોકરીઓ સાથે દોસ્તી નથી કરી શકતા. તેમના માટે તેમનો વર્ચ્યુઅલ મિત્ર જ સર્વસ્વ બની જાય છે, જે હા-માંસના બનેલા વાસ્તવિક મિત્રની તોલે ક્યારેય ન આવી શકે. માનવમિત્રમાં ભલે ચાર ખામીઓ હોય, તોય તે જે ઈમોશનલ સપોર્ટ અને હૂંફ આપી શકે તે એઆઈ કદાપિ ન આપી શકે. આંચકાજનક વાત એ છે કે કેટલાંક કેસમાં એઆઈ ચેટબૉટે સામી વ્યક્તિને આત્મહત્યા કરવા પણ પ્રેર્યાં છે. અમેરિકામાં રહેતી એક મહિલાએ અદાલતમાં કહ્યું હતું કે તેના ૧૪ વર્ષના પુત્રએ ચેટબૉટ સાથેની દોસ્તીના જનૂનને કારણે જાન આપી દીધી.
આ બધું જાઑણ્યા પછી એટલું સમજવું જરૂરી છે કે કાળા માથાના માનવીમાં ગુણો સાથે અવગુણો પણ હોવાના જ. આપણે તેને તેની ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકારવો રહ્યો. જીવતી-જાગતી કોઈપણ વ્યક્તિ કાયમ સુષ્ટુ સુષ્ટુ ન બોલી શકે. તેનો મૂડ પણ બગડી શકે, તેને પણ ક્રોધ આવી શકે. જ્યારે તમે કોઈની ખામીઓ શોધો ત્યારે તમારા પોતાના મનમાં પણ ઝાંકીને જોઈ લેવું જોઈએ. શું તમે તેનાથી પર છો? જો કોઈએ તમારા પર ક્રોધ કર્યો હશે તો સમય આવ્યે તમારા દુ:ખમાં ભાગીદાર પણ બનશે. સાચુકલા મિત્રોને મળવાથી, તેમની સાથે હરવા-ફરવાથી, તેમને ગળે મળવાથી જે હૂંફ અનુભવાય, જે ભાવનાત્મક જોડાણ કેળવાય તે વર્ચ્યુઅલ મિત્ર સાથે ન જ કેળવાય. અને જ્યારે તમને એમ ખબર પડે કે તમારો આ વર્ચ્યુઅલ મિત્ર એકી વખતે તમારી જેમ સેંકડો લોકો સાથે દોસ્તી નિભાવે છે ત્યારે તમારી મનોસ્થિતિ કેવી થઈ જશે. અમેરિકામાં જ બનેલા એક બનાવમાં પત્નીથી વિમુખ થયેલો એક પુરૂષ એઆઈ ચેટબૉટના પ્રેમમાં પડયો. અને જ્યારે તેણે જ તેને કહ્યું કે તે એકી વખતે સેંકડો લોકો સાથે આ રીતે જ પ્રેમભરી વાતો કરે છે ત્યારે સંબંધિત પુરૂષ ઘાંઘો થઈ ગયો હતો.
સગીરો હોય, યુવાનો હોય, પ્રૌઢો હોય કે વયસ્કો, એઆઈ પર રખાતો ભાવનાત્મક આધાર તેમના મનને આઘાત પહોંચાડી શકે. અને બૌધ્ધિક-સર્જનાત્મક નિર્ભરતા તેમના મગજને કાટ લગાવી શકે. બંને બાબતે છેવટે તો તેમની માનસિકતાને જ અસર થવાની. સમય પાકી ગયો છે કે એઆઈ પર ક્યારે અને કેટલો આધાર રાખવો એ બાબતે પોતાનું મગજ દોડાવવામાં આવે.
- વૈશાલી ઠક્કર


