Get The App

આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ...

Updated: Jun 5th, 2023

GS TEAM

Google News
Google News
આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ... 1 - image


- અંતર - રક્ષા શુક્લ

તરતા શીખવું હોય તો પુસ્તક વાંચીને શીખી શકાય ? પુસ્તક વાંચી, કોઈ તરણનિષ્ણાતની માફક સીધું પાણીમાં ઝંપલાવે ત્યારે કવિ હરદ્વાર ગોસ્વામી યાદ આવે જે લખે છે કે 'મોજું આવ્યું માથે ત્યારે સમજાયું, પુસ્તક વાંચી શીખાશે નહિ તરવાનું.' એ જ રીતે કોઈ વૃક્ષ વિશે જાણવા માટે કોઈ પુસ્તક પાસે જવું પડે કે એ વૃક્ષને સેવવું પડે? એમની સાથે આત્મીય સંવાદ કરી ઘરોબો કેળવીએ તો એનું મૌન આપણે અનેકવિ' અર્થાે સાથે પામી શકીએ.  બદલાતા સમય સાથેનું અનુકૂલન સાધી હસતા રહેવાનો જાદૂ, ડાળીઓ ઝૂલાવી કુદરત કે માનવે બક્ષેલી દરેક વાતનો સાક્ષીભાવે હકાર અને સ્વીકાર... આ સઘળું તમે વૃક્ષના સાનિધ્યમાં પામી શકો છો. રમેશ પારેખ તો કહે છે કે... 

શોધે છે શબ્દકોશમાં જે અર્થ વૃક્ષનો,

તેઓ વસંત જેવા સભર હોય તોય શું? 

જો કે કેટલાક વૃક્ષો આપણી સંસ્કૃતિમાં એટલા ઊંડે સુધી જોડાયેલા છે કે તેમના વિશેની માહિતી ફક્ત પુસ્તકમાંથી જ મળે.  લોકોની આસ્થા અને પેઢી દર પેઢી અનેક વૃક્ષો પવિત્ર, આદરણીય અને મહત્વનું સ્થાન ધરાવે છે, જેમાંના કેટલાક ખૂબ પૂજનીય છે. પિતૃદોષમાંથી મુક્તિ આપતો પીપળો વિશ્વની અનેક પૌરાણિક કથાઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વૃક્ષોને જન્મ, વૃદ્ધિ, મૃત્યુ અને પુનર્જન્મના શક્તિશાળી પ્રતીક તરીકે જોવામાં આવે છે. આવા સદાબહાર વૃક્ષો  મોટાભાગે આ જીવનચક્ર દરમ્યાન લીલાછમ રહે છે જેને પાનખર આવતી નથી. એટલે જ તેમને શાશ્વતપણું, અમરત્વ અને ફળદ્પતાના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. 

ભારતમાં સદાબહાર-બારમાસી વટવૃક્ષ યાને વડલાનું સ્થાન ઘણું મહત્વનું છે. એની વડવાઈઓને લીધે વડલો વિશ્વ પ્રસિદ્ધ છે જેના મૂળ જમીનમાં દૂર સુધી ફેલાયેલા હોય છે. તેના પાંદડામાંથી દૂધ જેવો પદાર્થ નીકળે છે. એક પૌરાણિક કથા મુજબ આ વૃક્ષ 'ત્રિમૂત'નું પ્રતીક છે જેની છાલમાં વિષ્ણુ, મૂળમાં બ્રહ્મા અને ડાળીઓમાં શિવ રહે છે. પ્રકૃતિ, વનસ્પતિ અને દેવતાઓ વિશે પુરાણોમાં આવી ઘણી સાંકેતિક કથાઓ જોવા મળે છે. જેમ 'અશ્વત્થ' એટલે કે પીપળાને વિષ્ણુનું પ્રતિક કહેવામાં આવે છે તેમ આ જટાધારી વટવૃક્ષ 'જટાધારી પશુપતિ શંકર'નું પ્રતિક મનાય છે. વડલો ૮૦% જેટલો કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને હવાને શુદ્ધ કરે છે. ધામક માન્યતાને લીધે પવિત્ર મનાતા વડને કદી કાપવામાં આવતો નથી. દુષ્કાળ દરમિયાન પ્રાણીઓને તેના પાંદડા ખવડાવવામાં આવે છે. તેની અનેકવિધ વિશેષતાઓ અને લાંબા આયુષ્યના કારણે આ વૃક્ષને અનશ્વર માનવામાં આવે છે. આથી આ વૃક્ષને અક્ષયવટ પણ કહેવામાં આવે છે. વામનપુરાણમાં પણ વનસ્પતિની ઉત્પત્તિ વિશે વાર્તા છે. જ્યારે અશ્વિન મહિનામાં વિષ્ણુની નાભિમાંથી કમળ પ્રગટ થયું ત્યારે અન્ય દેવતાઓમાંથી પણ વિવિધ વૃક્ષોનો જન્મ થયો. જેમાં યક્ષના રાજા મણિભદ્રથી વટવૃક્ષનો જન્મ થયો.

અંજીર વર્ગનું વૃક્ષ ગણાતા વડના બીજ ઘણું કરીને તેના 'ટેટાં'(ફળ) ખાનાર પક્ષીઓ દ્વારા જ ફેલાય છે અને કોઈ ખડક કે દીવાલની તિરાડોમાં ઊગી નીકળે છે. તેના ઘટાદાર, ઘેઘુર વિસ્તારને લીધે એ સુંદર છાંયડો આપે છે. તેના ટેટાં લાલ રંગના હોય છે જે પાક્કા થતા કાળા બને છે. વડનું કદ જેમ વધે તેમ તેની ડાળીઓ પર નવા નવા મૂળ ફુટે છે જેની લંબાઈ વધતા એ 'વડવાઇ'(હવાઈ મૂળ) કહેવાય છે. શરૂઆતમાં એ પાતળા હોય છે અને નીચેની તરફ વિસ્તાર પામતા ઝૂલતા રહે છે. થોડા સમયમાં જમીન સુધી પહોંચે છે અને જાતે જ તેમાં રોપાઇ જઈ તેમાંથી ખોરાક લેવાનું શરૂ કરે છે. ધીમે ધીમે વિકસિત થઈને એ થડની જેમ જાડા, સખત અને મજબૂત બને છે અને ઝાડનો ભાર વહન કરવા સક્ષમ પણ બને છે. ક્યારેક તો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે મુળ થડ કયું તે ખબર પડતી નથી. ખૂબ જૂના એવા વયોવૃદ્ધ વડના ઝાડ આવી વડવાઈઓ સાથે તેમનું કદ ખૂબ વિસ્તૃત કરી અત્યંત પહોળા વિસ્તારમાં ફેલાય છે. જેનો ઘેરાવો ક્યારેક તો ૬૦૦ મી. સુધીનો પણ હોય છે. દૂરથી જોતા લીલીછમ ટેકરી જેવો દેખાતો તેનો આવો પર્ણમુકુટ અત્યંત મનમોહક દેખાય છે. વડલાની વડવાઇઓનું લાકડું વધારે મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. આથી તેનો ઉપયોગ તંબુના થાંભલા કે ગાડાની ધૂંસરી બનાવવામાં પણ થાય છે. ક્યારેક તેમના જાડા થડ અને વડવાઈઓમાં કોઈ ગુફા જેવું પણ બની જાય છે, જેમાં લોકો બેસી અથવા સૂઈ શકે છે. ગાઢી વડવાઇઓના કારણે વડલો ઊંડા ધ્યાનમાં બેઠેલ કોઈ જટાધારી મહાત્મા જેવો લાગે છે. વડનું વૃક્ષ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ૨૦૧૭માં થયેલા વડની સંખ્યાના સર્વે મુજબ રાજ્યના જિલ્લાઓમાં કૂલ ૯,૩૬,૯૭૯ વડ છે જે પૈકી સૌથી વધુ ૧,૨૧,૩૪૭ વડ ભાવનગર અને ૧,૧૧,૦૫૬ વડ જૂનાગઢમાં આવેલા છે. ભારતના કેટલાક ભાગોમાં એક ખાસ પ્રકારનો વડ જોવા મળે છે. આને 'કૃષ્ણવડ' કહે છે જેના પાન પડિયાની જેમ વળેલા છે. માન્યતા એવી છે કે વનમાં ગાયો ચરાવતા, વાંસળી વગાડતા કૃષ્ણ પાસે ગોપીઓ દહીં, માખણ વગેરે લઈને આવતી. કૃષ્ણને વડના પાંદડામાંથી પડિયો બનાવતા સમય લાગતા ગોપીઓ બેચેની અનુભવતી. ગોપીઓના મનની વાત જાણી જતા કૃષ્ણે તરત જ માયાથી ઝાડનાં બધાંં પાંદડાંને પડિયાના આકારમાં બદલી નાખ્યા. 

નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર એક સ્થિત ધામક સ્થળ 'કબીરવડ' છે જ્યાં ગુજરાતનું અતિ વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૫૫૦ થી વધુુ વર્ષ જુનું છે અને જે લગભગ ૬૪૧ મીટરનો પરિઘ ધરાવે છે. વિશ્વવિખ્યાત કબીરવડ ૪.૩૩ એકરમાં ફેલાયેલો છે જેની ૩,૦૦૦ વડવાઈઓ છે. જેમાં પ્રવેશ કરતા વ્યક્તિને એવું જ લાગે કે જાણે એ જંગલમાં છે. તે માત્ર એક જ વૃક્ષનો વિસ્તાર છે એવું તમે માની જ ન શકો. સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના કિનારે ૭,૦૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યાે હતો, જે શક્યતથ કબીરવડની જ વાત છે. આજ સુધી આપણે કોઈ વ્યક્તિને પોતાની ફિટનેસ કે કલાના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવતા જોઈ છે. કેટલાક તો એવા લોકો પણ છે જેમણે પોતાની વધુુ ઉંમર માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ ભારતમાં એક વડલાનું વૃક્ષ તેની ઉંમરના કારણે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવે છે. કોલકાતામાં આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડનમાં વડનું એક એવું વૃક્ષ છે, જે ૨૫૦ થી વધુ વર્ષ જૂનું છે અને જેને વિશ્વના સૌથી મોટા વટવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ૧૭૮૭માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કર્નલ રોબર્ટ કિડ દ્વારા આ વિશાળ વડ રોપવામાં આવેલ. આ વડને અસંખ્ય મૂળ અને અગણિત વિશાળ શાખાઓ છે. ૧૪,૫૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલો આ વડ લગભગ ૨૪ મીટર ઊંચો છે. તેની વડવાઈઓ ૩,૦૦૦ વધુુ છે, જેણે જમીનમાં પગપેસારો કરી અણનમ અડિંગો જમાવ્યો છે. એટલે જ તેને વિશ્વનું સૌથી પહોળું વૃક્ષ અથવા 'વાકિંગ ટ્રી' પણ કહેવામાં આવે છે. આ વડલા પર પક્ષીઓની ૮૦ થી વધુ પ્રજાતિઓ રહે છે. ૧૯૮૭માં ભારત સરકારે આ મસમોટા વડના માનમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. ૧૩ લોકોની ટીમ દ્વારા આ વૃક્ષની જાળવણી અને સંરક્ષણ કરવામાં આવે છે જેમાં વનસ્પતિશાીઓથી લઈને માળીઓ સુધીના કેરટેકર્સ જોડાયેલા છે. મને લાગે છે કે કબીરવડની વર્લ્ડ રેકોર્ડ સંદર્ભે પહેલાના સમયે કોઈ ગતિ ન પણ થઈ હોય. નહીં તો મોખરે એ જ હોય. હિંદુસંસ્કૃતિમાં કલ્પવૃક્ષ ગણાતા ઘણા વૃક્ષોની જેમ વડને પણ કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. 'એતે પરોપકારાય'ના લીસ્ટમાં મોખરાનું સ્થાન ધરાવતો વડલો કેટકેટલા જીવોની રખેવાળી અને પોષણ કરે છે, શીળી છાંય આપે છે, બપોરા અને રાતવાસાનું ધામ બને છે. કોઈ ગામના પાદરે ઉભેલા ઘેઘુર વડલાની શીળી છાંયમાં આરામ ફરમાવતા વડીલ જાણે તડકાને તાળી આપી બળબળતા બપ્પોરની વેળાને ટૂંકી કરે છે. લોકો ઘડિયાળની ટકટકને સંકેલીને ડાબા હાથે ક્યાંક મૂકી દે છે. વડલાના છાંયડે બાળકો તડકાની તીખી બારખડીને ભૂલવાની મજા લૂંટે છે. બાળગીતોમાં પણ વડલો આગવું મહત્વ ધરાવે છે. જેમ કે...  

વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળ ઓળમ-કોળમ રમતા રમતા ભૂલા પડતા બાળ.

ઓ વડદાદા આપો ટેટા રાતા ને વળી મોટા 

પછી રમીશું પાસ તમારી આટા ને વળી પાટા  

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન એટલે જ આપવામાં આવેલ છે કે ગમે તેવા વિકટ વાતાવરણ કે સંજોગોમાં પણ વડલાની ફાલવા-ફુલવાની ક્ષમતા અમાપ છે. વળી પોતે ધોેમ ધખતા તાપને સહન કરીને પણ તેની ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપે છે. આગઝરતા તાપમાં વટેમાર્ગુ વડ નીચે શાતા પામે છે એટલે જ લોકો વડને પાદર, ચોક કે સીમમાં જરૂર વાવે છે.. ભારતમાં એક ધામક પરંપરા અનુસાર પરિણીત મહિલાઓ વટસાવિત્રી નામનું વ્રત કરે છે. જેમાં એ ઉપવાસ કરી, સોળ શૃંગાર સજીને વડની પૂજા કરી પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે. વટવૃક્ષને જોઈને સંયુક્ત કુટુંબની યાદ આવી જાય જેમાં પરિવારનો સૌથી મોટો સભ્ય વટવૃક્ષ સમાન હોય છે. જેમ જેમ પરિવાર બહોળો થાય તેમ તેમ કુટુંબના વડાની ઓથ પણ વડના છાંયડાની માફક વિસ્તૃત થાય છે જેમાં પૂરો પરિવાર શાતા પામે છે. મજબૂત રીતે એકજૂટ થઇ જીવતા પરિવારના સભ્યો વડીલના અનુભવોમાંથી અનેક રીતે જીવનના પાઠ શીખીને સંઘર્ષાેમાંથી પાર ઉતરીને ખુશખુશાલ જિંદગી જીવે છે. ગુજરાતીમાં 'વડ તેવા ટેટા, બાપ તેવા બેટા' એવી કહેવત પણ છે. 

આપણા લોકસાહિત્યનો પ્રગટસંબંધ લોકજીવન અને લોકસંસ્કૃતિ છે જે અલ્પશિક્ષિત લોકોની કંઠ-પરંપરામાંથી મળેલ છે. મેઘાણીનું મોટાભાગનું સાહિત્ય કંઠોપકંઠ સંકલિત થઈ મળી આવ્યું છે.   લોકસાહિત્યનુ એક અણમોલ નજરાણું એટલે દુલા ભાયા 'કાગ'ની કવિતાઓ અને તેમાં પણ સંબંધ-સગપણના મરમ અને ધરમને સુપેરે અને વિષદ રીતે રજૂ કરતુ ભજન 'ઊડી જાઓ પંખી! પાંખુંવાળાં'. જીવનોપયોગી ઉપદેશને સાંકળી લેતા આ ભજનમાં પ્રગટતો ગભત ભાવ દર્શાવે છે કે જંગલમાં લાગેલી આગથી વડલો તેના છાંયડે અને આશરે જીવતા, તેની ડાળીઓમાં માળો બાંધીને રહેતા પંખીઓ માટે ખૂબ ચિંતિત છે. મૃત્યુના પગલાંને પારખી ગયેલો વડલો ઊંચા જીવે એ પંખીઓને વિનવણી કરે છે કે 'હે પંખીઓ, ઊડી જાઓ, આગ લાગી છે એ હમણાં મને પણ એની જ્વાળાઓમાં લપેટી લેશે, બાળીને રાખ કરી દેશે, જો મારે પાંખો હોત તો હું પણ ઊડી જતે..' પંખીઓના મધુુરા ગીતો વડલાને હૈયે છે જેને એ રાખ બની ગયા પછી પણ સાંભળવાની ઇચ્છા દર્શાવે છે. વડલા અને પંખીઓ વચ્ચેનો આ સંવાદ એક તરફ વડલાની ઊંડી સંવેદનશીલતાને દર્શાવે છે તો બીજી તરફ એ પંખીઓની કદરદાનીનો, વડલા પ્રત્યેની કૃતજ્ઞાતાનો મહિમા પણ કરે છે. વડલાના રસાળ ફળ ખાનાર, તેના આશરે પોતાના બચ્ચા ઉછેરનાર વડીલ જેવા વડલાને પંખીઓ છોડીને જવા નથી માંગતા. 

જાણીતા હિન્દી કવિ ત્રિપુરારી શરણ શ્રીવાસ્તવના કાવ્યસંગ્રહ 'બરગદ કા પેડ'ની કવિતાઓ એટલી પ્રભાવશાળી અને જાદૂઈ છે કે તેમાંથી પસાર થતાં વાચકની આંખોમાં ભેજ ફૂટે છે, એ ભીતરથી ભીંજવે છે. કવિ વાચકો સામે અનેક વૈચારિક દ્વાર ખોલે છે અને વાચકો સ્તબ્ધ થઈ જાય છે કે વટવૃક્ષને રૂપક બનાવીને ભાવકને 'મૃત્યુબોધ' પણ કરાવી શકાય છે. કવિ પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે કે 'ચિતા બળે છે અને વટવૃક્ષ જુએ છે. જુએ છે-રડે છે-પૂછે છે પણ તમે તેનો અવાજ સાંભળતા નથી તેથી તમે સમજી શકતા નથી.' 'વૃક્ષ'ની કવિતાઓમાંથી પસાર થતા વાચકોને વડનો અવાજ પણ સંભળાશે અને એની વાચા પણ સમજી શકાશે. 

કૃષ્ણલાલ શ્રીધરાણીએ ૧૯૩૧માં માત્ર વીસ વર્ષની વયે રચેલા નાટક 'વડલો' (૧૯૩૧)માં કાવ્યતત્વ, નાટયતત્વ, સંગીત અને નૃત્યનો સમન્વય થયો હોવાથી નાટકની બાળભોગ્યતા વધી છે. આ નાટકે હિંદી, મરાઠી અને અંગ્રેજી વેશભૂષા પહેરી ગુજરાત બહાર પણ પાંખો પ્રસારી છે. ખૂબ નાની વયે ઓલવાયેલ સાહિત્યનો તેજસ્વી તારો એવા મણિલાલ દેસાઈના 'ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ'ના ગીતથી કોઈ ભાગ્યે જ અજાણ હોય. જેમાં દૂર પાદરમાં વાગતા બળદના ઘૂઘરા કાને પડતા યુવાન હૈયે વ્હાલમ સાથે અનેક રીતે મ્હાલવાના સપનાં આળસ મરડી બેઠા થાય છે. નવયૌવના કહે છે કે... 

કાલ તો હવે વડલા ડાળે ઝૂલશું લોલ,

કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ.

સૌરાષ્ટ્રના નવાગામમાં રહેતા ૧૦૦ વર્ષના અપરણિત કુરજીબાપાએ ૬૦ વર્ષે વડલા વાવવાનું શરુ કર્યું.  સ્વજનોની સહાય વિના, કોઈ સરકારી ગ્રાંટ વિના અને શ્રીમંત દાતાઓના દાન વિના એકલે હાથે નવાગામના પંથકમાં પાંચ હજાર વડલા તેમણે ઉછર્યા છે. પોતાની બધી જ સંપત્તિ સમાજને ધરી દઇને બાપાએ ત્રિકમ, પાવડો ખને ખભે પાણીનું માટલું લઇને વડલા ઉગાડવાનો આ યજ્ઞા શરૂ  કર્યાે. એક વૃક્ષ રોપ્યા પછી ઝટપટ ન વધતા વડ ફરતે કાંટાની વાડ કરવી પડે, નિયમિત પાણી પાવુ પડે. પછીથી પૂરા ત્રણ વર્ષની જહેમત પછી એ જાતે વધવા સક્ષમ બને છે. સાચા અર્થમાં વૈષ્ણવજન એવા કુરજીબાપા જાણે ઉમાશંકર જોશીની પંક્તિઓને સાર્થક કરે છે કે 'વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ !'

ઇતિ 

ઈચ્છાઓથી મુક્ત થવું તે ધ્યાન. 

-સ્વામી રામતીર્થ

Tags :