Get The App

શિયાળામાં ઘરને હૂંફાળું રાખવા... .

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં ઘરને હૂંફાળું રાખવા...                                    . 1 - image

આ વર્ષે શિયાળાએ મહાનગરમાં પણ સરસ જમાવટ કરી છે. સામાન્ય રીતે ગરમીમાં શેકાતા અથવા વાયુ પ્રદૂષણને કારણે ગરમ વાતાવરણમાં રહેવા ટેવાયેલા શહેરીજનોથી ઝાઝી ટાઢ સહન નથી થતી. આવામાં ઠંડીથી બચવાના સરળ ઉપાય તેમને હુંફ આપી શકે છે.

તમે ઘરમાં હો ત્યારે સવારના ભાગમાં ઘરમાં તડકો આવતો હોય તે દરમિયાન ઓરડાની બારીઓ ખુલ્લી રાખો. તડકાને કારણે ઘરનું વાતાવરણ હુંફાળુ લાગશે. પરંતુ સાંજે બહારના વાતાવરણમાં ટાઢક વધુ હોવાથી ઓરડાની બારીઓ બંધ કરી દો, જેથી રૂમની ગરમી બહાર ન  નીકળી જાય અને ઠંડો પવન ઘરમાં ન આવે.

આ ઉપરાંત ઓરડાને હુંફાળો રાખવા ફરસ પર ગાલીઓ પાથરી રાખો. ગાલીચાને કારણે રૂમ પણ થોડો ગરમ રહેશે અને તમારા ખુલ્લા પગ ઠંડી ફરસને નહીં અડે. આ સિવાય પગમાં સ્લીપર પણ પહેરી રાખી શકાય. તમારા ઘરમાં સરસ મઝાના કુશન હોય તો તે સોફા પર ગોઠવી દો. સોફા પર બેસીને ખોળામાં કુશન મુકવાથી પણ ઠંડી ઓછી લાગશે.

દરવાજા નીચેની તિરાડ ઢાંકવાનો પ્રયત્ન કરો. તિરાડમાંથી આવતી ઠંડી હવાથી પણ રૂમમાં ઠંડક પ્રસરવાની ભીતિ રહે છે. વધુ કાંઈ ન કરી શકો તો દરવાજા પાસે જાડું પગલૂછણિયું મુકી દો. તિરાડમાંથી આવતી ઠંડી હવા આપોઆપ અટકી જશે.

એક્ઝોસ્ટ ફેન ચલાવવાનું ટાળો અને ઘરની કલમદાની પણ બંધ રાખો. સાથે બારી પર જાડા પડદા લગાવી દો. પડદા જેટલા જાડા હશે એટલો ઓરડો વધુ હુંફાળો રહેશે.

જોકે શહેરમાં શિયાળો લાંબો નથી ટકતો તેથી વિદ્યુતરોધક લગાવવાનો કોઈ અર્થ નથી સરતો. વાસ્તવમાં તેને કારણે ચોમાસામાં લિકેજ થતું હોય તો સમસ્યા સર્જાઈ શકે.

ઓરડાને હુંફાળો રાખવા રૂમમાં મીણબત્તી પેટાવી શકાય. વળી આજે બજારમાં  અનેકજાતની સુગંધી મીણબત્તીઓ (આરોમા કેંડલ્સ) પણ મળે છે. મીણબત્તી પેટાવવાથી રૂમમાં હુંફ અને સુગંધ બંને પ્રસરશે.

શક્ય હોય તો ઘરના બધા સભ્યો એક રૂમમાં બેસો. આમ કરવાથી પણ ઓરડામાં ગરમાટો આવી જશે. હા, આ સમય દરમિયાન અન્ય ઓરડાના દરવાજા બંધ રાખો જેથી તમારા ઓરડાનો ગરમાટો બીજા ઓરડાઓમાં પ્રસરી ન જાય.

જોકે શિયાળાની ઠંડીમાં પણ ગૃહિણીઓને રસોઈ બનાવતી વખતે આપોઆપ ગરમાટો મળી રહે છે. ગરમીના દિવસોમાં જે ચૂલા પાસે ઊભા રહીને રાંધતી વખતે પરસેવાથી રેબઝેબ થઈ જવાતું હોય છે, શિયાળામાં એ ચૂલો જ હુંફાળો લાગે છે.