- આટલું જાણી લો...
સામાન્ય રીતે દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા અથાગ પ્રયત્ન કરતી હોય છે. જીવનમાં સફળ થયેલા મહાનપુરુષોએ અથાગ પરિશ્રમ ઉપરાંત નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડયું હોય છે. એક વાત તો સ્પષ્ટ છે કે ગધેડાની માફક મહેનત કરવાથી સફળતાના શિખરે પહોંચાતું નથી.
અન્યો સાથે એવો જ વ્યવહાર કરો, જેવો તમે અન્યો પાસેથી અપેક્ષા રાખો છો.
જીવનમાં ડગલે ને પગલે નવી નવી વ્યક્તિઓની ઓળખાણ થતી રહેતી હોય છે. જેમાંથી થોડા પરિચયો વિસરાઇ જાય છે, થોડી વ્યક્તિઓ સાથે કામ પૂરતો મર્યાદિત સંબંધ રહે છે તો વળી કોઇ ચોક્કસ વ્યક્તિ સાથે ગાઢ મિત્રતા બંધાઇ જાય છે. નવા મિત્રો કરવા, પરંતુ જૂની મિત્રતાનું મહત્વ ઓછું કરવાની ભૂલ કરવી નહીં. ''હવે મારે શું ગરજ'' એવી મતિ રાખી જૂના સંબંધો તોડવાની હીનતા પર ઊતરવું નહીં.
'માણસ માત્ર, ભૂલને પાત્ર' એ ઊક્તિ અનુસાર જીવનમાં ઘણી ભૂલો તો થવાની જ છે. પરંતુ એ ભૂલને સ્વીકારી લેવાનો સંકોચ કરવો નહીં. થયેલ ભૂલને સ્વીકારી લેવાથી જ સફળતાના સોપાને ચઢી શકાશે. પોતાનો જ ક્કકો ખરો રાખી અન્યો સાથે વાદવિવાદ કરવાથી થયેલ ભૂલ વારંવાર થશે એટલું જ નહીં બીજી વખત ભૂલ થશે તો તેને સુધારવાની તક નહીં મળે.
'જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા' ગજા ઉપરાંત ધન ખરચ કરવાની આદત રાખવી નહીં. આમદાનીમાંથી 'થોડું પણ' બચાવવાની કુશળતા દાખવી. બચાવેલું ધન જરૂર પડે ઉપયોગમાં લઇ શકાય જેથી અન્યો પાસે હાથ લંબાવવો પડતો નથી. ધન સિવાયની અન્ય મહત્વની વસ્તુ છે 'શક્તિગજા' ઉપરાંત પરિશ્રમ કરવો નહીં. જેટલી શક્તિ હોય તેટલી જ મહેનત કરવી જેથી દરેક કાર્ય શાંતિથી થાય ઉતાવળે કરેલ કાર્યમાં ધારેલી સફળતા મળતી નથી હોતી.
કોઇનો પણ આભાર માનવામાં કંજૂસાઇ કરવી નહીં. જીવનમાં મદદરૂપ થયેલ વ્યક્તિનો આભાર હૃદયપૂર્વક માનવામાં જ ડહાપણ સમાયેલું છે. 'એણે મારું કાર્ય કરીને કોઇ ઉપકાર નથી કર્યો, ભૂતકાળમાં મેં પણ મારાથી થતી મદદ કરી હતી.' તેવી વિચારસરણી રાખનાર કદી સફળ થતાં નથી. જીવનચક્ર તો ચાલતું રહે છે પરંતુ કદી સફળતાને સોપાન ચઢી શકતાં નથી. એટલું જ નહીં થયેલ ભૂલ તરફ આંગળી ચીંધનાર વ્યક્તિનો પણ આભાર માનવો જરૂરી છે. 'સારું થયું તમે ધ્યાન દોર્યું, ભવિષ્યમાં પણ વારંવાર ધ્યાન દોરતાં રહેજો. એવું કહેવાનો સંકોચ રાખવાનો નહીં. સમાજમાં ઘણી સફળ થયેલ વ્યક્તિઓ એવી પણ જોવા મળે છે કે, તેઓ અન્યનું સાંભળતા જ નથી હોતા. ઘણા ઉપરી અધિકારીઓને કોઇ કર્મચારીની ભૂલ દાખવો તો તેઓને ગમતું નથી હોતું એનું પરિણામ એ આવે છે કે ભૂલ કરનાર વ્યક્તિ વધુને વધુ ભૂલ કરતો જ જાય છે એટલું જ નહીં ભૂલ કરનાર વ્યક્તિ પણ પાછો ગર્વથી ફરે છે. અને તેમાં નુકસાન જે બૉસ સાંભળતો નથી તેને જ થાય છે.
'મહેરબાની' શબ્દ બોલવાની આદત પાડવી એટલું જ નહીં વાણીમાં નરમાશ તથા મીઠાશ લાવવી. પરિવારજન ઘરનોકર, ઑફિસ સહ-કર્મચારી, ઉપરી અધિકારી વગેરે સાથે 'સૉસ્ટ સ્પૉકન' ની નીતિ અપનાવવી પરંતુ સાથેસાથે વાણી આત્મવિશ્વાસ હોવો જોઇએ.
પ્રશંસા મેળવનાર વ્યક્તિની પ્રશંસા કરવામાં રાજકારણ ખેલવું નહીં. પ્રશંસા મેળવનાર પાત્રની કદર કરવાની નીતિ અપનાવવી.
ડરપોક ન બનશો બહાદૂર બનો. કાંઇ નહીં તો બહાદૂર બનવાનો અભિનય કરવાથી બહાદૂરી આવી જશે.
- નાની અમથી વાત પર પણ ધ્યાન આપો. સફળતા મેળવવાની તક ધીમે પગલે આવી શકે છે. તેથી એવું ન થવા પામે કે આવેલી તક હાથમાંથી સરી જાય.
અન્યોને પણ સાંભળવાની આદત પાડો. ઘણી વ્યક્તિઓને બોલબોલ કરવાની આદત હોય છે. સામેની વ્યક્તિને બોલવાની તક જ નથી આપતી એટલું જ નહીં ઘણી વખત તો એવું પણ જોવામાં આવે છે કે સામેની વ્યક્તિ બોલતી હોય તો તેને પુરું સાંભળ્યા વિના પોતાનું બોલવાનું ચાલું રાખે. અન્યોને સાંભળવાની આદતથી તેઓના સારા-ખરાબ અનુભવોથી લાભ ઉઠાવી શકાય.
'ક્રોધ અગ્નિ કરતાં પણ વધુ બાળે છે' તેથી ક્રોધ પર કાબુ મેળવવામાં જ ડહાપણ છે. ઘણી વખત કસમયનો ગુસ્સો સુધરેલી વાતને બગાડવામાં કારણભૂત નીવડે છે. તેથી ગુસ્સા પર કાબુ પામતા શીખવું આવશ્યક છે. એટલું જ નહીં ક્રોધથી ભભૂકતી વખતે કોઇ પણ પગલું ભરવું નહીં.
સ્વયંમાં આત્મવિશ્વાસ જગાવવો અને જીવનનો કોઇ લક્ષ્ય નિર્ધારિત કરવો. લક્ષ્ય વગરનું દરેક ડગ અંધારામાં તીર ફેંકવા સમાન બને છે.
ગપ્પાગોષ્ટી કરી માનસિક તાણથી છૂટકારો મેળવવાનો પ્રયાસ ઉત્તમ છે. પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું કે તેમાં કિંમતી સમય વેડફાઇ ન જાય અને મહત્વનાં કાર્ય કરવાનાં બાકી રહી જાય.
જીવન-સંગ્રામમાં એક વખત હારી જવાથી નિરાશ ન થવું, સફળતા મેળવવાની કોશિશ ચાલૂ રાખવી.
કપરામાં કપરા કાર્યને પણ અશક્ય ન સમજવું.
'ના', કહેવાની 'ના' નથી. પરંતુ નનૈયો ભણતાં પણ આવડવો જોઇએ. 'ના' કહેતાં શીખવું સભ્યતા તથા સહજતાથી 'ના' કહેવું.
હરીફને કદી નબળો અથવા મૂરખ ન સમજવો.
'આ કામ મારાથી નહીં થાય' તેવું કહેવાની બદલે 'લાવો એક વાર કાર્ય કરવાની કોશિશ કરી જોઉં' તેમ કહેતાં શીખવું.
કોઇપણ કાર્ય કર્યા વગર છોડી ન દેવું જેથી ભવિષ્યમાં એ તક ગુમાવી દેવાનું દુઃખ થાય.
કરેલા પરિશ્રમનું સદાય સમ્માન કરતાં શીખવું, પછી ભલે એ નોકર દ્વારા કરેલો પરિશ્રમ હોય.
'મને સમજ નથી પડતી તમારે સમજાવવું પડશે' આ વાક્ય બોલતા સંકોચ કરવો નહીં. ઘણી વ્યક્તિઓને કોઇ કાર્ય કરવાનું કહેવામાં આવે અને તે કામ તેણે કદી કર્યું ન હોય અને ફક્ત માથું ધૂણાવી 'હા, હા' કર્યા કરે અને પછી તે કાર્યને સફળતાથી પાર ન પાડી શકે. એવી ભૂલ કરવી નહીં.
ક્ષમા માંગવામાં સંકોચ ન રાખવો. માફી માંગતી વખતે સામી વ્યક્તિની વય, જાતિને મહત્વ આપવું નહીં. ભૂલ કબૂલ કરવી એ મહાનપુરુષના ગુણ છે.
નિષ્ફળ થતાં નિરાશ ન થવું. ફરી પ્રયત્ન કરવો. જીવન પ્રયત્નનું જ નામ છે.
વાત કરતી વખતે સામી વ્યક્તિની આંખમાં આંખ મેળવી વાત કરવી.
અન્યોની આશાઓને નિરાશામાં ફેરવવામાં નિમિત્ત ન બનવું.
અન્યોને સ્વયંના કામ અથવા વ્યાપારનું રહસ્ય ન બતાવવું. ઘણી વખત એવા કિસ્સાઓ જોવા મળે છે કે જેને કાર્ય શીખવ્યું હોય તે જ ધક્કો મારી આગળ ધપી જતાં હોય છે. સામાન્ય રીતે ઑફિસમાં આ પ્રકારનું રાજકારણ ડગલે ને પગલે ખેલાતું જોવા મળતું હોય છે. 'નસીબમાં હશે તો સફળતા મળશે' એમ વિચારી મહેનત કરવાનું ઓછું ન કરવું. અથવા તો હતાશ થઇ 'મને ખબર જ હતી કે મને સફળતા મળવાની જ ન હતી' તેવા વિચારો રાખવા નહીં. જીવનમાં કેટકેટલાય સંઘર્ષ વેઠયા બાદ જ સફળતાના શિખરે પહોંચાતું હોય છે. એનું તાજંુ જ ઉદાહરણ ફિલ્મક્ષેત્રના અમિતાભ બચ્ચન છે. કેટકેટલીય કસોટીમાંથી તેઓ હિંમત રાખી પાર પડી સફળતાએ પહોંચ્યા છે. આજે આ વયે પણ તેમનું મહત્વ છે. એ એજ બતાવે છે કે હતાશ થવાની બદલે હિંમતથી કાર્ય કરતા રહો.
- નીપા


