મહિલાઓમાં થાઈરોઈડ સ્વાસ્થ્યઃ લક્ષણો અને સંભાળ
ગરદનની પાછળના હિસ્સામાં આવેલી પતંગિયા આકારની નાનકડી ગ્રંથી થાઈરોઈડ ચયાપચય, ઊર્જાના સ્તર અને એકંદર શારીરિક ક્રિયાને નિયંત્રિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
ખાસ કરીને મહિલાઓ માટે થાઈરોડનું સ્વસ્થ રહેવું વધુ મહત્વનું છે કારણ કે તેની વિકૃતિથી મહિલાઓની ફળદ્રૂપતાથી લઈને માનસિક આરોગ્ય સુધી જીવનના વિવિધ પાસા પર અસર પડી શકે છે.
થાઈરોઈડ વિકૃતિના લક્ષણો વહેલા ઓળખી લેવાથી સમયસર મેડિકલ સારવાર મેળવવામાં અને તેની અસરકારક સંભાળ કરવામાં સહાય મળે છે.
હાઈપર-થાઈરોઈડીસમઃ
જ્યારે થાઈરોઈડ અતિ સક્રિય હોય
થાઈરોઈડ ગ્રંથિમાંથી વધુ પ્રમાણમાં થાઈરોઈડ હોરમોનનો સ્રાવ થાય છે તેને હાઈપર-થાઈરોઈડીઝમ કહેવાય છે. આવા સમયે થાઈરોઈડ વધુ પ્રમાણમાં સક્રિય હોય છે. એનાથી શરીરની ચયાપચય ક્રિયા ઝડપી થાય છે અને તેને યોગ્ય રીતે નિયંત્રિત ન કરવામાં આવે તો હતાશ કરી મુકનારા અનેક લક્ષણો દેખાય છે. આવા સમયે જે લક્ષણો દેખાય છે તેમાં મુખ્ય છેઃ
૧. વજનમાં અસાધારણ ઘટાડોઃ
થાઈરોઈડ વધુ પ્રમાણમાં સક્રિય થતા મહિલાઓ સામાન્ય અથવા વધુ ભૂખ લાગતી હોવા છતાં તેમના વજનમાં નોંધપાત્ર ઘટાડો અનુભવે છે.
૨. ઝડપી અથવા અનિયમિત હૃદયના ધબકારા
થડકાટ, હૃદયના ઝડપી ધબકારા અથવા અનિયમિત લયને અવગણશો નહિ. હૃદયની કામગીરીમાં કોઈપણ અનિયમિતતા ચેતવણી પણ હોઈ શકે.
૩. પસીનો વધુ થવો અને ગરમી સામે સંવેદનશીલતા
ગરમીમાં અથવા ભારે વ્યાયામ પછી પસીનો થવો સ્વાભાવિક છે, પણ વધુ પ્રમાણમાં અથવા ન સમજાય તેટલા પ્રમાણમાં પસીનો થવો અને ગરમી સહન ન થઈ શકવી હાઈપર-થાઈરોઈડીસમના લક્ષણો છે.
૪. ગભરાટ અને ચિંતા
કોઈપણ સ્પષ્ટ કારણ વિના અસાધારણ ચિંતા, ચિડિયાપણુ અથવા ગભરાટનો અનુભવ થાય ત્યારે ચોક્કસપણે ગાયનોકોલોજીસ્ટનો સંપર્ક કરવો અથવા થાઈરોઈડના સ્તર જાણી લેવા.
૫. કંપન
હાથ અને આંગળા ધૂ્રજવા અથવા કંપન થવું પણ અતિ સક્રિય થાઈરોઈડનું લક્ષણ છે.
૬. થાક અને સ્નાયુઓની નબળાઈ
અતિ સક્રિયતા અને બેચેની હાઈપર-થાઈરોઈડીસમના સામાન્ય લક્ષણો છે. જો કે અતિ સક્રિયતા હોવા છતાં મહિલાઓને થાક અને ખાસ કરીને સ્નાયુઓમાં નબળાઈ લાગે એ પણ થાઈરોઈડ વિકૃતિની નિશાની છે.
૭. ઊંઘ મેળવવામાં પરેશાની થવી
રાત્રે ઊંઘવામાં થતી તકલીફ, વારંવાર અનિદ્રાની સમસ્યા થવી અથવા રાત્રે ઊંઘ ઉડી જવી હાઈપર-થાઈરોઈડીસમના લક્ષણો છે.
૮. માસિક પેટર્નમાં ફેરફાર થવા
માસિક ચક્ર અનિયમિત થાય ત્યારે થાઈરોઈડની ચકાસણી અવશ્ય કરાવી લેવી. હળવા અથવા અનિયમિત માસિક ચક્ર અથવા કેટલાક કિસ્સામાં માસિક ન આવવું થાઈરોઈડ વિકૃતિની નિશાની છે.
હાઈપો-થાઈરોઈડીસમઃ
જ્યારે થાઈરોઈડની સક્રિયતા સામાન્ય કરતા ઓછી હોય
હાઈપર-થાઈરોઈડીસમથી વિપરીત નિષ્ક્રિય થાઈરોઈડમાં પૂરતા પ્રમાણમાં થાઈરોઈડ હોરમોન નથી બનતા. આ સ્થિતિને કારણે શરીરની ચયાચય ક્રિયા ધીમી પડે છે અને આરોગ્યની સમસ્યાનો ભ્રમ કરે તેવા વિવિધ લક્ષણો દેખાય છે. હાઈપો-થાઈરોઈડીસમના કેટલાક લક્ષણો નીચે મુજબ છેઃ
૧. અસાધારણ વજન વધારો
આહાર યોગ્ય પ્રમાણમાં લેવાતો હોવા છતાં અને વ્યાયામ કરવા છતાં વજન વધતું હોય ત્યારે હાઈપો-થાઈરોઈડીસમની સમસ્યા હોવાની સંભાવના રહે છે.
૨. થાક અને આળસ
સતત થાક અને સુસ્તીનો અનુભવ થતો હોય તો તેને હાઈપો-થાઈરોઈડીસમનો સંકેત કહી શકાય. સતત થાકની લાગણી થવી અથવા સામાન્યપણે સુસ્તીનો અનુભવ થવો એ સારા આરોગ્યની નિશાની નથી.
૩. ઠંડી સહન ન થવી
ગરમી સહન ન થવી એ હાઈપર-થાઈરોઈડીસમનું લક્ષણ છે તો ઠંડી બિલકુલ સહન ન થવી એ હાઈપો-થાઈરોઈડીસમની નિશાની છે.
૪. ત્વચા અને વાળ સુકા પડવા
હાઈપો-થાઈરોઈડીસમમાં ખાસ કરીને મહિલાઓમાં ત્વચા અને વાળ સુકા પડી જવાની ફરિયાદ રહે છે. શક્ય છે કે મોઈસ્ચરાઈઝર પણ કામ ન કરે અને વાળ વધુને વધુ સૂકા અને નિષ્ચેતન બનતા જાય.
૫. સાંધા અને સ્નાયુની પીડા
સાંધા અને સ્નાયુમાં પીડા અથવા જકડાઈ જવાની સમસ્યા પણ હાઈપો-થાઈરોઈડીસમનો સંકેત આપે છે.
૬. હતાશા અને સ્મરણશક્તિ ઓછી થવી
હાઈપો-થાઈરોઈડીસમની સમસ્યા ભોગવતી મહિલાઓને સતત હતાશાની લાગણી થાય છે અને તેમને સ્મરણ સંબંધી સમસ્યા રહે છે.
૭. કબજિયાત
ચયાપચયની ક્રિયા ધીમી પડતા પાચન સંબંધિત સમસ્યા અને ખાસ કરીને કબજિયાતની ફરિયાદ રહે છે.
૮.માસિક અનિયમિતતા
ભારે અથવા અનિયમિત માસિક ચક્ર હાઈપો-થાઈરોઈડીસમ ભોગવતી મહિલાઓમાં સામાન્ય છે.
થાઈરોઈડીસમની ચકાસણી
થાઈરોઈડ વિકૃતિના અનેક પ્રકારના લક્ષણો હોવાથી પોતાના શરીર પર ધ્યાન આપવું અને આવા લક્ષણો દેખાય તો તુરંત મેડિકલ સલાહ મેળવવી. ખાસ કરીને થાઈરોઈડ સ્ટિમ્યુલેટીંગ હોરમોન (ટીએસએચ), ફ્રી ટી૪ અને ક્યારેક ટી૩ના સ્તરની ચકાસણીકરવાથી થાઈરોઈડની સમસ્યાનું નિદાન થઈ શકે છે. ડોક્ટરની સલાહથી આવી ટેસ્ટ નિયમિતપણે કરાવી શકાય.
થાઈરોઈડની અસરકારક સારવાર અને સંભાળમાં જાગૃકતા પ્રથમ પગથિયું છે. મહિલાઓએ થાઈરોઈડ વિકૃતિના સંભવિત લક્ષણો ઓળખી લેવા જોઈએ અને થાઈરોઈડ સંબંધિત સમસ્યાની પુષ્ટી માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
વહેલું નિદાન અને સમયસરની સારવાર જીવનની ગુણવત્તા સુધારી શકે છે આથી જાણકારી તેમજ અગમચેતી રાખવી જરૂરી છે.
થાઈરોઈડના લક્ષણો પરત્વે ધ્યાન રાખીને અને તેની અસરો સમજીને મહિલાઓ તેમના થાઈરોઈડના સ્વાસ્થ્યને નિયંત્રણમાં રાખી શકે છે અને સમયસર સારવાર સુનિશ્ચિત કરી શકે છે.