Get The App

આ રીતે સુધારે મેદસ્વી વ્યક્તિ તેની બોડી ઈમેજ

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
આ રીતે સુધારે મેદસ્વી વ્યક્તિ તેની બોડી ઈમેજ 1 - image

એક સમયે હૃષ્ટપુષ્ટ સુડોળ કાયા ધરાવતી યુવતીઓને સૌથી વધુ સુંદર માનવામાં આવતી હતી, પરંતુ આજની પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત બની લોકોએ

સૌંદર્યની પરિભાષા જ બદલી નાખી. હવે સ્લિમ- ટ્રિમ યુવતીઓને વધુ સુંદર માનવામાં આવે છે. જેના કારણે મોટા ભાગની જાડી યુવતીઓ મનમાં લઘુતાગ્રંથિથી પીડાવા લાગી છે. સ્લિમ-ટ્રિમ દેખાવાના મોહમાં તે ઘણી વાર એવાં પગલાં ભરે છે કે જેનાથી શરીરનું થોડુંઘણું આકર્ષણ હોય છે તે પણ ગાયબ થઈ જાય છે. એટલે જો તમે ખરેખર આકર્ષક દેખાવા ઇચ્છતાં હો તો તમારી બોડી ઈમેજ પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ રાખો.

જો તમારો ભાઈ તમને 'જાડી' કહીને ચીડવતો હોય તો અથવા તમારી સાસુ તમને વજન ઓછું કરવાની સતત સલાહ આપે છે અથવા પતિ કહે છે કે જે બ્લેક સૂટ તમે ગયા વર્ષે પહેર્યો હતો એ આ વર્ષે તમારા શરીર પર શોભતો નથી તો આ વાતને મહત્ત્વ આપ્યા વિના તમારા શરીર પ્રત્યે ધ્યાન આપો. વજનને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરો અને સમતોલ આહાર લો. અનીતાને જુઓ. તે કોલેજ કાળમાં ખૂબ જ જાડી હતી. કોલેજના બધા છોકરા તેની મશ્કરી કરવામાંથી ઊંચા જ આવતા નહોતા. છોકરાઓની મશ્કરીથી તે ગુસ્સે થતી નહોતી, પરંતુ તેને પોતાની ખામીઓની ધીરે ધીરે અનુભૂતિ થવા લાગી હતી. તેણે ધીરે ધીરે સ્થૂળતા દૂર કરવાના પ્રયાસો કર્યા. આજે અનીતાને સુંદરી તરીકે ઓળખવામાં આવે છે. જો અનીતાએ બીજી છોકરીઓની જેમ આ વાતને ગંભીરતાથી લીધી હોત તો આજે તે કોઈ માનસિક રોગનો ભોગ બની હોત. જ્યારે મોડલ્સ અથવા અભિનેત્રીઓ ખુદને મેઈન્ટેઈન કરી શકે છે તો તમે એવું શા માટે ન કરી શકો? હા, એટલું જરૂર ધ્યાનમાં રાખજો કે શરીરને આકર્ષક બનાવવામાં જેટલો વધુ સમય લાગે છે એનાથી ઓછો સમય તેને બગાડવામાં લાગે છે. ધ્યાનમાં રાખો કે એક જ રાતમાં તમે તમારી બોડી ઈમેજ બદલી ન શકો. ઘણા પ્રયાસો પછી જ તમે પરિવર્તન લાવવામાં સફળતા મેળવી શકશો.

-   સૌપ્રથમ અરીસા સામે ઊભા રહી તમારી બોડી ઈમેજ બરાબર નિહાળો. એક વિવેચક તરીકે નહીં, પરંતુ મિત્ર તરીકે પોતાને તપાસો. આ સમયે તમને લાગે કે તમારા નિતંબ વધુ સ્થૂળ અથવા બાવડાં વધુ ફૂલેલાં છે, તો એવું વિચારતી વખતે તમારી ભાવનાઓને કાબૂમાં રાખો. નિરાશામાં ઘેરાઈ જઈને ક્યાંય પણ જવામાં ખચકાટ અનુભવશો નહીં પણ વિનાસંકોચે જાઓ.

-  તમારા શરીર પ્રત્યે તમે કેવો દૃષ્ટિકોણ રાખો છો તે તમારા શબ્દોમાં લખો. મતલબ તમારી અંદર તમે કેવા પ્રકારનું પરિવર્તન ઇચ્છો છો, કેમ કરીને વધુ સારી રીતે બીજાની સામે તમારી જાતને રજૂ કરવા ઇચ્છો છો વગેરે લખો. કોઈની સાથે ક્યારેય સરખામણી ન કરો.

-  એવા અખબાર-સામયિકોનું વાંચન કરો કે જેનાથી તમારા વ્યક્તિત્વને નિખારવામાં મદદ મળે. એ સ્ત્રીઓ પાસેથી પ્રેરણા લો કે જેની પાસેથી તમને કંઈક શીખવાનું મળે. એ જરૂરી નથી કે આ સ્ત્રીઓ ખૂબ પ્રસિદ્ધ હોય. તે તમારી સંબંધી અથવા તમારી મિત્ર પણ હોઈ શકે છે.

-  લોકોને તમારા બાહ્ય દેખાવ કરતાં તમારા સ્વભાવથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરો. અસલી સુંદરતા તો તમારો સ્વભાવ અને અવાજ જ છે. તમારા શરીરને સુડોળ રાખવા માટે નિયમિત કસરત કરો. કસરતથી તમારી જીવનશૈલીમાં ઘણો ફેરફાર આવશે. તમારા શરીરને આકર્ષક બનાવવા યોગ્ય ફિટિંગવાળાં વો પહેરો. ડાર્ક શેડ તથા મોટી ડિઝાઈનના પોશાક પહેરો. સમયાનુસાર લાઈટ કે ડાર્ક મેકઅપ કરો.

-  તમારા પર કયા પ્રકારનો પોશાક વધુ શોભી ઊઠશે એ માટે કોઈ ફેશન ડિઝાઈનરની સલાહ લો.

-  તમારી હેરસ્ટાઈલમાં પણ ફેરફાર કરો, કારણ કે ન્યૂ હેરકટ તમને નવી ઓળખ આપશે. ડાયેટિશિયનની સલાહ મુજબ મેનુ પ્લાન બનાવો. તેનાથી આચરકૂચર ખાવાથી બચી જશો સાથે પૌષ્ટિકતા આપે તેવા ખાદ્યપદાર્થોનું સેવન પણ વધુ કરશો. 

-   તમારી સ્થૂળતાને છુપાવવાના પ્રયાસો કરવા કરતાં વ્યક્તિત્વને સ્માર્ટ દર્શાવવાના પ્રયાસ કરો. એવું ન વિચારો કે પાતળી વ્યક્તિ જોવામાં વધુ સુંદર હોય છે. જો તે યોગ્ય રીતે ન રહે અને તેના કરતાં કોઈ સ્થૂળ વ્યક્તિ વધુ સરસ અને સજીધજીને રહે છે તો તે પાતળા કરતાં  વધુ સ્માર્ટ  દેખાય છે.