ચહેરા પર દેખા દેતા સફેદ વાળથી માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરૂષો સુધ્ધાં લઘુતાગ્રંથિ અનુભવે છે. મહત્વની વાત એ છે કે તાણભરી જીવનશૈલીમાં આજે ૩૦થી ૩૫ વર્ષની વયના યુવાનો અને યુવતીઓના ચહેરા પર સફેદ વાળ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં કરવું શું એવી મૂંઝવણ અનુભવાય તે સહજ છે. નિષ્ણાતો કહે છે કે થોડી કાળજી અને કેટલાંક સોંઘા-સરળ ઉપાયો અજમાવવાથી તમે ચહેરા પર આવતાં સફેદ વાળ ખાળી શકો છો. તેઓ આ ઉપાયો-નુસખાઓ વિશે વિગતવાર જાણકારી આપતાં કહે છે..,
- ચણાનો લોટ : ચણાના લોટમાં થોડું મધ અને થોડાં ટીપાં લીંબુનો રસ નીચોવો. તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડીવાર પછી આ મિશ્રણનો હળવે હાથે ચહેરા પર મસાજ કર્યા પછી ચહેરો ધોઈ લો. આમ કરવાથી તમારી ત્વચા પર રહેલા મૃત કોષો દૂર થશે અને ચહેરા પર સફેદ વાળ આવતાં અટકશે અથવા તેની પ્રક્રિયા ધીમી પડશે. તમે આ પ્રયોગ સવાર-સાંજ, એમ બે વખત પણ કરી શકો છો.
- અખરોટ-મધ : અખરોટમાં પ્રચૂર પ્રમાણમાં વિવિધ પ્રકારના વિટામીન અને પ્રોટીન હોય છે જે ચહેરા પરના સફેદ વાળ દૂર કરવામાં અસરકારક પુરવાર થાય છે. આ પ્રયોગ માટે અખરોટને મિક્સરમાં દળી લો. ત્યાર બાદ તેમાં થોડું મધ નાખીને સારી રીતે ભેળવો. આ મિશ્રણ ચહેરા પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઈ લો.
- ટી ટ્રી ઑઈલ-લવંડર ઓઈલ : ટી ટ્રી ઑઈલ અને લવંડર ઑઈલ એન્ટિ-એન્ડ્રોજેનિક હોવાથી તે ચહેરા પર આવતા વાળની પ્રક્રિયા ધીમી પાડે છે. તેથી જો તમારા ચહેરા પર ઝડપથી અને વધુ વાળ આવતાં હોય, સફેદ વાળ દેખા દેતાં હોય તો બંને તેલના પાંચ પાંચ ટીપાં મિક્સ કરો. હવે તેને રૂના પૂમડામાં લઈને ચહેરા વાળ પર લગાવો. થોડીવાર સુધી તે ચહેરા પર રહેવા દો. ત્યાર પછી ચહેરો ધોઈ લો.
- સંતરાની છાલ : થોડાં સંતરા લઈને તેની છાલ તડકામાં સુકવી લો. તે એકદમ સુકાઈ જાય ત્યાર પછી મિક્સરમાં દળી લો. હવે બે ચમચી જેટલી દળેલી છાલ લઈને તેમાં દહીં નાખી પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. ત્યાર પછી ચહેરો ધોઈ લો. સંતરામાં પ્રચૂર પ્રમાણમાં વિટામીન સી અને એન્ટિઑક્સિડંટ્સ હોવાથી તે ચહેરા પર સફેદ વાળ આવતાં ખાળે છે.
- હળદર-ગુલાબજળ : થોડી દળેલી હળદરમાં ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવીને થોડીવાર માટે રહેવા દો. હવે ચહેરો ધોઈ લો. આ બંને વસ્તુઓનું મિશ્રણ ચહેરા પર સફેદ વાળ આવતાં રોકવામાં મદદ કરશે. તમે ચાહો તો આ પ્રયોગ દિવસમાં બે વખત, એટલે કે સવાર-સાંજ પણ કરી શકો છો.


