Get The App

જરૂર હતી ત્યારે નહોતા, તેમની હવે જરૂર નથી

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
જરૂર હતી ત્યારે નહોતા, તેમની હવે જરૂર નથી 1 - image

- રિલેશનના રિ-લેશન - રવિ ઇલા ભટ્ટ

- આપણી અંદર સ્થિરતા લાવીને એક જ બાબત યાદ રાખવાની કે જ્યારે આપણે જરૂર હતી ત્યારે જે લોકો નહોતા તેને હવે સાથે રાખવાની જરૂર જ નથી. આપણી પીડા, આપણા આંસુ, આપણા સંઘર્ષમાં સાથે રહેલાને આપણે માથે બેસાડીએ પણ ત્યજીને ગયેલાને આપણે ફરી અપનાવીએ તેવી ભુલ ન કરવી જોઈએ. 

થોડા દિવસ પહેલાં એક ગેટ ટુ ગેધરમાં જવાનું થયું હતું. વીસ-પચ્ચીસ વર્ષ જૂના મિત્રોનું એક ગેટ ટુ ગેધર હતું. બધા લોકો પરિવાર સાથે પ્રી દિવાળી પાર્ટી કરવા ભેગા થયા હતા. અંદાજે બસ્સોથી વધારે લોકો હતા. આ પાર્ટી દરમિયાન લોકો એકબીજા સાથે સંબંધો કેવા હતા, કેવી મજા કરતા હતા, કેવો આનંદ કરતા હતા, કેવા તોફાન કરતા હતા અને એકબીજાને કેવા કામ લાગતા હતા તેની વાતો કરતા હતા. બધાની વચ્ચે નિ:સ્વાર્થ સંબંધ હતા. બધા એકબીજાનું ધ્યાન રાખતા હતા, મદદ કરતા, રેફરન્સ આપતા હતા. હજી તેમનું જોડાણ અકબંધ હતું. તેમાંથી ઘણા લોકો તો એવા હતા જે મિત્રના પહેલા દિવસથી અત્યાર સુધી એકબીજા સાથે જોડાયેલા હતા અને એકબીજા સાથે પારિવારિક સંબંધ હતા. જીવનના તમામ તડકા-છાંયડા સાથે જોયા હતા. એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરી હતી. એક રૂપિયાની ચોકલેટ ખવડાવવાથી માંડીને હોટેલમાં ગર્લફ્રેન્ડને જમવા માટે લઈ જવાની મદદ કરવા સુધીની દરેક વાતો વાગોળાઈ હતી. આવા લોકોના સંબંધ લાંબા ટકે છે તેનું એક જ કારણ છે કે તેમાં માત્ર ઉપયોગ કરવાનો સ્વાર્થ નથી. તેમાં ભુલ થાય તો સામેની વ્યક્તિની અને સારું થાય તો મારું કરેલું જેવી કોઈ વાત જ નથી. બસ અખૂટ અને અસ્ખલિત સ્નેહ અને સ્વાર્થ વગરનો સંબંધ છે. હવે બીજી એક વાત કરું જેનો અનુભવ તો ચોક્કસ થયો હશે.

તમે ક્યારેય અનુભવ કર્યો છે કે, તમારી સાથે પાંચ-સાત વર્ષથી વાત ન કરી હોય એવા લોકો અઠવાડિયામાં બે-ત્રણ વાર ફોન કરવા માંડે, અથવા તો વોટ્સએપ ઉપર મેસેજ મોકલવા માંડે, તમારી સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર લાઈક અને કોમેન્ટ કરવા લાગે. આ સિવાય એવા પણ લોકો છે જે તમને ફોન કરે, ખબર અંતર પૂછે, પરિવારની ખબર પુછે અને પછી ધીમે રહીને સ્વાર્થની સરવાણી વહાવીને કહે કે, યાર એક કામ છે. દોસ્ત એક નાનકડી મદદ જોઈએ છે. પેલા સાહેબ સાથે તારે કેવો સંબંધ છે, મારું નાનકડું કામ છે, તું પ્લીઝ વાત કરજે ને. હમણાં ફલાણા સાહેબ સાથે તારો ફોટો જોયો હતો. ફેસબુક ઉપર તારો ફોટો હતો, તારે તેમની સાથે કેવા રિલેશન છે. મારી એક ફાઈલ તેમના ડિપાર્ટમેન્ટમાં અટકી છે પ્લીઝ થોડી હેલ્પ કરી દેને. હમણાં તું પેલી યુનિવસટીમાં લેક્ચર આપવા ગયો હતો. તારી ત્યાં કેવી ઓળખાણ છે. મારી દીકરી એ યુનિવસટીમાં એડમિશન લેવાનું વિચારે છે, કદાચ તારી જરૂર પડશે તો તું થોડી હેલ્પ કરજે ને. 

સમાજમાં, આસપાસમાં, કુટુંબમાં અને કદાચ એમ કહીએ કે એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આવી પ્રજાતીમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં યુવાવસ્થામાં સફળ થયેલા કે પછી થઈ રહેલા લોકોને આવી પ્રજાતીના પરોપજીવીઓનો વધારે સામનો કરવાનો આવી રહ્યો છે. આ લોકોની લાગણી જ એવી હોય છે કે, જે વ્યક્તિ હાથમાં આવે તેનો લાભ લઈ લઈએ, તેનું કરી નાખીએ અને તેનો યુઝ કરીને પછી ડિસ્પોઝેબલ આઈટમની જેમ તેને ક્યાંક ફેંકી દઈએ. 

આ વાત મારી અને તમારી છે. જે લોકો હાલમાં સફળ છે, અથવા સફળ થઈ રહ્યા છે અને એકાએક તેમના મિત્રો, સ્વજનો, હિતેચ્છુઓ વગેરેમાં વધારો થવા લાગ્યો છે તેમણે આ સમજવા જેવી બાબત છે. તમે જ્યારે પ્રયાસ કરતા હતા, તમે જ્યારે શૂન્ય હતા, તમે જ્યારે પીડામાં હતા, તમે જ્યારે આધાર અને મદદ શોધતા હતા ત્યારે આ લોકો તમારી પાસે નહોતા. તમારી લાગણીઓ જ્યારે અકાળે મરવા પડી હતી ત્યારે આ કહેવાતા સ્વજનો તેને વધારે ટુંપો દેવા માટે પ્રયાસ કરતા હતા. તમે બે ભાઈઓ ઝઘડીને છૂટા પડી જાઓ અને બંને દુ:ખી થઈ જાઓ તેમાં તેમને વધારે રસ હતો. એક દીકરો પોતાના પરિવારને છોડીને બીજા શહેરમાં જતો રહે કે કોઈની દીકરીનું લગ્નજીવન ભાંગી જાય તેમાં આ લોકોને વધારે રસ હોય છે. 

તેની સામે જ્યારે તમે સફળ થવા લાગો, તમારી પીડામાંથી બહાર આવવા લાગો, તમારે ચોક્કસ આઈડેન્ટિટિ ઊભી થવા લાગે, સમાજમાં તમારું નામ ચર્ચામાં આવે એટલે પરિસ્થિતિ બદલાવા લાગે છે. તમારી સફળતાના ગોળ ઉપર આ ગંધથી ભરેલી માખીઓ બણબણવા લાગે છે. અચાનક તેમને તમારી સાથેનું સગપણ યાદ આવી જાય છે, અચાનક તેમને મિત્રતા ફૂટે છે. તમારા ભૂતકાળમાં કે બાળપણમાં તમે બંને કેવા સાથે હતા, તમારો પરિવાર અને તેમનો પરિવાર કેવી રીતે રહેતા હતા તેવી કથાવાર્તાઓ તેમના મુખે આવી જાય છે. આ લોકોને ખરેખર તો તમારી જરૂર હોય છે, તમારી સફળતાનો લાભ લેવો હોય છે અને તમે જે મેળવીને બેઠા છો તેનો ક્યાંકને ક્યાંક જશ ખાટવો છે અથવા તો તેના થકી પોતાને કંઈક આગળ વધવું છે.

એકાએક સંબંધો તાજા કરવા પાછળનું કારણ તમારા પ્રત્યેની લાગણી નહીં પણ તમારો પાવર, તમારી પોઝિશન, તમારી પોપ્યુલારિટી, તમારી પ્રોપર્ટી અને તમારા પૈસાના કારણે તેઓ પાછા આવે છે. તમારી પડતીમાં, તમારા સંઘર્ષમાં મોઢું ફેરવી લેનારા, સમય નહીં હોવાની વાતો કરનારા કે મારી કોઈ પરિસ્થિતિ નથી તેવી પોકળ વાતો કરનારાને તમારી સફળતા આકષત કરવા લાગે છે. આ સમયે સ્કૂલ કે કોલેજમાં એડમિશન કરાવવા માટે, જમીન કે પ્રોપર્ટી લેવા માટે, સરકારી કામ કરાવી આપવા માટે, વાહન ખરીદવા કે વેચવા માટે, પેન્શન ઓફિસનું કે સરકારી ઓફિસનું કામ કઢાવી આપવા માટે, મંત્રી કે નેતા અથવા અભિનેતા સાથે તસવીરો લેવા માટે તમારી આગળ પાછળ ફરવા લાગશે.

નાની ઉંમરે સફળ થનારા કે પછી એકલા હાથે સફળતા મેળવનારા લોકો માટે આ અનુભવ ખૂબ જ સહજ છે. તેઓ જ્યારે સંઘર્ષ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, રસ્તા શોધતા હોય છે, કામ શોધતા હોય છે, આગળ વધવા પ્રયાસ કરતા હોય છે ત્યારે તેમની આસપાસ આખું મેદાન ખાલી હોય છે. તેઓ ઘણી વખત મદદ માટે આસપાસ નજર કરે, એકાદ આધાર શોધે, ક્યારેક સમસ્યાઓના ઘોડાપૂરમાં ફસાયા હોય અને એક તણખલું પણ શોધે ત્યારે કોઈ હોતું નથી. જે લોકો હોય છે તેઓ દૂર થતા જાય છે અથવા તો એક અંતર જાળવે છે. મોટાભાગના લોકોનું એવું હોય છે કે, એને કરવા દે, આપણે શું... કદાચ કંઈક આઘુપાછું થયું તો આપણી બદનામી થાય. ધારો કે એ નિષ્ફળ ગયો તો આપણે કરેલી મદદ, આપણે આપેલા પૈસા કે આપણે બતાવેલો સોર્સ એળે જાય. આવા લોકોને માત્ર પોતાનામાં જ રસ હોય છે. તેના કારણે તેઓ તમારાથી દૂર હોય છે. 

મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં ઉતર્યો ત્યારે તો તેનામાં જુસ્સો હતો, આક્રોશ હતો, બધું જ જીતી લેવાની ખેવના હતી, દ્રોપદીનો બદલો લેવાની કટ્ટર ભાવના હતા, પોતાનો હક મેળવવાની ઈચ્છા હતી પણ જ્યાં સામેની તરફ પોતાના સગાઓને જોયાં કે તેનું ગાંડિવ ધ્રુજવા લાગ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણને તે સવાલ કરે છે, સામે બધા જ મારા છે. મારા પિતરાઈ ભાઈઓ છે, મારા બનેવી છે, મારા દાદા છે, મારા ગુરુ છે, મારા મિત્રો છે, મારા સગા છે અને આ બધાની સામે મારે યુદ્ધ કરવાનું. ત્યારે ભગવાને બહુ જ સરસ સમજાવ્યું હતું કે, તારા છે તો પછી સામે કેમ છે. જે લોકો માત્ર સ્વાર્થનો જ સંબંધ છે તેમને સાથે રાખવા પણ કેમ છે. 

બીજી એક બાબત પણ સમજવા જેવી છે કે, જે લોકો એકલાહાથે સફળ થયા છે, નાની ઉંમરે મહેનત કરીને આગળ આવ્યા છે તેમનામાં જતું કરવાની ભાવના વધારે હોય છે. આ લોકો ક્યારેક ઈમોશનલ ફુલ બની જતા હોય છે અથવા તો રહેતા હોય છે. સંઘર્ષના સમયે ધક્કો મારનારો જ્યારે તેમની સફળતાનો આનંદ લેવા આવે ત્યારે તેને થાય છે કે, મરશે... જવા દો ને યાર... છે તો આપણો પોતાનો જ ને... ના. આવી ભુલ ક્યારેય ન કરવી જોઈએ. જેણે તમને સંઘર્ષમાં છોડી દીધા, જેણે તમારા આંસુઓ સામે જોવાની પણ તસદી લીધી નહોતી, જેણે તમારી પીડા સામે નજર કરી નહોતી, જેને તમારા ડુસકાં સંભળાયા નહોતા તેને હવે તમારા હાસ્યમાં, તમારા આનંદમાં કે તમારી જાહોજલાલીમાં શા માટે સાથે રાખવા જોઈએ. 

તમે મેળવેલી સફળતા, તમારી જીતીલી બાજી, તમે મેળવેલી પ્રસિદ્ધિ, તમારી ખ્યાતી કે તમારી નામનાનો લાભ એ લોકોને શા માટે આપવો જોઈએ. જે લોકો આપણા દુ:ખમાં પડખે નહોતા તેમને સુખમાં તો રાખવા જ ન જોઈએ. એ લોકોની ફાઈલ ક્લીયર કરાવવી કે તેમના સંતાનોને એડમિશન અપાવવા કે તેમના પોલિસ કેસ સોલ્વ કરી આપવા, કે જમીનની મેટર ઉકેલી આપવી કે ડિસ્કાઉન્ટ કરાવવું કે બીજું કોઈપણ કામ આપણે શા માટે કરી આપવું જોઈએ. અહીંયા ડિસરિસ્પેક્ટ કરવાની કે તેમનું અપમાન કરવાની વાત નથી. આપણે તે લોકોથી અંતર જાળવવાનું છે જેવું તેઓ પહેલાં જાળવતા હતા. આપણે કામ નથી કરવું તેવું નથી કહેવાનું પણ મારાથી નહીં થાય, મને માફ કરો કહીને પૂરું કરી દેવાનું છે. 

આપણી અંદર સ્થિરતા લાવીને એક જ બાબત યાદ રાખવાની કે જ્યારે આપણે જરૂર હતી ત્યારે જે લોકો નહોતા તેને હવે સાથે રાખવાની જરૂર જ નથી. આપણી પીડા, આપણા આંસુ, આપણા સંઘર્ષમાં સાથે રહેલાને આપણે માથે બેસાડીએ પણ ત્યજીને ગયેલાને આપણે ફરી અપનાવીએ તેવી ભુલ ન કરવી જોઈએ.