Get The App

હાથેથી ખાવાની મજા જ કંઈક ઓર છે : એમાં વિજ્ઞાન છે, અસભ્યતા નહિ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
હાથેથી ખાવાની મજા જ કંઈક ઓર છે : એમાં વિજ્ઞાન છે, અસભ્યતા નહિ 1 - image


હાથેથી ખાવાની બાબતને ઘણીવાર જૂનવાણી અથવા અસ્વચ્છ આદત તરીકે જોવામાં આવે છે, પણ વાસ્તવમાં આ પ્રથાના મૂળ આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી છે. ઉપરાંત તેના સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ પણ છે. ભારત, ઈથોપિયા, મધ્યપૂર્વ તેમજ દક્ષિણપૂર્વના કેટલાક દેશો સહિત વિશ્વના અનેક સમાજમાં હાથેથી ખાવાની આદતને તેમની ખોરાક સંસ્કૃતિનો અંતરંગ હિસ્સો માનવામાં આવે છે.

હાથેથી ખાવાની પદ્ધતિ ભોજનના સંવેદાનત્મક અનુભવને વધારવા ઉપરાંત ભોજન પ્રત્યે સભાનતા કેળવવામાં તેમજ પાચનક્રિયા બહેતર કરવામાં મદદ કરે છે. જો કે આ પદ્ધતિનું સુરક્ષિતપણે પાલન કરવા સ્વચ્છતાના યોગ્ય ધોરણ જાળવવા પણ જરૂરી છે. તો ચાલો હાથેથી ખાવા સંબંધિત ગેરમાન્યતાઓ, હકીકતો, લાભ તેમજ તેની સાથે સંકળાયેલ જોખમો વિશે જાણી લઈએ.

પહેલી ગેરમાન્યતા : હાથેથી ખાવનું અસ્વચ્છ અને જૂનવાણી આદત છે

હકીકત : પ્રચલિત માન્યતાથી વિપરીત હાથેથી ખાવું સ્વચ્છ આદત છે. ભારત જેવી સંસ્કૃતિમાં હાથ સ્વચ્છ કરવા ધાર્મિક વિધિનો મહત્વનો હિસ્સો છે. આ બાબતે કરાયેલા અભ્યાસો અનુસાર આપણા હાથોમાં કુદરતી તેલ અને ઉત્સેચકો હોય છે જે ખોરાકના ઘટકોને ભાંગવામાં મદદ કરીને પાચન ક્રિયાને વધુ સક્ષમ બનાવે છે. જો કે ભોજન શરૂ કરવા અગાઉ હાથની સ્વચ્છતાની ખાતરી કરી લેવી.

બીજી ગેરમાન્યતા : જમવા માટે હાથનો ઉપયોગ અમુક જ સંસ્કૃતિમાં થાય છે

હકીકત : વિશ્વભરની અનેક સંસ્કૃતિઓમાં હાથેથી ખાવાનો રિવાજ છે. ભારત ઉપરાંત ઈથોપિયા, સઉદી અરબ, આફ્રિકાના કેટલાક દેશો તેમજ દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં હાથેથી ખાવાની સમૃદ્ધ પરંપરા છે.

ત્રીજી ગેરમાન્યતા : હાથેથી ખાવાની આદતથી વધુ ખવાય છે

હકીકત : હાથેથી ખાવાની પદ્ધતિથી ભોજન પ્રત્યે સભાનતા કેળવાય છે. આપણએ જ્યારે ખોરાકને સ્પર્શ કરીએ છીએ ત્યારે એકથી વધુ ઈંદ્રિયો સક્રિય થાય છે અને આપણે શું તેમજ કેટલું ખાઈએ છીએ તેના પ્રત્યે જાગૃકતા કેળવાય છે. આ સભાનતા હકીકતમાં વધુ પડતા સેવનથી બચાવે છે.

હાથેથી ખાવાના લાભ

પાચન ક્રિયા બહેતર બને છે: ખોરાકને સ્પર્શ કરવાથી પાચન પ્રક્રિયા ઉત્તેજિત થાય છે જેનાથી વધુ પ્રમાણમાં પોષક તત્વો શોષાય છે. વધુમાં આંગળાના ટેરવા પરના છેડા મગજને સંદેશ મોકલીને પેટને પાચનક્રિયા માટે તૈયાર રહેવાની અને તમે પ્રથમ કોળિયો ભરો તે પહેલા તો પેટને પાચનક્રિયા માટે તૈયાર રહેવાનો સંદેશ મોકલી દે છે.

ભોજન પ્રત્યે સભાનતા: ભોજન માટે હાથોનો ઉપયોગ કરવાથી તેના સ્વાદ અને બનાવટનો આનંદ મળી શકે છે જેનાથી ભોજન પ્રત્યે સભાનતા કેળવાય છે.  સંવેદાત્મક જોડાણમાં થયેલા વધારાથી ખોરાક પ્રત્યે એક પ્રકારનો લગાવ થાય છે જેનાથી ભોજન વધુ સંતોષજનક તેમજ માણવાલાયક બને છે.

પરંપરા સાથે જોડાણ : ખાસ કરીને હાથેથી ખાવાની આદત તમને તમારી સંસ્કૃતિના મૂળ સાથે જોડીને પરંપરા અને ઓળખની લાગણી જન્માવે છે. આ પ્રથા સામાજિક એકતાને પણ પ્રોત્સાહન આપે છે કારણ કે અનેક સમુદાયો હાથેથી ખાવાની પ્રથાને લોકોને એકત્ર કરનારો સામુદાયિક અનુભવ માને છે.

હાથેથી ખાવાના જોખમો

સ્વચ્છતા સંબંંધિત ચિંતા : હાથેથી ખાવું સ્વચ્છ આદત હોઈ શકે પણ દૂષણ ટાળવા હાથની પૂરતી સ્વચ્છતા જાળવવી જરૂરી છે. જમવા અગાઉ હાથ ધોવાનું ટાળવાથી બેક્ટિરીયા ફેલાવવાનું જોખમ રહે છે જેનાથી ચેપ તેમજ આહારજન્ય બીમારી થઈ શકે છે.

ગંદકી : કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે જેને હાથેથી ખાવાથી ગંદકી થઈ શકે છે, પણ, આવી અસ્વસ્થતા સામે તમને કોઈ હરકત ન હોય તો આગળ વધો. જો કે તૈલયુક્ત અથવા ગ્રેવીયુક્ત ખોરાક માટે વધારાના નેપકીનની જરૂર પડી શકે, જેના કારણે  ઔપચારિક ભોજન સમારંભમાં ક્યારેક અગવડનો સામનો કરવો પડે છે.

હાથેથી ભોજન કરવું એ માત્ર એક પરંપરા નથી, પણ તેનાથી થનાર લાભનો  વૈજ્ઞાનિક આધાર પણ છે. હાથેથી ખાવાની આદત બહુવિધ ઈંદ્રિયને સક્રિય કરીને ખોરાક સાથે તમારી સંવેદનાને જોડે છે તેમજ ખોરાક પ્રત્યે સભાનતા કેળવે છે. છતાં, સંભવિત જોખમો ટાળવા ભોજન પહેલા હાથની સ્વચ્છતાની ખાતરી કરી લેવી, કારણ કે અસ્વચ્છ હાત ચેપ ફેલાવીને આરોગ્ય સંબંધિત મુદ્દા ઉપસ્થિત કરી શકે છે.

માટે હાથેથી ખાવાની પદ્ધતિને જૂનવાણી અને અસભ્યતા ગણીને ધિક્કારવાના સ્થાને આપણા પૂર્વજોની જેમ તેના સાંસ્કૃતિક અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મેળવો, પણ પહેલા હાથની સ્વચ્છતા ભૂલશો નહિ.

- ઉમેશ ઠક્કર

Tags :