દિનેશ અને તેની પત્ની ઉમલા તેની દીકરી સીમાના લગ્નના ૩ મહિના પછી તેની ઘરગૃહસ્થી જોવા જયપુર જઈ રહ્યા હતા. પૂરા રસ્તે તેમની વાતચીતનો વિષય એ જ રહ્યો કે તેમની લાડલી છોકરી ઘરગૃહસ્થી કેવી રીતે સાચવતી હશે? લગ્ન પહેલાં તો તેને ભણવામાંથી જ નવરાશ નહોતી મળતી. તેમણે તેમની દીકરીને બધું શિખવાડયું છે, પણ શીખવામાં અને જવાબદારી ઉઠાવવામાં ફરક છે અને આ જ ફરક તેમને ચિંતિત કરી રહ્યો હતો કે કોણ જાણે ત્યાં જઈને શું જોવા મળે.
જ્યારે તેમણે સીમાનું ઘર ખૂબ સજાવેલું અને વ્યવસ્થિત જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેમને જલદી સમજાઈ ગયું. ઘરનું કામ સીમા જેટલું કરે છે તેટલું જ જમાઈ રવિ પણ જાણતો હતો. જવાબદારીનો અનુભવ બંનેને હતો. તેથી બંને આ જવાબદારીનો આનંદ ઉઠાવી રહ્યા હતા.
ઉમલા આશ્ચર્યચકિત હતી કે તેમની દીકરીની ગૃહસ્થીમાં જમાઈ સમાન ભૂમિકા ભજવી રહ્યો છે. બંને ક્યારેક પોતાની અજ્ઞાાનતા પર સાથે મળીને હસતા, તો ક્યારેક કુશળતા પર પીઠ થપથપાવતા. 'ફલાણું મહિલાનું કામ', 'ફલાણું પુરુષનું કામ' ની ઝંઝટના બદલે જે કામ આવડે તે કરે અને જે કામ ન આવડે તે કરવાનો પ્રયાસ બંને કરતા. દિનેશ આશ્ચર્યથી દીકરીને ગાડી ધોતા, તેની સવસ કરતા અને જમાઈને ઝાડુ લગાવતા, શાક સમારતા જોઈ રહ્યો હતો.
રવિ શરૂઆતથી જ ક્યારેક શિક્ષણ માટે, તો ક્યારેક નોકરી માટે પરિવારથી દૂર એકલો રહ્યો, ત્યાં તેણે તેનું દરેક કામ જાતે જ કરવું પડતું હતું. બહારનું ખાવાનું ન ગમતું હોવાથી તે જાતે ખાવાનું બનાવતો. સીમા સાથે લગ્ન પછી સારી વાત એ બની કે તે ખડૂસ પતિ બનવાને બદલે સીમાનો સાચા અર્થમાં સાથી બની ગયો.
સીમાનાં માતાપિતાએ દીકરી-જમાઈને આ રીતે પતિપત્ની રૂપે જોવાની કલ્પના સપનામાં પણ નહીં કરી હોય. તેમને ખુશહાલ જોઈને દિનેશ વિચારવા મજબૂર થઈ ગયો કે ક્યારેય આ વાત તેની સમજમાં કેમ ન આવી?
પરિવર્તન સમાજના માત્ર રીતરિવાજમાં નથી થતું, પણ તેના સભ્યની ભૂમિકામાં પરિર્વતન ડિમાન્ડ પણ કરે છે. આપણે આ નવી ભૂમિકા મુજબ વર્તન કરીએ, તો જીવન સરળ, સહજ થઈ જાય છે.
પહેલાંના જમાનામાં જે પણ હતું, વર્તમાનમાં જે છે અસંગત છે, આ બેધારી તલવારથી અલગ વિચારીએ, તો જોશો કે પહેલા પરિવારમાં મહિલાઓની સંખ્યા એટલી વધારે રહેતી હતી કે તેમને પુરુષની મદદની જરૂર જ નહોતી પડતી. ઘરેલુ બાબતથી તેમને દૂર રાખવામાં આવતા હતા. નાનીમોટી સમસ્યા તે બધા જાતે ઉકેલી લેતા હતા. ત્યાં સુધી કે કેટલીય વાત ઘરના પુરુષ સભ્યો સુધી પહોંચતી જ નહોતી.
તેની વિપરીત આજે પતિપત્ની વચ્ચે ગૃહસ્થીની ઝંઝટ છે. કોઈ મદદ નથી મળતી, કોઈ સલાહ આપતું નથી. આ સ્થિતિમાં પત્ની ઈચ્છે છે કે પતિ મદદ કરે અને પતિ ગુસ્સે થાય કે તેને શું ખબર આ વિશે.
કેટલાય વડીલો કહે છે કે હાલના નવપરિણીતને જુઓ, લગ્ન થતા જ એકબીજા સાથે ઝઘડવા લાગે છે. અમે તો લગ્નના ૧૦ વર્ષ સુધી એકબીજા સાથે ઊંચા અવાજમાં વાત સુઘ્ધાં નહોતા કરતા.
જો લગ્ન થતા જ ઝઘડાના કારણ પર ઘ્યાન આપો, તો જોશો કે તે એકદમ નાનીનાની વાત હોય છે જેમ કે 'તું સામાન કેમ ફેલાવે છે?', 'તેં આજે માત્ર એક શાક કેમ બનાવ્યું?', 'તેં નળ બંધ ન કર્યો?', 'તેં શર્ટ પ્રેસ ન કર્યો?', 'તો શું હું ડુંગળી કાપું?'
આ એવી સ્થિતિ હોય છે, જેમાં મહિલાની નાનીમોટી જવાબદારીથી સ્થિતિ કફોડી હોય છે અને પુરુષ સમજતો નથી કે તેની સ્થિતિ કેવી છે, તો શું? મહિલાઓનું આ જ તો કામ છે. તેની મમ્મી પણ કરતી હતી. પછી તેની પત્નીને આ બધું કરવામાં મુશ્કેલી કેમ? તે માત્ર આટલી વાત સમજતો નથી કે તેની મમ્મી એકલી આ બધું નહોતી કરતી. તેમની સાથે કાકી, દાદી, ભાભી બધા કરતા હતા અને જીવનમાં ક્યારેક કર્યું, પણ ગૃહસ્થી ત્યારે કમ સે કમ ૧૦-૧૫ વર્ષ જૂની થઈ ગઈ હતી. આજે પણ મોટાભાગની છોકરીઓ ઘરગૃહસ્થી સંબંધિત હાઈટેક જ્ઞાાન સાથે સાસરીમાં આવે છે. દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથેસાથે માતાપિતા તેને તે વ્યવહારિક જ્ઞાાન પણ આપે છે, જેમાં ઘરેલુ કામકાજથી લઈને સારા સંસ્કાર બધું સામેલ હોય છે.
પોતાનું કામ જાતે કરવું જોઈએ. આ સામાન્ય જ્ઞાાન માતાપિતા પોતાના દીકરાને નથી આપતા. તેની જરૂરિયાત મા કે બહેન પૂરી કરે છે. કપડાંથી લઈને જૂતામોજાં સુધી લગ્ન પહેલાં મા, બહેન સંભાળે છે, એ આશા સાથે કે લગ્ન પછી તે બધું કામ વહુ કરશે.
પરંપરાગત માનસિકતા રેતી જેવી છે, જેની પર તમે ચાલો છો, સાથે પાછળ પગના નિશાન પણ રહી જાય છે. કોઈ પણ મહિલા મંડળીમાં વાતચીતનો આ સામાન્ય વિષય હોય છે કે વ્યવસાયમાં નિપુણ તેના પતિ ઘરના કામમાં કેટલા ઉત્તમ છે.
પત્ની નોકરિયાત હોય કે ઘરેલુ, જો પતિ જાતે દેખરેખ કરતા શીખે એટલે કે કપડાં, જૂતામોજાં, ટુવાલ વગેરે માટે પત્નીનું મોં જોયા વિના આ તમામ કિસ્સામાં આત્મનિર્ભર બને, તો કેટલીય સમસ્યાનું સમાધાન આપમેળે થઈ જાય. તેનાથી પુરુષમાં આત્મવિશ્વાસ વધશે, બીજી તરફ પત્ની પોતાના માટે પણ સમય કાઢી શકશે, 'મારું શું, હું તો ગમે તે ખાઈ લઈશ, કંઈ પણ પહેરી હું લઈશ' જેવી ભાવનાથી બહાર આવી તે પણ વ્યક્તિત્વ વિકાસ પર ઘ્યાન આપશે.
આ બાબતે કાવેરીનું ઉદાહરણ ખાસ છે. પતિપત્ની બંને ડોક્ટર છે. કહેવાય છે વ્યવસાય એક હોવાથી પતિપત્ની વચ્ચે સહજ તાલમેલ વધારે હોય છે, પણ ડો. કાવેરી સાથે એવું નથી. તેમના પતિ ડો. પ્રભાત તેની દરેક નાનીમોટી જરૂરિયાત માટે કાવેરી પર નિર્ભર છે. સફાઈ ગમે છે, તેથી દરવાજા પર ડસ્ટ નથી જોઈ શકતા, પણ ક્યારેય જાતે ડસ્ટરને હાથ નથી લગાડતા.
'કાવેરીના હાથથી બનેલી વાનગીની વાત જ અલગ છે' એટલું કહીને નોકરને ફરકવા નથી દેતા. બીજી તરફ કાવેરી પતિની આ ઈચ્છા પૂરી કરવામાં એવી લાગી કે ડિસ્પેંસરી તેના માટે સપનું બનીને રહી ગયું. એક દિવસ એક મિત્રે કહ્યું કે કાવેરીની મદદ કરતો હોય તો સાંભળીને ડો. સાહેબ કહે છે કે શું કરું, મને કંઈ આવડતું જ નથી. જો ડોક્ટર અમન પોતાનું કામ જાતે કરતા અને ઘરેલુ જવાબદારી નિભાવવામાં પત્નીને સાથ આપતા, તો ઘર વ્યવસ્થિત થવાની સાથેસાથે કાવેરી પણ એક સફળ ડોક્ટર બનતી.
અભિપ્રાય એ છે કે જો જરૂરિયાત હોય તો કોઈ પણ પરંપરાની શરૂઆત ક્યારેય પણ કરી શકો છો. નવા જમાનાની નવી ખુશબુદાર માટીમાં એક નવી પરંપરાના બીજારોપણનો યોગ્ય સમય આ જ તો છે. સંતાન દીકરો હોય કે દીકરી ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ કરિયર સિવાય ભાવિ પારિવારિક જીવન માટે હવે દીકરી સમાન દીકરાને પણ તૈયાર કરવો જોઈએ.
જે રીતે સંસ્કારી વહુ જોઈએ તે રીતે દીકરાને સારા સંસ્કાર આપવાનું હોમવર્ક પણ પહેલાં જ કરી લેવું જોઈએ. જો તમામ ક્ષેત્રમાં દીકરીને આત્મનિર્ભર બનાવો છો, તો દીકરાને કેમ નહીં? આજે મહિલાઓ ઘરથી બહાર તમામ સ્થળે સફળ અને મજબૂત કામગીરી કરી રહી છે, તો ઘરનો બોજ પુરુષ માટે વજત કેમ રહે? ગૃહસ્થીથી લઈને ઓફિસ સુધી, આત્મનિર્ભર તો બંનેએ બનવું પડશે, પછી તે દીકરો હોય કે દીકરી.


