- જીવનસાથી જોડે કોઈ મુદ્દે વિવાદ થાય, મતભેદ થાય કે વિખવાદ થાય તો તેનો સમજાવટથી ઉકેલ લાવી દેવો જોઈએ. એકબીજાની વ્યક્તિગત સ્વતંત્રતા, માનમર્યાદા અને લાગણીને ધ્યાનમાં રાખીને સંબંધને સરળ અને સહજ રાખીશું તો સંબંધમાં અંતર નહીં આવે અને ત્રીજી વ્યક્તિને પ્રવેશવાની તક નહીં મળે
લગભગ છ મહિના પહેલાં એક યુગલની વાત આવી હતી. તેઓ રિલેશનશિપ કાઉન્સેલિંગ માટે શોધ કરતા હતા. સુપ્રિયા અને અંકિતના લગ્નને બે વર્ષ થયા હતા. પ્રોફેશનલી જોઈએ હાઈલી ક્વોલિફાઈડ કપલ છે, હાલમાં બંને એક જ છત નીચે અલગ અલગ રહે છે. એક સાથે કોલેજ કરનારા, એકસાથે ફરતા અને આજીવન એકસાથે જ રહેવાના સપનાં જોનારા આ સોફ્ટવેર એન્જિનિયરો હાલમાં એકબીજા માટે એટલા હાર્ડ બની ગયા છે કે, તેમને એકબીજાની સાથે વાત કરવી પણ ગમતી નથી. આ બંને એકબીજાથી દૂર થતાં જાય છે. સુપ્રિયાએ ઘર સંસાર માંડવા પોતાની કેરિયર છોડી દીધી હતી, નોકરી છોડી દીધી. અંકિતે દબાણ નહોતું કર્યું પણ તેણે સ્વેચ્છાએ છોડી દીધી હતી. તેણે લગ્નના પાંચ વર્ષ બાદ ઘરેથી કામ કરવાનું શરૂ કર્યું હતું. તે બેંગ્લોરની એક ફર્મ સાથે વર્ક ફ્રોમ હોમ કોન્ટ્રાક્ટથી કામ કરતી હતી.
લગ્ન પછી થોડો સમય પસાર થયો એટલે અસ્તિત્વ અને વ્યક્તિત્વના સંઘર્ષ શરૂ થયાં. અંકિત વહેલો-મોડો આવે એટલે સવાલો ઊભા થતા, ફોન પર વધારે વાત કરતો દેખાય તો શંકા કરવામાં આવતી. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે અંકિત કંઈપણ કરે કે ક્યાંય પણ જાય ત્યારે સુપ્રિયાના મનમાં એક જ વાત રમતી કે, અંકિતને હવે તેનામાં રસ નથી. તે લગ્નેત્તર સંબંધમાં સેટ થઈ ગયો છે. બંને વચ્ચે વારંવાર આ મુદ્દે ઝઘડા થતાં. સુપ્રિયા કાયમ અંતિકના વાંક કાઢીને ઝઘડો શરૂ કરે પછી પોતે કેરિયરનો ભોગ આપ્યા સુધી જાય અને અંતે તું ક્યાંક લફરામાં છે ત્યાં સુધી પહોંચી જાય. આ કારણે અંકિત હવે સુપ્રિયાથી દૂર રહેવા લાગ્યો હતો. સુપ્રિયા ક્યારેત તેની પાસે જવા પ્રયાસ કરે તો પણ તે ભયથી વધારે દૂર જવા લાગ્યો. તેને હવે પ્રેમ શબ્દથી ભય લાગવા માંડયો હતો.
તેનાથી પણ વધારે ગંભીર બીજી એક ઘટનાની વાત કરું તો તે પણ વર્તમાન સંબંધોની સ્થિતિ માટે ચિંતાજનક બાબત છે. થોડા સમય પહેલાં એક કિસ્સો ચર્ચામાં આવ્યો હતો. વિહાન અને વિદિશાનો કિસ્સો હતો. નોઈડામાં રહેતું આ કપલ એટલા માટે ચર્ચામાં આવ્યું હતું કે, તેમાં વિહાને તેની કથિત ગર્લફ્રેન્ડ અને લિવ ઈન ફ્રેન્ડ વિદિશાની હત્યા કરી હતી. હકિકતે બંને એક હોટેલમાં જખમી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા ખબર પડી કે બંને એકબીજાના પ્રેમમાં હતા. સારવાર દરમિયાન વિદિશાનું મોત થઈ ગયું પણ વિહાન પંદર દિવસે થોડો સ્વસ્થ થયો. તેણે કહ્યું કે, હોટેલમાં અંગત પળો માણવા ભેગા થયેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન વિદિશાએ તેના ઉપર હુમલો કરી દીધો. આ કારણે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને સ્વબચાવ કરવા જતાં ચપ્પુ વિદિશાને વાગી ગયું અને તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.
પોલીસે ઘટનાની વિગતે તપાસ કરી પછી ખબર પડી કે, વિદિશા અને વિહાન એક કંપનીમાં સાથે કામ કરતા હતા. બંને વચ્ચે થોડો કુણો સંબંધ હતો. મહત્ત્વની વાત એ હતી કે બંને પરિણિત હતા છતાં એકબીજા માટે લાગણી ધરાવતા હતા. તેમના કુણા સંબંધો ત્યારે વધી ગયા જ્યારે કોરોનાકાળમાં તેઓ વર્કફ્રોમ હોમ કરતા હતા. દરરોજ કલાકો ઓનલાઈન પસાર કરતા હતા. એકાદ વર્ષ બાદ જ્યારે બધું નોર્મલ થતું ગયું ત્યારે બંનેના કુણા સંબંધો ઓફિસના ખુણા અને હોટેલના રૂમ સુધી પહોંચી ગયા હતા. બંનેને એકબીજા સાથે માત્ર શરીર સુખમાં જ રસ હતો. લગભગ બે વર્ષ આ રીતે હોટેલ અને મિત્રોના ફ્લેટમાં પસાર થયા. વિદિશાએ છૂટાછેડા લઈને લગ્ન કરવાની જીદ પકડી હતી. વિહાન લગ્ન કરવા માગતો નહોતો. તેને જે ચાલે છે તેમ ચાલવા દેવું હતું. હકિકતે તે માત્ર આનંદ કરવા માગતો હતો પણ જવાબદારીમાં પડવા માગતો નહોતો.
આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. અઠવાડિયામાં બે-ત્રણ વખત મળતા અને શરીરસુખ માણતા વિદિશા અને વિહાન હવે મહિને પંદર દિવસે એકાદ વખત મળતા. ઓફિસમાં પણ તેઓ ખાસ એકબીજા સાથે વાત કરતા નહોતા. આ ક્રમ વચ્ચે એક વખત વિહાને ફોન કરીને વિદિશાને બોલાવી. તેણે વિદિશાને ઈમોશનલ કરી અને પહેલાં તેની સાથે શરીરસુખ માણ્યું અને ત્યારબાદ તકનો લાભ લઈને તેનું ગળું કાપી નાખ્યું. વિદિશા ગંભીર થયેલી જોઈને તેણે પોતાની જાતને પણ ચપ્પું મારી દીધું અને હુમલાનો નકલી ખેલ રચી કાઢયો. પોલીસે આ બધું જ તપાસમાં શોધી કાઢયું અને વિહાનને આખરે વિદિશાના હત્યાના કેસમાં જેલ હવાલે કરી દીધો.
આ બંને કિસ્સા એવા છે જે સમાજની વર્તમાન અને વાસ્તવિક સ્થિતિને ક્યાંકને ક્યાંક અને કોઈને કોઈ રીતે રજૂ કરે છે. લગ્ન બાદ દરેકના જીવનમાં સેચ્યુરેશનનો એક તબક્કો આવતો જ હોય છે. કદાચ સમય નાનો-મોટો હોઈ શકે પણ આ તબક્કો આવતો જ હોય છે. મોટાભાગની પત્નીઓને શંકા હોય છે કે તેમનો પતિ બીજે ક્યાંક સેટ છે અથવા લફરાં કરી રહ્યો છે. પોતાનો પતિ લગ્નેતર તરફ કેમ ગયો છે તેની તપાસ કરવા કરતા કોની સાથે છે તે જાણવામાં સ્ત્રીને વધારે રસ હોય છે. કોઈપણ પુરુષને તેની સ્ત્રી મિત્ર અથવા તો સહકર્મીના ફોન આવે કે તેઓ વાત કરે અથવા તો એસએમએસ આવે ત્યારે પત્નીઓના રડાર ફરવા લાગે છે. લગ્નેતર સંબંધો વઘ્યા છે તે વાત સ્વીકારવી જ રહી પણ તેમાં વધારો શા માટે થયો છે તે કોઈ તપાસતું નથી. દરેક પુરુષ માત્ર એન્જોય કરવા કે થ્રિલ માટે કે પછી શોખ ખાતર એવું કરતો હોય છે તેમ માની લેવું ભુલ ભરેલું છે. ઘણી સ્ત્રીઓ સતત તેના પતિના મગજ પર હેમરિંગ કરતી હોય છે. તેમના ઝઘડા દરમિયાન સ્ત્રીઓનું એક જ રટણ હોય છે કે, તારે બીજી સાથે સંબંધો છે. આખરે આ બધાથી કંટાળેલો પુરુષ શાંતિ પામવા અને પત્નીની શંકાને સાચી પાડવા લગ્નેતર સંબંધો બાંધે છે. પુરુષમાં ભ્રમરવૃત્તિ હોય છે તે બધા જાણે જ છે. તેને નાના મોટા ફ્લર્ટ કરવા કે લફરાં કરવા ગમે છે. તેને તેમ કરવામાં સંકોચ પણ નથી થતો. બીજી તરફ હવે સ્ત્રીઓ પણ આ મુદ્દે છૂટછાટ લેતી થઈ છે. તેને પોતાના વખાણ સાંભળવા, કોઈની સાથે કોફી પીવા જવું વગેરે ગમે છે.
પુરુષ પહેલેથી જ બહુગામી હોય છે જ્યારે સ્ત્રી ઈનસિક્યોર હોય છે. દીકરી જ્યારે પહેલી વખત રજસ્વાલા થાય ત્યારથી તેને વજનિટી અને બળાત્કારો અંગે ભયભીત કરી નાખવામાં આવે છે. તે પોતાના શરીર પ્રત્યે સખત પઝેસિવ થઈ જાય છે. તેને શરીરને કંઈક થઈ જવાનો ભય હોય છે. લગ્ન બાદ જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે આ ભય ફરીથી તેના માનસમાં પ્રવૃત્ત થાય છે. તેને સતત થયા કરે છે કે હવે તેના પુરુષને તેનામાં રસ નહીં રહે. આ કરાણે જ ઝઘડાં થતાં રહે છે. હાલના સમયમાં ગૃહિણીઓને વકગ વુમન અને ખાસ કરીને સફળ થયેલી સ્ત્રીઓનો ભય લાગ્યા કરે છે. તેમને સતત એમ થયા કરે છે કે મારો પતિ કોઈ સ્ત્રી સાથે જતો નહીં રહે ને.
બીજી તરફ કેટલાક પુરુષો ઘરમાં સ્થિતિ એવી ઊભી કરી નાખે છે કે તેની પત્ની સ્નેહ, હુંફ અને કદાચ એમ કહીએ કે ઈમોશનલ સપોર્ટ માટે બહારનો આશરો શોધવા લાગે છે. મોટાભાગ વકગ વુમન્સમાં પોતાના કલિગ સાથે ઈમોશનલી એટેચ થવું વધારે સહજ હોય છે. દિવસના આઠ-દસ કલાક સાથે કામ કરતા લોકો એકબીજાની સાથે વધારે કનેક્ટેડ હોય છે અને તેના કારણે અહીંયા પણ લગ્નેતર સંબંધો વિકસવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. એકબીજાની સાથે સમય પસાર કરતા આ મેચ્યોર સ્ત્રી અને પુરુષ ક્યારેક એકબીજાની લાગણીને વધારે સારી રીતે સમજી જાય છે એકબીજા માટે હુંફ આપવાનું કામ શરૂ કરે છે. કેટલાક કિસ્સામાં વિહાન જેવા પુરુષો આવી લગણી શોધતી સ્ત્રીઓને ભોગ બનાવે છે પણ આવું થવું સાહજિક છે.
લગ્નજીવનનો એક સામાન્ય સિદ્ધાંત એવો છે કે, જ્યારે બે વ્યક્તિ એકબીજાથી અંતર જાળવતા થાય, દૂર જતા જાય ત્યારે જે જગ્યા પડે છે તેમાં ત્રીજી વ્યક્તિને પ્રવેશ કરવાનો અવસર મળતો જ હોય છે. દરેકને લગ્નજીવનમાં મુશ્કેલી આવતી હોય છે, ગેરસમજો થતી હોય છે, અણબનાવ થતા જ હોય છે પણ આખરે સામેનું પાત્ર જીવનસાથી છે તેવી સમજ આપણે તત્કાલિન સ્થિતિમાં ગુમાવી દઈએ છીએ. તેના કારણે અંતર જાળવતા થઈ જઈએ છીએ. જો બે પાત્રો જ એકબીજાની નજીક હોય તો ત્રીજાના પ્રવેશનો પ્રશ્ન જ નથી આવતો. પતિ જો ભયના કારણે ઓફિસથી વહેલો ઘરે આવી જાય અને બીજાના વિચારો કરે તેના કરતા ક્યાંક જતો હોય અને તેને ઘરનો વિચાર આવે તો જ તમારો સંબંધ સફળ થયો ગણાય. તેવી જ રીતે પત્ની પણ પોતાની વ્યક્તિગત સ્વતંત્રતાની ઝંખના રાખે અને છતાં પરિવારને પ્રાધાન્ય આપી શકે તો તેવી સ્વતંત્રતાનો વિરોધ ન કરવો જોઈએ. દાંપત્યમાં એકબીજા પ્રત્યે મતભેદ થઈ શકે, વિચારભેદ થઈ શકે પણ આ ઘટનાને મનમાં દબાવી રાખીને મનભેદ તો ન જ હોઈ શકે. દાંપત્યનો પાયો મનભેદથી હાલવા લાગશે તો સંબંધની ઈમારત વધારે ટકશે નહીં.


