પેટને પજવતા ગેસના ઉપાયો છે તમારા કિચનમાં
પેટમાં ગેસ (વાયુ) થવો એ એક કોમન પ્રોબ્લેમ છે જે કોઈ પણ વયની વ્યક્તિને થઈ શકે છે. સામાન્યપણે ખાવાપીવામાં અને પાચનમાં ગરબડ થવાથી ગેસ થાય છે. કાર્બોહાઇડ્રેટસ, ફાઇબર, ખાંડ અને સ્ટાર્ચનું સારું એવું પ્રમાણ ધરાવતી વાનગીઓ ખાવાથી પેટમાં ગેસ પેદા થતો હોય છે. વાછુટ વાટે ગેસ નીકળી જાય તો વ્યક્તિ નોર્મલ રહે છે અને એના રોજિંદા કામકાજમાં કોઈ ખલેલ નથી પડતી, પરંતુ ગેસ નીકળવાને બદલે પાચનતંત્રમાં ભરાઈ જાય ત્યારે મુશ્કેલી ઊભી કરે છે. એને કારણે પેડુમાં સખત દુખાવો ઉપડે છે.
અલબત્ત, પેટમાં ગેસ થવાના બીજા પણ કેટલાંક કારણો છે. સરખું ચાવ્યા વિના ખોરાક ઝડપથી ગળવાથી, કાર્બોનેટેડ ઠંડા પીણાં, આંતરડાની બિમારીઓ, માનસિક ચિંતા અને અમુક પદાર્થ ન પચવાથી પણ ગેસની તકલીફ થઈ શકે છે. જો કે ડાયટમાં નાના અમથા ફેરફાર કરીને પણ ગેસથી છુટકારો મેળવી શકાય છે. ગેસના ઈલાજ માટે દર વખતે ડૉક્ટર પાસે દોડી જવાની કોઈ જરૂર નથી. ગેસનો ઈલાજ મોટાભાગે કિચનમાં જ હાજર હોય છે. ઘરના વડીલો દેશી નુસખા જાણે છે એટલે એમની સલાહ લેવામાં શાણપણ છે. ગેસના ઉપચાર માટેની વસ્તુઓ પર એક નજર કરીએ :
૧. દહીં : આયુર્વેદમાં દહીંને અમૃતની ઉપમા અપાઈ છે કારણ કે એ પ્રાબાયોટિક ફ્રૂડ છે. એમાં આંતરડાંને મદદરૂપ થતા બેકટિરીયા હોય છે. ભોજનમાં નિયમિતપણે દહીં લઈને તમે પાચનની તમામ મુશ્કેલીઓને દૂર રાખી શકો. એ ખોરાકના યોગ્ય પાચનમાં મદદરૂપ થતું હોવાથી પેટમાં ગેસ પણ નથી થતો. દહીં સીધેસીધુ ખાઈ શકાય અથવા એમાં થોડું પાણી ઉમેરી મીઠુ અને જીરું પાણીને પણ લઈ શકાય. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી. ફ્લેવરવાળું કે સેકરીન જેવું ગળપણ મેળવેલું દહીં કદી ન ખાવું.
૨. છાસ : દહીંમાંથી બનતી છાસ પણ પાચન સુધારવામાં મદદ કરે છે અને પેટમાં ગેસ ભેગો નથી થવા દેતી. એ બહુ જ હળવો અને અસરકારક પ્રવાહી ખોરાક છે, જે પેટમાં જમા થયેલી ચરબીનો નિકાલ કરી દે છે. એને લીધે પેટ ભારે નથી લાગતું.
છાસને થોડી હિંગ અને મીઠું નાખીને પીવાથી એ સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાચનમાં પણ વધુ અસરકારક પુરવાર થાય છે.
૩. આદુ : ચામાં આદુ નાખીને પીવા પાછળનું પ્રયોજન પેટમાં ગેસ થતો રોકવાનું છે. શાક અને દાળમાં પણ આદુ આ કારણસર જ નખાય છે. શિયાળામાં આદુના રસમાં મધ નાખીને પીવાથી પણ સ્વસ્થ્ય સારું રહે છે.
૪. અજમો : અજમો પેટમાંથી ગેસ છુટો કરવા માટેનું ઉત્તમ દેશી ઓસડ ગણાય છે. ઘરમાં બાળક પેટમાં દુખાવાની ફરિયાદ કરે એટલે દાદીમા તરત એને અજમાના દાણામાં થોડું મીઠુ ભેળવી ચાવવા આપી દે અને ગણતરીની મિનિટોમં ગેસથી પેટમાં થતો દુખાવો શમી જાય.
૫. જીરુ : એ જ રીતે જીરુ પણ પેટમાં ગેસના ભરાવા, પિત્ત અને અપચાનો ઉત્તમ ઈલાજ છે. ભારતમાં ભોજનની લગભગ દરેક વાનગીમાં વપરાતું જીરું લાળ ઉત્પન્ન કરતી ગ્રંર્થિઓને ઉત્તેજિત કરે છે. એને પગલે ખોરાકનું પાચન વધુ સારી રીતે થાય છે અને પેટમાં વાયુ નથી થતો.
પાણીમાં એક ચમચી જીરુ નાખી એને ઉકાળો પછી પાણીમાંથી જીરાના દાણા ગાળી લઈ એ ઠંડુ થયા બાદ પી જવું. થોડી જ વારમાં તમારો ગેસ ગાયબ થઈ જશે.
૬. એલો વીરા જ્યૂસ : આ અદ્ભુત જ્યુસમાં દાહશામક અને રેચક ગુણધર્મો હોવાથી એ પેટમાંથી ગેસ છુટો કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. પાચન બગડવાથી પેટ ફુલેલુ અને ભારે લાગતું હોય તો એમાંથી પણ એલો વીરાનો જ્યૂસ છુટકારો આપે છે.
૭. લીંબુનો રસ અને બેકિંગ સોડા : આ કોમ્બિનેશન પેટના ગેસની એક બેસ્ટ ટ્રિટમેન્ટ છે. બેકિંગ (ખાવાના) સોડા પેટના એસિડને નિષ્ક્રિય કરી દઈ અપચા અને પેટના ભરાવાનો ઈલાજ કરે છે. બીજી તરફ, લીંબુનો રસ અને બેકિંગ સોડા છાતીમાં બળતરાના ઉપચારમાં પણ મદદરૂપ થાય છે.
પેટમાં વારંવાર ગેસ થવાની કોઈને ફરિયાદ રહેતી હોય તો રોજ જમ્યા પછી નવસેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી સોડા નાખીને પીવાનો નિયમ રાખવો.
૮. આમળા : આમળાનો રસ પણ કોઈ પ્રકારની આડઅસર વિનાની પેટના ગેસને મહાત આપવાનો ઉત્તમ ઉપાય બની રહે છે. આમળા ખાવાથી શરીરમાંથી ઝેરી કીટાણુઓ બહાર ફેંકાઈ જાય છે. ઉપરાંત એનું સેવન પાચનક્રિયાનું વ્યવસ્થિતિ નિયમન કરી કબજિયાત પણ દૂર કરવામાં સહાયક બને છે.
આમળાનો રસ કાઢી એને થોડું પાણી ઉમેરી આછો બનાવો. રોજ સવારે ભૂખ્યા પેટે એ જ્યૂસ પીવાનું રાખો.
૯. વરિયાળી : ભારતીય પરિવારોમાં જમ્યા પછી મુખવાસ પણ અકારણ નથી ખવાતા. મુખવાસરૂપે ખવાતી વરિયાળી પણ અતિ ગુણકારી છે. વરિયાળીમાં એવા કમ્પાઉન્ડ્સ છે જે પાચનતંત્રના માર્ગને રિલેક્સ આપી ભોજનના પાચનને સહેલું બનાવી પેટમાં ગેસ ઉત્પન્ન થવાની શક્યતા સાવ ઘટાડી દે છે. વરિયાળી ગેસ ભેગો થવાથી પેટમાં પડતી આંટીમાંથી છુટકારો અપાવવાનું પણ કામ કરે છે. સામાન્યપણે વરિયાળી જમ્યા પછી મુખવાસમાં લેવાય છે, પરંતુ અમુક જણાં પાણીમાં એક ચમચી વરિયાળી નાખી એને ગરમા કરી ઉકાળારૂપે પીએ છે. એ વધુ રાહત આપે છે.
- રમેશ દવે