અનેક બીમારીનો ઈલાજ કરી શકે એવા રસોડાના મસાલામાં લસણનું સ્થાન મહત્વનું
વાનગીઓને સ્વાદિષ્ટ બનાવનાર એક ખાદ્ય પદાર્થ તરીકેના તથા સ્વાસ્થ્યવર્ધક ગુણધર્મને કારણે લસણનું સદીઓથી આપણા જીવનમાં એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે.તીવ્ર સોડમ અને ખાસ સ્વાદને કારણે લસણ વિર્શ્વભરનાં રસોડામાં મહત્વ પામ્યું છે.
ખાદ્ય પદાર્થોને સ્વાદસુગંધ આપવા ઉપરાંત લસણના અનેક આરોગ્યવર્ધક લાભ પણ છે.આનું કારણ એ કે તેનામાં સલ્ફર સંયોજનો, વિટામિન્સ, મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં છે.
આરોગ્ય માટે અનેક રીતે લસણનો ઉપયોગ થાય છે.પરંતુ પગના તળિયે તે ઘસવું એ તેના બહુ ઓછા પ્રમાણમાં કરાતા ઉપયોગોમાંનો એક ઉપયોગ છે. લસણનાં ઔષધીય તત્વો તળિયામાંની અનેક સ્વેદ(પરસેવાની) ગ્રંથિઓ દ્વારા શોષી લેવાશે, એ તત્વો લોહીના પ્રવાહમાં ભળી જશે અને આરોગ્યવર્ધક લાભ થશે એ માન્યતા આ પ્રયોગ પાછળ રહેલી છે.
લસણમાં વિપુલ પ્રમાણમાં બાયોએક્ટિવ (જીવિત વસ્તુ પર અસર કરનાર) સંયોજનો છે. એમાં સૌથી વધુ નોંધપાત્ર એલિસિન(તીખું તેલયુક્ત પ્રવાહી) છે. એલિસિનમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટીઓક્સિડન્ટ (ઓક્સિકરણથી શરીરને થતી હાનિ અટકાવનાર) તત્વો અસરકારક સ્વરુપે છે. આ ઉપરાંત, લસણમાં વિટામીન સી અને બી ૬, મેંગેનીઝ, સેલેનિયમ અને અન્ય એન્ટીઓક્સિડન્ટસ છે જે એકંદર આરોગ્ય માટે લાભકારક છે. તળિયાં પર લસણની કળીની કે તેની લુગદી(પેસ્ટ)ની માલિશ કરવાથી થતા ફાયદા વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
(૧) જીવાણુનાશક ગુણ ઃ લસણનો આ અસરકારક ગુણ બેક્ટરિઅલ, ફંગલ અને વાયરલ ઈન્ફેકશનનો પ્રતિકાર કરવામાં સહાય કરે છે. તળિયાં પર લસણની માલિશ કરવાથી એથ્લિટસ ફૂટ (પગની દરાજ) જેવી તકલીફોમાં રાહત મળે છે. લસણના મુખ્ય ઘટક એલિસિનમાં વિવિધ સૂક્ષ્મસજીવો છે જે ઈન્ફેકશન થતું અટકાવે છે.
(૨) સોજારોધક ગુણ ઃ સોજો ઓછો કરવાનો લસણનો આ ગુણ ખાસ તો આર્થ્રાઈટિસ જેવી તકલીફોમાં દુથખાવો અને સોજો ઓછાં કરી શકે છે. કંદમૂળ વર્ગની આ વનસ્પતિમાંનું સલ્ફરનું સંયોજન ચોક્કસ પ્રકારના એન્ઝાઈમ્સ (પોતાને બદલ્યા વગર રાસાયણિક પરિવર્તનને વધુ ઝડપથી થવામાં મદદ કરતો પદાર્થ)ને અટકાવીને અને મોલેક્યૂલ (નાનામાં નાના કણ)ને સંકેત આપીને સોજો ઓછો કરે છે. તળિયામાં લસણની માલિશથી કમરની નીચેના શરીરની અસ્વસ્થતામાં રાહત મળી શકે છે.
(૩) રુધિરાભિસરણમાં સુધારો ઃ લસણ રક્તપ્રવાહની ગતિ સરખી કરે છે,રક્ત વાહિનીઓને નરમ રાખે છે અને એ રીતે હ્રદયની તંદુરસ્તી જાળવવામાં સહાયરુપ થાય છે. તળિયામાં તેની માલિશથી કમરની નીચેનાં અંગોમાં લોહી ઝડપથી ફરે છે અને એથી સોજો ઉતરે છે તથા અસ્વસ્થતા દૂર થાય છે.
(૪) ડિટોક્સિફિકેશન ઃ શરીરમાંના ઝેરી પદાર્થ તથા ભારે ધાતુને દૂર કરી શરીરના ડિટોક્સિફિકેશનમાં લસણ ઉપયોગી બને છે. લસણમાંનાં સલ્ફરનાં સંયોજનો શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરનાર યકૃત (લીવર)ની કામગીરીમાં મદદરૂપ થાય છે. ત્વચા દ્વારા ઝેરી તત્વો શરીર બહાર ફેંકાવાની પ્રક્રિયામાં લસણની માલિશ સહાયક બની શકે.
(૫) સ્ટ્રેસમાં રાહત ઃ આમ પણ પગે માલિશ કરવાથી થાક ઉતરે છે અને સારું લાગે છે.એમાં પણ જો લસણની માલિશ હોય તો આ રાહત વધુ પ્રમાણમાં અનુભવાય છે.લસણથી લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે.લસણને કારણે માલિશની પ્રક્રિયા વધુ હળવાશ આપનારી તથા તાણ દૂર કરનારી બને છે.
(૬) ગાઢ ઊંઘ ઃ રાતે સૂતા પહેલાં પગને તળિયે લસણની માલિશ કરો તો સારી ઊંઘ આવી શકે છે.લસણમાં મેગ્નેશિયમ અને શાતાદાયી (મનની ટાઢક આપતાં) સંયોજનો છે જે જ્ઞાાનતંત્રને તાણ મુક્ત કરે છે. માલિશ દરમિયાન લસણના આ ગુણને કારણે સમગ્ર ચેતાતંત્ર હળવું થતાં ગાઢ ઊંઘ આવે છે.
માલિશમાં લસણનો સલામત ઉપયોગ
પગનાં તળિયામાં લસણની માલિશના લાભ અનેક છે પણ લસણના આ રીતના ઉપયોગમાં સાવધાની રાખવી જરુરી છે જેથી કોઈ તકલીફ આપે તેવી પ્રતિક્રિયા(રીએક્શન) સહન ન કરવી પડે. આ માટે ધ્યાન રાખવા જેવી બાબતો આ મુજબ છે.
(૧) લસણની કળીઓને ખલમાં લસોટીને કે મિક્સર દ્વારા તેની પેસ્ટ બનાવો.તેની તીવ્રતા ઓછી કરવા તેને ઓલિવ તેલ કે કોપરેલમાં ભેળવી દો.
(૨ )લસણનું કોઈ એલર્જીક રીએક્શન કે બળતરા તો નથી થતીને તે જોવા માટે સૌ પ્રથમ ત્વચાના થોડાક ભાગમાં જ પેસ્ટ લગાવી જુઓ.
(૩) તળિયામાં અને ખાસ કરીને પગની એડી જેવા પીડાવાળા કે ફંગલ ઈન્ફેકશનની સંભાવના હોય એવા ભાગમાં લસણની પેસ્ટ મિશ્રિત તેલ હળવે હાથે ઘસો.પેસ્ટ ને બદલે ફાવે તો લસણની ફોલેલી કળી પણ ઘસી શકાય.
(૪) ફર્શ પર કે અન્યત્ર લસણના ડાઘા ન પડે તથા પેસ્ટ તળિયાની ત્વચાના સંપર્કમાં રહે તે માટે પગની પાની પર કપડું વીંટાળી દો કે મોજાં પહેરી લેવા.
(૫) એક કલાકથી લઈને ત્રીસ મિનિટ સુધી પાનીને આ સ્થિતિમાં રહેવા દો. પણ જો બળતરા કે અકળામણ થાય તો તરત જ તળિયાં ધોઈ નાખો.
(૬) સમય થતાં હૂંફાળા પાણી અને સાબુ વડે પાની ધોઈ નાખો જેથી લસણના કૂચા દૂર થઈ જાય.
આ ઉપરાંત,લસણને તળિયાં પર ઘસવાથી લોહીમાં ગરમાવો વધે છે અને શરીર ગરમ થવા લાગે છે.આ ગુણ ઠંડીમાં અને ઠંડા પ્રદેશોમાં લાભકારી છે.શરદી,ઉધરસ તથા મોસમી રોગોથી પણ બચી શકાય છે.માનસિક,શારીરિક અને થાક ઓછો કરે છે.
ધ જર્નલ ન્યુટ્રિશના અહેવાલ અનુસાર લસણના ગુણધર્મ હાઈ બ્લડપ્રેશર ઓછું કરવાની, કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવાની અને
- રોગપ્રતિકારક શકિત મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે. લસણ અને અજમાને સરસવના તેલમાં ભેળવીને માલિશ કરવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે.
આપણા રસોડામાં ઘણા એવા મસાલા છે જેનાથી અનેક બીમારીનો ઈલાજ કરી શકાય છે અને આવા મસાલામાં લસણનું સ્થાન મહત્વનું છે. એટલે જ આયુર્વેદના નિષ્ણાતોથી લઈને આહારશાસ્ત્રીઓ સુધીના જાણકારો લસણને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માને છે. રોજિંદા આહારમાં લસણનો સમાવેશ લાભકારક છે પણ સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઇએ.
- મહેશ ભટ્ટ


