Get The App

જુદા વાદળાં છે અષાઢે અષાઢે, છે જુદો વરસાદ અષાઢે અષાઢે

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
જુદા વાદળાં છે અષાઢે અષાઢે, છે જુદો વરસાદ અષાઢે અષાઢે 1 - image


- વાદળો ધરતીની તૃષાની લાગણીનો સંદેશો સાંભળીને ગોરંભાય છે અને પછી પ્રેમના ફોરાં વરસાવી ધરાને સરાબોળ કરી દે છે. માણસ હોય કે વાદળ તેને તરસવાની અને વરસવાની આદત હોય છે. માણસને પણ જો ગમતી લાગણીઓની હુંફ મળે તો અનરાધાર વરસી પડે છે. 

'જુદા વાદળાં છે અષાઢે અષાઢે

છે જુદો વરસાદ અષાઢે અષાઢે,

પ્રતિવર્ષ ચોમાસું આવે છતાયે

અસર એની જુદી અષાઢે અષાઢે,

ફરો હાથમાં હાથ લઈને તમે સૌ

જુદા સૌ મિજાજો અષાઢે અષાઢે,

પડે ઝાપટું ક્યાંક ને ક્યાંક હેલી,

છે જુદા પ્રકારો અષાઢે અષાઢે,

ફાવ્યું તો પલળ્યાં ને થોડું ભીંજાયા

છે જુદા વિચારો અષાઢે અષાઢે.'

ચોમાસું જામતું જાય છે અને કાળા ડિંબાંગ વાદળો બરાબર વરસી રહ્યા છે. આ વરસાદ આમ જોવા જઈએ તો કુદરતની એવી ભેટ છે જે પૃથ્વી પરના તમામ સજીવોને ચેતનવંતી બનાવી દે છે. બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી ચોમાસું કાયમ આપણી પ્રિય તુ રહી છે અને અનાદીકાળ સુધી રહેશે. આ એક જ એવી તુ છે જેમાં કોઈના સંગાથની અછત, ઓછપ, અભાવ બધું જ અનુભવાય છે. આ એવી સિઝન છે જેમાં પહેલાં વરસાદથી જ મન, મસ્તિસ્ક અને સંવેદનાઓમાં ભીનાશ અને માદકતા છવાઈ જાય છે. લાગણીઓના વાદળો આમતેમ દોડાદોડ કરતા હોય છે અને પ્રિયપાત્ર મળી જાય તો તરત જ વરસી પડવાની ઝંખનાઓ પણ ચરમસીમાએ હોય છે. ખાસ કરીને જુવાનીયાઓ તો વરસાદ બાદ બે કાંઠે થયેલી ધસમસતી નદી જેવા ફરતા હોય છે. લોન્ગ ડ્રાઈવ, મકાઈ મસ્તી કે ભજીયાં ખાવાની સાથે ક્યાંક ને ક્યાંક ભીંજાયેલા શરીરોનો પણ નશો થતો હોય છે. વરસાદ બહાર પડતો હોય પણ આંતરમનમાં આનંદની વીજળીઓ ચમકતી હોય છે. પ્રિયપાત્ર સાથે વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક ઔર હોય છે.

વરસાદ એટલે પ્રયાસ અને પ્રવાસ. વરસાદ એટલે તપવાનો પ્રયાસ અને પ્રિયજન સુધી પહોંચવાનો પ્રયાસ. યક્ષ દૂર રહીને તપતો હતો અને તેથી જ તેણે વિરહની વેદના પહોંચાડવા પ્રયાસ કર્યો. વાદળને દૂત બનાવીને પોતાની પ્રિયતમા સુધી પ્રવાસ કર્યો. વરસાદ એટલે મન સુધી પહોંચવાનો પ્રવાસ છે. પાણીનું એક ટીપું જે ધોમધખતો તાપ સહન કરીને વરાળ બને છે. આવા લાખો ટીપાં પોતાની પ્રિય ધરતી સુધી પહોંચા વાદળનું સ્વરૂપ ધારણ કરે છે અને વરસી પડે છે. વરસી જવામાં પણ તે મૂળ સ્વરૂપ છોડતા નથી. વરાળ થયેલું પાણી ફરી ટીપાં સ્વરૂપે ધરતીમાં સમાઈ જાય છે. બંને યથાસ્વરૂપે ભેગા થાય છે એટલે સ્નેહની સોડમ ફેલાવે છે. સંબંધોમાં પણ યથાસ્વરૂપે જ વરસી પડીએ તો તેની પણ સોડમ જળવાય. એક સ્વીકારી લે અને બીજું નીભાવી લે... બસ આ પ્રક્રિયા એટલે વરસાદ. સંબંધોની આ સાહજીકતાને પ્રગટ કરવા જ રમેશ પારેખ લેખે છે,

'અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.'

ઘણા એવા પણ હોય છે જેમને વરસાદ ગમતો નથી. ખાસ કરીને શહેરમાં વસનારા લોકોને વરસાદ માત્ર કવિતાઓ, સાહિત્ય, ફિલ્મો અને ફેન્ટસીમાં ગમતો હોય છે બાકી કો નોકરી ધંધાની લ્હાયમાં તેઓ ક્યાંય આ રોમાંચ અને આનંદને વિસરી ગયા છે. ચિરાગ ત્રિપાઠી નામના કવિએ આવા લોકોની સંવેદનાને પણ તરબતર કરીને રજૂ કરી છે. તેઓ જણાવે છે કે, 

'કેવાં કાતિલ છે આ વરસાદી નીર...

આખ્ખું શહેર જૂઓ બચતું ફરે છે.

જાણે આભમાંથી છૂટયા હો તીર

કેવા કાતિલ છે આ વરસાદી નીર...'

આ બધું જ જવા દઈએ અને માત્ર એટલું જ વિચારીએ કે વરસાદ શા માટે પલાળે અને ભીંજવે છે. વરસાદ તો વરસાદ છે તેનું કામ જ વરસવાનું છે. લાગણી હોય તો ભીંજાવાય અને ન હોય તો પલળી જવાય તેવો સાદો નિયમ છે. સંબંધોનું પણ એવું જ છે. જ્યારે એકમેકના મન ભેગા થાય, હુંફ વધે અને સંબંધોની ઉષ્મા ઉપર ઉઠતી જાય ત્યારે લાગણીઓના વાદળ બંધાય છે. જેવી સંવેદનાઓ સાદ કરવા માંડે કે લાગણીઓ ધમધોકાર અને મન મૂકીને વરસી પડતી હોય છે. વાદળ અને માણસની સરખામણી કરીએ તો બંને સરખા જ છે. બંનેને અવસર મળે તો બંને વરસી પડે છે. વાદળ કોઈ ચોક્કસ જગ્યાએ જ વરસે છે તેવું નથી. ક્યાંક ધરતીની હુંફ, પવનની લહેરખી દ્વારા વાદળ સુધી પહોંચે છે. વાદળો ધરતીની તૃષાની લાગણીનો સંદેશો સાંભળીને ગોરંભાય છે અને પછી પ્રેમના ફોરાં વરસાવી ધરાને સરાબોળ કરી દે છે. માણસ હોય કે વાદળ તેને તરસવાની અને વરસવાની આદત હોય છે. માણસને પણ જો ગમતી લાગણીઓની હુંફ મળે તો અનરાધાર વરસી પડે છે. આવી વરસાદી મોસમમાં પ્રિયજનને ભુલી ગયેલા લોકો માટે એક નાનકડી પંક્તિ છે...

'આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં

ને પરબિડિયું ગયું ગેરવલ્લે,

હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે....

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,

ગુંજે ભરો કે ભરો ગલ્લે,

હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે... '

લોકો કાયમ કહેતા હોય છે કે અમે પલળ્યા કે પછી અમે ભીંજાઈ ગયા. આ શબ્દોનો તફાવત જ માણસની લાગણીઓમાં રહેલા તફાવતને વ્યક્ત કરી દેતો હોય છે. વ્હાલ ત્યારે જ વરસે જ્યારે એકબીજાના મન સુધી જવાનો રસ્તો સ્પષ્ટ હોય. સંબંધોના સરોવર ઉપર તૃષાનો તડકો પડે અને વિયોગની વરાળ ઉપર ઉઠે એટલે આપોઆપ વ્હાલના વાદળો બંધાવા લાગે છે. ગમતી ધરતી સામે આવે કે તરત જ તે વરસી પડે છે. 

માણસના મનમાં થતી વિરહથી વ્હાલ સુધીની લાગણીઓની એક પ્રક્રિયા એટલે વરસાદ. આ ઈમોશનલ ટ્રાન્સફોર્મેશન હોય છે. સાથ મળી જાય ગમતો તો ભીંજાઈ જવાય બાકી પલળવા માટે તો બાકીના મહિના છે જ. જ્યાં સુધી તરબતર કરી ન દેવાય ત્યાં સુધી ચોમાસું કે પછી વરસાદ પણ ન કહી શકાય. લાગણી હોય કે પાણી જ્યારે તે મન મુકીને વરસે ત્યારે જ સામેની વ્યક્તિ ભિંજાતી હોય છે. આવી જ લાગણીઓ આપણને સતત ભીંજવતી રહે તેવી કામના સાથે ખલીલ ધનતેજવીની સુંદર રચના યાદ કરીએ...

'તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.'

સામાન્ય રીતે વિચારીએ કે, વરસાદ એટલે શું. વરસાદ એટલે માત્ર એક કાળચક્રનો ભાગ નહીં, વરસાદ એટલે માત્ર પલળવું કે ભીંજાવું નહીં, વરસાદ એટલે માત્ર રોમેન્ટિસિઝમ, એક્સ્ટસી, ઈન્ટિમસી કે સેક્સિઝમ સાથે સંકળાયેલી કોઈ વાત નથી. વરસાદ એટલે એકાકર થવાની ઘટનાની છે. વરસાદમાં આ બધી જ લાગણીઓ એટલા માટે જ થતી હોય છે કે, આપણને વ્હાલ કરવું અને કરાવવું ગમે છે. આરામથી બેઠા હોઈએ અને ધીમે ધીમે જીવનસાથી, પ્રેમી, પ્રેમિકા કે કોઈપણ વિજાયતિય વ્યક્તિ તમારા ચહેરા ઉપર આંગળીના ટરેવાથી પસવારતું હોય કે પછી પ્રિયતમાના વાળની લટને કોઈ ધીમે ધીમે ગોળ ફેરવતું હોય તો આ લાગણી આપણને ગમે છે. તેનું કારણ એ છે કે, આપણે તેમાં એકાકાર થઈ જઈએ છીએ. વરસાદ હોય કે વ્હાલ તેમાં તરબતર કરવાની, સોડમ પ્રસરાવાની અને વરસી પડવાની ફિતરત હોય છે. પાણીનું એક ટીપું જ્યારે પહેલી વખત આકાશમાંથી નીચે પડે ત્યારે ઘાસનો આધાર લઈને ધરતીનો સ્પર્શ કરે અને જે મીઠી સોડમ પ્રસરાવે એવી જ સોડમ આપણે સંબંધો દ્વારા પ્રસરાવી શકીઓ તો વરસેલું લેખે લાગે. આવી લાગણીઓ, માગણીઓ અને ઈચ્છાઓ આપણને થતી રહે અને પ્રિયજન વરસાદ બનીને ભીંજવતુ રહે તેવી કામના.

'આજે અમસ્તા જ પ્રવાસમાં છું,

વાદળ જેમ વરસવાના પ્રયાસમાં છું...

ક્યાંક હકિકત, ક્યાંક ક્યાસમાં છું,

હાથ પકડયાના જ વિશ્વાસમાં છું...

નભનું જળ છતાં ઘાસમાં છું,

મનની માટીના ભીના શ્વાસમાં છું...'

Tags :