Get The App

ચોક્કસ ક્ષેત્રમાં સફળ વ્યક્તિના માપદંડથી આખી દુનિયાને જજ ન કરાય

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
ચોક્કસ ક્ષેત્રમાં સફળ વ્યક્તિના માપદંડથી આખી દુનિયાને જજ ન કરાય 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

- દુનિયામાં મોટાભાગે જે સફળ થઈ ગયું તેના ઉદાહરણ આપવામાં આવે છે પણ જે નિષ્ફળ ગયું તેના ગુણ જોવામાં આવતા નથી. દરેક વ્યક્તિ જુદી છે. તેનું વ્યક્તિત્વ અને આવડત જુદા છે. ચોક્કસ ક્ષેત્રમાં સફળ વ્યક્તિના માપદંડ ધ્યાનમાં રાખીને આખી દુનિયાને જજ કરવા ન નીકળી પડાય. તે જ ક્ષેત્રમાં બીજી કોઈ આવડત ધરાવતો વ્યક્તિ પણ શ્રેષ્ઠ બની શકે છે.

સામાન્ય રીતે એવું થતું હોય છે કે, આપણે જ્યારે સંઘર્ષના સમયગાળામાં હોઈએ ત્યારે અનેક રિજેક્શન આવતા હોય છે. કોઈ આપણો હાથ પકડવા તૈયાર હોતું નથી. આપણને એમ થાય છે કે, આપણામાં કોઈ આવડત જ નથી. કોઈને મારી કદર જ નથી. આપણે હિંમત ગુમાવવા લાગીએ છીએ. દરેક માણસના જીવનમાં આવી ક્ષણ આવતી જ હોય છે. માત્ર કારકિર્દી નહીં, જીવનના ઘણા પ્રસંગે આપણે અટવાઈ જઈએ છીએ. એમ લાગે છે કે, હવે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આગળ વધવું હવે મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે જ આપણને ડાયવર્ઝન મળે છે. આ ડાયવર્ઝન કદાચ નરી આંખે નહીં દેખાય. તેનો અનુભવ કરવા માટે થોડી વધારે મહેનત કરવી પડશે. અંધારામાં માચિસ શોધવા જેવું કામ છે. એક વખત માચિસ મળી ગઈ પછી અજવાળું આપોઆપ થઈ જશે. આ મચિસ મળવા જેટલી મહેનત તો કરવી જ પડશે. સફળતા મેળવવી હશે તો સંઘર્ષની ચરમસીમા સુધી પહોંચવું પડશે. અભ્યાસ, કારકિર્દી, સંબંધો, બિઝનેસ, પ્રેમ, લગ્ન, સંતાનો તમામ બાબતો એવી છે જેમાં આપણે ધારીએ એવું કશું જ થતું નથી. પરિસ્થિતિઓ હંમેશા વિરુદ્ધ જ ચાલતી હોય છે તેને અનુકુળ બનાવવી પડે છે. આપણી સમસ્યા એ છે કે, આપણે જે છીએ તે સ્વીકારતા નથી. સામેની વ્યક્તિ સામે આપણે અલગ રીતે પ્રોજેક્ટ થવું છે. રિજેક્શનના ભયથી આપણે સામેની વ્યક્તિના પ્રોજેક્શનને મહત્ત્વ આપવા લાગ્યા છીએ. આ કારણે આપણે અસહ્ય સ્ટ્રેસમાંથી પસાર થઈએ છીએ. 

જેમ જેમ આપણને સફળતા મળતી જાય છે તેમ તેમ આપણી બુદ્ધિ આપણને તે વધુ મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. એક તબક્કો એવો આવે છે કે આપણે માત્ર બુદ્ધિના આધારે જ જીવન જીવવા લાગીએ છીએ. મનને સાંભળવાની તસદી લેવાનું છોડી દઈએ છીએ. વિશ્વાસ ગુમાવવા લાગીએ છીએ. આપણે અન્ય ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ છે જ નહીં. તેના કારણે આપણે જાત ઉપરથી પણ વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. હંમેશા બીજાનું જ વિચારીને જીવતા રહીશું તો પછી આપણા અસ્તિત્વનો અર્થ છે જ શું. બીજાના પાયા ઉપર આપણીની જિંદગીની ઈમારત કેવી રીતે ચણી શકાય. ઘણા એવું કહેતા હોય છે કે, હવે તો તમે અમને બોલાવતાય નથી. યાદ પણ નથી કરતા.. બહુ મોટા થઈ ગયા છો... લેખક થઈ ગયા છો... બિઝનેસમેન થઈ ગયા છો... વગેરે વાતો લોકો કરતા જ હોય છે. આ એવા લોકો છે જે તમે જ્યારે કશું જ નહોતા ત્યારે તેઓ તમારી સામે નહોતા જોતા. તમારા માટે ત્યારે તેમની પાસે સમય નહોતા. તમારી લાઈન જ્યારે તેમની લાઈન કરતા મોટી થઈ ગઈ એટલે તેમને શૂળ ઉપડયું હોય છે. એ માણસો અપેક્ષા રાખે એ પ્રમાણે આપણે જીવતા રહેવાનું. એમની ઈચ્છાઓ બદલાય, એમની અપેક્ષા બદલાય એટલે આપણે પણ બદલાવાનું. શા માટે. દુનિયામાં એવા ઘણા કિસ્સા છે જેમાં તેઓ દુનિયા માટે બદલાયા નહીં અને આખરે આખી દુનિયા તેમના માટે બદલાવા માંડી.

એક કિસ્સો છે કેટલાક યુવાનોનો જેઓ સાથે મળીને સિંગિંગ કરવા માગતા હતા. ૭૦ના દાયકામાં કોઈ તેમનું સંગીત સાંભળવા તૈયાર નહોતું. તેમને કહેતા કે ગીટાર વેચીને ગુજરાન ચલાવો. થોડા સમય પછી તેઓ બિટલ્સ તરીકે જાણીતા થયા. ત્યારબાદ તેમનું સંગીત સમગ્ર વિશ્વના ચાહકોના હોઠ ઉપર રમતું થઈ ગયું હતું. તેવી જ રીતે આલબર્ટ આઈન્સ્ટાઈન કે જેના ગણિતા નોલેજ માટે આખી દુનિયા તેને પૂજે છે... તેને બાળપણમાં સ્કૂલના શિક્ષકો ડફોળ કહીને કાઢી મૂકતા હતા. ગણિત તારાથી નહીં થાય તેવી વાતો કરતા. અન્ય એક કિસ્સાની વાત કરીએ તો ૧૯૪૪માં જાણીતી એક મોડેલિંગ કંપનીના ડાયરેક્ટરે એક છોકરીને કાઢી મૂકી. તેણે તે છોકરીને કહ્યું કે, કોઈની સેક્રેટરી બની જા. મોડેલિંગ તારું કામ નહીં. થોડા સમય પછી તેનું નામ સુંદરતા અને મોડેલિંગ માટે સમગ્ર દુનિયામાં ગાજવા લાગ્યું. આખું વિશ્વ મેરેલિન મનરોની સુંદરતા પાછળ પાગલ થઈ ગઈ. તેવી જ એક ઘટના બને છે એક યુવાન સાથે. ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો એ યુવાન ગાયક બનવા માગતો હોય છે. તે ઘણી પ્રયાસ કરે છે. એક વખત ઓડિશનમાં તેને કાઢી મૂકવામાં આવે છે કે તું ટ્રક જ ચલાવ. સંગીત અને ગાયન તારા માટે નથી. ત્યારબાદ એ યુવાન જે સંગીત રચે છે તેની દુનિયા દિવાની થઈ જાય છે. તે યુવાન બીજો કોઈ નહીં પણ એલ્વિસ પ્રેસ્લી હતો. ટેલિફોનના શોધક ગ્રેહામ બેલને એવું કહેવાયું કે તારી શોધ સારી છે પણ તેનો ઉપયોગ કરશે કોણ.... આજે પરિણામ જૂઓ. ટેલિકોમ ક્ષેત્ર કયા સ્તરે પહોંચ્યું છે.

આપણા જીવનમાં આવનારી અને મળનારી દરેક વ્યક્તિ પ્રમાણે આપણે આપણી લાઈફને સેટ કરી શકીએ જ નહીં. એ અશક્ય છે. દરેક વ્યક્તિએ આપણે જીવન બદલવું પડે. લોકો પ્રમાણે જીવતા રહીશું તો જાતમાં વિશ્વાસ ક્યારે આવશે. આપણે તો આપણા માટે અને આપણા થકી જ મહેનત કરતા રહેવાની હોય છે. ભલામણો દ્વારા ભાગ્યે જ કોઈ કામ કામ થાય છે. ભલામણ થઈ હોય કે કરાવી હોય તો સામાન્ય અવસર મળે પણ જો આપણામાં ટેલેન્ટ હોય તો ગમે તેવી સ્થિતિમાં પણ આપણે ઉપર આવી જ જઈએ છીએ. આપણી સામે વિવિધ ક્ષેત્રોમાં એવા ઘણા કિસ્સા છે જેમાં ભલામણ થકી કામ તો મળી ગયું હોય પણ સમય આવ્યે આવી વ્યક્તિઓ એક્સપોઝ થઈ ગઈ હોય. કોહિનૂર હીરા જેવા પ્રેઝન્ટ કરાયેલા લોકો સમય આવ્યે અને કામ આવ્યે અમેરિકન ડાયમેન્ડ જેવા રદ્દી સાબિત થતા હોય છે. 

આપણે ખોટી લાગણીઓ અને માગણીઓના ચક્કરમાં અટવાઈએ છીએ. સફળતા માટે ચક્કર ચલાવવા નીકળીએ છીએ. જરૂરિયાતો, ઈચ્છા, મોહ, લાલચ, લોભ, ચતુરાઈ વગેરેના ચક્કર ચલાવવા માટે આપણે જાતભાતના ચક્કરમાં અટવાઈ જઈએ છએ. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે, આપણે ખરેખર મોટી ભુલ કરી. કોઈના જેવા થવા કે કોઈની મદદથી આગળ વધવાના ચક્કરમાં આપણે કેવા થઈ ગયા. વાસ્તવિકતા એટલી જ છે કે, આ ચક્કરોમાંથી નીકળવાની ઈચ્છા થાય, બેલેન્સ જાય ત્યારે કોઈનો હાથ પકડવાની ઈચ્છા થાય ત્યારે જે ટેકો મળે તે પોતાની જાત હોય છે, અથવા તો ઈશ્વર હોય છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પોતાની જાતનો આધાર લઈને વ્યક્તિ જ્યારે મહેનત થકી વ્યક્તિ આગળ વધે છે તો તેને કોઈ ભલામણોની જરૂર રહેતી નથી. તેણે બસ માત્ર પોતાની જાત સાથે કોઈ કોમ્પ્રોમાઈસ કરવાનું નથી. તેણે કોઈના માટે પોતાની જાતને બદલવાની નથી. જે છે તેને સ્વીકારીને આગળ વધતા રહેવાનું છે. એક વખત સ્વનો સ્વીકાર થશે ત્યારે બધું આપોઆપ ગોઠવાઈ જશે. એ સમયે આપણને લાગશે કે સંઘર્ષથી એક ડગલું જ આગળ વઘ્યા તે ખરેખર યોગ્ય કર્યું.

દુનિયામાં મોટાભાગે જે સફળ થઈ ગયું તેના ઉદાહરણ આપવામાં આવે છે પણ જે નિષ્ફળ ગયું તેના ગુણ જોવામાં આવતા નથી. દુનિયામાં એક જ સચિન તેંડુલકર થઈ શકે, એક જ રોનાલ્ડો હોય અને એક જ લિયોનલ મેસી હોય અથવા તો એક જ અમિતાભ બચ્ચન હોય અને બીજો શાહરુખ ખાન હોય કે સલમાન ખાન કે અક્ષય કુમાર થાય. કોઈ રાજકપૂર બીજો થયો હોય તેવા દાખલા નથી. દુનિયાને બીજો આઈન્સ્ટાઈન મળ્યો, બીજા આર્યભટ્ટ થયા, બીજા ડો. કલામ થયા એવી વાત ક્યારેય થતી નથી. દરેક વ્યક્તિ જુદી છે. તેનું વ્યક્તિત્વ અને આવડત જુદા છે. ચોક્કસ ક્ષેત્રમાં સફળ વ્યક્તિના માપદંડ ધ્યાનમાં રાખીને આખી દુનિયાને જજ કરવા ન નીકળી પડાય. તે જ ક્ષેત્રમાં બીજી આવડત ધરાવતો વ્યક્તિ પણ શ્રેષ્ઠ બની શકે છે. તેનું એક ઉદાહરણ જોઈએ તો...

એક વખત એક યુવાન ઓલ ઈન્ડિયા રેડિયોના સેન્ટરમાં દાખલ થાય છે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેને કહેવામાં આવે છે કે, તમારો અવાજ રેડિયો માટે યોગ્ય નથી, તમારા અવાજમાં સ્પષ્ટતા નથી, તમારા ઉચ્ચારણો યોગ્ય નથી તમે અહીંયા નહીં ચાલી શકો... તે યુવાન ત્યાંથી નીકળી જાય છે અને આજે સમગ્ર વિશ્વ અને હિન્દી સિનેમા જગત એ અવાજ સાંભળવા તરસે છે. તે ભારતીય સિનેમાનો મહાનાયક બને છે... તે છે અમિતાભ હરિવંશરાય બચ્ચન.