- માત્ર ટ્રેન્ડ નહીં, ત્વચાના રંગ-કદ-કઠી અનુસાર ચણિયા-ચોળીની ચોઈસ
લગ્નસરા શરૂ થઈ ગઈ છે ત્યારે નવવધૂને સૌથી વધુ ચિંતા તેના લહેંગા-ચોલીની હોય છે. લગ્નવિધિ દરમિયાન તો ઘરચોળું અને પાનેતર પહેરવાના હોય તેથી તેમાં મળતી મર્યાદિત વરાઈટીમાંથી પસંદગી કરવામાં ઝાઝી મુશ્કેલી ન થાય. પણ રિસેપ્શનના લહેંગા-ચોલીમાં એટલી બધી વિવિધતા મળતી હોય છે કે માનુની મૂંઝાઈ જાય. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. ચણિયા-ચોળી ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તેની પસંદગી કરવામાં ખાસ મુશ્કેલી નહીં નડે. ફેશન ડિઝાઈનરો તેના વિશે માર્ગદર્શન આપતાં કહે છે કે...
* ચણિયા-ચોળી ખરીદતી વખતે નવવધૂએ સૌથી પહેલા પોતાની ત્વચાના વર્ણને ધ્યાનમાં લેવો જોઈએ. ગોરી ત્વચા ધરાવતી યુવતીને પિંક, સ્કાય બ્લુ, પીચ, સી ગ્રીન જેવા રંગો સારાં લાગશે. જ્યારે ઘઉંવણી ત્વચા ધરાવતી નવોઢાએ રાતો, મરૂન, રસ્ટ, ડાર્ક પિંક કે જાંબુડી રંગ પસંદ કરવો. જોકે શ્યામવર્ણ ધરાવતી મોટાભાગની નવવધૂઓ એક પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતી હોય છે. તેમને એમ લાગે છે કે તેમના વર્ણ સાથે કોઈ રંગ નહીં શોભે. પરંતુ તેમની આ માન્યતા સદંતર ખોટી છે. વાસ્તવમાં આ વર્ણ સેક્સી ગણાય છે. અને તેમને પીળો, નારંગી કે બ્રાઈટ બ્લુ કલર શોભે છે.
* જો તમારા ચણિયા-ચોળી ભરચક વર્ક કરેલા હોય તો તેની ઓઢણી હળવા વર્કવાળી હોવી જોઈએ. પણ જો લહેંગા-ચોલીમાં માત્ર બોર્ડરમાં જ વર્ક હોય તો ઓઢણીમાં ઓલઓવર વર્ક કરાવો.
* જેમના ઉરોજો ભરાવદાર હોય તે નવોઢાએ વધારે વર્કવાળું બ્લાઉઝ ન કરાવવું જોઈએ. તેવી જ રીતે તેમની ચોલી પણ થોડી લાંબી હોવી જોઈએ.
* ઠીંગણી દુલ્હને 'યુ' કે 'ચોરસ' નેકવાળું બ્લાઉઝ સીવડાવવાનું ટાળવું. તેવી જ રીતે તેમણે ઓઢણીની પ્લીટ બનાવીને ખભા પર પીનઅપ કરી લેવી જોઈએ. તેની ઓઢણીનો છેડો ઘુંટણ સુધી આવવો જોઈએ. આ રીતે ઓઢણી પહેરવાથી નવોઢા થોડી લાંબી દેખાશે.
* પાતળી અને લાંબી દુલ્હનને હોલ્ટર નેકની ચોલી ખૂબ જચે છે. શરત માત્ર એટલી કે તેનું પોતાનું ધ્યાન વારંવાર તેના ખુલ્લા ખભા પર ન જવું જોઈએ. આ સિવાય આ પેટર્નનું બ્લાઉઝ સીવડાવવાથી પહેલા માતા-પિતા અને સાસુ-સસરાની મંજૂરી અચૂક લઈ લેવી જોઈએ. આ માનુનીઓને ઘેરદાર ઘાઘરો વધુ શોભશે. તેમાં તેમની દેહયષ્ટિ થોડી ભરાવદાર પણ લાગશે. સાથે તેની ઓઢણીમાં ભરચક્ક વર્ક કરેલું હશેતો દુલ્હનનું સૌંદર્ય ઓર ખીલી ઉઠશે. જોકે આવું ફિગર ધરાવતી યુવતીઓને ફીશકટ લહેંગા પણ ખૂબ સરસ લાગે છે.
* ચણિયા-ચોળીના ફેબ્રિકની વાત કરીએ તો જ્યોર્જટ, નેટ અને શિફોન ફેબ્રિકમાં હળવાં રંગો સારાં લાગે છે. જ્યારે ઘેરા રંગો માટે વેલ્વેટ અથવા શાટિન મટિરિયલ શ્રેષ્ઠ ગણાશે.
* લહેંગા-ચોલીના વર્કની વાત કરીએ તો શિફોન ફેબ્રિકમાં ગુલાબના ફૂલોની ડિઝાઈન, વેલવેટ વર્ક તેમ જ ગોટા પટ્ટી મસ્ત લાગે છે. તેમાંય જો લહેંગો હળવા રંગનો હોય તો તેમાં ગોટા વર્ક હોવું જ જોઈએ. તેવી જ રીતે હમણાં મોગલકાળના ચિત્રોને ચણિયા-ચોળીમાં ઉતારવાની ફેશન પણ પૂરબહારમાં ખીલી છે. આ ઉપરાંત નાના નાના ક્રિસ્ટલ જડવા માટે જરદોશી વર્કના સ્થાને રેશમના ધાગાનો ઉપયોગ વધ્યો છે.
* જે લોકો લગ્નવિધિ પછી રિસેપ્શનને બદલે માત્ર પાર્ટી રાખવા માગતા હોય તેમણે બહુ હેવી વર્કના ચણિયા-ચોળી ન ખરીદવા જોઈએ. તેમણે પાર્ટીમાં ફરતા રહેવાનું હોવાથી હળવા રંગના અને હળવા વજનના ચણિયા-ચોળી સીવડાવવા જોઈએ. ખાસ કરીને લહેંગામાં હેવી વર્ક ન કરાવવું જોઈએ. તેના સ્થાને ઓઢણી ભરચક વર્કવાળી કરાવવી જોઈએ.
* રિસેપ્શન સિવાયના પ્રસંગો, જેમ કે મહેંદી રસમ, પીઠી ચોળવામાં કે પછી સંગીત સંધ્યા માટે ચણિયા-ચોળી ખરીદવા હોય તો વેલવેટ, ટેક્સચર્ડ બ્રોકેડ, ચંદેરી સિલ્ક અને જ્યોર્જટ પર હળવું વર્ક કરેલા લહેંગા-ચોલી પસંદ કરવા. આવા પ્રસંગો માટે ક્રિમસન, બ્રોન્ઝ, રોયલ બ્લુ, ઇંડિગો જેવા કલર યોગ્ય ગણાશે.
* જો તમને હળવા રંગના અને વર્કના ચણિયા-ચોળી પસંદ હોય તો જ્વેલરી હેવી પહેરો. અથવા ભારે ઘરેણાં પહેરવાની ઈચ્છા હોય તો લહેંગા-ચોલી ઓછા વર્કવાળા ખરીદો. બધું જ ભરચક્ક, ઝાકમઝોળ ભેગું ન કરો.
* લહેંગા-ચોલીની પેટર્નની વાત કરીએ તો હમણાં સાડી સ્ટાઈલના કે પછી ગાઉન જેવા દેખાતા ચણિયા-ચોળી ઈન છે. આ બંને પેટર્નનું ફ્યુઝન પણ ખૂબ જચે છે.
* ફેશન ડિઝાઈનરો વધુમાં જણાવે છે કે અખબારો અને સામયિકોમાંથી લેટેસ્ટ ટ્રેન્ડની માહિતી અચૂક લો. પણ તેનું આંધળુ અનુકરણ કરવાની બિલકુલ આવશ્યક્તા નથી. તમે જે ખરીદવા માગતા હો તેનું ટ્રાયલ અવશ્ય લો. જો તે તમને શોભે તો જ ખરીદો. માત્ર ટ્રેન્ડના નામે ખરીદી કરશો પણ તે તમને નહીં શોભે તો આજીવન વસવસો રહેશે.


