- અંતર - રક્ષા શુક્લ
આ મકાનને છે નહીં જ, દરવાજો
એટલે સવાલ જ નહીં બંધ કરવાનો
ગઇકાલ સુધી...
કાલી-ઘેલી વાણી રવ
સંગે મળી પંખી કલરવ
હતી ભીનાશે પદરવ
ને આજે
ચકરાય છે શૂન્યતા વાયરે
સમી જતા પંખી કલરવે
સુકાતું તરણું રવરવે
ક્યારે અગ્નિદાહ અંગે ભડભડે
- રક્ષા એચ. દવે
પવન સાથે દોસ્તીનો દોર ચાલતો હોય ત્યારે છત્રી ડોલનશૈલીમાં કૈંક નખરા કરે અને કરાવે. પણ જો વાયરો તોફાને ચડે તો આ જ છત્રી કાગડો બની જાય અને 'કાંવ કાંવ' બોલ્યા વિના, વગર પાંખોએ તેની ઉડનશૈલીનો પરિચય આપે. જો કે સાથે સાથે 'એ...એ..ગઈ'નું ગાણું સાંભળવાની પણ મજા આવે હો. છત્રીચોર વા-ઝડી વરસાદને પણ આવકારવો રહ્યો નહીં તો મેઘદૂતના રીસાવાની શક્યતા વધી જશે. છત્રી દુનિયાના સૌથી સુવિધાજનક અને ઉપયોગી આવિષ્કારોમાંથી એક છે જેનું આપણે સન્માન કરીએ છીએ અને એટલે જ દર વર્ષે ૧૦ ફેબુ્રઆરીનો દિવસ 'નેશનલ અમ્બ્રેલા ડે' તરીકે ઉજવવામાં આવે છે.
વૃક્ષ નીચે વા-ઝડીથી રક્ષણ મેળવતા માનવીએ વૃક્ષ પાસેથી જ છત્રીનો કોન્સેપ્ટ લીધો હોવો જોઈએ. વરસાદની સાથે રસ્તા પર છત્રીઓ ફૂટી નીકળે છે ત્યારે માણસની આંખમાંથી આકાશ ઓઝલ થાય છે. આજના સમયમાં આકાશમાંથી પડતા વરસાદી ફોરાંનું દ્રશ્ય યાદ આવતા જ તેમાં કોઈ સિમરન કે સપના કે શીલા ગોઠવાઈ જાય. ગુગલ પર વરસાદી ઈમેજ શોધો તો મોટાભાગે વરસાદમાં છત્રી પકડેલી કોઈને કોઈ યુવતી જોવા મળે.. યુવકોએ જાણે વરસાદનું કૈંક બગાડયું હોય એટલે એણે યુવકોનો બહિષ્કાર કર્યો હોય તેવું લાગે. વરસાદનો રોમાંચ માત્ર છોકરીને જ થાય? છોકરાના સંવેદનો બુઠ્ઠા હોય? ફિલ્મ 'બરસાત કી રાત'નું ભારત ભુષણે ગાયેલું 'જિંદગીભર નહીં ભૂલેંગે વો બરસાત કી રાત' કે 'નમકહલાલ'ના 'આજ રપટ જાયે તો' ગીતને યાદ કરો તો સમજાશે કે પુરુષ પણ વરસાદથી એવો જ રોમાંચ અનુભવે છે. આપણી માનસિકતા જુઓ કે વરસાદને ય આપણે વૃત્તિના વાડામાં બાંધી દીધો છે. જાણે વરસાદને ગ્લેમરના રેપરમાં વીંટીને વેચતા હોઈએ એવું લાગે છે. ખરેખર તો વરસાદ પોતે જ પૂર્ણ છે. સૌંદર્યની એવી છોળ છે કે તેમાં સૌ કોઈ તરબોળ થાય છે. તેને કોઈ પડખાની કે પરિવેશની જરૂર નથી. એ પોતે જ ઉદ્દીપક છે. મધ્યકાળના તુકાવ્યો જોતા આ વાતનો ખ્યાલ આવે છે.ભર્તુહરિના 'શૃંગારશતક'માં વરસાદની માદકતા વર્ણવતા તેઓ લખે છે કે... 'જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને માટે ખરેખર ગમગીન કે માઠા દિવસો પણ સારા દિવસ બની જાય છે.'
વરસાદ આવે ત્યારે મને લાગે છે કે માણસ પોતે જો કંગાળ નહીં હોય તો ભીંજાવાના ગામે છત્રીના બદલે પોતે જ ઉઘડશે.. કોઈ એને ભલે ન ઉઘાડે. એનું એ ઉઘડવું ક્યારેક ભીતરનું અજવાળું લઈને તો ક્યારેક કોઈ સર્જનરૂપે આવીને ધબકશે. ગીતોના રાજવી કવિ શ્રી રમેશ પારેખ પોતાના જ ચશ્માથી દુનિયાને જોઈ શકે છે. આપણને 'છત્રી' શબ્દ સાથે તેનું ઉઘડવું, એના રંગો, છત્રી નીચે પલળતા પ્રેમીજનો યાદ આવે પણ છત્રીની આરપારની ઘટનાને જુદા જ ડાયમેન્શનથી જોતા રમેશ પારેખ છત્રી નીચેથી ડોકાતા પગના અને એ પગને પંપાળનાર પાણીના સોગંદ ખાઈને કહે છે કે જે માણસ વરસાદ આવતા બારણાં ખોલીને બહાર દોટ મૂકે છે એના માટે એ વરસાદ નથી પણ અવસર છે, ઉજાણી છે. એ કહે છે કે...
'સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના
સોગંદ, પેલા પગને પંપાળનાર પાણીના,
ઓ રે વરસાદ જેનાં બારણાં ખૂલ્યાં તેને આપ્યા તેં દિવસો ઉજાણીના...'
વરસાદ એ તો રૈયતને લાગેલી લોટરી છે. વરસાદ સાચા અર્થમાં જીવન છે. માણસ જો જીવનને સાચી રીતે સ્પર્શવા માગતો હોય વરસાદમાં કમ્ફર્ટ ઝોન આપતી છત્રીને ક્યારેક ફગાવી દેવી જોઈએ. એક જ છત્રી નીચે ચાલતા યુગલમાં પુરુષ ી માટે કેટલી જગ્યા ફાળવે છે એનાં પરથી તેના પ્રેમનું ગણિત માંડી શકાય. મનોજ ખંડેરિયા તો મૂંઝવણ અનુભવતા પૂછી બેસે છે કે 'જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ, હું કરું કોને પેશ ચોમાસું?' ક્યારેક તો એવું બને છે કે માણસ કોઈની સતત મળતી છત્રીરુપી કૃપાદ્રષ્ટિ કે સહાયને લીધે પોતે સત્વહીન બની જાય છે. પોતાની ભીતરી તાકાતથી પોતે જ અજાણ રહી જાય છે. છત્રી જેવા માણસોની કૃપા ક્યારે અવકૃપાનું રૂપ ધારણ કરે એ કહી ન શકાય. તેનાથી બચવા જેવું ખરું.
રસ્કિન બોન્ડની નવલકથા પર આધારિત 'ધ બ્લુ અમ્બ્રેલા' નામની વિશાલ ભારદ્વાજની ફિલ્મને શ્રે બાળફિલ્મ તરીકેનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આખી ફિલ્મ એક બ્લુ રંગની જાપાનીઝ છત્રીની આસપાસ આકાર લે છે. જાપાનીઝ ટુરિસ્ટ પાસેથી ભેટ મળેલી છત્રીને કારણે નાનકડી બાળકી આખા ગામમાં ખૂબ પ્રખ્યાત થઇ જાય છે. આ ગામમાં એક-એક જણ આ છત્રીને ઈચ્છે છે. નંદકિશોર (પંકજ કપૂર) નામનો દુકાનદાર એ છત્રી હાથવગી કરવા બાળકીને અનેક પ્રકારે લોભાવે છે પણ બાળકી જરાયે મચક આપતી નથી.
જાપાનમાં તો છત્રી વાપરવાની ફેશન બની ગઈ હતી. છત્રી એટલે એક ગુંબજ આકારનો મંડપ. રાજપૂત શૈલીના સ્થાપત્યમાં છત્રીઓનું આગવું સ્થાન અને મહત્વ છે જે ગોળ, ચતુષ્કોણ, ષટકોણ કે અષ્ટકોણ આકારમાં ચણવામાં આવતી. આવી છત્રીઓ મહાનુભાવોની યાદગીરી રૂપે બાંધવામાં આવતી. પહેલાના સમયમાં રાજા-મહારાજાની શોભાયાત્રા નીકળતી ત્યારે હાથી તથા ઘોડા ઉપર પણ કિંમતી છત્ર બેસાડવામાં આવતા હતા. હવે તો બધી રીતે રક્ષણ આપતી છત્રીનો ઉપયોગ સામાન્ય માણસો ઉપરાંત રસ્તા ઉપર બેસનારા ફેરિયાઓ પણ કરે છે. ગ્રાહકોને ગરમી તથા વરસાદથી રક્ષણ આપવા અને પોતાનો માલ સાચવવા તેઓ મોટી મોટી .છત્રીઓનો ઉપયોગ કરે છે. મહિલાઓ માટે બે તથા ત્રણ ફોલ્ડવાળી ફૂલોની ડિઝાઈનવાળી રંગીન છત્રીઓ મળે છે. નોકરિયાત મહિલાઓ મોટેભાગે ત્રણ ફોલ્ડવાળી છત્રીનો ઉપયોગ કરે છે કારણ કે આ છત્રી સહેલાઈથી પર્સમાં મુકી શકાય છે. ત્રણ ફોલ્ડવાળી છત્રી વધારે ટકાઉ પણ હોય છે.
છત્રી વરસાદને અટકાવતી નથી પરંતુ આપણે વરસાદમાં ઊભા રહી શકીએ એ માટે સક્ષમ બનાવે છે. ઇશ્વરકૃપાનું છત્ર જો આપણી માથે હોય તો જીવનના કોઈ પણ વિઘ્નને આપણે મ્હાત આપી શકીએ છીએ. બાર્બરા જોનસન કહે છે કે u Prayer is asking for rain and faith is carrying the umbrella.વરસાદરૂપી ઈશ્વરીય કૃપાને આપણે કાદવ કે કીચડ માટેના અણગમાને કારણે અવગણીએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે આ વરસાદને લીધે જ આપણને પાણી અને ધનધાન્ય મળે છે જે માણસને જીવાડે છે. આપણી શંકા-કુશંકા, ભય અને અશ્રદ્ધાને લીધે તેને આપને બ્લોક કરી દઈએ છીએ. એને આપણા સુધી પહોંચવા દેતા નથી.
છત્રી માત્ર વરસાદમાં જ ઉપકારક નીવડે એવું નથી. સબ ટીવીની સિરિયલ 'ભાખરવડી'ના સેટ પર સોશ્યલ ડિસ્ટન્સિંગ આપોઆપ જળવાયેલું રહે એ માટે સિરિયલના પ્રોડયુસર જે. ડી. મજીઠિયાએ ગજબનાક તુક્કો લડાવ્યો છે. તેમણે તમામ આટસ્ટ અને ક્રૂ-મેમ્બર માટે સેટ પર છત્રી ફરજિયાત કરી દીધી છે. છત્રી ફરજિયાત હોવાથી એના પરિઘને કારણે આપોઆપ એકબીજાથી અંતર જળવાઈ રહે. આ ઉપાય ઘણો કારગત અને ઉપકારક નીવડયો છે. જે કોરોના કાળમાં સૌએ અપનાવવા જેવો હતો.
રોબર્ટ ફ્રોસ્ટ તો છત્રી સાથે બેંકને જોડતા કહે છે કે 'બેંક એક એવી જગ્યા છે જ્યાં તેઓ તમને સારા વાતાવરણમાં છત્રી ઉધાર આપે છે અને જ્યારે વરસાદ શરૂ થાય છે ત્યારે પાછી માંગે છે.' વીજળીના કડાકા સાથે પડતો ધોધમાર વરસાદ તમારી છત્રીને કાગડો કરે છે ત્યારે તેને સંભાળવી મુશ્કેલ બને છે. વરસાદ એ પ્રકૃતિની કલા છે તો છત્રી એ માનવીની કલા છે. ફોલ્ડીંગ છત્રી એ સૌથી મોટી ક્રાંતિ ગણી શકાય. ૨૦૧૯મા નવો ચહેરો લઈને છત્રી ઉઘડી હતી અને તે હતી ડ્રોન અમ્બ્રેલા. આ છત્રી હવામાં ઉડતા ઉડતા, તમારા માથાની ઉપર તમારી સાથે સાથે થોડી ઉપર ઉડે છે અને તમને ડ્રોનની જેમ ફોલો કરે છે. અંધારામાં છત્રી લઈને પગપાળા ક્યાંક જવું પડે ત્યારે છત્રી અને ટોર્ચ બન્ને સાથે રાખવાની ઝંઝટમાંથી 'એલઈડી છત્રી' મુક્તિ આપી શકે છે. જેનો રોડ એલઈડી લાઇટવાળો છે જે બેટરીથી ચાલે છે. માણસ જાત સાથે ચકીબેનને બહુ વાંધો પડતો હશે કારણ કે માણસ તો છાંયડાઓ વાઢી નાખે ને પછી છત્રીની આડશ ઓઢી લે છે. પણ બિચારાં પશુ-પક્ષીઓ ક્યાં જાય? એના માટે તો વૃક્ષો જ મોટો આશરો જે તડકો કે વરસાદ બધાથી એને બચાવે. બાળકો માટે તો આ છત્રી એટલે એક મસમોટું રમકડું જ. જુઓ નીચેની પક્તિઓ... બાળકોની ખુશી જોઈ છાંટાને થયું કે લાવ, હું પણ છત્રી સાથે ગમ્મત કરું.
છાંટો કહેતો, લાવ, જરા હું છત્રી ઉપર બેસું,
પડું નહીં ભૈ, જલ્દી કોઈ આપો નાવ-હલેસું.
છત્રી જાણે લસ્સરપટ્ટી, છાંટો છપાક છૈયા,
ચાલો, ખોબો એને ધરીએ,
છત્રીને છાંટાની પક્કમપક્કી ભાઈબંધી,
ચાલો છબછબ રમીએ.
આદરણીય રતિલાલ બોરીસાગરનો હાસ્યનિબંધ 'છત્રી' નરવું હાસ્ય પીરસતો એવો નિબંધ છે. અહીં સીધીસાદી વાતને પણ હળવાશથી રજૂ કરીને તેમાંથી ઉત્તમ હાસ્ય નિષ્પન્ન કરવાની અદ્ભુત કળા લેખકમાં છે એ અનુભવાય છે. દુકાનદાર વાર્તાના નાયક પાસે પોતાની છત્રી ટકાઉ છે... વગેરે વખાણ કરે છે ત્યારે નાયક કહે છે કે, 'તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહિ એવી છત્રી તમે રાખો છો?' જેવા પ્રશ્નો કરી વળી એ પરાક્રમી હોય તેમ ઉમેરે છે કે, 'દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતાં સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે!!' આવા વિચિત્ર પ્રશ્નો અને વારંવાર છત્રી ખોઈ નાખવાની ટેવ જગતની આઠમી અજાયબી હોય તેમ જણાવતો નાયક વાચકોને ખૂબ હસાવે છે. છત્રી ખોવાય નહીં એ માટે લોકોએ આપેલી સલાહો પણ અત્યંત રમૂજ ઉપજાવે છે. છત્રી પર નામ, પૂરું સરનામું, ટેલિફોન નંબર લખાવવાની વાત તો રમૂજ પ્રેરે જ છે, પણ એથીયે વિશેષ છત્રી પર પોતાનો આખો બાયોડેટા લખાવવાના વિચાર પર નાયકને સંયમ રાખવો પડયો, એમાં ગજબનો વિનોદ છે. એ પછી ખોવાયેલી છત્રી લેવા નાયકનું અમદાવાદથી છેક રાજકોટ જવું. એ માટે ખાસ્સો ખર્ચ કરવો અને અંતે ભૂલકણા સ્વભાવને કારણે માંડ મેળવેલી છત્રી ફરીથી બસમાં ભૂલી જવી એ વાત વાચકને ખડખડાટ હસાવે છે. આ સમગ્ર નિબંધમાં પ્રસંગોની રજૂઆતમાં નથી કોઈના પર દોષારોપણ કે નથી છત્રી ખોવાયાનો કોઈ અફસોસ કે ગમ. આ પણ લેખકને સિદ્ધહસ્ત સર્જક સાબિત કરે છે.
આ છત્રીપુરાણ તો ઘણું લંબાઈ શકે પણ આ છત્રીરૂપી છત્તરની ઐસીતૈસી કરીને આવો, વરસાદને ‘I love you’નું દીર્ઘ આલિંગન આપીએ


