- શરીર પરની ચરબી ઓછી દેખાય એ માટે ઝડપટ વજન ઉતારવા તમે મથતા હો, છતાં અચાનક જ ક્યાંક જવાનું હોય અથવા તો ફોટો પડાવવાનો હોય ત્યારે શું કરો? છુટ્ટીઓના દિવસોમાં જાત-જાતના પકવાનો ખાવામાં મનને રોકી ન શકાયું હોય અને કમર પર ચરબી વધી ગઈ હોય તો એ છુપાવવા શું કરવાનું?
જો તમે બહુ સ્થૂળ ન હો અને શરીર પર થોડીક જ ચરબી વધારાની હોય તો એ ઢાંકવા માટે કપડાં પહેરવાની કેટલીક ટેક્નિક્સથી તમે પાતળા દેખાઈ શકો છો. ફૅશન-ડિઝાઈનરોની કેટલીક ટિપ્સને અનુસરશો તો તમે જેટલા જાડા હશો એનાથી જરૂર થોડાક ઓછા સ્થૂળ દેખાશો.
તમારાં કપડાં નહીં બહુ ફિટ, નહીં બહુ ઢીલાં એવાં હોવા જોઈએ. લૂઝ ફિટિંગ હશે તો તમે વધુ જાડા દેખાશો. વધારાની ચરબીને વેસ્ટલાઈનની ઉપરની તરફ ટાઈટ રહે એ રીતે ફિટ કપડાં પહેરો.
અંગ્રેજીનો 'એ' બનાવે એવા કટવાળા ડ્રેસિસ પસંદ કરો. એનાથી કમરની વધારાની ચરબી ઢંકાશે.
એવા જીન્સ પહેરો જે નીચેથી ફ્લેરવાળાં હોય. એનાથી તમારા હિપ્સ પહોળા હશે તો ઓછા પહોળા લાગશે. સ્ટ્રેટ અને બંધ બૉટમવાળાં જીન્સ પહેરવાથી હિપ્સની પહોળાઈ વધુ પડતી દેખાઈ આવશે.
હૉરાઈઝૉન્ટલ સ્ટ્રાઈપ્સવાળાં ટૉપ્સ કે સ્કર્ટ્સ પહેરવાનું સદંતર ટાળો. એમ કરવાથી કમર અને હિપ્સ વધુ પડતા પહોળા અને મોટા લાગશે. કપડાંમાં જો ફૅન્સી પેટર્ન કરાવવી હોય તો એ પણ બને એટલી નાની રાખો. મોટી પેટર્ન તમારા શરીરનો ઘેરાવો પણ પહોળો છે એવું બતાવશે.
ઝીણી-ઝીણી પાટલીવાળાં કપડાં કે લહેરિયાં પહેરવાનું ટાળવું. એનાથી તમારા શરીરનો ઘેરાવો વધુ દેખાશે. તમારા ગળાની આજુબાજુ થોડીક ઝૂલ હોય તો ચાલશે, પરંતુ એનાથી વધુ નહીં. સ્કર્ટસ પણ ફુલ લૅન્ગ્થ હોય એ જરૂરી છે.
ચળકતા ફૅબ્રિક્સ બહુ ન વાપરવાં. એવાં ફૅબ્રિક્સ જાડાં હોય છે. કપડું જેટલું પાતળું હશે એટલું એ તમારા શરીરને ચોંટેલું રહેશે. જાડાં કપડાં શરીરથી ખૂલતાં રહે છે. એનાથી શરીર વધુ જાડું દેખાય છે.
૭. લાંબા કપડાં પહેરવાથી તમે પાતળાં દેખાશો. ટૂંકાં ટોપ્સને બદલે લાંબા ટૉપ્સ હશે તો એનાથી ઓવરઑલ તમે સ્લિમ દેખાશો.
૮. શરીરને ચીપકી રહે એવા ડ્રેસ પહેરવાનું રાખો, જેમ કે સિલ્ક જેવું સ્મૂધ કપડું. આવાં કપડાં બરાબર ફિટિંગવાળાં હશે તો વધુ સારાં લાગશે. કૉટન કપડાંને બદલે પાતળાં અને શરીરની ચરબી સાથે ફ્લેક્સિબલ થઈને ગોઠવાય એવાં કપડાં પહેરવાં.
તમે ક્યો રંગ પહેરો છો એ પણ એટલું જ અગત્યનું છે. કાળો રંગ તમને તમે જે છો એનાં કરતાં પાતળાં દેખાડશે, પરંતુ માત્ર કાળાં રંગના કપડાં પણ બહુ દીપી નહીં ઊઠે. ડાર્ક કલરનાં કપડાં જેવાં કે ગ્રે, ઑલિવ્સ, બ્રાઉન અને બરગન્ડી રંગથી તમે જે છો એનાથી પાતળા દેખાશો. પચરંગી કપડાં પહેરવાને બદલે વધુમાં વધુ બે-ત્રણ રંગનું કૉમ્બિનેશન હોય એવાં કપડાં પહેરો. બ્રાઈટ રંગનાં કપડાંથી તમે વધુ પહોળો દેખાશો.
શરીરની અન્ય ખામીઓ તરફથી લોકોનું ધ્યાન ડાઈવર્ટ કરવાનો સૌથી સારો રસ્તો આકર્ષક ઍક્સેસરીઝ પહેરવાનો છે. નેકલેસ, બૅન્ગલ્સ, ઈયરરિંગ્સ અને બેલ્ટ્સ જેવી ચીજો જો સુંદર હશે તો લોકોનું પહેલું ધ્યાન એની પર જ જશે. ઈયરરિંગ્સમાં પણ તમે લાંબાં લટકણિયાં પહેરો તો એમાં લાંબી ડિઝાઈન પસંદ કરવી. ગોળાકાર રિંગવાળાં ઈયરરિંગ્સથી ચહેરો પહોળો દેખાશે.


