પૂરબહારમાં ખીલ્યો છે છત્રી પર ચિત્રકામ કરવાનો ટ્રેન્ડ
કોઈપણ પ્લેન, સાદી વસ્તુનું આકર્ષણ વધારવું હોય તો તેના ઉપર કોઈક વર્ક કરવું પડે. ચાહે તે ભરતકામ હોય, પેઈન્ટિંગ હોય કે પેચવર્ક. સામાન્ય રીતે આવી કોઈ કળા-કારીગરીનું નામ આવે ત્યારે આપણા મનમાં સૌથી પહેલોે વિચાર વસ્ત્રોનો આવે. પરંતુ સર્જનાત્મક વિચારો ધરાવતાં લોકો અન્ય વસ્તુઓ પર પણ વિવિધ પ્રકારના કામ કરતાં હોય છે. આ અલગ વસ્તુઓમાં છત્રી પણ સામેલ છે. હમણાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે ભાગ્યે જ કોઈ છત્રી લીધા વિના ઘરથી બહાર નીકળે. બજારમાં ભલે અનેક જાતની છત્રીઓ આસાનીથી મળી રહે છે. આમ છતાં કેટલાંક લોકો પોતાની છત્રીને કળાનો ે અંગત સ્પર્શ આપવાનું પસંદ કરે છે. તેઓ પોતાની છત્રી પર સુંદર પેઈન્ટિંગ કરે છે. તેઓ કહે છે કે છત્રીના આકારને કારણે તેના પર કરવામાં આવતું ચિત્રકામ નોખી ભાત પાડે છે. વળી કેનવાસની તુલનામાં છત્રી પર ચિત્રકામ કરવાનો ે અનુભવ પણ નોખા પ્રકારનો હોય છે. સૌથી પહેલા તો વોટરપ્રૂફ કાપડમાંથી બનાવવામાં આવી હોય છે વળી તેની સપાટી પણ સહેજે ગોળાકારમાં હોવાતી તેના પર ચિત્રકામ કરવાનું સહેજ અઘરું ચોક્કસ પડે છે. પરંતુ તેની મજા જ કંઈક ઓર હોવાની. છત્રી પર પેઈન્ટિંગ કરવા માટે લાંબા સમય સુધી ટકી રહે એવા એક્રિલિક કલરનો ઉપયોગ કરવામાં આવેછે.
પેઈન્ટ કરવા માટે માત્ર વોટરપ્રૂફ કાપડમાંથી બનાવાયેલી છત્રી લેવી. પ્લાસ્ટિકની છત્રી પર પેઈન્ટિંગ ન થઈ શકે. અને જો કરી લેવામાં આવે તોય ટકે નહીં. છત્રી પર પેઈન્ટિંગ કરવાના શોખીનો વધુમાં કહે છે કે જે જગ્યાએ પેઈન્ટિંગ કરવંું હોય એ જગ્યા છોડીને તેની આસપાસ માસ્કિંગ ટેપ લગાવી દેવી. તમારી પસંદગીની ડિઝાઈન પેઈન્ટ થઈ ગયા પછી બે-ચાર કલાક માટે કલરને સુકાવા દેવો. ત્યાર પછી માસ્કિંગ ટેપ કાઢી લેવી. જો અન્ય કોઈ જગ્યાએ કલરના છાંટા ઉડયા હોય કે પછી ડિઝાઈનના કિનારેથી કલર બહાર આવીગયો હોય તો તેના પર કાલો એક્રિલિક કલર હળવે હાથે લગાવી દેવો.
છત્રી પર કેવી ડિઝાઈન પેઈન્ટ કરી શકાય તેના વિશે તેઓ કહે છે કે તેમાં ફૂલોની ડિઝાઈન સૌથી આકર્ષક લાગે છે. તમે તમારા ગમતાં ફૂલોનું ચિત્રકામ કરીને તમારી છત્રીને આકર્ષક બનાવી શકો. ચાહે તમે છૂટાં છૂટાં ફૂલ પેઈન્ટ કરો કે પછી ચોક્કસ આકારમાં. તમે તમારા સ્નેહી-સ્વજનોને છત્રી પર નાના નાના હૃદયાકાર ચીતરીને ભેટ પણ આપી શકો. આ સર્જનાત્મક પ્રક્રિયામાં તમારી પાસે પુષ્કળ અવકાશ હોય છે, તેનો ઉપયોગ શી રીતે કરવો તે તમારી કોઠાસૂઝ પર અવલંબે છે.
- વૈશાલી ઠક્કર