સામાન્યપણે આપણે મોટાભાગના શાકભાજી અને ફળોની છાલ, પત્તા, ગર્ભ કે બીને અખાદ્ય ગણીને એમને કાઢી નાખીએ છીએ, પરંતુ અમુક ફ્રૂટ અને વેજિટેબલ્સનો આ નકામો ગણાતો ભાગ જ શરીરના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ કામનો હોય છે. એની વિગતો જાણ્યા પછી કોઈને પણ છોલવા માટે વપરાતા સ્કિન પિલર અને છરી કિચનના ડ્રોવરમાં પાછા મુકવાનું મન થઈ જશે. એ વિશે અહીં વિગત જાણીએ :
૧. લીલા કાંદાના લાંબા પાન :
અંગ્રેજીમાં એને સ્પ્રિંગ અનિયન્સ કહેવાય છે. લાંબા પાન ધરાવતા લીલા કાંદા-લાલ કે સફેદ ડુંગળી કરતા સ્વાદમાં ઓછા તીખા અને થોડા ગળસ્ટા હોય છે. એના લીલા પાનમાં ફોલેટ (વિટામિન બીના એક ઘટક)નું ભરપૂર પ્રમાણ હોય છે અને નવાઈની વાત એ છે કે એને જ કાંદા સુધાર્યા પહેલા કાઢી નખાય છે. લીલા પાનમાં વિટામિન સી અને ફાયબર પણ સારી એવી માત્રામાં હોય છે એટલે લીલા પાન વિના કાંદા ખાવાથી આપણે એનો લાભ ગુમાવી દઈએ છીએ. એમાં બિટા-કેરોટિન પણ રહેલું છે, જેનુ આપણું શરીર વિટામિન એમાં રૂપાંતર કરી દે છે અને વિટામિન એ ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) વધારતું વિટામિન છે એ આપણે સૌ જાણીએ છીએ છે. લીલા કાંદાના લાંબા પાનના ગુણ જાણતા લોકો એનું ખારિયુ બનાવીને આનંદથી ખાય છે. કેટલાંક વળી, સુપ્સ અને સલાડ્સની શોભા વધારવા લીલા પાનને બારિક સમારી એમાં થોડું લસણ ભેળવીને એનો ઉપયોગ કરે છે.
૨. સ્ટ્રોબેરીના પાંદડા :
સ્ટ્રોબેરીના પાનમાં વિટામિન સી, કેલ્સિયમ અને ઘણું બધુ આયર્ન હોય છે, જેની શરીરના કામકાજમાં ખાસ જરૂર રહે છે. સ્ટ્રોબેરીના પાનમાં મળતું આયર્ન એનિમિયા (પાંડુ રોગ)ના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે એ શરીરમાં લાલ રક્તકણો અને હિમોગ્લોબિનના ઉત્પાદનને પ્રમોટ કરે છે. આ પાનમાં એલાગિટાનિન્સ પણ મળે છે, જે એન્ટિઓક્સિડન્ટ્સનું એક ગુ્રપ છે. આ ગુ્રપ આપણી નસોના આરોગ્ય સાથે જોડાયેલું છે. એ શરીરમાં બ્લડ પ્રેશર હેલ્ધી રાખવાનું કામ કરે છે. સ્ટ્રોબેરી લિવ્સમાં કેફેઇક એસિડની માત્રા હોવાથી પ્રાચીન કાળમાં એનો સંધિવાનો દુ:ખાવો મટાડવા ઉપયોગ થતો. કેફેઇક એસિડ નેચરથી એન્ટિઇન્ફલેમેટરી હોય છે એટલે એનું સેવન કરવાથી સોજા ઉતરે છે. કોઈને આ બધુ જાણ્યા પછી પ્રશ્ન થશે કે સ્ટ્રોબેરીના પાન કઈ રીતે ખાવા? એ બહુ સહેલું છે. ગરમ પાણીમાં ૫-૬ પાન નાખી ૫-૬ મિનિટ રહેવા દો પછી એ ચાની જેમ પી જાવ.
૩. બટરનટ સ્કવોશના બીજ :
કોળા, સૂર્યમુખીના ફૂલ અને સાકરટેટીના બીની જેમ વિદેશી ફ્રૂટ બટરનટ સ્કવોશના સીડ્સ પણ મહત્ત્વના પોષકો, પ્રોટીન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ વિન્ટર સ્કવોશમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન એ, ફોલેટ, કેલ્સિયમ, મેગ્નેસિયમ, પોટેશિયમ, આયર્ન અને સૌથી અગત્યનું ઝિન્ક હોય છે. ઝિન્ક શરીરની ઇમ્યુનિટી, સામાન્ય શરદીના ઉપચાર, ઘા રુઝવવામાં અને રિપ્રોક્ટીવ સિસ્ટમ માટે અતિ આવશ્યક છે. જ્યારે શરીરમાં કેલ્શિયમ શોષાય એ માટે મેગ્નેસિયમનું હોવું જરૂરી છે. એ સિવાય હાડકાંની હેલ્થ, ચિંતામુક્ત થવા, માથાના દુ:ખાવા, ડાયાબિટિસ, થકાન સામે લડવા અને દેહમાં ઊર્જાના ઉત્પાદનમાં પણ મેગ્નેસિયમની મહત્ત્વની ભૂમિકા હોય છે. એ બધા માટે બટરનટ સ્કવોટ્સના બીજને ધોઈ નાખી એને સેકી લો.
૪. અન્નાનાસનો ગર :
પાઇનેપેલનો વચલો ભાગ થોડો કઠણ હોવા ઉપરાંત સ્વાદમાં બાકીના ફ્રૂટ કરતા ઓછો સ્વીટ હોવાથી એ સામાન્યપણે કાઢી નખાય છે. બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ છે કે આ મધ્યસ્થ ભાગમાં પ્રોટીન પચાવવામાં મદદરૂપ થતું બ્રોમિલિન નામનું એન્ઝાઈમ હોય છે. અન્નાનાસનો આ કઠણ ભાગ ખાઈ શકાય એવો હોવાથી લોકો એના નાના નાના કટકા કરી ફ્રૂટ સલાડ્સ અથવા ડેઝર્ટ્સમાં નાખે છે. ભોજનના પાચમાં એ કુદરતી રીતે સહાયક બનતું હોવાતી એ પેટભરીને જમ્યા બાદ ખાવું જોઈએ.
૫. કિવી ફ્રૂટની છાલ :
બહુ ફ્રેન્કલી કહીએ તો આપણામાંથી લગભગ બધા એ કિવી ફ્રૂટ ખાધા પહેલા એની જાડી અને રુંવાડીવાળી છાલ કાઢી નાખે છે કારણ કે એ ખાવા જેવી નથી લાગતી, પરંતુ હકીકતમાં ફ્રૂટની એ પરત ખાદ્ય છે અને એ વિટામિન ઈ, વિટામિન સી અને ફોલેટથી ભરપૂર હોય છે. ઇમ્યુન સિસ્ટમ માટે વિટામિન ઈ અને ફોલેટ આવશ્યક છે કારણ કે એ માંદગી અને ઇન્ફેક્શન્સ સામે લડવામાં મદદરૂપ થાય છે. વળી, છાલ જોડે જ કિવી ફ્રૂટ ખાવાથી ફાઇબરનો ઇનટેક પણ ટ્રિપલ થઈ જાય છે. ટુંકમાં, છાલ સહિત કિવી ફ્રૂટ ખાવાથી શરીરને ૩૦ થી ૫૦ ટકા વધુ પોષક તત્ત્વો અને મિનરલ્સ મળે છે.
૬. કાંદાના પોતરા :
ડુંગળીના એકદમ પાતળા પોતરાં ચોક્કસપણે ખાઈ ન શકાય પણ એમાં એવા પોષક તત્વો છે જેમનો શરીર માટે ઉપયોગ થવો જોઈએ. એ તાવના ઉપચાર અને બ્લડપ્રેશર ઘટાડવામાં બહુ ઉપયોગ પુરવાર થાય છે. પ્રશ્ન એ છે કે કાંદાના પોતરા અખાદ્ય હોય તો એના ગુણધર્મોનો લાભ કઈ રીતે લેવો? એ સિમ્પલ છે. કાંદાના પોતરાને ગરમ પાણીમાં ઉકાળી એ ઉકાળો હેલ્થ માટે દવાની જેમ પી જાવ.
૭. કોબીના ઉપરી પડના પાન :
કોબી ખરીદ્યા બાદ મોટાભાગે ગૃહિણીઓ એનું ઉપરી પડ હેલ્ધી નથી એવું ધારી લઈ એના પાન કાઢી નાખે છે, પરંતુ હકીકતમાં એના ઉપરી પડમાં અંદરના ભાગ કરતા ૭૫ ટકા વધુ કેરોટિનોઈડ્સ હોય છે. આ કેરોટિનોઇડ્સ આંખોને નિરોગી રાખે છે. કોબીના બહારના પાનને ધોઈ, સમારી અને થોડા ઓલિવ ઓઈલમાં ફ્રાય કરી સલાડ્સમાં ઉમેરી શકાય છે.
-રમેશ દવે


