ઉનાળાની મોસમ શરૂ થતાં જ પરસેવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. શરીરમાંથી પ્રસ્વેદગ્રંથિ કાર્યરત થતાં જ તેના કરતાં બમણી વેગે બેક્ટેરિયા કાર્યરત થાય છે અને આ બેક્ટેરિયા જ દુશ્મનની ગરજ સારે છે. પાપડી ભેગા ઈયળ બફાય એ રીતે બેક્ટેરિયાને કારણે નિર્દોષ પ્રસ્વેદ દંડાઈ જાય છે. લોકો માને છે કે પરસેવો દુર્ગંધ મારે પરંતુ હકીકત ઉલ્ટી જ છે. પરસેવો ગંધરહિત છે પરંતુ ત્વચા પરના બેક્ટેરિયા કાર્યરત થતા સર્જાતી રાસાયણિક પ્રક્રિયાને કારણે પરસેવામાંથી દુર્ગંધ છૂટે છે.
પ્રસ્વેદ એ કુદરતી પ્રક્રિયા હોવાથી તેના પર કાબુ મેળવવો શક્ય નથી. પરંતુ શરીરમાંથી છૂટતી દુર્ગંધ પર કાબુ મેળવી શકાય છે.
દરેક વ્યક્તિને પરસેવાની સમસ્યા તો સતાવતી જ હોય છે. શરીરની ગરમી વધી જાય ત્યારે ત્વચાની સપાટી પર ભેજ ઉત્પન્ન થાય છે જેને પરસેવો અથવા ગરમીને કારણે શરીરની ગરમી વધી જતાં આ સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમેરિકાના ડો. શેલી અને તેમના સહયોગીઓ શરીરમાં રહેલી પ્રસ્વેદ ગ્રંથિઓનો ઝીણવટભર્યા અભ્યાસ કર્યા બાદ એ તારણ પર પહોંચ્યા હતા કે સૌથી વધુ પ્રસ્વેદ ગ્રંથિ ઓ બગલના વિસ્તારમાં રહેલી છે અને પરસેવો એક શુદ્ધ, પારદર્શક અને સ્વચ્છ પ્રવાહી છે. દોષી તો છે બેક્ટેરિયા જે પરસેવાને દુર્ગંધયુક્ત કરવામાં મદદ કરે છે.
તેમણે કરેલા પ્રયોગોમાં તેમણે માઈક્રોસ્કોપિક સૂક્ષ્મનળીઓ બારીક પ્રસ્વેદ ગ્રંથિઓમાં દાખલ કરી હતી. તેમ જ કામકાજ, વ્યાયામ, લાગણીઓ, તેમ જ પ્રસ્વેદ ઉત્પન્ન કરનાર દવાઓ દ્વારા પરસેવો ઉત્પન્ન કર્યો હતો. તેમણે જુદી જુદી જાતિની, તેમ જ અલગ અલગ ઉંમરની વ્યક્તિઓના પરસેવાના નમૂનાઓ એકઠા કર્યા બાદ ઉપરોક્ત તારણ મેળવ્યું હતું. પ્રસ્વેદ ગ્રંથિઓમાંથી લેવામાં આવેલા નમૂનાઓ દુર્ગંધરહિત હતા પરંતુ ત્વચામાં રહેતા સામાન્ય બેક્ટેરિયા સંસર્ગમાં આવતા જ આ પ્રસ્વેદ દુર્ગંધ મારવા લાગ્યો હતો.
પ્રસ્વેદની દુર્ગંધથી પીડાતી વ્યક્તિઓને આ વાતની ખબર પડતી નથી પરંતુ સામેની વ્યક્તિ માટે આ બાબત સમસ્યારૂપ બને છે. પરંતુ આમાં ગભરાવાની જરૂર નથી. આ સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે.
સૌથી વધુ ધ્યાન બગલના વિસ્તારનું રાખવું જોઈએ. આથી આ વિસ્તારમાં ઉગતા વાળને થોેડા થોડા સમય દરમિયાન દૂર કરવા જોઈએ. વાળનો જથ્થો માત્ર વધુ પરસેવો જ ઉત્પન્ન કરતો નથી પરંતુ પરસેવા સાથે ભળીને દુર્ગંધ પણ ઉત્પન્ન કરે છે. આ કારણે આ વિસ્તાર સ્વચ્છ રાખવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પરસેવાની દુર્ગંધ દૂર કરતાં સ્પ્રેનો ઉપયોગ કરવો.
ચહેરા પર વધુ પ્રમાણમાં પરસેવો વળતો હોય તો ચહેરા પર ઠંડા પાણીની છાલક મારવી. પછી કપૂરયુક્ત ક્રીમ લગાડવાથી કેટલાક કલાકો સુધી તાજગીનો અનુભવ થશે.
ગરમીના દિવસો દરમિયાન દિવસમાં બેથી ત્રણ વાર સ્નાન કરવું જરૂરી છે. સાબુ કઈ બનાવટનો વાપરવો એ મહત્ત્વનું નથી. સાબુમાંથી નીકળતા ફીણ વધુ મહત્ત્વના છે. કોલને વોટરના ટીપાં નાખેલા પાણીથી સ્નાન કરવાથી દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થશે. સ્નાન કર્યા બાદ છેવટે એક કપ સફેદ વિનેગાર ભેળવેલું પાણી શરીર પર રેડવાથી પણ આ સમસ્યામાંથી છૂટકારો મળશે.
વિનેગાર ત્વચામાંના એસિડિક ઘટકોમાં વધારો કરે છે. ત્વચામાં એસિડ વધવાથી બેક્ટેરિયા ઉત્પન્ન થવાનો ચાન્સ ઓછો થાય છે. અંદર પહેરવાના કપડાં પણ દિવસમાં બે વાર બદલવા. આ ઉપરાંત બહારના કપડાં પણ રોજ જ ધોવા. દર સપ્તાહે ફેસ માસ્ક લગાડવો. આમ કરવાથી ત્વચાના છિદ્રો સ્વચ્છ થશે.
ચણાના લોટમાં ચપટી હળદર નાખી, લીંબુ રસ, અડધી ચમચી બદામનું તેલ અને દૂધ નાખી તૈયાર કરેલી પેસ્ટ ચહેરા પર અને ગરદન પર લગાડી ૧૦-૧૫ મિનિટ પછી ઠંડા પાણીથી ચહરો ધોઈ નાખવો. ઘરે બનાવેલું આ ફેસ માસ્ક કિફાયતી પણ છે. ઉપરથી ચહેરાને પણ ઠંડક અને તાજગી આપે છે. શક્ય હોય તો ઉનાળાની મોસમ દરમિયાન સુતરાઉ તેમ જ આછા રંગના કપડાં અને મોજાં પહેરવાનો આગ્રહ રાખવો.
પાનીમાં પરસેવો વળવાની તકલીફ હોય તો વખતો વખત પણ ધોવાની આદત પાડવી. તેમ જ બૂટ પહેરવાની ટેવ હોય તો બે-ત્રણ રાખવા. રોજ એકના એક બૂટ પહેરવા નહીં. મોજા પણ રોજ બદલવા તેમ જ ટેલ્કમ પાવડરનો છંટકાવ કરવો. બને ત્યાં સુધી ચંપલ કે સેન્ડલ વાપરવાનો પ્રયત્ન કરવો.
પ્રસ્વેદ ઓછો કરવા માટે કેટલીક વ્યક્તિો ગોળી ગળે છે પરંતુ પ્રસ્વેદ દૂર કરવાની કોઈપણ ગોળીને કારણે ભળતી જ આડઅસરો થવાનો સંભવ છે. પ્રસ્વેદ એક કુદરતી પ્રક્રિયા છે અને તેની સહન કરી લેવાનો અભિગમ અપનાવવો જરૂરી છે. પ્રસ્વેદથી છૂટકારો તો ન મળી શકે પરંતુ પ્રસ્વેદની દુર્ગંધ તો દૂર થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસ્વેદ વળવાને કારણે આપણા શરીરમાંના ક્ષારો ઘટી જાય છે. આ કારણથી વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જરૂરી છે. ઠંડુ દૂધ, ફળોના રસ અને ઠંડી છાસ આપણા શરીરમાંના પ્રવાહીની ખોટ પૂરી કરવા સક્ષમ છે. દિવસ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં પાણી પીવું. આ ઉપરાંત ઉનાળાનાં ફળકલિંગરમાં ખૂબ જ જરૂરી એવા ક્ષાર અને વિટામીન રહેલા હોવાથી કલિંગરના રસનો ભરપૂર ઉપયોગ કરવો. આ ફળ આપણી તરસ છીપાવી ક્ષારના અભાવને દૂર કરશે. ઉપરથી ઠંડક અને તાજગી પણ આપશે.
કપાળ, હડપચી, નાક, ગરદન જેવા અંગો પર વધુ પ્રમાણમાં પ્રસ્વેદ વળે છે. આથી કોલનર વોટર નાખેલા ટીશ્યુ પેપરથી આ વિસ્તારો સાફ કરતાં રહેવાથી પણ દુર્ગંધથી છૂટકારો મળશે અને સ્ફૂર્તિ જણાશે.


