Get The App

કિસ કર્લ્સની વાપસી .

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
કિસ કર્લ્સની વાપસી                            . 1 - image

- મીના કુમારી, વહીદા રહમાન, નંદાના જમાનાની માનીતી હેરસ્ટાઈલ

હિન્દી ફિલ્મોદ્યોગના સોનેરી સમય ગણાતા તબક્કામાં આશા પારેખ, મીના કુમારી, વહીદા રહેમાન, વૈજયંતિ માલા, માલા સિન્હા, નૂતન, નંદા, સાધના જેવી ટોચની અદાકાઓ કેવી હેરસ્ટાઈલ કરતી તે યાદ છે. હાલના તબક્કે ૬૦-૭૦ વર્ષમાંથી પસાર થઈ રહેલા લોકોને તેમની હેરસ્ટાઈલ અચૂક યાદ હશે. અને હવે આ સ્ટાઈલે આધુનિક યુવતીઓને ઘેલું લગાડયું. હા, આપણે વાત કરી રહ્યાં છીએ 'કિસ કર્લ્સની.' તત્કાલીન સમયમાં આ બધી સુંદરીઓના કપાળ પર કે કાન પાસે ચોક્કસ પ્રકારનો વળાંક આપેલા વાળ જોવા મળતાં. તેમાં મોટાભાગે અંગ્રેજીનો સી, એસ આકાર કે પછી લટના કિનારે કરવામાં આવેલો ગોળાકાર જોવા મળતો. આ પ્રકારની હેરસ્ટાઈલને 'કિસ કર્લ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે આવી હેરસ્ટાઈલ વિશે વાત કરીશું.

હેરસ્ટાઈલિસ્ટો કહે છે કે આજના ડિજિટલ યુગમાં યુવાપેઢી પુરાણી ફેશનને ખૂણે-ખાંચરેથી શોધી કાઢીને તેને નવેસરથી રજૂ કરી રહી છે. તેમને આપણી આ લીજન્ડરી અદાકારાઓની કિસ કર્લ્સ હેરસ્ટાઈલ ગમી ગઈ. અને તેમણે તે ઝટપટ અપનાવી પણ લીધી. આવી હેરસ્ટાઈલ શી રીતે કરવી તેની સમજ આપતાં તેઓ કહે છે..,

* સૌથી પહેલા વાળ ધોઈને સુકાવા દો. પરંતુ તે એકદમ કોરા થઈ જાય તેનાથી પહેલાં, એટલે કે સહેજ સહેજ ભીનાં હોય ત્યારે વાળની લટ/લટો કાઢી લો. હળવા ભીનાં કેશને મનગમતાં આકારમાં વાળવાનું સરળ બને છે.

* સામાન્ય રીતે કપાળના વચ્ચેના કે પછી એક તરફના ભાગમાં, અથવા કાન પાસે કિસ કર્લ્સ કરવામાં આવતાં હોવાથી એ બાજુએથી લટ કાઢી લો.

* હવે એ લટ/લટો પર લાંબા સમય સુધી ટકી રહે એવી જેલ કે પોમેડ લગાવો.

* જે લગાવેલા કેશને કાંસકાના પાછળના અણિયાળા ભાગમાં ગોળાકાર કે અંગ્રેજીનો એસ અથવા સી આકાર આવે એ રીતે ફેરવો. ત્યાર પછી તે ટિશ્યુ પેપરના નાના ટુકડા પર અથવા રૅપિંગ સ્ટ્રિપ પર લઈને સેટ થાય ત્યાં સુધી પકડી રાખો.

* હવે તે સુકાઈ જાય ત્યારે ટિશ્યુ પેપર કે રેપિંગ સ્ટ્રિપ પરથી ખસેડીને કપાળ કે કાન પાસે (જ્યાંથી તમે લટ લીધી હોય ત્યાં) ગોઠવી દો. છેલ્લે તેના પર સહેજ હેરસ્પ્રે કરો.

કિસ કર્લ દશકો પુરાણી ફેશન હોવાથી તેની સાથે વસ્ત્રો પણ તે સમયની ફેશનના પહેરશો તો તદ્દન નોખા તરી આવશો. તમે સાઈડ કટ વિનાની કુરતી-ચુડીદાર-દુપટ્ટાનો સેટ પહેરો. તેની સાથે મોતીના અલંકારો, ગ્લવ્ઝ (જો ઇવનિંગ પાર્ટીમાં જતાં હો તો), રાતા રંગની લિપસ્ટિકનો શણગાર સજો.

કિસ કર્લ્સ સાથે નીચેની તરફ રબરબેન્ડ ભરાવીને ઢીલી પોની અથવા અંબોડો વાળો. આ હેરસ્ટાઈલ સાથે કાનમાં લટકણિયાં ખૂબ જચશે.

તમે ચાહો તો કિસ કર્લ્સ સાથે માથાના બીજા વાળને વાંકડિયા બનાવો. તેની સાથે હળવો મેક-અપ અને શિફોન કે સિલ્કની સાડી પહેરો.

કિસ કર્લ્સ સાથે ઊંચો અંબોડો વાળવો હોય તો આંખો પર હળવો મેક-અપ અને ડાર્ક લિપસ્ટિક લગાવો.

- વૈશાલી ઠક્કર