- શાકભાજીની બાબતમાં પણ વિવિધતા લાવી શકાય. દરરોજ બટાકાનું શાક બનાવવું ઉચિત નથી પરંતુ અન્ય શાકભાજી મળતાં હોય, ત્યારે બટાકાનું શાક બનાવવા પર ભાર મૂકવાની આવશ્યકતા નથી.
શિયાળામાં ઘણા શાક મળી રહેતા હોય છે. તેમાંથી પસંદ કરી જુદાં જુદાં કોઈ કોરાં, તો કોઈ રસાદાર શાક બનાવો. તે ઘરનાં સભ્યોની પસંદગી અનુસાર બનાવો.
ઘણી ગૃહિણીઓ દિવસ દરમિયાન ઓફિસમાં ફોન કરી તેમના પતિદેવને પૂછે છે: 'આજે સાંજે શું રસોઈ બનાવું?' કેટલીક સ્ત્રીઓ તો સવાર- સાંજ શું ભોજન બનાવવું તેની ચિંતાઅનુભવે છે.
એક દિવસ મેં શીલાને પૂછયું, 'શું તું ભોજન માટે કોઈ આયોજન નથી કરતી?'
મારો પ્રશ્ન સાંભળી તેણે અને તેનાં સાસુએ એવાં ક્યાં જાણે, હું કોઈ મૂર્ખ સવાલ ન પૂછી બેઠી હોઉં! બેમાંથી કોઈ 'હા' કે 'ના' બોલે તે પહેલાં જ શીલાના સસરા ખિજાઈને બોલી ઉઠયા, 'શું કહ્યું તેં દીકરી, આયોજન? તું આયોજનની વાત કરે છે? અહીં તો સવાર- સાંજ રોટલા ટીપી આપે છે, એમ બહુ થઈ ગયું રસોઈનું આયોજન નથી થયું, કદી એમના બાપને ઘેર કે નથી થયું એમને પોતાને ઘરે.' આટલું કહીએ તો બહાર ચાલ્યા ગયા.
મેં શીલાના પતિને ઘણીવાર જમવા બાબતમાં કંઈ બબડતા સાંભળ્યા હોવાથી મને આ પ્રશ્ન પૂછવાનું જરૂરી લાગ્યું. ડાઈનિંગ ટેબલ પરની થાળીમાં પડેલો અધૂરી રોટલીનો ટુકડો રાકેશભાઈ ખાધા વિના જતા રહ્યા હશે, તેની ચાડી ખાતો હતો.
હું જવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ બાએ મને રોકી લીધી. તેમણે કહ્યું, 'ચા પીને જજે.' પછી તે મારી નજીક સરક્યાં અને બોલ્યાં, 'તું શું કરવાનું કહેતી હતી કે, આ મને કંઈક સંભળાવી ગયા?'
મેં કહ્યું કે, 'હું શીલાને એમ પૂછતી'તી કે તે રસોઈ બનાવતાં પહેલાં એ અંગે કાંઈ વિચારે છે કે નહીં?'
'અરે દીકરી, ઘરમાં બને છે જ શું વળી? રોજ સવારે શાક, રોટલી દાળ અને ભાત. સાંજે શાક- પરોઠાને ખીચડી.'
મેં કહ્યું, 'બધાંને ત્યાં દરરોજ આજ બનતું હોય છે, પણ આને સમજી- વિચારીને આયોજનપૂર્વક બનાવવામાં આવે, તો રસોઈ સારી બને અને જમવામાં આનંદ પણ વધુ આવે.'
'એમ! તો તો જાણવું પડશે.' કહી તેમણે દીકરી રમાને પણ બોલાવી. ત્યાં સુધીમાં શીલા ચા લઈને આવી ગઈ તેમણે શીલાને કહ્યું.
'આવ, તું પણ બેસ સાંભળ, આ નીલા ખાવાપીવા વિશે કંઈક કહે છે.'
મેં કહ્યું કે ભોજન અંગેની અમુક બાબતો તો ખૂબ જ આવશ્યક છે. પહેલી વાત તો એ કે ભોજનમાં વિવિધતા હોવી જોઈએ. દા.ત. રોજ તુવેરની અથવા અડદની જ દાળ બને, તો અરુચિ થઈ જાય. આથી રોજ જુદી જુદી દાળ બનાવવી જોઈએ. ક્યારેક મગ, ક્યારેક અડદ, ક્યારેક ચણાની, ક્યારેક મસૂર અને ક્યારેક ત્રેવટી જેવી બધી મિક્સ દાળ. હા, ઘરની દરેક વ્યક્તિ એક જ પ્રકારની દાળ પસંદ કરતી હોય, તો તે અઠવાડિયામાં વધારે વખત બનાવી ક્યારેક શાક પણ નાખવું જોઈએ. જેમકે, ચણાની દાળમાં દૂધી નાંખી શકાય. કહેવાનો મતલબ એ છે કે હંમેશા, નવી દાળ ખાવા મળે, તો થાળી આવતાં જ કંઈક નવીનતા લાગે.
'અમારે ત્યાં તો તુવેરની દાળ સિવાયની બીજી દાળને તો કોઈ અડતું જ નથી.' શીલાએ કહ્યું રમા અને તેનાં મમ્મીએ જ પણ એવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી. મને પણ હતું કે આવી શંકા ઊભી થશે જ એટલે હું પણ તૈયાર હતી.
મેં કહ્યું, 'હવે લગ્ન કે કોઈ પાર્ટીમાં તો ઘણીવાર તુવેરની દાળ નથી બનતી. શું આવા પ્રસંગે ઘરનાં કોઈ બીજી દાળ નથી ખાતાં? ત્યાં તો કોઈ ફરિયાદ નથી કરતું કે તુવેરની દાળ નથી બનાવી એટલે અમે નહીં જમીએ. આવા નખરાં ઘરમાં જ ચાલે છે ને?' તેમને પણ મારી વાતમાં કંઈક દમ લાગ્યો અને મેં થોડું સમજાવ્યું.
બીજી વાત એ કે, ગૃહિણીએ હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક ચીજોનો પણ સમાવેશ થાય માટે તમારે જમવા સાથે હંમેશા કચુંબર પીરસવું જોઈએ. તેના માટે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા નથી. જે વસ્તુ સસ્તી હોય, તેનું કચુંબર બનાવી શકાય. કાકડી મૂળા, બીટ, સલગમ, ડુંગળી, ટમેટાં, કોબીજ, લીલી હળદર, આંબાહળદર આદું, કેપ્સિકમ, કોથમીર, લીલાં મરચાં, પાલક અને લીંબુનાં અનેક મિશ્ર સેલડ બનાવી શકાય. સેલડની ભાજીનાં પાન બજારમાં મળે છે. સેલડ બનાવવામાં વધારે સમય નથી લાગતો. હા, સમય હોય, તો સેલડનું સારું ડેકોરેશન પણ કરો. ડાઈનિંગ ટેબલ પર સેલડની ડિશનું અનેરું આકર્ષણ હોય છે.
શાકભાજીની બાબતમાં પણ વિવિધતા લાવી શકાય. દરરોજ બટાકાનું શાક બનાવવું ઉચિત નથી અને સ્વાસ્થ્યવર્ધક પણ નથી બટાકાંની ઘણી વાનગીઓ બની શકે તેમ છે. પરંતુ અન્ય શાકભાજી મળતાં હોય, ત્યારે બટાકાનું શાક બનાવવા પર ભાર મૂકવાની આવશ્યકતા નથી. એકાદ લીલું શાક હોવું જરૂરી છે. ટીંડોળા, દૂધી, અળવી, કોળું, રીગણ જેવાં અન્ય શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, તો પણ ક્યારેક બનાવો.
શિયાળામાં ઘણા શાક મળી રહેતા હોય છે. તેમાંથી પસંદ કરી જુદાં જુદાં કોઈ કોરાં, તો કોઈ રસાદાર શાક બનાવો. તે ઘરનાં સભ્યોની પસંદગી અનુસાર બનાવો. શિયાળામાં લીલવા તુવેર અને બટાકાં, સેવ- ટમેટાં, ઊંધિયું, આલુછોલે, મઠ, રાજમા, ચણા અને પનીર પણ બનાવો. તેમનો સ્વાદ આમેય અલગ હોય છે.
દરરોજ રોટલી પણ ભાવતી નથી. તમે ક્યારેક પૂરી, મેથીનાં થેપલાં, ભાતનાં ચોપડાં, પરોઠાં તથા કચોરી બનાવો છો, તેમ રોટલીમાં પણ વિવિધતા લાવી શકો. ક્યારેક ભાખરી બનાવીને જમાડો. ચણાનો લોટ તથા અન્ય મિક્સ આટાની ભાખરી તથા બાજરાના રોટલા પણ બનાવી શકો. મકાઈના રોટલા અને સરસવની ભાજીની તો વાત જ શી કરવી!
ભાતની બાબતમાં પણ આવી રીતે જ વિવિધતા લાવી શકાય. ક્યારેક પુલાવ તો ક્યારેક વઘારેલા ભાત, છાશવાળા ભાત અને ચોખામાં ચણા, વટાણા, ભૂરા કોળાની વડી વગેરે નાંખી ખીચડી પણ બનાવી શકો. ખીચડી એકલી કોઈને ભાવતી નથી. જ્યારે દહીં કે મઠાની વ્યવસ્થા હોય, ત્યારે જ એકલી ખીચડી બનાવો. તેની સાથે ચટણી કે પાપડ પીરસો તો પણ ભાવે છે. થોડું ચોખ્ખું ઘી નાખો તો ઓર મજા આવશે. અથાણું હોય તો પણ ચાલે.
પરોઠાંની તો વાત જ જુદી છે. તેમાં ગમે તે ભરીને બનાવો. મૂળાં, બટાકા, બથવાનાં વાટીને નાંખેલા પાન, વધેલું શાક, દાળ વગેરે પછી જોજો, જેમણે ખાવાની ના પાડી હશે, તે પણ ડાઈનિંગ ટેબલ પર આવી જશે.
વાતવાતમાં મેં કહ્યું કે, મારા સાસુએ મને શરૂઆતમાં આ અંગેનું થોડું શિક્ષણ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે ભોજનમાં સેલડ, ચટણી, પાપડ, દહીંની કોઈ વાનગી કે કંઈક મીઠાઈ જેવી પાંચ વાનગીઓને બદલે ત્રણ વાનગી હોય, તો પણ સંપૂર્ણ ભોજન કહી શકાય. તેમણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી દહીં પર ભાર મૂક્યો હતો. જો દહીંનું રાયતું બનાવી શકાય તો સારું, નહીંતર દહીંમાં જીરું અને મીઠું નાખી દો. સમય હોય તો જમ્યા પછી પીવા માટે માખણ ઉતારેલી તાજી મોળી છાશ વલોવીને તૈયાર કરો. આમ તો દહીંનો ઉપયોગ ડુંગળી, બાફેલાં બટાકા, દૂધી, કાકડી, ચીભડું, પપૈયું કે બુંદી નાખીને રાયતું બનાવવામાં પણ કરી શકાય. આ વાનગી બનાવવામાં વધારે સમય લાગતો નથી. જો કંઈ મીઠાઈ ન હોય, તો એકાદ ફળ મૂકી દો. આમ તો ઘરે બનાવેલો, ફ્રીઝમાં જમાવેલો આઈસક્રીમ એમની પ્રિય મીઠાઈ હતી. હા, ક્યારેક તે કસ્ટર્ડ પણ બનાવતાં.
ઉપસંહાર રૂપે મેં તેમને કેટલાંક સલાહ- સૂચન પણ આપ્યાં. જેમ કે, જે બનાવો તે પ્રેમથી જમાડો. ક્યારેક કોઈને કહ્યા વિના ભોજનમાં કોઈ સ્વાદિષ્ટ વાનગી મૂકી દો, જેથી ખાનાર આશ્ચર્યચકિત બની જાય. જો તમે ઘરનાં સભ્યોમાં એવી જિજ્ઞાાસા જાગૃત કરી શકો કે, ઘરે આવતાંની સાથે જ બધાં તમને પૂછે કે, 'આજે જમવામાં શું મળશે? ત્યારે તમે સમજજો કે તમે એક સફળ ગૃહિણી છો.
મેં જતાં જતાં શીલાને સમજાવી કે, તું શરૂઆતમાં માત્ર બે દિવસનું આયોજન કરીને અખતરો કરી જો, જેમાં એક દિવસે લંચ તથા એક રાતે ડિનર રાખવાનું. ઘરમાં બધાંને કહી દેવાનું કે, 'અજે વિશેષ ભોજન છે.' હા, આયોજન ખિસ્સાને પરવડે તેવું જ હોવું જોઈએ. તેનું ધ્યાન જોઈએ.
શીલાના સસરા કોણ જાણે ક્યાં બેઠા બેઠા અમારી વાતો સાંભળી રહ્યા હતા. અચાનક તે ખોંખારો ખાતા અંદર આવ્યા અને બોલ્યા, 'દીકરી, તેં તો બહુ સરસ વાત કહીને મને ખુશ કરી દીધો.' પછી શીલાને કહ્યું, 'આજે સાંજે જ કંઈ વિશેષ ભોજન બનાવો. સલાડ, ચટણી, બટાકાં, ટામેટાનું રસાદાર શાક, દહીંનું રાયતું, મેથીનાં થેપલાં કે દૂધી યા કોબીનાં પરોઠાં.' પછી મારે સામે જોઈને પૂછયું, 'કેમ દીકરી, કેવું રહ્યું આજનું આયોજન?'
'પણ...' મેં સહજ અચકાઈને કહ્યું, 'મીઠાઈમાં શું હશે એજ ને?'
ત્યાં જ શીલાનાં સાસું બોલી ઉઠયાં, 'વહુ, દૂધ તો છે જ, રવો પણ છે. થોડો મેવો નાખી રવાની ખીર બનાવી નાખો.'
ત્યાં જ રમાએ ટાપસી પૂરી, 'ભાભી, ખીર વધારે ગળી બનાવજો. થોડાં ડ્રાયફ્રુટ્સ પણ નાંખજો.'
'હા હા, બધું કામ તારાં ભાભી જ કરશે, તો બની રહ્યું ભોજન. ખીર હું બનાવીશ, તું ચટણીને સલાડ બનાવજે અને હા, રમાના પપ્પા, તમે બજારે જઈને શાકભાજી તથા સલાડની સામગ્રી લઈ આવો.' શીલાનાં સાસુએ કહ્યું.
મેં કહ્યું, 'સારું બા, હવે હું જાઉં છું. મારું કામ પુરું થયું.' આમ દરેક ઘરમાં ગૃહિણીને રોજ પજવતાં પ્રશ્ન 'આજે શું રસોઈ બનાવું?'નો આસાન ઉત્તર હવે તમને પણ મળી ગયો. ખરું ને!
- નયના


