Get The App

કોર્પોરેટ લેડીઝનો વટ પાડતો વેશ 'પાવર-સૂટ' .

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
કોર્પોરેટ લેડીઝનો વટ પાડતો વેશ 'પાવર-સૂટ'                . 1 - image

- ટ્રાઉઝર સૂટ કે સ્કર્ટ સૂટમાં  સજ્જ સ્ત્રી પોતાની આગવી ઓળખ આસાનીથી પ્રગટ કરી શકે છે

નારીની સુંદરતા તેના ઢંકાયેલા દેહમાંથી જ છતી થાય છે. સાડી પહેરેલી સ્ત્રીનું સંપૂર્ણ શરીર ઢંકાયેલું હોવા છતાં તેના અંગ-ઉપાંગોનો સુંદર નિખાર આવે છે. આજે સમયના બદલાવની સાથે સ્ત્રીએ પોતાના વિચારો પણ બદલ્યા છે તે હવે ફક્ત ગૃહિણી કે માતા ન રહેતા પુરુષની સાથે બોર્ડ મિટિંગમાં બેસે છે, કોર્પોરેટ ઓફિસમાં એક્ઝીક્યુટીવનું પદ શોભાવે છે. અથવા સ્વયં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે. તેની આ પ્રગતિની સાથે  તેમણે પોતાના પહેરવેશમાં પણ બદલાવ આણ્યો છે. ગૃહિણી મોટેભાગે સાડી જ પહેરતી અને સ્ત્રીની શોભા સાડીમાં જ છે એમ તે માનતી અથવા તેને માનવું પડતું. પરંતુ હવે તે બહારની દુનિયામાં આગળ વધી રહી છે ત્યારે સાડીની સાથે તે અન્ય આધુનિક પોષાકો પણ પહેરે છે.

ફેશન ડિઝાઈનરો હંમેશા ફેશન શોમાં વસ્ત્રોની નવી નવી ડિઝાઈન સાથે હાજર થઈ જતા હોય છે. કેટવૉક એ તેમની પ્રયોગશાળાનું પ્લેટફોર્મ છે. આ ફેશન થિયેટરો મોટેભાગે સ્ત્રીના પહેરવેશમાં જ  બદલાવ લાવે છે. અને સતત બદલાવ લાવતી ફેશનમાં 'સૂટ'નો ટ્રેન્ડ હંમેશા યથાવત્ રહ્યો છે. સુંદર જેકેટની સાથે મેચીંગ સ્કર્ટ કે ટ્રાઉઝર્સ હાલમાં ખૂબ જ પ્રચલિત બન્યા છે. થોડા વર્ષો પહેલા સ્કર્ટ અને બ્લાઉઝ અથવા ટર્ટલનેક - ટી શર્ટ અને પેન્ટની ફેશન હતી પરંતુ સ્ત્રીઓ આજે સ્કર્ટ ઉપર કોટ પહેરવાનું પસંદ કરે છે. 

પહેલા સુટ હંમેશા કોઈપણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં એક ખૂણામાં જ ટીંગાડવામાં આવતા. પરંતુ હમણા  ફિલ્મો અને ટીવીની ચેનલોમાં દર્શાવાતા નાયક-નાયિકાઓ સૂટ પહેરેલા ખૂબ જોવા મળે છે અને તેને લીધે દર્શકોમાં પણ સૂટ પહેરવાનો ચસ્કો લાગ્યો છે. પહેલા ફક્ત લગ્નપ્રસંગે જ સુટ પહેરવામાં આવતો હતો જ્યારે આજે ઓફિસમાં ઉચ્ચ પદ ઉપર સૂટ પેહરવો ફરજીયાત થઈ ગયો છે. સ્ત્રીઓ પણ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજતી અને સુટ પેન્ટ અથવા સુટ સ્કર્ટ પહેરતી થઈ ગઈ છે. હવે ટ્રાઉઝર્સ મેચીંગ કોટની પણ જરૂરત નથી રહી શાહરૂખ ખાન લીલા, લીલા, પીળા કોઈપણ રંગનો કોટ કોઈપણ જીન્સ પેન્ટ ઉપર પહેરે  છે અને તેની નકલ કરતી આજની યુવાપેઢીએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે પરંતુ સ્ત્રીઓ આમાંથી બાકાત છે તે હૅંમેશા ટ્રાઉઝર્સ અથવા સ્કર્ટ સાથે મેચીંગ થતો કોટ જ પહેરશે.

હિલેરી ક્લીન્ટન પણ કેઝ્યુઅલ વેરમાં ટર્ટલનેક  ટી-શર્ટ અને ટ્રાઉઝર્સ કે સફેદ ટોપ અને સાથે પેન્ટ પહેરે છે પરંતુ જ્યારે તેને ન્યુયોર્ક આવવાનું હોય અને થોડું ઓથોરેટીવ દેખાવું હોય ત્યારે તે પણ સુટ જ પહેરે છે. પછી તે ટ્રાઉઝર સૂટ હોય અથવા સ્કર્ટ  સૂટ હોય તેમાં કોઈ ફરક પડતો નથી. સૂટ એક એવું વસ્ત્ર છે જે પહેરીને સ્ત્રી વધુ આત્મવિશ્વાસી બને છે અને તે વાત તે પોતાના વસ્ત્રો દ્વારા જાહેર કરે છે. ટ્રાઉઝર સૂટ પહેરીને મીટીંગ હોલમાં દાખલ થતી માનુની ઉપર સૌૈની નજર સ્થિર થઈ જાય છે. સ્ત્રીને ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજીને પોતાનું પ્રભુત્વ દર્શાવવા સૂટ સિવાય અન્ય કોઈપણ ડ્રેસ યોેગ્ય નથી લાગતો. મોનીકા લેવેન્સ્કીની જ્યારે પૂછપરછ કરવામાં આવી હતી તે સમયે તેણે પણ પોતાનું પ્રભુત્વ દર્શાવવા કાળો સૂટ જ  પહેર્યો હતો. સૂટ પહેરીને સ્ત્રી પોતાના આધિપત્યની ભાવના સુપેરે દર્શાવી શકે છે. લેડી ડાયના, મોટે ભાગે સ્કર્ટ સૂટ જ પહેરતી. બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થ્રેચર પણ સ્કર્ટ સૂટ જ પહેરતા.  આ દ્વારા તેઓ ખૂબ જ આત્મવિશ્વાસી અને સ્માર્ટ દેખાતા હતા. સામાન્ય જનતા તેમનો આ પહેરવેશ જોઈને જ તેમનાથી અંજાઈ  જતી હતી.

સ્ત્રીના વોર્ડરોબમાં સૂટે જમાવેલા સ્થાનનું અન્ય એક કારણ એ પણ છે કે આ પ્રકારના કપડા દ્વારા તે દર્શાવવા માંગે છે કે સ્ત્રી હવે પહેલા જેવી અબળા નથી રહી. તે સબળા બનીને પુરુષોનું આધિપત્ય ધરાવતા પ્રત્યેક સ્થાન ઉપર પહોંચી શકે છે અને પહોંચી ગઈ છે. મેચીંગ સ્કર્ટ-સુટ અથવા ટ્રાઉઝર્સ સૂટની શોભતી મોતીની માળા, નાની બુટ્ટી, એક હાથમાં ઘડિયાળ, બીજા હાથમાં બ્રેસલેટ, પગમાં સુંદર શૂઝ તેના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાડી દે છે. આ જ એક્ઝીક્યુટીવ ડ્રેસ સાથે શોેભતો એકદમ હળવો  મેકઅપ તેના બાહ્ય વ્યક્તિત્વને નિખાર આપે છે. મોટી મોટી ઓફસમાં કામ  કરતી  સ્ત્રીઓ પોતાના પરિવેશથી જ પોતાના મોભાની યથાર્થતા દર્શાવી શકે છે.

આજની યુવાપેઢી ફિલ્મકલાકારો અને વિવિધ સિરિયલમાં દર્શાવાતા નાયક-નાયિકાઓની નકલ કરીને પણ પોતાની જાતને વધુ આત્મવિશ્વાસી બનાવી રહ્યા છે. આજની બાવીસ વરસની યુવતી કોઈપણ સ્થળે નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જવા માટે તૈયાર જ હશે તે માટેની જરૂરી વિચારણા તેણે અગાઉથી જ કરી રાખી હોય છે. ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન' કહેવત અનુસાર તે પોતાના વસ્ત્રો અને બાહ્ય વ્યક્તિત્વ અંગે પણ એટલી જ સજાગ હોય છે. ઈન્ટરવ્યૂ દેવા જવા માટે તે પોતાના શિક્ષણ અને લાયકાત અનુસાર વસ્ત્રોની પસંદગી કરે છે. જો તે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હશે તો તે ટ્રાઉઝર અને શર્ટ અથવા અન્ય સારો ડ્રેસ પહેરશે પરંતુ જો તે માસ્ટર ઈન મેનેજમેન્ટ કે કમ્પ્યુટરની કોઈ ઊંચી ડીગ્રી ધરાવતી હશે તો તે સુટ પહેરીને જ જવાનું પસંદ કરશે અને શા માટે ન કરે? આનાથી તેની લાયકાતમાં પણ ઉમેરો થાય છે. કોર્પોરેટ ડ્રેસીંગમાં સૂટની પસંદગી ઉત્તમ ગણાય છે.

આજે આપણા પ્રત્યેક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સ્ત્રીઓ માટે ખાસ ટ્રાઉઝર સૂટ અથવા સ્કર્ટ-સૂટનું અલગ કાઉન્ટર રાખવામાં આવે છે.