Get The App

જવાબદારી વિના પરિવારનો આનંદ લૂંટવાની મઝા

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
જવાબદારી વિના પરિવારનો આનંદ લૂંટવાની મઝા 1 - image

- દાદા-દાદી બન્યા પછીનો તબક્કો 

કેટલીક વખત આપણાં બધાને, મનમાં રસિક કલ્પના આવે છે. ક્યારેક મનમાં હવાઈ કિલ્લા રચીએ છીએ. આવી જ એક કલ્પના અથવા તો તરંગ મારા મનમાં એક દિવસ ઉદ્ભવેલો કે જીવનમાં નિર્દોષ અને નિર્ભેળ સુખ ક્યારેય મળે છે ખરું? 'કે પતિદેવ સાથે હરવા-ફરવાનું પણ એમનો મિજાજ સાચવવાનો નહીં! અને નાનાં બાળકોને રમાડવાના પણ રાખવાના નહીં!' તમને પણ થાય છે ને કે જીવનમાં  આવું બધું મળે તો કેટલું સારું? હા! આ સુખ જરૂર મળે છે. જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે આપણે આ રોચક અને નિર્દોષ સુખનો ભરપૂર આનંદ લઈ શકીએ છીએ અને એ તબક્કો છે તમે દાદા-દાદી થાવ ત્યારનો.

તમે દાદા-દાદી થાવ એટલે તમને નાનાં બાળકોને રમાડવાનું મળી રહેશે, પણ એમને ઉછેરવાની જવાબદારી તમારી નહીં રહે! એટલે જ પૌત્ર-પૌત્રીનો જન્મ જીવનમાં સીમાચિહ્ન બની જાય ચે. તમારા પોતાના સંતાનો મોટાં થઈ ગયાં હોય અને એમને ઘેર સંતાન આવે એ આનંદ અને સંતોષની ઘટના છે. મુદ્દલ પર મૂલ્યવાન વ્યાજ મળ્યાંની ખુશી થાય.

મારા જીવનની કેટલીક ઘટના હું કદી પણ ભૂલીશ નહીં. આવી ઘટનામાં અલબત્ત મારી પ્રથમ પુત્રીનો જન્મ છે. એના નાનકડાં નાજુક ગુલાબી ગાલનો પ્રથમ સ્પર્શ હું કદી પણ વિસરીશ નહીં. વાત્સલ્યની પ્રથમ દીક્ષા એણે જ મને આપેલી. માતૃત્વનો અનુભવ પ્રથમ એણે જ મને કરાવેલો.

આવી જ એક અવિસ્મરણીય ઘટના મારા જીવનમાં ત્યાર પછી વર્ષો બાદ બની અને એ હતી મારી પૌત્રીનો જન્મ. હું આ વખતે 'મા'માંથી દાદીમા બની. પૌત્રીનો જન્મ ખૂબ જ સુખદ લાગ્યો, પરંતુ એ સાથે આપોઆપ મળતું 'દાદીમા'નું પદ અને દાદીમા શબ્દ તે વખતે બહુ રૂચ્યો નહોતો. સગાં-સ્નેહીઓ હસતાં-હસતાં કહેતા 'આવો દાદીમા.' હું એ સાંભળી મોં મલકાવતી. આજે થોડાંક વર્ષો પછી મને મારી પૌત્રી દાદીમા કહે છે તે મને સ્વાભાવિક લાગે છે, પણ તે વખતે સાચું કહું તો 'દાદીમા' શબ્દ મને બહુ ગમ્યો નહોતો. મારા પતિએ હસીને મને કહેલું :

'મને તો દાદા થવામાં બહુ જ આનંદ આવે છે. કોઈ મને દાદા કહે તે મને જરાય ખરાબ નથી લાગતું. તો તું શા માટે એમાં અકળાય છે? હા, પણ એટલું ખરું કે હું દાદીમાને પરણેલો છું એ વિચાર મને નથી ગમતો!' આમ પણ સ્ત્રી હવે વૃદ્ધ થઈ છે તેનો અહેસાસ કોઈ કરાવે એ તેને જરાય ગમતું નથી.

ત્યારે મેં એમને કહેલું : 'પૌત્ર-પૌત્રીને રમાડવાનું તો મને પણ બહુ જ ગમે પણ દાદીમા થઈ જવાનું નથી ગમતું!'

આનું કારણ એમ હશે કે દીકરી-દીકરાને ઘેર સંતાનો થાય. આપણે વંશવેલો ચાલુ રહે એટલે એક તરફ સુખ અને સંતોષની લાગણી થાય, પરંતુ સાથે સાથે મનમાં એમ પણ થાય છે કે જીવનનો મધ્યાહ્ન હવે પૂરો થયો. સંધ્યા ઉગવા માંડી-જીવનના ઉતરાણ શરૂ થયા, આ લાગણી સુખદ નથી હોતી.

આજકાલ ૪૫-૫૦ વર્ષે યૌવન ઓસરી જતું નથી, છતાં પણ હવે મોટી ઉંમર થવા માંડી એમ તો મનમાં જરૂર થાય. પશ્ચિમના દેશોમાં તો ઘણી સ્ત્રીઓને પોતે દાદી છે એવું કહેવું ગમતું નથી હોતું! પોતે ખૂબ યુવાન છે એવું કહેવું અને બતાવવું એમને વધુ પસંદ પડે છે. આ વાતની ઘેલછા આપણાં દેશમાં ખાસ કરીને પૌર્વાત્યદ દેશમાં હોતી નથી. આપણા સમાજમાં 'ઉંમર'ને માન મળતું હોય છે. વૃદ્ધોની આમાન્યા રખાય છે.

પુત્રી કે પુત્રવધૂને ગર્ભ રહ્યો છે એની જાણ થાય ત્યારથી કુટુંબમાં આનંદ-ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ ફેલાય છે. દાદા-દાદી થતાં એક પ્રકારનું ગૌરવ અને ખુશહાલી કુટુંબમાં વધે છે. એની સાથે વડીલ તરીકે તમને વણમાગી સલાહ આપવાનો અધિકાર પણ સાંપડે છે! તમે દાદીમા થવાના એટલે હવે તમે તમારી પુત્રવધૂને જાતજાતની સલાહ આપી શકો. દા. ત. 'અમી, હું તારી જગ્યાએ હોઉં તો 'આર્યન'ની ટીકડીઓ લઉં જ નહીં. એનાથી કદાચ બાળક કાળું આવે!'

'પણ મમ્મી, 'એનિમિક' બાળક કરતાં કાળું પણ તંદુરસ્ત બાળક હોય એ મહત્ત્વનું છે.'

'બહેન, રોજ બપોરે ઉંઘવાની આ તારી ટેવ પણ સારી નહીં હં.' તમે એને કહેશો: 'બાળક આળસું થાય અને પપૈયું તો તારે ખાવું જ નહીં. ગરમ પડે, રતાળું કે બીજા કદ ખાય તો બાળકને રતવા થાય.'

તમારી પુત્રવધૂને આગાથા ક્રિસ્ટીની ડિટેક્ટિવ નવલકથા વાંચતી જોઈ કદાચ તમે એને કહેશો.

'હમણાં તો તારે ધાર્મિક પુસ્તકોનું જ વાંચન રાખવું જોઈએ. આવનાર બાળક પર સારા સંસ્કાર પડે, રામાયણ, મહાભારત વાંચે તો સારું.'

'તમારી પુત્રવધૂ આ સાંભળી કદાચ તમને કહેશે: 'અર્જુન જેવો બાણવાળો મારો છોકરો થાય એના કરતાં જ્યોર્જ હેરીસન જેવી બીટલ થાય તો મને વધુ  ગમશે.' આ જાતની સતત વાતચીત અને દલીલો ઘરમાં ચાલતી રહે છે અને એક સુભગ દિવસે નાનકડાં શિશુનો જન્મ થાય છે!

ઘરમાં એક બાળકનું અવતરણ થાય તેના લીધે કેટલા બધા નવા સગપણ ઉમેરાય છે. કોઈ પપ્પા-મમ્મી બને તો કોઈ કાકા તો વળી કોઈ માસી કે ફોઈ, પણ આ બધામાં દાદા-દાદી કે નાના-નાની બન્યાનો આનંદ અનેરો હોય છે. જોકે નવજાત શિશુને ઘરે જોવા આવનાર તમામ સગાં તેમને દાદા કે દાદી તરીકે સંબોધે એ ગમતું નથી.

મેં આગળ કહ્યું તે પ્રમાણે દાદા-દાદી થવામાં માતા-પિતા થવા કરતાં વધુ સુખ સમાયેલું છે. નવજાત શિશુને હેડકી આવે, ઉલટી થાય કે ચીસો પાડી એ રડવા માંડે ત્યારે એના નવાસવા મા-બાપ એકદમ ગભરાઈ જાય છે. અકળાઈ જાય છે. એવું દાદા-દાદીને થતું નથી. એમણે પોતાનાં બાળકોને ઉછેર્યા હોય છે. આવા તો અનેક અનુભવોમાંથી તેઓ પસાર થયા હોય છે! સામાન્ય રીતે દાદા-દાદી માટે પૌત્ર-પૌત્રીઓ એટલે ચિંતા અને જવાબદારી રહિત આનંદ અને નિર્દોષ મઝા! જ્યારે મા-બાપ માટે નવી વધારાની જવાબદારી! નવજાત બાળકના માતા-પિતાને વધારાના ખર્ચની ફિકર રહે. રાત્રે બાળક રડે તો એમની ઊંઘમાં ખલેલ પહોંચે. ઉજાગરા થાય. જ્યારે દાદા-દાદી નિરાંતે ઊંઘી શકે. આ ઉપરાંત દાદા-દાદી તરીકે તમે જાતજાતની સલાહ આપી શકો. પરંતુ એના માતા-પિતાએ તો સાચો નિર્ણય લેવાનો હોય છે. બાળક રડતું રહે નહીં તો દાદીમા બાળકને એની મા પાસે મૂકીને મંદિરે દર્શન માટે જઈ શકે, પણ માએ તો બાળકને છાનું રાખવું જ પડે! બાળકના માતા-પિતા અને દાદા-દાદી એ બેમાં શું તફાવત છે એ આપણે જોયું પણ સાચું પૂછો તો દાદા અને દાદી એ બન્નેનું કાર્ય અને દ્રષ્ટિ બાળક માટે થોડીક જુદી હોય છે. દાદીમા બાળકની તાત્કાલિક જરૂરિયાત પર વધુ ધ્યાન આપે છે. જ્યારે દાદાની નજર બાળકના ભવિષ્ય તરફ હોય છે. દાદી તો બાળકની ચારેબાજુ વીંટળાઈ વળે છે. ગમે તે હોય પણ દાદા અને દાદી બધા જ દાદા-દાદી વચ્ચે એક સામ્ય જરૂર હોય છે. પોતાના પૌત્ર-પૌત્રીઓ તરફ બન્ને ખૂબ જ ઉદારવૃત્તિવાળા હોય છે. પોતાનાં સંતાનો સાથે સખતાઈ વર્તનારા પણ દાદા-દાદી થતાં મુલાયમ માખણ જેવા બની જાય છે! બાળકનાં બધા જ તોફાન-મસ્તી તેઓ હસતે મોંએ ચલાવી લે છે અને કહે છે, 'મૂડી કરતાં વ્યાદ વધારે વહાલું હોય છે.'

ઘણી વખત દાદા-દાદીની આ મનોવૃત્તિ અને બાળકને વધુ પડતાં લાડપાન, બાળકના માતા-પિતા સાથે ઘર્ષણ ઊભું કરે છે. ખાસ કરીને પુત્રવધૂ અને જમાઈ સાથે. આ ઘર્ષણ ન થાય અને પૌત્ર-પૌત્રીઓ સાથે તમે આનંદ અને સુખ માણી શકો એ માટે દાદા-દાદીએ કેટલીક વાતો ખાસ લક્ષમાં રાખવા જેવી છે. જેમ કે :

(૧) બાળક માંદુ પડતા ડોક્ટરને બોલાવવાને બદલે એની નજર ઉતારવા કે એની જન્મોત્રી જોષીને બતાવવા જવું નહીં.

(૨) બાળકને એની માતા ફળનો રસ, ફેરેક્સ વિ. આપવા માંડે ત્યારે બાળકને શરદી થશે એમ કહી એને રોકો નહીં. બાળકની આંખમાં કાજળ, કાનમાં તેલ વગેરે તમારા જમાનામાં મુકતા હતા માટે તમારા પૌત્ર-પૌત્રીઓને મુકવાનો આગ્રહ રાખશો નહીં.

(૩) બાળકના માતા-પિતાની ઇચ્છા ન હોય તો બાળક માટે અન્નપ્રાશન વિધિ, મૂંડન, ઉપનયન સંસ્કાર વ. ક્રિયાનો આગ્રહ રાખશો નહીં.

(૪) બાળક હસતું-રમતું હોય ત્યારે તમારા જેવું છે અને રડતું હોય કે જીદ કરતું હોય ત્યારે એના મા-બાપ જેવું છે એવી ટીકા કરશો નહીં.

(૫) બાળકનો પિતા ડોક્ટર હોય તો તમે એ બાળક મોટા થઈને ઇજનેર બનશે એવું કહેશો નહીં.

(૬) બાળક સ્કૂલમાં જતી વખતે રડે અથવા તો તે વખતે પેટમાં દુ:ખે છે એવું બહાનું કાઢ્યા કરે તો એને ઉત્તેજન આપશો નહીં. બાળકને એના માતા-પિતા શિસ્ત શીખવવા માટે ઠપકો આપે કે વઢે ત્યારે બાળકનો પક્ષ લઈ એના માતા-પિતાનો વાંક કાઢશો નહીં. બાળકની ગેરહાજરીમાં એ વિષે એના માતા-પિતા સાથે ચર્ચા કરવી એ વધુ યોગ્ય છે.

(૭) બાળકને ખોટું ઉત્તેજન આપી તમે એને બગાડો છો એવું એના માતા-પિતાને ન લાગે એનો ખ્યાલ રાખશો.

(૮) સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે બાળક સૌથી પહેલાં એના માતા-પિતાનું પછી તમારું છે. દરેક મા-બાપને પોતાના સંતાનોને પોતાના ખ્યાલ પ્રમાણે ઉછેરવાની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે- એ વાત તમારે સ્વીકારી લેવી જોઈએ. આંગળી ચુસતું નાનકડું બાળક ધીમે-ધીમે મોટું થાય, શાળાએ જાય. નવું-નવું રોજ ને રોજ શીખતું જાય બુદ્ધિ અને શક્તિમાં દિન-પ્રતિદિન વધતું જાય અને પછી એક સ્વતંત્ર વ્યક્તિત્વવાળું મનુષ્ય બને! આ નવું-નવું રોજ ને રોજ શીખતું જાય બુદ્ધિ અને શક્તિમાં દિન-પ્રતિદિન વધતું જાય અને પછી એક સ્વતંત્ર વ્યક્તિત્વવાળું મનુષ્ય બને! આ આખીયે ઘટના જોવામાં અને અનુભવવામાં કેટલો આનંદ રહેલો છે! બાળકના માતા-પિતા પોતાના વ્યવસાયમાં રોજિંદા જીવનમાં ખૂબ વ્યસ્ત હોય છે. એની પાસે બાળકને જરૂરી સમય અને ધીરજ હોતા નથી. આ ઉપરાંત બાળઉછેર વિષે ખૂબ લખાતા અને વિચારતા બાળકના મા-બાપને એને ઉછેરતા ખૂબ મૂંઝવણ થાય છે. જ્યારે દાદા-દાદી પાસે વધુ સમય અને નિરાંત હોય છે. બાળક પ્રત્યે વધુ ધીરજ અને ઉદારતા એમનામાં હોય છે. એટલે બાળકનું નાજુક મન તેઓ સહેલાઈથી જીતી શકે છે. મા-બાપ અને બાળક વચ્ચે દાદા-દાદી ધારે તો ખૂબ જ મૂલ્યવાન કડી બની શકે છે. વર્તમાન અને ભૂતકાળને સાંકળીને બન્નેનું ભાવિનું ઘડતર અને ચણતર કરી શકે, એટલે જ હું કહું છું કે એક વખત દાદા કે દાદી થતાં તમને કદાચ શરૂઆતમાં આંચકો લાગશે, પણ વૃદ્ધ થવા માંડયા છો એવો આંચકો શમી જતા તમને અનેરો આનંદ મળશે. પૌત્ર-પૌત્રીના જન્મથી તમારામાં નવો ઉત્સાહ પ્રગટશે એટલું જ નહીં, પણ  જીવનનું એક નવું સ્વરૂપ જોવા મળશે. ઘણા વૃદ્ધ માળસો તો પૌત્ર-પૌત્રીના જીવન ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે. ક્યારેક તો વૃદ્ધો પોતે પણ બાળકો સાથે રમી બાળક જેવા નિર્દોષ બની જઈ સ્વસ્થતા અનુભવે છે.