ખીલનો સચોટ ઉપાય .
- આરોગ્ય સંજીવની- જ્હાન્વીબેન ભટ્ટ
આયુર્વેદમાં ખીલને યૌવનપિડિકાના નામથી ઓળખવામાં આવે છે. ખીલ એ સૌંદર્યમાં ખૂબ બાધારૂપ માનવામાં આવે છે તરૂણાવસ્થા- કિશોરાવસ્થા માનવ જીવનનો એક રોમાંચક શ્રેષ્ઠ તબક્કો કહેવાય છે. આ સમય દરમિયાન જ મોટે ભાગે ખીલ થાય છે, ખીલની ગાંઠ થવી, કાળા ડાઘા પડી જવા ક્યારેક ખાડા પણ પડી જવા વગેરે તકલીફો થાય છે.
આજની ભાગદોડ ભરી જિંદગીમાં 'ખીલ'ની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. દોડધામભરી જિંદગી, તનાવમય વાતાવરણ, ભરપુર તેલ - મસાલાવાળા ખાવાના શોખીન યુવા વર્ગને વાતાવરણ તથા ઉંમરની અસરના પરિણામે ખીલ એ ખૂબ જ સતાવતી સમસ્યા છે.
ખીલ થવાના કારણો :
તરુણાવસ્થામાં અંત:સ્ત્રાવને (હોર્મોન્સ)નું ઉત્પાદન વધે છે. હોર્મોન્સમાં અનેક ફેરફાર થાય છે અને જેના લીધે ત્વચાના તૈલીય કોષોની પ્રક્રિયા વધી જાય છે. આયુર્વેદમાં ખીલ થવાના મુખ્ય કારણમાં કફ, વાયુ અને લોહીના બગાડને મુખ્ય માનેલ છે આપણા શરીરની ત્વચામાં સ્વેદપિંડો રહેલા છે જેમાંની ત્વચા નાજુક હોય છે. યુવાનીમાં પિત્તદોષની પ્રાધાન્યતા હોય છે અને વધેલું પિત્ત લોહીને બગાડે છે. આ દૂષિત લોહી કફ સાથે ભળીને મોનાં મેદપિંડોને પૂરી દે છે અને ખીલની ઉત્પતિ થાય છે ખીલ મોટે ભાગે ક્યારેક છાતીની વચ્ચે, પીઠ પર ખભા ઉપર કે ગળા ઉપર પણ થાય છે. આયુર્વેદમાં ખીલના વાતજ, પિત્તજ, કફજ અને રક્તજ એમ ચાર પ્રકાર બતાવેલા છે.
ખીલ થવાના મુખ્ય કારણો :
કબજીયાત હોવી એટલે કે પેટ બરાબર સાફ ન થવું, અસંતુલિત આહાર, વધુ પડતું તીખું- તળેલું- અથાણા- લીલા મરચાનો ઉપયોગ, ઉજાગરા, અપૂરતું પોષણ, અનુચિત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ, યુવાવસ્થામાં થતા હોર્મોનલ ફેરફાર વગેરે કારણોથી ખીલ થતા હોય છે અને આમ યુવાવસ્થાના ગોલ્ડન પીરીયડમાં ખૂબસુરત ચહેરાને બદસૂરત બનાવનાર ખીલનો તાત્કાલીક ઉપચાર શરૂ કરી દેવો હિતાવહ છે.
* ઉપચાર :
ખીલ માટે જે કારણથી ખીલ થયા હોય તે કારણ દૂર કરવું જોઈએ જેમ કે કબજીયાત રહેતી હોય તો કબજીયાત ના થવા દેવી જોઈએ. એ માટે ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે ૧ ચમચી પાણી સાથે લેવું મારું તો એવું માનવું છે કે તરુણાવસ્થાના પ્રવેશ થવાની સાથે ત્રિફળાનું સેવન કરવામાં આવે તો ખીલની સમસ્યા ઉદ્ભવતી જ નથી. આયુર્વેદમાં લખ્યું છે કે ત્રિફળાનું સેવનથી ત્રણેય દોષ સમાન અવસ્થામાં રહેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જેથી વિરૂદ્ધ આહાર-વિહાર કદાચિત થઈ જાય તો પણ તે નડતરરૂપ નથી થતો આમ ખીલ માટે ત્રિફળા ખૂબ જ ઉપકારક છે.
ત્વચાની સ્વચ્છતા માટે વારંવાર મોં ધોવું બની શકે તો લીમડાના પાણી અને ત્રિફળાના ઉકાળાથી મોં ધોવું.
અપૂરતી ઉંઘ, ઉજાગરા, દિવસની ઉંઘનો ત્યાગ કરવો. ઘણી વખત માથામાં ખોડો હોય તો ખોડાના કારણે પણ ખીલ થતા હોય છે. તો પહેલા ખોડાને દૂર કરી ખીલનો ઇલાજ કરવો. ખીલની સમસ્યા માત્ર છોકરીઓની જ નથી પરંતુ છોકરાઓને પણ તે એટલા જ પ્રમાણમાં થતા હોય છે અને આ સમસ્યાને જડમૂળમાંથી મટાડતા વાર લાગે છે. સમયની સાથે ધીરજપૂર્વક આયુર્વેદિક ઉપચાર કરતાં રહેવાથી અવશ્ય ફાયદો થાય જ છે.
* આભ્યાંતર કારણોને દૂર કરવા માટે :
(૧) મહામંજિષ્ઠાદિ કવાથની ચાર- ચાર ચમચી માત્રામાં થોડું પાણી મેળવીને બપોરે- સાંજે જમ્યા પછી લેવું.
(૨) ત્રિફળા ગુગળ પાકતા ખીલમાં ખૂબ સારું પરિણામ આપે છે.
(૩) મોટા ખીલ ગાંઠ જેવા ખીલમાં કાંચનાર ગુગળ સારું પરિણામ આપે છે.
(૪) ત્રિફળાનું સેવન નિયમિત કરવું.
(૫) પિત્ત વધારે હોય તો ગુડુચ્ચાદિ કુવાથ, ઉશીરાસન, કુમારીઆસવ, આરોગ્યવર્ધિની, ગંધક રસાયન વગેરેનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવું.
(૬) સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ અવિપત્તિકર ચૂર્ણ વૈદકીય માર્ગદર્શન અનુસાર લેવું.
(૭) પર્યાપ્ત પ્રમાણમાં પૌષ્ટિક આહાર લેવો. ફાસ્ટફૂડ, અથાણા, લીલા મરચા, તીખું, તળેલું બંધ કરવું હકારાત્મક વલણ અને મનમાં પ્રસન્નતા રાખવી જે આપની સુંદરતાને મનમોહક ખૂબસુરત બનાવે છે.
* બાહ્ય ઉપચારમાં
(૧) રક્તચંદન, લોધ્ર ચૂર્ણ, હળદર અને ગુલાબજળ આ ચારેને સમભાગે લઈ લેપ લગાવવો દસ પંદર મિનિટ સુધી રહેવા દઈને હુંફાળા પાણીથી મોં ધોઈ લેવું.
(૨) દૂધમાં મસુર વાટીને તેમાં ઘી મેળવીને સાત દિવસ સુધી લેપ કરવાથી ચહેરો કમળની પાંખની જેમ સુંદર અને કોમળ બને છે.
(૩) શીમળાના કાંટાને દૂધમાં વાટીને મુખ પર લગાવવાથી ત્રણ દિવસમાં ત્વચામાં નિખાર આવી જાય છે.
(૪) અર્જુનની સૂકી છાલ અથવા મજીઠમાં મધ મિકસ કરી મોંઢા પર લગાવવાથી ચહેરાના ખીલ તથા ડાઘા દૂર થાય છે.