શિયાળાની મસ્ત-મસ્ત મોસમ છે. આ એવી ઋતુ છે જેમાં બધુ જ સરસ અને સુંદર લાગે છે. હવામાન ખુશનુમા બની જાય છે. એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ કુદરતનો ખોળો ખુંદવાનું મન થાય. શિયાળામાં લાંબો વીકએન્ડ આવે એટલે આપણે નજીકના હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવીએ. ઘરમાં ટુર પર જવાની તૈયારીઓ થવા માંડે અને અચાનક તમે વધુ પડતો થાક અનુભવવા લાગે. શરીર ઢીલુઢફ થઈ જાય અને એને લીધે તમે ફરવા જવાનો પ્લાન પડતો મૂકો. શું તમે અવારનવાર આવો થાક અનુભવો છો? આ ભયસૂચક સંકેત છે.
તમને શરદી કે તાવ જેવી મામૂલી બિમારીમાંથી બેઠા થતા લાંબો સમય લાગતો હોય તો એ પણ ચેતવા જેવું લક્ષણ છે. આ બંને સ્થિતિ એવું સૂચવે છે કે તમારો સ્ટેમિના (શારીરિક બળ) ઓછો થઈ ગયો છે. નોર્મલ લાઈફ જીવવામાં સ્ટેમિના અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં પુરતી શક્તિ અને ઉર્જા ન હોય તો વ્યક્તિને પોતાનું રુટીન કામકાજ, લોકો સાથે હળવામળવાનું અને હળવી એકસરસાઈઝ કરવાનું પણ મોટો પહાડ ચડવા જેવું લાગે છે. આવું કોઈની પણ સાથે બની શકે છે. એમાં ગભરાવાની જરૂર નથી. અમુક કુદરતી વસ્તુઓ આપણાં રોજિંદા ખોરાકમાં સામેલ કરીને એક સપ્તાહમાં જ સ્ટેમિના પાછો મેળવી શકાય છે એ ચમત્કારી ચીજો આ રહી :
૧) શક્કરીયા :
રતાળુ અથવા શક્કરીયા કાર્બોહાઈડ્રેટસનો એક અદ્ભુત સ્ત્રોત છે. મોટાભાગે એકટાણાં કે ઉપવાસમાં ખવાતા શક્કરીયામાં ભરપુર પ્રમાણમાં ફાયબર હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ થવા ઉપરાંત શરીરને એકધારી ઉર્જા પુરી પાડે છે. ડાયટમાં શક્કરીયા ખાવાથી શરીરમાં લાંબો સમય શક્તિ જળવાઈ રહે છે.
૨) કેળા :
ગરીબ અને તવંગર સૌને પોસાતા કેળામાં પોટેશિયમનું સારુ એવું પ્રમાણ હોય છે. એ ઉપરાંત કેળાં ખાવાથી ભૂખ મટે છે અને બે ટંકના ભોજન વચ્ચે બોડીમાં એનર્જીનું લેવલ જળવાઈ રહે છે.
૩) કોફી :
સૌ જાણે છે કે ખુશબુદાર કોફીમાં કેફીનની સારી એવી માત્રા હોય છે. એ ઉપરાંત કોફીમાં એન્ટીઓક્સિડંટસ પણ હોય છે, જેના ઘણાં હેલ્થ બેનિફિટ્સ છે. એને કારણે ચાની જેમ કોફી એક ઉત્તેજક પીણાં ઉપરાંત દેહની એકંદરી સુખાકારી માટે પણ લાભદાયી બની રહે છે.
૪) એવોકાડો :
આ એક એવું ફળ છે જે સ્ટેમિના વધારવાનું કામ કરે છે. એ સિવાય એવોકાડોઝમાં મોનન સેચ્યુરેટેડ ફેટ્સ પણ મળે છે જે આપણાં હૃદયને સ્વસ્થ રાખે છે. એટલે જ ડાયેટિશ્યન્સ એને સંપૂર્ણપણે પોષણક્ષમ ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે.
૫) પીનટ બટર :
મગફળીનું માખણ પ્રોટિન્સ અને ઓમેગા-૩ ફેટસથી ભરપુર હોય છે. એ ઉપરાંત પીનટ બટરમાં શરીર માટે આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સ પણ સામેલ હોવાથી એને બ્રેડ પર લગાડીને ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફુર્તિનો સંચાર થાય છે.
૬) ઈંડા :
એગ્સ (ઇંડા)ને પ્રોટિનનું પાવરહાઉસ એવું વિશેષણ અપાયું છે. એ ઉપરાંત ઇંડા કોલીનનો સારો સ્ત્રોત ગણાય છે જે મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વ ગણાય છે. એટલે જ ઇંડા એકધારી શારીરિક શક્તિ અને બુદ્ધિના કામો માટે શ્રેષ્ઠ પસંદગી ગણાય છે.
૭) જવ :
ઓટ્સ એટલે કે જવ કાર્બોહાઇડ્રેટનો સ્ત્રોત હોવા ઉપરાંત એમાં ફાઇબરની ઊંચી માત્રા હોવાથી એ આપણને લાંબો વખત તૃપ્તિનો અનુભવ કરાવે છે અને વારંવાર ભૂખ ન લાગવાથી ખાખા કરવાનું ટાળી શકાય છે. એ દ્રષ્ટિએ જવ વેઇટ મેનેજમેન્ટમાં મદદરૂપ થાય છે. એ ઉપરાંત ઓટ્સમાં ભરપુર આવશ્યક પોષક તત્ત્વો હોવાથી એ બેલેન્સડ ડાયટ (સંતુલિત ખોરાક) માટે બેસ્ટ ચોઈસ બની રહે છે. ઉપરોક્ત કુદરતી વસ્તુઓ રોજિંદા ભોજનમાં સામેલ કરીને શરીરનો સ્ટેમિના વધારી શકાય છે. એ રીતે રોજિંદા કામકાજને પહાડ ચડવા જેવું વિકટ બનતા નિવારી શકાય છે. પાછી આ બધી વસ્તુઓ સોંઘી અને હાથવગી છે.
- રમેશ દવે


