- સૂર્યમુખીને સાંપડયો સોશ્યલ મીડિયાનો સંગાથ
છેલ્લાં ઘણાં સમયથી ચારેકોરથી ત્રાટકી રહેલા સોશ્યલ મીડિયાના વાવાઝોડાએ ઘણું ધ્વસ્ત કર્યું છે અને ઘણાંને નવજીવન બક્ષ્યું છે. જો તમને કોઈ એમ કહે કે સોશ્યલ મીડિયાએ જીવંત વસ્તુને નવજીવન આપ્યું છે તો તમે સહેજે વિચારમાં પડી જશો. વળી આ પ્લેટફોર્મ પર તો નીતનવા ટ્રેન્ડ વહેતા થતાં હોય છે. એવામાં કઈ છે આ વસ્તુ? આવો જાણીએ....
આ વસ્તુ એટલે બીજું કંઈ નહીં પણ આપણે નાનપણથી જોતા આવ્યા છીએ તે પીળાં ફૂલો, સૂર્યદેવ ધરતી પર ઉજાસ ફેલાવવાનું શરૂ કરે કે તરત જ આ પુષ્પો અરૂણોદયને વધાવવા પૂર્વ દિશામાં ફરી જાય. આ કારણે જ આ કુસુમોને સૂર્યમુખી નામ આપવામાં આવ્યું છે.
પ્રેમીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતી પ્રેમિકા તેના પાદસંચાર સાથે જ તેના આગમનની દિશા તરફ ફરી જાય, તેનો ચહેરો સોળ વર્ષની સુંદરીની જેમ ખિલી ઉઠે, બિલકુલ તેવી જ રીતે સૂર્યોદય થતાં જ સૂરજમુખીના ફૂલોનો ચહેરોે પૂર્વ દિશામાં ફરી જાય, અને આ પુષ્પો સોળેકળાએ ખિલીને ગર્વથી માથું ઊંચકતા હોય તેમ ટટ્ટાર થઈ જાય. સૂરજમુખીના ફૂલોની આ ખૂબી જ આધુનિક યુવા પેઢીને સ્પર્શી ગઈ. અત્યાર સુધી આ આકર્ષક પુષ્પોની સંબંધિત ખાસિયતથી સુપરિચિત રહેલાં લોકોએ પણ તેની કદર નહોતી કરી. પરંતુ પત્થરમાંથી પણ પારસમણી શોધી કાઢવાની કુનેહ ધરાવતી આધુનિક યુવા પેઢીએ સૂરજમુખીની આ ખૂબીને સેોશ્યલ મીડિયાની દિશામાં વાળી. અને પ્રિય પુષ્પોની યાદીમાં હમેશાંથી હાંસિયામાં રહેલા સૂર્યમુખી જાણે કે મધ્યાહ્ને ચળકવા લાગ્યાં.
થોડા સમય પહેલાં એટલે કે એકાદ વર્ષ અગાઉ ફ્લાવર શોપમાં કે ફૂલો વેંચતા ફેરિયાઓ પાસે સૂર્યમુખી માંડ નજરે પડતાં. મોટી મોટી ફૂલબજારમાં પણ વિવિધ પ્રકારના પુષ્પોના વેંચાણમાં સૂર્યમુખીનું સ્થાન છેલ્લી પાટલીના વિદ્યાર્થી જેવું રહેતું. પુષ્પગુચ્છોમાં ગુલાબ અને ટુલિપ કેન્દ્ર સ્થાને રહેતા. પણ એક વખત પચીસ વર્ષની એક યુવતી સૂર્યમુખીના બાગમાં જઈ પહોંચી અને ફૂલોની લોકપ્રિયતાનો ગ્રાફ સડસડાટ ઉપર તરફ ખેંચી ગઈ. આ પુષ્પોનો ચળકતો પીળો રંગ તેની આંખોમાં વસી ગયો. તેણે આ પુષ્પો સાથે પાડેલા ફોટા સોશ્યલ મીડિયા પર મૂકતાં લખ્યું કે 'સૂર્યમુખીના ફૂલો પુરવાર કરે છે કે જીવન પણ આવું જ તેજોમય અને સુંદર હોઈ શકે. તેણે એમ પણ લખ્યું કે સૂરજમુખી સકારાત્મકતા અને ચમકના પ્રતિક છે. આ ફૂલો આપણને જીવનની ઉજળી બાજુ તરફ ધ્યાનકેન્દ્રિત કરવાનું શીખવે છે.
તેના જેવી જ અન્ય એક યુવતીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે હું સૂરજમુખીના ફૂલોને મારા ફ્લાવરવાઝમાં સજાવું છું. જેથી જેટલી વખત મારી નજર તેના પર પડે એટલી વખત મારી અંદર નવી ઊર્જાનો સંચાર થતો રહે. આ પુષ્પો મને હૂંફ-દોસ્તી- કમ્ફર્ટની અનુભૂતિ કરાવે છે. જો મારો મિત્ર મને સનફ્લાવર ભેટમાં આપે તો મને તે કંઈક નોખું, વિચારશીલ અને સંપૂર્ણપણે અંગત લાગે. તે વધુમાં કહે છે કે આપણે હમેશાંથી ગુલાબોને મહત્ત્વ આપતાં આવ્યાં છીએ તેમાં કંઈ ખોટું નથી. ગુલાબ ફૂલોનો રાજા ગણાય છે. તેની ખૂબીઓ પણ અપરંપરા છે. તેનું સ્થાન અન્ય કોઈ કુસુમ ન આંચકી શકે. પરંતુ સૂરજમુખીની સકારાત્મકતા, ચમક, અજવાળી દિશા તરફ ફરી જવાની તેની ખૂબી તેને ખાસ બનાવે ેછે. આ મોટું, ચળકતું એક જ ફૂલ તમારા ચહેરા પર સ્મિત ફેલાવવા પૂરતું થઈ પડે.
યુવા પેઢીનો સૂર્યમુખીના ફૂલો તરફનો આ દ્રષ્ટિકોણ જ કેટલો સકારાત્મક છે. તેથી જ હવે તેઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ માટે ગુલાબના સ્થાને સૂરજમુખીનું ફૂલ આપવા લાગ્યાં છે. તેઓ કહે છે કે આ પુષ્પની ભેટ માત્ર પ્રેમી-પ્રેમિકા પૂરતી સીમિત નથી. તમે તમારા પરિવારજનો, વડિલોને પણ આ ફૂલો આપી શકો. સૂર્યમુખીનું એક ફૂલ તેમના મૂરઝાઈ ગયેલા મૂડને પળભરમાં ખીલવી શકે. મઝાની વાત એ છે કે આ પેઢી લગ્નને લગતાં હલ્દી અને મહેંદી જેવા કાર્યક્રમોમાં સૂરજમુખીના ફૂલોનો ભરપૂર ઉપયોગ કરી રહી છે. તેઓ કહે છે કે હલ્દીની રસમમાં તો આમેય પીળા રંગનું મહત્ત્વ હોય. અને જ્યારે કોઈ યુગલ તેમના નવા જીવનનોે આરંભ કરી રહ્યું હોય ત્યારે તેમના માટે સૂર્યમુખી જેવું સુંદર અને સકારાત્મક બીજું શું હોઈ શકે? તેમના આવા દ્રષ્ટિકોણને અનુસરીને વેડિંગ રિસેપ્શનમાં ડેકોરેશનમાં પણ સુરજમુખીને મોખરાનું સ્થાન મળી રહ્યું છે.
ફૂલો વેંચતા ફેરિયાઓ હોય કે આલીશાન ફ્લાવર શોપના માલિકો, બધા એક સ્વરે કહે છે કે અત્યાર સુધી જે ફૂલોને હાંસિયામાં જ રાખવામાં આવ્યાં હતાં, ભેટ આપવા કે સજાવટમાં, પુષ્પગુચ્છમાં જે પુષ્પોને ભાગ્યે જ સ્થાન મળતું તે હવે કેન્દ્ર સ્થાન ગ્રહણ કરવા લાગ્યાં છે. એક તબક્કે અમે આ ફૂલો સાવ ઓછા લાવતાં અથવા બિલકુલ ન લાવતાં. પણ હવે તેનું વેંચાણ વધતા અમે તે સેંકડોની સંખ્યામાં લાવીએ છીએ. અને તેમાંથી મોટાભાગના વેંચાઈ પણ જાય છે તે જ સૂર્યમુખીના ફૂલોની વધતી જતી લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે. અને તેનો સઘળો યશ યુવા પેઢીના આ પુષ્પો પ્રત્યેના અભિગમ તેમ જ સોશ્યલ મીડિયાના ફાળે જાય છે.
- વૈશાલી ઠક્કર


