- ઓનલાઇન ફોટામાં પહેરેલાં કપડાંને આવી એપ્સ વડે ઉતારી તે તસવીરો તમને મોકલવામાં આવે છે આ એપ્સ પર પ્રતિબંધ મુકવા છતાં પોર્નની જેમ નવા નવા સ્વરૂપે તે ફરી દેખા દે છે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ યાને એઆઇ ટેકનોલોજી રોજગારીથી માંડી માનવ ગૌરવ સુદ્ધાં છીનવી લેવા માંડી છે. કમાલની વાત એ છે કે આ ટેકનોલોજીનો છડેચોક એપ દ્વારા તો દુરૂપયોગ થાય જ છે પણ અનાયાસે તેનો ભોગ બનનારાંની સંખ્યા પણ નાની સૂની નથી. આ વાત ૃઉદાહરણથી સમજીએ. બારમા ધોરણના એક સ્ટુડન્ટે ઇન્સ્ટાગ્રામ પર એક એપની એડ જોઇ. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ એપ વપરાશકારને પાતળાં, વધારે સ્નાયુબદ્ધ અને યુવાન દેખાડી શકે છે. કુતૂહલને વશ થઇ આ સ્ટુડન્ટે આ એપને ડાઉનલોડ કરી તેના પર તેના ક્લાસની એક છોકરીનો ફોટો અપલોડ કરી જોયો. આ એપ પર ફોટોમાં દેખાતી વ્યક્તિને નગ્ન સ્વરૂપે દર્શાવવાનો પણ વિકલ્પ હતો. જેનો ઉપયોગ કરી આ સ્ટુડન્ટે શું કર્યું તે કહેવાની જરૂર નથી પણ થોડા દિવસમાં તો તે આ કૂલ એપની વાતો તેના મિત્રો સાથે કરવા માંડયો અને જેનો ફોટો આ એપ પર વાપરવામાં આવ્યો હતો તે છોકરી સુધી આ વાત પહોંચી ગઇ. આ ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે સ્ટુડન્ટે જે કામ સમજ્યા કર્યા વિના ટાઇમપાસ માટે કર્યું તે ગુનો બને છે. કોઇનો ફોટો મેળવી તેમની પરવાનગી લીધાં વિના તેની નગ્ન તસવીર બનાવવી તે ગુનો છે. તમે આ તસવીર સરક્યુલેટ ન કરો અને બાદમાં ડિલિટ કરો તો પણ ગુનો તો બને છે.
આ તો વ્યક્તિગત વાત થઇ પણ કંપનીઓનું વલણ આ મામલે વધારે ચિંતાજનક છે. ગ્રોક એઆઇ એપનું ન્યુડિફાઇ ફિચર ચર્ચાસ્પદ બનવાને પગલે તેના પર પ્રતિબંધ મુકવાની ચોમેરથી માંગણી ઉઠી અને કંપનીએ તે ફિચરને મર્યાદિત કર્યું પણ એપલ અને ગૂગલના એપ સ્ટોરમાં આવી અનેક એપ હજી પણ ઉપલબ્ધ છે. ટેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ -ટીટીપી- નામના વોચડોગ ગુ્રપના રિપોર્ટ અનુસાર એઆઇના ઉપયોગ દ્વારા ડીપફેક ન્યુડ ઇમેજ બનાવી આપતી અઢળક એપ આ કંપનીઓના એપ સ્ટોર પર અને તેના પરથી લાખો સ્માર્ટફોન્સ પર ઉપલબ્ધ બની રહી છે. ટીટીપીના જણાવ્યા અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર આવી ૫૫ અને એપલ એપ સ્ટોર પર આવી ૪૭ એપ ઉપલબ્ધ છે. નોંધપાત્ર બાબત એ છે કે આ એપ્સને ૭૦૦ મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી છે અને તેના દ્વારા ૧૧૭ મિલિયન ડોલર્સની રેવન્યુ મેળવવામાં આવી છે. એ જગજાહેર બાબત છે કે એપલ અને ગૂગલને તેમના એપ સ્ટોર પર ઉપલબ્ધ એપ ડાઉનલોડ કરવામાં આવે ત્યારે તેમાંથી કમિશન મળે છે. એક અહેવાલ અનુસાર એપલે તેના સ્ટોર પરથી આવી ૨૪ એપ હટાવી દીધી હતી પણ ગૂગલે કેટલી એપ્સ હટાવવામાં આવી કે કેમ તેની કોઇ વિગતો આપી નથી.
આ દૂષણ કેટલું વ્યાપક છે તે આંકડાઓ દ્વારા સમજીએ. ટેલિમેટ્રિયો એનાલિટિક્સ નામની કંપનીના જણાવ્યા અનુસાર ૩૦ ઓગસ્ટ અને પાંચ સપ્ટેમ્બર દરમ્યાન માત્ર ભારતમાં જ અનડ્રેસ શબ્દનો ઉપયોગ ૨૮૦૦ વાર થયો હતો. ટેલિગ્રામ એપ્સ પર પણ આવા ફિચર ઉપલબ્ધ છે.
આ દૂષણ માત્ર એપ પૂરતું જ મર્યાદિત છે એવું નથી. વોટ્સએપ જેની માલિકીની છે તે મેટા કંપનીના સ્માર્ટગ્લાસ પણ આવી બદમાશીઓ કરવા માટે વપરાવા માંડ્યા છે. તાજેતરમાં બ્રિટનમાં બે જાણીતી મહિલા હસ્તીઓ ઉનાઘ અને કેટ સાથે આવું બન્યું હતું. ઉનાઘે જણાવ્યું હતું કે ગયા જુનમાં બ્રાઇટન બીચ પર સનબાથ લીધાં બાદ તે પાછી ફરી રહી હતી ત્યારે સનગ્લાસ પહેરેલા એક યુવાને મારો સંપર્ક કરી મારું નામ પૂછી હું ક્યાંની રહેવાસી છું તેવા સવાલો કર્યા હતા. મેં નમ્રતાથી તેના સવાલોના ઉત્તર આપી જણાવ્યું હતું કે મારે બોયફ્રેન્ડ છે. થોડા અઠવાડિયાઓ બાદ મને ટિકટોક પર એક વિડિયો મોકલવામાં આવ્યો જેમાં મેં તે માણસ સાથે કરેલી વાતનું રેકોર્ડિંગ હતું. ઉનાઘ કહે છે કે મને સમજાયું કે તે માણસે તેના સ્માર્ટગ્લાસ દ્વારા તેની વાતચીતનો વિડિયો ઉતારી લીધો હતો. ઉનાગ કહે છે કે આ વિડિયો જોવાથી ખબર પડે છે કે હું બ્રાઇટનમાં રહું છું. તેનીનીચે પાર વગરની કોમેન્ટ કરવામાં આવેલી હતી. જેમાં મોટાભાગની પોસ્ટમાં અભદ્ર કોમેન્ટ્સ કરવામાં આવેલી હતી. ઉનાઘ કહે છે મારા માટે ડરામણી હકીકત એ હતી કે આ વિડિયો પોસ્ટ કરનારા અને જોનારા પણ મારું કોઇ નિયંત્રણ નહોતું. ઉનાઘે આ મામલે સસેક્સ પોલીસમાં ફરિયાદ કરીતો તેને જણાવવામાં આવ્યું કે જાહેરમાં લોકોની ફિલ્મ ઉતારવાનું ગેરકાયદે નથી. ઉનાઘ કહે છે, આ પ્રકારની વાતચીત દરેક મહિલાઓ સાથે થતી હોય છે તે હું જાણું છું પણ તેની ફિલ્મ ઉતારી તેને ઓનલાઇન મુકવામાં આવે છે તે ડરામણી હકીકત છે. નોંધપાત્ર બાબત એ છે કે ઉનાઘનો વિડિયો ઉતારનારી વ્યક્તિએ આ પ્રકારના સોથી વધારે વિડિયો તેના ટિકટોક પેજ પર મુક્યા હતા. અને આ પ્રકારની હરકત કરનારો તે એકલો નથી.
લંડનમાં જીમમાંથી પાછી ફરી રહેલી કેટ સાથે પણ આવી જ ઘટના બની હતી. કેટનો નંબર માંગવામાં આવતાં તેણે ના પાડી તો તેને બીજે દિવસે ટિકટોક પર તેની એ વાતચીતનો વિડિયો મોકલી દેવામાં આવ્યો હતો. આ વિડિયો ઓનલાઇન પોસ્ટ થયાના છ કલાકમાં તો તેને ૫૦,૦૦૦ વ્યૂ મળી ચૂક્યા હતા. આ વિડિયો પર કેટ કેવી દેખાય છે તેના વિશે અણછાજતી કોમેન્ટ્સ કરવામાં આવી હતી. કેટ કહે છે, મને આ જોઇને ત્રાસ થવા માંડયો હતો. લોકો ઓનલાઇન મારી મજાક ઉડાવતા હતા. તેમને કશું ભાન જ નહોતું કે આ વિડિયો મારી કોઇ મંજૂરી લીધાં વિના મારી જાણ બહાર તેને શૂટ કરવામાં આવ્યો હતો. સસ્તી ક્લિક મેળવવા માટે આવી હરકતો કરવામાં આવે છે. પણ તેનાથી તમારા આત્મવિશ્વાસ પર અસર થાય છે અને તેમારું ગૌરવ હણાય છે. કેટે જણાવ્યું હતું કે બે વાર તે જાતીય હુમલાનો પણ ભોગ બની ચૂકી છે. આ મામલે મોટો ઉહાપોહ થવાને પગલે ટિકટોક દ્વારા ઉનાઘ અને કેટના વિડિયો પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવ્યા છે પણ તેનાથી આ પ્રકારની હરકતો બંધ થાય તેમ લાગતું નથી. મેટાએ ૨૦૨૧માં સ્માર્ટગ્લાસ લોન્ચ કર્યા હતા. ગયા વર્ષે ફેબુ્રઆરીમાં કંપનીએ આવા વીસ લાખ સ્માર્ટગ્લાસનું વેચાણ કર્યું હતું.
યુનિવર્સિટી ઓફ કેન્ટમાં ઇન્સ્ટિટયુટ ઓફ સાયબર સિક્યુરિટી ફોર સોસાયટીના ડો. જેસન નર્સે જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે ટેકનોલોજીની ઝડપ સાથે કાયદો તાલ મિલાવી શકતો નથી. સ્માર્ટગ્લાસ ઉપયોગી છે પણ તેનો દુરૂપયોગ પણ થઇ શકે છે. સ્માર્ટગ્લાસની ટેકનોલોજીને સરળતાથી ઓળખવી સહેલી નથી જેને કારણે તેનો દુરૂપયોગ થવાની સંભાવના વધારે રહેે છે. કંપનીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટગ્લાસ પર કન્ટેન્ટ રેકોર્ડ થતું હોય ત્યારે તેની પર મુકવામાં આવેલી એલઇડી લાઇટ્સ ઝબૂકે છે જેથી બીજા લોકોનેખ્યાલ આવે કે તેમાં રેકોર્ડિંગ થઇ રહ્યું છે પણ આ ફિચરને બંધ કરવાના અનેક ઉપાયો ઓનલાઇન મુકવામાં આવેલાં છે. આમ, વાસ્તવિક જગતમાં મહિલાઓએ હવે વધારે સચેત રહેવાની જરૂર છે. ક્યારે કયો સ્માર્ટગ્લાસ તેમની હરકતો રેકોર્ડ કરતો હશે તે જાણવું હાલ તો મુશ્કેલ લાગે છે. આપણાં વડીલો કહી ગયા છે, તેમ ચેતતી નારી સદા સુખી!
- વિનોદ પટેલ


