Get The App

નવવધૂને નિખારતો મેકઅપનો જાદૂ .

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
નવવધૂને નિખારતો મેકઅપનો જાદૂ                                      . 1 - image

- વિવિધ રંગ અને શેડ્સના પ્રયોગથી વ્યક્તિત્વ નીખરે છે

પ્રત્યેક માનુનીના જીવનનો યાદગાર દિન એટલે તેનો લગ્નદિન. લગ્નને દિવસે નવોઢા સ્વર્ગની અપ્સરા સમી દેખાવા ઈચ્છે છે. આ એક જ દિવસ એવો હોય છે જ્યારે તે મહારાણીની જેમ તૈયાર થાય છે અને સહુની શુભેચ્છા મેળવે છે. યોગ્ય મેકઅપ, હેરસ્ટાઈલ અને પરિધાન દ્વારા નવોઢા 'મેનકા' બની શકે છે. તે માટે અગાઉથી થોડી યોજના બનાવી રાખવી જોઈએ.

 આપણે ત્યાં સંક્રાંત બાદ થતા લગ્નપ્રસંગે ગરમીનો અનુભવ થાય છે. ગમે તેટલો સારો મેકઅપ કરેલી નવોઢા પણ પરસેવાને કારણે ઝાંખી દેખાય છે. તે જ પ્રમાણે ભારે કપડામાં અતિશય ગરમી થતાં તે અકળામણ અનુભવે છે. એટલે લગ્ન પ્રસંગે પોશાક અને મેકઅપ નક્કી કરતાં અતિશય ચીવટ રાખવી જરૂરી છે.

કોઈપણ પ્રકારના લૂકને મેકઅપની મદદથી સુંદર બનાવી શકાય છે. ત્વચાના ટોન અને પ્રકાર પ્રમાણે ફાઉન્ડેશન પસંદ કરીને યોગ્ય જગ્યાએ કન્સીલર્સ લગાડવાથી ત્વચા એકદમ સુંવાળી અને એકસરખી દેખાશે. ગ્લેમરસથી લઈને નેચરલ બ્યુટી જેવા લૂકનો જાદુ મેકઅપ દ્વારા કરી શકાય છે. નવવધૂને રાજકુમારી દેખાડવા માટે મેકઅપમાં અનેક તરકીબો છે.

મેકઅપથી માત્ર તમારો બાહ્ય દેખાવ જ સુંદર નથી બનતો પરંતુ તેનાથી તમારું આગવું વ્યક્તિત્વ પણ બધાની સમક્ષ  આવે છે. તેથી આજની આધુનિક નારી વિવિધ રંગ અને શેડ્સના પ્રયોગ દ્વારા વ્યક્તિત્વને નીખારે છે.

ફાઉન્ડેશન : ફાઉન્ડેશન વડે સુંદરતાની નવી વ્યાખ્યા બની છે. યોગ્ય ફાઉન્ડેશનના ઉપયોગથી ચહેરો તેજસ્વી બને છે. તમારી ત્વચાના ટોેન સાથે મેચ થતું ફાઉન્ડેશન પસંદ કરવું જોઈએ. આજે ત્વચા નિષ્ણાતો દ્વારા ટેસ્ટ કરવામાં આવેલું, ઓઈલ ફ્રી અને સનસ્ક્રીનયુક્ત ફાઉન્ડેશન મળે છે. તેથી તે લગાડવામાં સુરક્ષિત અને સરળ રહે છે.  તથા તેનાથી છિદ્રો પૂરાઈ જતાં નથી અને ખીલ પણ થતાં નથી. 

જો ત્વચા સામાન્ય કે સૂકી હોય તો લિક્વીડ અથવા ક્રીમ ફાઉન્ડેશન વાપરવું જોઈએ. તૈલી ત્વચા ધરાવનારાઓ માટે ખાસ પાણી આધારિત ઓઈલ ફ્રી ફાઉન્ડેશન આવે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી  યુવતીએ પણ પાણીવાળું ફાઉન્ડેશન લગાડવું જોઈએ.

યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી

બને ત્યાં સુધી ઓઈલ ફ્રી અને સૂર્યના તાપથી રક્ષા કરે તેવા ફાઉન્ડેશનને જ પસંદ કરવું.

* દિવસના સમયે થોડું ફાઉન્ડેશન લઈને તમારા  ગાલ પર લગાડવું. અરીસો લઈને સૂર્યપ્રકાશમાં ચહેરો જોવો. જો ફાઉન્ડેશન લગાડયું છે તેવી બહુ ખબર ન પડે તો તે રંગ તમારા માટે યોગ્ય ગણાય.  કારણ કે ફાઉન્ડેશનનો રંગ તમારી ત્વચાના રંગ સાથે ભળી જવો જોઈએ. ક્યારેક યોગ્ય રંગનું ફાઉન્ડેશન ન મળે તો બે જુદાં જુદાં શેડ્સના ફાઉન્ડેશનને મિક્સ કરીને યોગ્ય રંગ મેળવી શકાય છે. 

સામાન્ય રીતે ભારતીય ત્વચા ઘઉંવર્ણી અને થોડી પીળાશ પડતી હોય છે. એટલે એકદમ ગુલાબી અથવા કેસરી રંગનું ફાઉન્ડેશન પસંદ ન કરવું. ભારતીય ત્વચાને અનુરૂપ ફાઉન્ડેશનના ઘણા શેડ્સ જોવા મળે છે.

ગોરી ત્વચા : ગુલાબી શેડથી ફિક્કી ત્વચા પણ ફુલગુલાબી  દેખાશે.

મધ્યમ ત્વચા : આ પ્રકારની ત્વચા પર પર્લી શેડ્સ સરસ લાગે છે. તેમાં બ્રાઉન રંગની લિપસ્ટિક કરવાથી દેખાવ સરસ લાગે છે.

શ્યામ ત્વચા : શ્યામ ત્વચા પર એકદમ ઓછું ફાઉન્ડેશન લગાડવું. મેટ આય મેકઅપ સાથે કોપરી ગોલ્ડ શેડ આકર્ષક લાગે છે.  તેના પર ડસ્ટી પિંક,મિન્ટ ગ્રીન,લાઈટ બ્લુ અને અન્ય શેડ્સ સરસ લાગે છે. પારંપરિક લૂક ધરાવતી ભારતીય સુંદરીઓની ત્વચા ઓલીવ હોય છે. તેના પર ગોલ્ડ મેકઅપ સરસ લાગે છે.

ફાઉન્ડેશન લગાડવાની રીત

* સહુપ્રથમ તમારી ત્વચા પર  મોઈશ્ચરાઈઝર લગાડો.

* ત્યારબાદ નાક, કપાળ, ગાલ અને હડપચી પર ફાઉન્ડેશનાં ટપકાં લગાડો.

* પછી ચહેરાની વચ્ચેથી શરૂઆત કરીને સ્પંજ વડે તેને ત્વચા પર સ્પ્રેડ કરો.

* જો ફાઉન્ડેશન વધુ પડતું લગાડાયું હોય તો રૂ અથવા સ્પંજ વડે કાઢી નાંખો.

* જો ચહેરા પર ડાઘ હોય તો તે જગ્યાએ વધુ પડતું ફાઉન્ડેશન લગાડવાને બદલે કન્સીલરનો ઉપયોગ કરવો. રાતના સૂતાં પૂર્વે ફાઉન્ડેશન કાઢી નાંખવું.

* ફાઉન્ડેશન વધારે પડતું લગાડીને થપેડાં ન કરવા. માત્ર તમારું કોમ્પ્લેક્શન વધુ તેજસ્વી દેખાય તે માટે ફાઉન્ડેશન લગાડવું.

* માત્ર ચહેરો તેજસ્વી લાગે અને ગરદન, પીઠ તથા કમરનો ભાગ ઝાંખોન લાગે તેનું ધ્યાન રાખો. બધાનો રંગ સરખો લાગવો જોઈએ.

* યોગ્ય રીતે ફાઉન્ડેશન લગાડયા બાદ જ મેકઅપની શરૂઆત કરવી.

કન્સીલર્સ :

પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા ડાઘરહિત સુંવાળી હોય. તેથી ચહેરા પરના બધા ડાઘને કન્સીલર્સ વડે ઢાંકી દેવા.  તે ઉપરાંત ચહેરાને યોગ્ય આકાર આપવામાં  પણ કન્સીલર્સ મદદરૂપ સાબિત થાય છે.

પાવડર :

ફાઉન્ડેશન જેવાજ રંગના ફેસ પાવડરને પસંદ કરવો. જો તે  શેડનો પાવડર ન મળેતો 'ટ્રાન્સલ્યુસન્ટ' પાવડર વાપરવો. આનાથી ફાઉન્ડેશનના રંગને અસર નહીં થાય. પાવડરથી ફાઉન્ડેશનને યોગ્ય ફિનીશીંગ ટચ મળે છે.  છૂટક પાવડર વાપરવામાં પણ કંઈ વાંધો આવતો નથી.

* ફાઉન્ડેશન પર પાવડર લગાડી વધારાનો પાવડર સ્પંજ વડે દૂર કરો.

* થોડો પાવડર આંગળીના ટેરવા પર લઈને આંખની નીચે લગાડો એટલે ત્યાંની ત્વચાનો રંગ જૂદો નહીં દેખાય.

બ્લશર 

નવવધૂના ચહેરા પર નેચરલ બ્લશરથી લાલી લાવી શકાય છે. ચહેરાને પાતળો દેખાડવા માટે બ્લશરને ગાલથી થોડું નીચે લગાડવું જોઈએ. કાન અને નાક પાસેના પહોળા ભાગમાં તેને થોડું પ્રસરાવો.  બ્લશરથી મેકઅપને ફિનિશીંગ ટચ મળશે. બ્લશરને ચહેરા પર સરખી રીતે બ્લેન્ડ કરો જેથી ખરાબ ન લાગે.

* ચોરસ ચહેરાને ગોળ દેખાડવા માટે ગાલની ઉપર ગોળાકાર બ્લશર લગાડીને તેને નીચેની તરફ સ્પ્રેડ કરો.

* ગોળ ચહેરાને લંબગોળ દેખાડવા માટે બ્લશરને ગાલ પર લગાડીને નીચેની તરફ  થોડું  બહારથી સ્પ્રેડ કરો.

* બે હડપચી ન દેખાય તે માટે બ્લશરને ચીનલાઈન નીચે લગાડીને સોફ્ટ શેડો આવે તે રીતે રહેવા દો જેથી તે ભાગ ભરેલો લાગે.

આંખોનું કામણ 

લગ્નને દિવસે નવવધૂની આંખો એકદમ કામણગારી લાગવી જોઈએ. શ્યામ ત્વચા પર ફ્રોસ્ટેડ અને પેલ પેશ્ટ્લ શેડ્સ સરસ લાગે છે.  ડાર્ક  આયશેડોને ઉપરની તરફ લગાડવાથી આંખો વધુ ઊંડી અને સુંદર લાગે છે. ડાર્ક શેડ અને સોફ્ટ લૂકનો સંગમ  સુંદર લાગે છે. આંખની પાંપણ પાતળી હોય તો ખોટી પાંપણ લગાડવી. અને તે કુદરતી દેખાય તે માટે તેના પર મસ્કરા લગાડવી.

આંખની નીચે કાળા કુંડાળા ન હોય તો નીચેની પાંપણ પર પણ મસ્કરા લગાડવી. આંખોને મોટી દેખાડવા માટે ખૂણા પર લાઈટ શેડનો આયશેડો લગાડવો.

આયલાઈનર લગાડવાથી નવવધૂ ગ્લેમરસ દેખાય છે. સોફ્ટ લુક માટે આયલાયનરની ઉપર ડાર્ક આયશેડો લગાડવો જોઈએ.

હોઠ 

હોઠ પણ ચહેરાનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. હોઠ પર લિપસ્ટિક લગાડવાથી ચહેરો એકદમ આકર્ષક લાગે છે અને મેકઅપ પૂર્ણ થયાનો અહેસાસ થાય છે.

*  હોઠ પર પહેલાં થોડું મોઈશ્ચરાઈઝર લગાડો.

* ત્યારબાદ હોઠ પર થોડું ફાઉન્ડેશન લગાડો.

* લિપસ્ટિક કરતાં ઘેરા રંગની લિપલાઈનરથી હોઠ પર આઉટલાઈન કરો. અને પછી અંદર લિપસ્ટિક લગાડો.

* બરફનો ટુકડો લઈને લિપસ્ટિક પર ૧ મિનિટ ઘસો એટલેતે સેટ  થઈ જશે.

* વધારાની લિપસ્ટિકને ટિશ્યુ પેપરથી દૂર કરો અને પછી તેના પર થોડો પાવડર લગાડો જેથી લિપસ્ટિક લાંબો સમય ટકે.

હોઠને ભરાવદાર દેખાડવા હોઠના ખૂણે ડાર્ક શેડની લિપસ્ટિક લગાડો. તથા વચ્ચે તેનાથી એક શેડ હળવા રંગની લિપસ્ટિક લગાડો. યાદ રાખોકે લાઈટ શેડથી હોઠ આગળ દેખાશે અને ડાર્કથી ભરાવદાર લાગશે.

હેરસ્ટાઈલ 

હંમેશા ચહેરાને અનુરૂપ હેરસ્ટાઈલ નક્કી કરવી. નવવધૂનો ચહેરો લંબગોળ હોય તો તે વધુ શોભે છે. એટલે જુદાં જુદાં પ્રકારની હેરસ્ટાઈલ કરીને ચહેરાને લંબગોળાકાર દેખાવ આપી શકાય છે.

જો કપાળ નાનું હોય તો આગળની બાજુ હાઈ-પફ રાખો. અને જો કપાળ મોટું હોય તો સાઈડ પાર્ટીંગ કરીને બંને બાજુ પફ હોય તેવી હેરસ્ટાઈલ કરવી.

ફૂલો

ફૂલોની હેરસ્ટાઈલથી નવવધૂ પુષ્પ જેવી ખીલેલી અને સુકોમળ દેખાય છે. લાંબી અને પાતળી ગરદન ધરાવતી નવવધૂ પર મોગરા અને ચમેલીના ગજરાં શોભે છે. ફૂલોની કેશસજ્જથી રૂપ મોહક લાગે છે. ભરાવદાર ગરદન હોય તો ગજરાને ઊભા ગોઠવવામાં આવે છે જેથી તે પાતળી દેખાય.

પારંપારિક ભારતીય નવવધૂ દાગીના અને ફૂલોથી લદાયેલી તથા જરીવાળા કપડામાં સજ્જ  દેખાતી હતી. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. આજની નવવધૂ આધુનિક સ્ટાઈલ અને ફેશન પ્રઆણે શ્રૃંગાર કરે છે. પારંપરિક  લાલ ઘાઘરા-ચોળી કે સેલાને બદલે તે ડિઝાઈનર સાડી અને લ્હેંગા-ચોળી પહેરે છે. ભારે દાગીનાથી સજ્જ નવવધૂને સ્થાને હળવી અને હાઈ-ટેક ડિઝાઈનની જ્વેલરી તથા હળવે મેકઅપ  કરેલી નવવધૂ જોવા મળે છે.

આધુનિક નવવધૂ ઋતુ અને રંગોની ફેશન પ્રમાણે પોષાક અને મેકઅપ નક્કી કરે છે. લાલ અને મરુનને બદલે મહેંદી ગ્રીન, ટર્કોઈસ, આઈવરી, પિંકના શેડ્સ, કેસરી, ભૂરો, જાંબુડી અને બ્રાઉન રંગને પ્રાધાન્ય આપવામાં આવે છે.

તે ઉપરાંત આજની નવવધૂ ફિલ્મી અભિનેત્રીની જેમ તૈયાર થવાની ઘેલછા ધરાવે છે. કરિશ્મા કપૂર, માધુરી દીક્ષિત, કાજોલ, કરીના કપૂર વગેરે અભિનેત્રીની જેમ લગ્નદિને તૈયાર થવા તે ઈચ્છે છે.

લગ્નને દિવસે નવવધૂની પ્રત્યેક ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. પરંતુ તે કુદરતી રીતે સુંદર દેખાવી  પણ જરૂરી છે.

- એકતા