Get The App

રોગનાં નિદાન અને સારવારમાં પેશાબ પરીક્ષણનું મહત્ત્વ

Updated: Oct 20th, 2020

GS TEAM

Google News
Google News
રોગનાં નિદાન અને સારવારમાં પેશાબ પરીક્ષણનું મહત્ત્વ 1 - image

કિડની આપણા શરીરનું એક મહત્ત્વનું અંગ છે. કિડની આપના શરીરમાં એક ફિલ્ટરનું કામ આપે છે. રક્તની અંદર રહેલાં નકામાં રસાયણોને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર ફેંકવાનું અગત્યનું કાર્ય કિડની કરે છે.

પેશાબ ટેસ્ટ (યુરીન ટેસ્ટ) કરાવવાથી આપણને આપણા શરીરની મોટાભાગની રાસાયણિક ક્રિયાઓ વિશે જાણકારી મળે છે. આજથી વર્ષો પહેલાં પણ પેશાબ ટેસ્ટથી કેટલાક રોગો વિશે જાણકારી મળી શકતી હતી. દા. ત. કમળાના રોગની જાણકારી મૂત્રના બદલાયેલા રંગ પરથી જ મળે છે. અગાઉના જમાનામાં વિજ્ઞાાને આટલી પ્રગતિ પણ કરી નહોતી ત્યારે પણ કમળાના પરીક્ષણ માટે દાદીમા સવારના પહેલાં મૂત્રમાં સફેદ પદાર્થ જેવો કે રૂ કે ચોખા નાખી કમળાના રોગ વિશે જાણકારી મેળવી લેતા હતા. આજના આધુનિક ચિકિત્સા પ્રણાલીએ નવા ટેસ્ટ વિકસિત કર્યા છે, જેના દ્વારા મૂત્ર વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી મળે છે. પેશાબ ટેસ્ટ એક ખૂબ જ સસ્તી ક્રિયા છે, જેમાં ખૂબ જ નજીવો ખર્ચ થાય છે. કોઈપણ પ્રયોગશાળા (લેબોરેટરી)માં આ ટેસ્ટ થઈ શકે છે.

પેશાબનો નમૂનો ભેગો કરવા વિશે કેટલાક લોકોને પૂર્ણ જાણકારી હોતી નથી. સાધારણ રીતે સવારમાં ઊઠતાંની સાથે જ પેશાબનો પહેલો નમૂનો લેવો જોઈએ. નમૂનો લેતા પહેલાં એક કાચની બાટલી ચોખ્ખાં પાણીથી ધોઈ નાખવી જોઈએ. સાફ કર્યા વગરની કોઈપણ પ્રકારની બાટલીમાં પેશાબનો નમૂનો લેવાથી ટેસ્ટનો રિપોર્ટ ખોટો આવવાનો સંભવ છે. આથી બીમારીનું ખરું  કારણ ખબર પડી શકશે નહીં. બાટલીને ઓછામાં ઓછી પાંચ-છ વાર ચોખ્ખાં પાણીથી ધોવી જોઈએ.

સામાન્ય વ્યક્તિના પેશાબમાં શર્કરા હોતી નથી. પરંતુ પેશાબમાં શર્કરા આવે તો તે ડાયાબિટીસની નિશાની છે. લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય તો તેમાં કિટોન બોડીઝનો ટેસ્ટ પોઝિટિવ આવે છે. આ સ્થિતિ ખૂબ જ જોખમી છે. માટે રોગીને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.

સાધારણ રીતે મૂત્રમાં પ્રોટીન પણ હોતા નથી. કિડની ખરાબ થાય તો પેશાબમાં એલ્બ્યુમિન આવે છે. આનો અર્થ એ છે કે પેશાબમાં ચેપ (ઇન્ફેક્શન) છે. પરંતુ ૧-૨ પસ સેલ્સ હોવા સામાન્ય છે. પરંતુ જો પસ સેલ્સનું પ્રમાણ ૧૦-૨૦ કે તેનાથી વધારે હોય તો ઇન્ફેક્શન છે એમ માની લેવું. મૂત્રમાં લાલ કણો આવે તો તરત જ પરીક્ષણ કરાવવું કારણ કે પેશાબમાં રક્ત આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે કિડનીનું ટીબી, પથરી અથવા કેન્સર.

યકૃત ખરાબ હોય અથવા કમળો થયો હોય તો પેશાબનો રંગ ઘેરો પીળો થઈ જાય છે અને પેશાબમાં બાઇલ પિગ્મેન્ટ્સ અથવા બાઇલ સોલ્ટ્સ આવે છે.

પરંતુ આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મહિલાઓ માસિક ધર્મ દરમિયાન અથવા તેની આગળ પાછળના સમયમાં મૂત્ર પરીક્ષણ કરાવે તો તેના પેશાબમાં લોહી આવી શકે છે. આને બીમારી માનીને ગભરાઈ જવું નહીં. મહિલાઓએ આ સમય દરમિયાન મૂત્ર પરીક્ષણ કરાવવું નહીં. આ ઉપરાંત બી-કોમ્પ્લેક્સ અથવા બિટાની દવા લેનાર વ્યક્તિના, તાવમાં પટકાયેલી વ્યક્તિના અથવા ગરમીના દિવસોમાં પેશાબનો રંગ આછો પીળો થઈ શકે છે.