- જૂદા ઊંઘવાથી આત્મીયતા નથી ઘટતી
સમાજની કલ્પના મુજબ લગ્ન એટલે સતત સાથીદારીના રંગોમાં રંગાયેલું ચિત્રકામ - સાથે ભોજન કરવું, સાથે વાર્તાલાપ કરવો અને સૌથી પ્રતીકાત્મક, એકમેકના પડખે સૂઈ જવું. સામાન્યપણે પલંગને આત્મીયતા, એકતા તેમજ કપલની અનુકૂળતાની પણ આખરી ચકાસણી માટેના રૂપક તરીકે જોવામાં આવે છે. છતાં આ પૂર્વધારણા એવી સંભાવના માટે બહુ થોડો અવકાશ છોડે છે કે અલગાવ, ખાસ કરીને અલગ બેડરૂમ, સંબંધમાં ઘસારો નથી કરતા, પણ તેનાથી વિપરીત તેને મજબૂત બનાવે છે.
ઘણા કપલો કબૂલ કરતા અચકાય છે કે તેઓ ક્યારેક રાત્રે એકલતા માટે ઝંખે છે. આવું કરવું શરમજનક માનવામાં આવે છે કારણ કે અલગ સૂવાની બાબતને શરમજનક, પ્રેમનો અભાવ અથવા છૂટાછેડાની સંભાવના તરીકે જોવામાં આવે છે. પણ શું આ માન્યતા વાજબી છે? એવું પણ બની શકે કે અલગ બેડરૂમ લગ્ન વિચ્છેદનું પ્રતીક બનવાના સ્થાને આત્મીયતા માટે નવી સંરચના ઓફર કરે છે, જે સંબંધ જાળવવાની સાથે વ્યક્તિગત જરૂરીયાત પણ સંતોષે તેવું પણ બની શકે.
તો ચાલો અલગ બેડરૂમ કેવી રીતે તણાવ ઘટાડી શકે, અસંતોષ દૂર કરી શકે અને પ્રેમની ભાવનાને વધુ સ્વસ્થ બનાવે તેના વિશે વિચાર કરીએ.
અલગ ઊંઘવામાં શરમની ભાવના
અલગ રૂમમાં સૂવાના વિચારનો આટલો વિરોધ શા માટે? પેઢીઓથી કપલોને એવું ઠસાવવામાં આવ્યું છે કે સહિયારી નિદ્રા તેમની ફરજ તેમજ નિકટતાનો માપદંડ છે. એનાથી વિરુદ્ધની ક્રિયા અસમાન્ય અથવા વિખવાદ તરીકે જોવામાં આવે છે. પરિવાર અને મિત્રો મતભેદની અટકળ લગાવી શકે, બેવફાઈ વિશે ગુસપુસ કરી શકે અથવા એવું ધારી શકે કે તેમના લગ્નજીવનમાં ભંગાણ પડયું છે.
અને છતાં આ સામાજિક દબાણ એક સાધારણ હકીકતની ઉપેક્ષા કરે છે: પ્રત્યેક વ્યક્તિ અલગ હોય છે. આદતો, પ્રાથમિકતાઓ અને બાયોલોજિકલ તાલમેલ ભાગ્યે જ ક્યારેક મેળ ખાય છે. નસકોરા, આળોટવું, અલગ સમયપત્રક અને આરામના સ્તરમાં વિરોધાભાસ ક્યારેક લગ્નના પલંગને અખાડામાં બદલી નાખે છે. પણ આપણે રૂઢીવાદ સાથે એટલા જોડાયેલા હોઈએ છીએ કે અંગત અવકાશ માટેના કોઈપણ પ્રયાસને સાથી સાથે બેવફાઈ તરીકે જોવામાં આવે છે.
સહિયારી ઊંઘની હકીકત
રૂમ શેર કરતા કપલોને જાણ હશે કે ઊંઘવાના થોડા કલાકો દરમ્યાન કેવું ચીડિયાપણુ વધી જાય છે. પત્ની સૂતા પહેલા ફિલ્મ જોવા ઈચ્છતી હોય છે જ્યારે પતિને પુસ્તક વાંચવા શાંતિની જરૂર હોય છે. એક પાર્ટરને ઉષ્માની ઝંખના હોય છે જ્યારે બીજાને ઠંડો પવન જોઈતો હોય છે. નસકોરા, આળોટવું, ઓઢીને સૂવુ અને મોડી રાત્રે ફોન પર વાતો કરવાથી ઘર્ષણ થાય છે. આ બાબતો ભલે નજીવી લાગે, પણ તેનાથી સમય જતા તણાવ વધ્યા કરે છે, અને પછી એવી નારાજગી સર્જે છે જે બંને પાર્ટનરો વચ્ચે એક દડાની જેમ ફંગોળાયા કરે છે.
ત્યાર પછી દબાવી રાખેલી હતાશાનું ચક્ર ચાલુ થાય છે. આવી ઝંઝટમાંથી છૂટવા એક પાર્ટનર પીઠના દુ:ખાવાનું બહાનું કરીને ભૂલથી જમીન પર સૂઈ ગયો હોવાનું જણાવે છે તો અન્ય પાર્ટનર વ્યાવસાયિક પ્રવાસની ઝંખના કરે છે. બંને કહેવાતા ગાઢ સંબંધમાંથી વિરામની ચૂપચાપ ઝંખના કરતા હોય છે. આવી ચીઢની ઉપેક્ષા કરવામાં આવે તો લાંબા ગાળે તે ભાવનાત્મક અંતર, દબાયેલી ઉગ્રતા અથવા સીધા સંઘર્ષમાં પરિણમી શકે છે.
અલગ બેડરૂમ વ્યવહારુ ઉકેલ બની શકે
આ સંદર્ભમાં અલગ બેડરૂમો માત્ર રાહત જ નથી આપતા, પણ સાથે સંબંધમાં નવીનતા પણ લાવે છે. જૂદા ઊંઘવાની બાબતને ભાવનાત્મક વિચ્છેદ સાથે ગૂંચવવી ન જોઈએ. તેનાથી વિપરીત, તે એવું અભયારણ્ય રચે છે જ્યાં પાર્ટનરો વ્યક્તિગત રીતે પોતાને રિચાર્જ કરી શકે જેથી તેઓ એકબીજાને થકાન અને હતાશાના સ્થાને નવી ઊર્જા અને સકારાત્મક ભાવ સાથે મળી શકે.
અનેક કપલો માટે આ વ્યવસ્થા આત્મીયતા ઓછી નથી કરતી પણ તેની નવી વ્યાખ્યા કરે છે. ક્યારે એક જ રૂમમાં સૂવુ તે કપલો નક્કી કરી શકે છે. આમ તેઓ પલંગ શેર કરવાની બાબતને ઉપરછલ્લી ફરજના સ્થાને આત્મીયતા માટે સભાનપણે કરેલી ક્રિયા બનાવે છે. આ અલગાવ એ બાબતની યાદ અપાવે છે કે પ્રેમ સતત શારીરિક નિકટતાથી નથી અકાંતો પણ એકબીજાના વ્યક્તિત્વના આદરની ઈચ્છાથી મપાય છે.
અંગત સમયના મનોવૈજ્ઞાાનિક લાભ
આધુનિક સમયમાં ભાગ્યે જ એકલતા મળે છે. કાર્યસ્થળો ભીડયુક્ત હોય છે, શહેરો ગીચ હોય છે, ઘરો નાના બની ગયા છે. આ પૃષ્ઠભૂમિ સામે અંગત અવકાશ ખોળવો માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વનો છે. એકલતામાં મંથન, રચનાત્મકતા અને આત્મ-નિયંત્રણ શક્ય બને છે. બે વ્યક્તિને પરાણે સાથે રાખવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતી ગૂંગળામણ ટાળીને તે સ્વતંત્રતાને પોષે છે.
લગ્નમાં ખરી રીતે અંગત રૂમ જોડાણને મજબૂત બનાવે છે. જ્યારે પ્રત્યેક પાર્ટનર અન્યની એકલતા માટેની જરૂરને આદર આપે છે ત્યારે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. નજીવું ચિઢિયાપણુ મોટી નારાજગીમાં નથી પરિણમતું. 'સાથે રહીને પણ એકલા જીવવા'ના સ્થાને કપલો એકલતામાં સંતુષ્ટ અને સાથે રહીને સ્નેહાળ બનતા શીખી શકે છે.
ખોટી માન્યતા છોડો: અલગ રૂમ એટલે પ્રેમમાં નિષ્ફળતા નહિ
અલગ રૂમો એટલે પ્રેમ હવે પરવારી રહ્યો છે તેવી ધારણા સાવ જ ખોટી છે. આ તો સતત દેખરેખ રાખવી એટલે બેવફાઈ અથવા સતત નજદીકી એટલે વફાદારીની ખાતરી જેવી માન્યતા થઈ. વાસ્તવમાં મજબૂત સંબંધોનો આધાર વિશ્વાસ અને સ્વતંત્રતા પર હોય છે, બળજબરીપૂર્વકની નિકટતા પર નહિ.
માન્યતામાં પરિવર્તન: અસ્વીકાર નહિ પણ પુનર્સ્થાપના
કપલ જ્યારે અલગ બેડરૂમ અપનાવે છે ત્યારે 'નિકટતા એટલે પ્રેમ' જેવી ધારણાને પડકારે છે. તેના સ્થાને તેઓ અસ્થાયી અંતર પુનર્સ્થાપના કરાવે છે તેવી તંદુરસ્ત માન્યતા અપનાવે છે. 'હવે આપણે સવારે મળીશું' તેમ કહેવાથી પ્રેમ ઓછો નથી થતો, પણ પ્રત્યેક પાર્ટનર સંબંધમાં પોતાને શ્રેષ્ઠ રીતે રજૂ કરીને પ્રેમને વધુ મજબૂત બનાવે છે.
વધુમાં આ વ્યવસ્થા સ્નેહને સમાપ્ત નથી કરતી. પાર્ટનરો હજી પણ એકબીજાને બાથમાં લઈ શકે છે, મોડી રાતની વાતચીત શેર કરી શકે છે અથવા અવારનવાર સાથે રહી શકે છે. પણ તેને અનિવાર્ય બનાવવાના સ્થાને વૈકલ્પિક બનાવવાથી પલંગ શેર કરવાની ક્રિયામાં આત્મીયતા પાછી ફરી શકે છે. આ વ્યવસ્થા દિનચર્યાને વિધિમાં અને આદતને પસંદગીમાં પરિવર્તિત કરે છે.
આર્થિક અને વ્યાવહારિક વિચારણા
બેશક, વધતી તંગ શહેરી પરિસ્થિતિમાં તમામ પાસે અલગ બેડરૂમની સગવડ નથી હોતી. પણ આ સિદ્ધાંતને માત્ર ભૌતિક અંતર પર નિર્ભર રાખવો જરૂરી નથી. ઊંઘવાના અલગ સમય, વાંચવાની શાંત જગ્યા અથવા ક્યારેક એકલપણે રજા માણવી જેવી પ્રતીકાત્મક જુદાઈ પણ આવી જ અસર જન્માવી શકે છે. મુદ્દો અલગ રૂમનો નથી, અભિગમનો છે. ગોપનીયતા બેવફાઈ નથી, અને એકલતા ઝંખવી એ સ્વસંભાળનું સ્વરૂપ છે, અસ્વીકારનું નહિ.
સ્વસ્થ અંતર દ્વારા છૂટાછેડા ટાળી શકાય
છૂટાછેડાની કગારે પહોંચી ગયેલા કપલો માટે ક્યારેક અલગ બેડરૂમ લાઈફલાઈન તરીકે કામ કરે છે. જ્યારે નિકટતા ગૂંગળામણ બની જાય ત્યારે નારાજગી વધે છે. દબાવી દીધેલી હતાશા, મૂક ચિડિયાપણુ અને રાત્રિના તણાવ એક શાંત નિરાશામાં પરિવર્તિત થાય છે જે ધીમે ધીમે કપલ વચ્ચેની લાગણીને સમાપ્ત કરે છે.
લગ્ન વિશે વધુ ઉદાર સમજ
સદ્ભાગ્યે લોકોના અભિગમ બદલાઈ રહ્યા છે. યુવા, વધુ ઉદાર મનના કપલોમાં 'નિકટ આવવા માટે થોડા દૂર' જવાની ભાવના માત્ર યોગ્ય જ નહિ પણ સ્વસ્થ માનવામાં આવી રહી છે. છતાં, હજી પણ આ અભિગમ તેની બાલ્યાવસ્થામાં છે અને સતત તોળાતી આશંકા અને સામાજિક ધારણાઓથી અવરોધાયેલો છે.
અહીંથી આગળ વધવા આપણે એવા વિચારને સામાન્ય બનાવવો પડશે કે લગ્નમાં કાયમ નિકટતા જરૂરી નથી હોતી. જેવી રીતે કપલોએ તેમના પ્રત્યેક શોખ, પ્રત્યેક ભોજન અથવા પ્રત્યેક વિચાર શેર કરવો જરૂરી નથી એવી જ રીતે તેમણે પલંગ પણ શેર કરવો જરૂરી નથી. આખરે, એકબીજાના વ્યક્તિત્વને આદર આપવો સંગાથ માણવા જેટલું જ મહત્વનું છે.
આખરે સાથે સૂવુ કોઈ પવિત્ર ફરજ નથી પણ પવિત્ર પસંદગી છે. અલગ સૂવાથી પ્રેમ ઓછો નથી થતો પણ તેમાં સમજદારી આવે છે. લગ્નના પાયાને નુકસાન કરવાના સ્થાને અલગ બેડરૂમ તેને વધુ મજબૂત બનાવે છે અને પ્રેમને પાંગરવાની તેમજ વૃદ્ધિ પામવાની તક આપે છે.
આખરે આ સમગ્ર વિચાર શારીરિક નિકટતા વિશે નહિ પણ ભાવનાત્મક જોડાણ બાબતે છે. અને ક્યારેક, નજીક રહેવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે એકબીજાને મુક્તિનો અવકાશ આપવા જેવો પણ થાય છે.
- ઉમેશ ઠક્કર


