Get The App

દિલ કહે 'હા', દિમાગ કહે 'ના' કોને કરવી મના ?

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
દિલ કહે 'હા', દિમાગ કહે 'ના' કોને કરવી મના ? 1 - image

- દિલ અને દિમાગ વચ્ચેની દુવિધામાં દિલને દગો ન દેવો, કેમ કે મગજ વિચારોનાં વમળોથી અસ્થિરતા સરજે છે, જયારે દિલમાં લાગણીનો પ્રવાહ સ્થિરતા આપે છે

જિંદગીમાં ઘણીવાર એવું બને છે જ્યારે આપણે અવઢવમાં પડી જઈએ છીએ કે દિલની વાત સાંભળવી કે  દિમાગની. મન અને મગજના આગવા તર્ક હોય છે. પણ બંને એકબીજાથી તદ્ન વિપરિત હોય છે. આવી સ્થિતિમાં લોકો એમ  કહે છે કે મનની  વાત  સાંભળો. કારણ કે મન   ક્યારેય ખોેટું ન બોલે. તે વખતે આપણને સહેજે પ્રશ્ન  થાય કે શું ખરેખર મન કાંઈ બોેલી શકે ખરું?

આનો  જવાબ 'હા' માં આવે છે. તોય એક વાત નિર્વિવાદ છે કે આપણે જેટલી આસાનીથી મગજથી વિચારેલી વાત રજૂ કરી શકીએ છીએ એટલી સરળતાથી મનની વાત જાહેર નથી કરી શકતા. જેમ કે પ્રેમ -પ્રીતનો નાતો દિમાગ સાથે નહીં, દિલ સાથે હોય છે. પરંતુ શું મહોબ્બતનો એકરાર કરવો આસાન છે?

જો કે ચહેરો મનનો આઈનો ગણાય છે. મનમાં જે વાત ચાલતી હોય તે તરત ચહેરા પર પ્રગટ થઈ જાય છે. ચાહે તે ખુશી  હોય કે દુ:ખ - દર્દ. અલબત્ત, સામી વ્યક્તિ  તમારા ચહેરાને કેટલી  હદ  સુધી વાંચી શકે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે.

સાહિત્યકારોના મતે મનની ચોક્કસ બોેલી હોય છે. તોય મનની વાતને વ્યક્ત કરવા માટે કોઈ ચોક્કસ બોલી કે ભાષાની જરૂર નથી પડતી. સાહિત્યનું સર્જન દિલથી જ થાય છે. દિલથી નીકળેલી કવિતાઓ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેથી જ એ વાત સો ટકા સાચી છે કે દિલને પણ જબાન હોય છે.

આપણી આંખો પણ મનની ભાવનાને વ્યક્ત  કરતી જબાન જ છે. પ્રેમી યુગલને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે એકેય અક્ષર બોલવાની જરૂર નથી પડતી. આંખો આંખોમાં જ તેમની વાત થઈ જાય છે. બંને નેણની આ ભાષા સારી રીતે સમજી પણ જાય છે. હવે આંખોને પણ દિલની જબાન  કહેવી જ રહી.

આંસુ દિલની ત્રીજી જબાન કહી શકાય. આપણે બહુ દુ:ખી હોઈએ ત્યારે તેમ જ ખુશ હોઈએ ત્યારે પણ આંખોમાંથી આંસુ વહી નીકળે છે. આંસુને રોકવાનો પ્રયાસ કરીએ તોય  આંખે ઝળઝળિયાં તોે આવી જ જાય છે.  અને સહેજ સહેજ ભીના થયેલા નેણપણ મનની વાત કહી જ દે છે.

ઝરમર  ઝરમર વરસતા વરસાદમાં પ્રેમી યુગલ એટલું ભાવવિભોર બની જાય  છે કે તેમના શબ્દો ખૂટી પડે છે, હોઠ  સિવાઈ જાય છે. આમ છતાં આ ખામોશી  જ તેમના દિલની જબાન બની જાય છે. એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વિના મનના ભાવો વ્યક્ત કરવાની શક્તિ ખામોશીમાં છે.

માનવી હતાશ-નિરાશ હોય, મનમાં  ગડમથલનો સાગર ઘૂઘવતો હોય પણ મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળે તોય મનમાં ચાલતી ઉથલપાથલ ઉદાસીરૂપે વ્યક્ત થઈ જાય.

મનોવૈજ્ઞાનિકો કહે છે કે દિલને ખરેખર જબાન હોય છે. માનવી હમેશાં બે રીતે વિચારે છે, મનથી અને મગજથી. મન જે કહે તે મગજથી તદ્ન વિરોધાભાસી હોય છે. આનું કારણ એ છે કે મન સંવેદનાઓથી  ભરેલું  હોય છે. તેથી દિલ જે કહે છે તે લાગણીથી છલોછલ હોય છે. અને જ્યાં સંવેદના હોય ત્યાં  સચ્ચાઈ હોય. પરંતુ દિમાગ વિવિધ પ્રકારના રસાયણોથી ભરેલું  હોય છે. તેથી મગજ જે કહે છે તે વિચાર કરીને કહે છે. અને જ્યાં વિચાર હોય ત્યાં, દંભ, કારસા,  જૂઠ, દગો, બેઈમાની થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. જોકે આનો અર્થ એવો નથી થતો કે મગજથી માનવી માત્ર નકારાત્મક જ વિચારી શકે છે. સર્જન કરવા, વ્યવસાય કરવા, આયોજકો કરવા, સંશોધન કરવા કે ગણતરી કરવા મનની ભાષા નથી ચાલતી. ત્યાં માત્ર મગજ જ ખપ લાગે છે. હા, તમે કાંઈપણ  કરવાથી પહેલાં મનને ચોક્કસ પૂછી લોકે તમારા હાથે કાંઈ ખોટું નથી થઈ રહ્યું ને? તમારું દિલ તમને ચોક્કસ સાચો જવાબ આપશે.