Get The App

નવી પેઢીમાં પાંગર્યો છે 'ગાર્ડનિંગ'નો લીલોછમ શોખ

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News

- સુરત અને  અમદાવાદ જેવા મહાનગરોમાં  તો અમુક  યુવક-યુવતીઓએ  વનસ્પતિ, પુષ્પો, નાના છોડવાનો  નાનકડો પણ  મનભાવન  બગીચો  વિકસાવવા  ઈચ્છતી ઉગતી  પેઢીને  માર્ગદર્શન  આપવાની નવતર પ્રવૃત્તિ  પણ વિકસાવી  છે.  

નવી પેઢીમાં પાંગર્યો છે 'ગાર્ડનિંગ'નો લીલોછમ શોખ 1 - image

મું બઈ, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, સુરત અને અમદાવાદના  ઘણાં યુવક-યુવતીઓ તેમના નાનકડા  બગીચામાં  વિવિધ રંગી ગુલાબ, તુલસી, અજમા, લીલી, આફ્રિકન વાયોલેટ,  બેગોનિયા, બઝી લીલી,  ડેઈઝી, જાસ્મીન અને  કેકટસ  જેવા નાના કદના  લીલાં- તાજાં પાન વાળા, અને  મનોહર પુષ્પોવાળા  છોડવા ઉગાડે છે : 

આમ  તો  આપણે  સહુ પ્રકૃતિના  જ સંતાનો  હોવાથી  કુદરતના  તમામ સર્જન પ્રત્યે  ભરપૂર પ્રેમ  હોય તે સ્વાભાવિક  છે. ખાસ કરીને  લીલાંછમ  વૃક્ષો , વિવિધ પ્રકારની વનસ્પતિઓ, રંગીન પુષ્પો, અને સુગંધી ફળોથી  શોભતાં  ઉદ્યાનો-બાગ બગીચામાં  એકાદ  ખૂણામાં  શાંત  ચિત્તે  બેસીએ તો નિસર્ગપ્રેમની  સમાધિનો અદ્ભૂત આનંદ અનુભવ  થાય.

ગામડાંના  લોકો તો કુદરતની  બહુ જ નજીક જીવતાં હોવાથી  તેમને વિવિધ પ્રકારનાં  વૃક્ષો, છોડવા,  રંગબેરંગી ફૂલો, ખળખળ  વહેતા  ઝરણાં, નદી, કિલ્લોલ કરતાં પંખીઓ  અને વિવિધ  પ્રકારનાં પ્રાણીઓ  પ્રત્યે ભરપૂર  પ્રેમ હોય.  ગામડાંના  લોકોને લીમડો,  પીપળો,  આંબો, વડ વગેરે જેવાં વૃક્ષોના અને વિવિધ  વનસ્પતિના  નામ જીભના  ટેરવે હોય.

બીજી બાજુ  છેલ્લા થોડો  વરસોથી  શહેરી  યુવક- યુવતીઓને પણ વૃક્ષો- વનસ્પતિ, પુષ્પો  વગેરેના ઉછેર  પ્રત્યે  જબરી  જિજ્ઞાાસા  જાગી  છે.  ઘણાં અમીર  પરિવારનાં યુવક- યુવતીઓ તેમની અગાસીમાં   'ટેરેસ ગાર્ડન' વિકસાવે છે. ઉપરાંત અમુક યુવક- યુવતીઓને તો બહુ નાના નાના કદના  છોડવા ઉગાડવાનો, તેની માવજત કરવાનો  જબરો શોખ પાંગર્યો છે. આવી નાની વનસ્પતિ-છોડવાના લીલાંછમ  પાન અને નાનકડાં  પુષ્પો જોઈને  બે ઘડી  આનંદનો અદભૂત અનુભવ થાય.

એક કદમ  આગળ  વધીને  કહીએ તો મુંબઈ, દિલ્હી,  ચેન્નઈ, કોલકાતા,  બેંગલુરુ, સુરત અને  અમદાવાદ જેવા મહાનગરોમાં  તો અમુક  યુવક-યુવતીઓએ  વનસ્પતિ, પુષ્પો, નાના છોડવાનો  નાનકડો પણ  મનભાવન  બગીચો  વિકસાવવા  ઈચ્છતી ઉગતી  પેઢીને  માર્ગદર્શન  આપવાની નવતર પ્રવૃત્તિ  પણ વિકસાવી  છે.  એમ  કહો કે ગાર્ડનિંગ  એડવાઈઝ અને ગાઈડન્સ આપવાનો વિશિષ્ટ પ્રકારનો  બિઝનેસ પણ શરૂ કર્યો  છે. 

હાલ  કોરોનાની  મહામારીને  કારણે  ભારત આખામાં લોકડાઉન જાહેર થયોછે. ભારત દેશ આખો  ઘરમાં  પુરાઈ ગયો છે. આવી  વિચિત્ર પરિસ્થિતિમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓનો  શોખ ધરાવતાં યુવક- યુવતીઓને  જબરી  અકળામણ થાય  તે પણ સમજી શકાય તેવી બાબત છે. આમ  છતાં આ જ  લોકડાઉનમાં  સમયનો  સદઉપયોગ  કરીને ઘણાં  યુવક- યુવતીઓએ અને  ૨૧ થી ૩૫ વર્ષની વયજૂથનાં લોકોએ 'બાગાયત' નો વિશિષ્ટ  અને ગમતીલો શોખ પણ વિકસાવ્યો છે.

મુંબઈના  નરિમાન પોઈન્ટના વિશાળ બંગલામાં  રહેતી જાસ્મીન અને  તેના મોટાભાઈ સાગર (બંને નામ કાલ્પનિક છે)  અને   ગાર્ડનિંગ એટલે કે બાગાયતીનો  શોખ  છે.  જાસ્મીન  અને સાગર  કહે છે, હાલ  અમારા ટેરેસ  ગાર્ડનમાં  લગભગ  ૫૦-૬૦   જેટલાં નાનાં, સુંવાળા અને લીલાછમ  પાનવાળા  છોડવા  છે. 

અમે બંને  ભાઈ-બહેન દરરોજ  સવારે ૯ થી ૧૦ એક કલાક આ તમામ છોડવાને  જરૂરી  ખાતર નાખવું, પાણી સિંચવું,  તેના કૂંડામાંની માટીને  ઉપરતળે  કરવા,  કુમળાં-તાજાં પાનપર નાનકડા  ફુવારાથી  પણ  રેડવું, બધા છોડવાને  પૂરતો  સૂર્યપ્રકાશ  મળેતેમ તેની ગોઠવણી કરવાથી લઈને તેમની  સાફ- સફાઈ  કરવી વગેરે  પ્રવૃત્તિઓ  કરીએ છીએ.  અમે  આ  બધા  છોડવાને  નાનકડાં  કુંડાની  અને તેના માટેના પ્લાસ્ટિકનાં  ખાસ બોક્સની  પણ નિયમિત  રીતે સફાઈ  કરીએ છીએ.  આટલું જ નહીં, ઋતુ પરિવર્તન પ્રમાણે અમે  આ બધા પાનવાળા  છોડવાની પૂરતી કાળજી પણ રાખીએ છીએ.  તેનાં  ખાતર અને પાણીની  માત્રામાં  પણ  ફેરફાર  કરીએ છીએ. 

જાસ્મીન  અને સાગર તેમના બાગાયત  પ્રેમ માટે  જરૂરી સાહિત્ય પણ વાંચે  છે તો ક્યારેક  ઈન્ટરનેટના  માધ્યમથી  પણ જરૂરી  માહિતી  મેળવે  છે.  તો વળી,  ક્યારેક આવા  ગાર્ડનિંગ શોખ માટે  યોગ્ય સલાહ- માર્ગદર્શન આપતાં  સંગઠનોનો એમ કહો કે  કંપનીનો સંપર્ક પણ સાધે છે.

  બાગેશ્રી કપૂર  (નામ કાલ્પનિક  છે)  કહે છે,  હું લગભગ  પાંચેક વરસથી  મુંબઈમાં  'બાગાયત' વિશે  માર્ગદર્શન આપતી કંપની  ચલાવું છું. અમારી  કંપનીનાં લગભગ  ૫૦૦  કરતાં વધારે  સભ્યો - ગ્રાહકો  છે. આ તમામ સભ્યો  અવારનવાર  ટેલિફોન - કે મોબાઈલ કે વિડિયો  દ્વારા  અમારો  સંપર્ક  કરીને તેમના નાનકડા  પણ મનોહર છોડવા,   તેના  પાન અને  ફૂલો  વિશે  માર્ગદર્શન  માગે છે.  ખાસ કરીને  પાનખર ઋતુ  શરૂ થાય  ત્યારે તમામ વૃક્ષો, વનસ્પતિ અને છોડવાનાં પાન પીળાં થઈ જાય.  ખરી જાય,  બધુ સુકાઈ જાય, આવા  કુદરતી  ફેરફાર  વખતે તેઓને ચિંતા થાય અને  અમારી સલાહ માગે.  અમે  તેમને જરૂરી  બધી સલાહ- માર્ગદર્શન  આપીએ.   

ઉપરાંત અમદાવાદના મેહુલ અને માનસી ( નામ  કાલ્પનિક છે)  તો  વિશાળ  'નર્સરી' નું  પણ સંચાલન કરે  છે.  વનસ્પતિ શાસ્ત્રનો  અભ્યાસ કરીને મેહુલ  અને માનસીએ  શરૂઆતનાં  વરસોમાં  એક ખાનગી કંપનીમાં નોકરી કરી.જો કે  ત્યારબાદ પતિ- પત્ની  બંનેએ  પોતાનો બાગાયતનો  શોખ  વિકસાવવા  જમીનનો એક મોટો  પ્લોટ ખરીદીને તેમાં નર્સરી  (છોડવા, ફૂલો,  જડીબુટ્ટીઓનું  ઉછેર કેન્દ્ર) શરૂ કરી.  મેહુલ અને માનસી  કહે છે, આજે  અમારી નર્સરીને  લગભગ સોક વર્ષ થયા. હાલ  અમારી  નર્સરીમાં  વિવિધ પ્રકારના લગભગ ૫૦-૬૦  છોડવા, આરોગ્ય વિષયક વનસ્પતિ અને રંગબેરંગી ફૂલો  ઉગાડતા  નાના છોડવા  તથા જડીબુટ્ટીઓ છે. 

આટલાં  વરસો બાદ હવે અમે અમારી નર્સરીની માહિતી  ફિલ્મ, વિડિયો, નાની રંગીન પુસ્તિકાથી  લઈને યુ ટયુબની  ફિલ્મ વગેરે  માધ્યમો દ્વારા આપીએ છીએ. હાલ, લગભગ  ૨૦૦૦ કરતાં  કરતાં પણ વધુ લોકો  અમારી સલાહ લે છે.  રૂબરૂ મુલાકાત લે છે. અમે ઘણાં પ્રસંગોએ તોહાઉસિંગ સોસાયડટીઓમાં, શાળા-કોલેજોમાં અને અમુક  ખાનગી કંપનીઓમાં જઈને  'ગાર્ડનિંગ' વિશે મજેદાર  ઉપયોગી વાર્તાલાપ  પણ આપીએ છીએ.

મેહુલ અને માનસી આનંદ વ્યક્ત કરતાં કહે છે, અમારા  આશ્ચર્ય  વચ્ચે આજકાલ ઘણાં  યુવક-યુવતીઓ,  ખાસ કરીને  ૨૧,૨૫,૩૦ વર્ષની યુવાન પેઢીનો  'ગાર્ડનિંગ'માં  રસ વધ્યો  છે.  આજની નવી પેઢીને લાલ,પીળાં ગુલાબી અને શ્વેત રંગી ગુલાબ, મની પ્લાન્ટ્સ, તુલસી,  બેગોનિયા, આફ્રિકન વાયોલેટ, એમેરાલીસ (જેને બલ્બ ફ્લાવરપણ કહેવાયછે) બાર્બેર્ટોન ડેઈઝી, લીલી (પોયણું) બઝી લીઝી, કેલી લીલી, ફ્લેમિંગો ફ્લાવર પ્લાન્ટ જાસ્મીન, અને કેકટસ (જેન ટૂંકમાં કેકટી પણ કહે છે)  એટલે કે થોર વગેરે  જેવા નાના  કદના પણ દેખાવમાં  રૂપકડાં  છોડવા બહુ ગમે છે. તેમનો ગાર્ડનિંગ પ્રેમ વધ્યો છે.

  પોતાના નાનકડા ફ્લેટની  નાનકડી  બાલ્કનીમાં  સુગંધી, રૂપકડાં અને  લીલાછમ  પાનવાળા  તથા મજેદાર ફૂલવાળા છોડવાનો માહોલ જ કંઈક  અનેરો  હોય.  જાણે ઘરમાં જ પ્રકૃતિનો  મઘમઘાટ હોયતેવું આલ્હાદક વાતાવરણ સર્જાય.  આજના  અતિ વ્યસ્ત  યુગમાં  નોકરી કરતાં  પતિ-પત્ની કે યુવક- યુવતીઓ આવા 'ગાર્ડનિંગ' શોખ દ્વારા બે ઘડી  હળવાફૂલ  થઈ જાય. વનસ્પતિ સાથે  બે ઘડી  ગોઠડી  કરીને  તન-મનમાં  તાજગીનો  ભંડાર  ભરી દે.  ઉપરાંત બદલાતા  જતા હવામાન  અને આબોહવાથી  પ્રકૃતિમાં  કેવા કેવા ફેરફાર  થાયછે  તેનું  જ્ઞાાન પણ  મેળવી શકે.  નિસર્ગની  મૌન પણ જીવન ઉપયોગી ભાષા  સમજવાનો  પ્રયાસ  કરે છે. સમસ્ત  માનવજાત માટે  પર્યાવરણની - પ્રકૃતિની-માવજત, જાળવણી અને સમતુલા   કેટલી બધી  અગત્યની  છે.  તેનો ઉત્તમ અને ઉમદા  સંદેશો મળે છે.

 એક નિષ્ણાત  અને અનુભવી  વનસ્પતિશાસ્ત્રીએ  બહુ સુંદર -યાદ રાખવા જેવું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે  નાનકડા   છોડવા-વનસ્પતિ એટલે ટાબરિયાં  નાનાં કુમળા બાળકો જેમ હસતાં, રમતાં,કૂદતાં,નાચતાં,  તોફાન-મસ્તી કરતાં અને  મીઠું- ખખડાટ- નિર્દોષ હાસ્ય  વેરતા હોયતેમ ગુલાબ,તુલસી, પોયણું, જાસ્મીન, રાતરાણી, લીલી વગેરે પણ  વ્હાલસોયા  ભૂલકાં જેવા જ હોય.  કુમળાં,નમણાં,  નાજુક, લીલાંછમ અને સુગંધીદાર.તમે આ બધા વનસ્પતિને  જેટલો પ્રેમ કરશો તેટલો જ આનંદ  તમારા જીવનમાં  જ પુષ્પની  જેમ ખીલી ઉઠશે.  બાળકને  રમાડવાનો  આનંદ જેમ બધી સાંસારિક, આર્થિક સમસ્યાના ઔષધરૂપ  છે  તેમ વનસ્પતિના  આ બધા લીલાછમ, નમણા, નાજુક છોડવાને  પ્રેમ કરવાથી, તેને પંપાળવાથી  અને ઉછેરવાથી  આપણું  જીવન પણ  મ્હોરી  ઉઠશે.

- જગદીશચંદ્ર  ભટ્ટ

Tags :