Get The App

ટાઈમ મેનેજમેન્ટનો મહિમા ન્યારો દિવસ વેડફીને રાત્રે ઉજાગરા શાને વેઠવા?

Updated: Feb 2nd, 2026

GS TEAM

Google News
Google News
ટાઈમ મેનેજમેન્ટનો મહિમા ન્યારો દિવસ વેડફીને રાત્રે ઉજાગરા શાને વેઠવા? 1 - image

આપણે  નાનપણથી  એમ સાંભળતા આવ્યાં છીએ  કે રાત્રે પૂરતી  ઊંઘ લેવી  અને દિવસ  દરમિયાન  ભણવું,  કામ કરવું. વહેલી સવારે  ઉઠવાથી  કામ ઝપાટાભેર  થાય છે.  ખાસ કરીને  બ્રહ્મ મુહુર્ત,  એટલે કે  સવારના ચાર વાગ્યે  આપણું મગજ  કાંઈક નવું  શીખવા  તૈયાર હોય છે.  પરંતુ વિડંબણા  એ  છે કે  હવે આ વાતને કોઈ ગણકારતું નથી.  મોટા ભાગે  લોકો મોડી રાત સુધી જાગે છે અને  બ્રહ્મ મુહુર્તમાં  સુવા જાય છે.  તેમાંય યુવા પેઢીમાં આવી જીવનશૈલી  સામાન્ય થઈ પડી છે.  પરંતુ આ રીતને સામાન્ય  ગણી લેવી  આપણી સૌથી મોટી  ભૂલ ગણાશે.  તેને કારણે આપણું બોડી ક્લોક  (સિકેર્ડિયન રિધમ)  ખોરવાય છે. 

નિષ્ણાતો  કહે છે કે  આજની તારીખમાં  તરૂણ પેઢીને ટાઈમ મેનેજ કરતાં નથી આવડતું.  તેમને સમયની કિંમત નથી.  તેઓ સોશ્યલ મીડિયા પર પુષ્કળ  સમય વેડફી  નાખે છે.  પરિણામે  તેમના અગત્યના  કામો, એટલે કે  અભ્યાસ ઈત્યાદિ બાકી રહી જાય છે.  આખો  દિવસ  અમસ્તા જ  બરબાદ કરી નાખ્યાં  પછી રાત્રે તેઓ સફાળા જાગે  છે અને અધૂરાં કામો પૂરાં   કરવા લાગે છે.  આમ  તેમનો  ઊંઘવાનો સમય કામ પૂરાં કરવા પાછળ જાય છે.   સ્વાભાવિક રીતે જ તેમને પૂરતી ઊંઘ ન મળવાથી  તેઓ બીજે દિવસે કામ કે અભ્યાસ  પર ધ્યાન કેન્દ્રિત નથી  કરી શકતાં.  વાસ્તવમાં  જ્યારે આપણે પ્રાકૃતિક  ઘડિયાળ,  એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત   પ્રમાણે  ચાલીએ તો આપણું શરીર અને મગજ સારી રીતે કામ કરે છે.  પરોઢિયે  કામ કરવાથી  પ્રોડક્ટિવિટી  વધે છે.

તરૂણ  અને યુવાપેઢીની આ પ્રકારની  લાઈફસ્ટાઈલ   પાછળ  તેમને મળતી  સગવડો અને એકાંત પણ કારણભૂત  છે. આજે   સંપન્ન પરિવારના યુવકો અને યુવતીઓ  પાસે પોતાના  અલગ  રૂમ  હોય છે.  તેમાં  એટેચ્ડ બાથરૂમથી લઈને  ટીવી, કમ્પ્યુટર જેવા ઉપકરણોની  સુવિધા પણ  હોવાથી તેઓ મોડી રાત સુધી  જાગ્યા કરે છે. તેઓ અડધી રાત  કે પરોઢ સુધી  વેબ સીરિઝો, પોર્ન સાઈટ્સ ઈત્યાદિ જોયા  કરે  છે. વહેલી સવારે  સુવા ગયેલા યુવકો અન ેયુવતીઓ  તડકો ચડે ત્યારે ઉઠે છે. આની સીધી અસર તેમના અભ્યાસ  અથવા ઓફિસના  કામ પર પડે  છે. તેઓ  આ વયમાં જ  સ્લીપ ડિસઓર્ડરના કે એન્કઝાઈટીના   સકંજામાં  જકડાવા લાગે છે.  રાત્રે મોડે  સુધી જાગવાથી   ભૂખ લાગે ત્યારે તેઓ જંકફૂડ  ખાય  છે  જે તેમની મેદસ્વીતાનું  કારણ  બને છે.  વળી રાતની ગાઢ નિંદ્રા  દરમિયાન  મગજના દિવસભરની  વાતનોને સંગ્રહવાના  કાર્યમાં પણ  ખલેલ પડે  છે જે લાંબા ગાળે   સ્મરણ શક્તિને  અસર  કરે છે. 

જો માતાપિતા  શરૂઆતથી  પોતાના  સંતાનોની  મોડી રાત સુધી   જાગતા રહેવાની  ટેવને અંકુશમાં  રાખે  તો ઘણી સમસ્યાઓ  ટાળી શકાય.  પરંતુ વિડંબણા એ  છે કે હવે માતાપિતા  સ્વયં મોડી રાત સુધી સોશ્યલ મીડિયામાં રચ્યાપચ્યા   રહે છે.  તેમના સંતાનો શું કરે છે તે જોવામાં તેમને રસ નથી હોતો.  તેઓ  પોતાના  સંતાનો સાથે સમય નથી ગાળતા.  યુવાન છોકરા- છોકરીઓને  સમયનું વ્યવસ્થાપન   કરતા  શીખવવાની  ફરજ માતાપિતા  જ ચૂકી રહ્યાં  છે.  શાળા-કોલેજમાં  અભ્યાસ કરતાં તરૂણો- યુવાનોને  યોગ્ય માર્ગદર્શન  ન મળે ત્યારે  તેમનો દિવસનો  સમય નાહકનો  વેડફાઈ જાય છે અને બાકી રહેલા કામ પૂરાં કરવાં  તેઓ મોડી રાત સુધી જાગે છે. આવી દિનચર્યામાં  દુષ્પરિણામોગણાવતાં  તજજ્ઞાો કહે છે....

-  નિર્ણય  લેવાની અને સમસ્યા  ઉકેલવાની ક્ષમતા ઘટે છે.

-  વારંવાર  મૂડ બદલાય  અને ડિપ્રેશન આવે.

- શરીરમાં  હોર્મોન્સનું  સંતુલન ખોરવાય.

-  ધ્યાનકેન્દ્રિત  કરવાની ક્ષમતા   અને સ્મરણ શક્તિ ઘટે.

-  હાઈ બ્લડ પ્રેશર કે હૃદય રોગનું જોખમ વધે.

-  મેલાટોનિન (ઊંઘ લાવનારા હોર્મોન્સ) અને કાર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન્સ) નું  સંતુલન  બગડે.  

-  શરીરની  સર્કેડિયન રીધમને અસર પહોંચે.

આ  સ્થિતિ  ટાળવાનો  સૌથી સરળ અને  સચોટ ઉપાય છે  ટાઈમ મેનેજમેન્ટ.  જો આપણે  આપણી દિનચર્યા  યોગ્ય રીતે  ગોઠવી રાખીએ  તો રાત્રે  પૂરતી ઊંઘ લેવાનો  સમય મળી જ રહે.

હા,  જેમને  નાઈટ શિફ્ટમાં કામ કરવું પડતું હોય  તેમની વાત  જુદી છે.  બાકી  દિવસનો  સમય વેડફીને  રાતના ઉજાગરા  શાને વેઠવા?  બહેતર  છે કે રાત્રે સાતથી  આઠ કલાકની  ગાઢ ઊંઘ લો, સવારના કૂણો  તડકો લો અને વ્યાયામ કરો.  દિવસભર કમ્પ્યુટર ઈત્યાદિ પર કામ કરવું પડતું હોય તો દર અડધા-પોણા કલાકે પાંચેક મિનિટનો બ્રેક લો.  તન-મનને  સ્વસ્થ રાખવા આટલું કરવું જ રહ્યું.

-  વૈશાલી ઠક્કર