Get The App

શિયાળામાં ગૃહ સજાવટમાં 'સિલ્ક'નો મહિમા

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં ગૃહ સજાવટમાં 'સિલ્ક'નો મહિમા 1 - image

- ચાઈના સિલ્ક, શિફોન, ટસર, જ્યોર્જટ, મુગા, ઓર્ગેન્ઝા, તાફેટા અને સ્પન સિલ્કની અઢળક વરાયટીના કપડા-કુરાન કવર સુંદર લાગે છે

શિયાળામાં સિલ્કના કાપડનું મહત્ત્વ વધી જાય છે. સિલ્કના પરિધાન ઉપરાંત ઘરની સજાવટમાં સુધ્ધાં સિલ્કનો ઉપયોગ કરી શકાય છે. સદીઓથી સિલ્ક વૈભવી અને મુલાયમ કાપડ તરીકે જાણીતું છે અને તે શ્રીમંતાઈ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. હજારો વર્ષો પૂર્વેથી મનુષ્ય સિલ્કના કાપડનો ઉપોયગ કરતો આવ્યો છે. ઈ. સ. પૂર્વે ૨૭મી સદીથી ચીનાઓ રેશમનો ઉપયોગ કરતાં આવ્યા છે. ચીની દંતકથાઓ અનુસાર ચાર હજાર વર્ષ અગાઉ હવાંગ હો કે પીળી નદીના કિનારે સિલ્ક બનાવવાનો અને તેનો ઉપયોગ કરવાનો આરંભ થયો હતો. મલબેરીના પાન પર રેશમના કીડાનો ઉછેર કરીને તેમાંથી રેશમ મેળવવાની પદ્ધતિ રાણી સી-લીંગ-ચી શીખી હતી. ઇસવીસનના આરંભે આ પદ્ધતિની જાણ જાપાનને થઈ હતી અને ત્યાંથી પછી તે પદ્ધતિ ભારત પહોંચી હતી.

આજે રેશમી કાપડ સમગ્ર વિશ્વમાં જાણીતું અને માનીતું બની ગયું છે. ફ્રેંચમાં 'સોઈ' તરીકે ઓળખાતાં સિલ્કના રેષાં સૌથી મજબૂત કુદરતી રેષાં છે. સિલ્ક ભેજને શોષે છે. આથી તે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે. વળી સિલ્કની ભેજ શોષવાની ક્ષમતા વધારે હોવાથી તે ઘણા ઘેરા રંગમાં સહેલાઈથી ડાઈ કરી શકાય છે. હવે ભારતીયો ગુલાબી, ગળી જેવો, જાંબુડિયો, હળદરીયો પીળો, કેસરી જેવા રંગને પસંદ કરતાં થયા છે. વળી સિલ્ક પર એમ્બેલીશમેન્ટમાં ગોલ્ડને બદલે સિલ્વરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે. શિયાળામાં સિલ્કના કુશન કવર અને સિલ્કની કાર્પેટનો ગૃહ સજાવટમાં ઉપયોગ કરી શકાય છે. આનાથી ઘરનો દેખાવ એકદમ બદલાઈ જશે. 

સિલ્કના કાપડના પ્રકાર: 

- બ્રોકેડ : પોત કરતાં કોન્ટ્રાસ્ટ રંગનું એમ્બોઝડ ઇફેક્ટ સાથે જેકાર્ડ વણાટ ધરાવતાં સિલ્કને બ્રોકેડ કહેવામાં આવે છે. આ ભારે સિલ્કના કુશન કવર સુંદર દેખાય છે.

- ક્રેપ ડી  ચીન: કલાસિક મુલાયમ અને આકર્ષક રીતે ડાઈ કરવામાં આવતું આ સિલ્કને જોતાવેંત જ મોહી પડાય છે.

- ચાર્મેયુઝ : ક્રેપનું પોત ધરાવતા અને સાટિન વણાટમાં પર્લી સાટિન ફિનિશ ધરાવતું આ સિલ્ક ચમકદાર હોય છે. આથી તેના પડદા સરસ દેખાય છે.

- શિફોન : આ સિલ્ક પારદર્શક, સુંવાળું અને એકદમ હળવું હોય છે. 

- ચાઈના સિલ્ક :- ચાઈના સિલ્ક જુદાં જુદાં વજનનું અને સાદુ વણાટ ધરાવે છે. હળવાથી ભારે વજનના તથા કરચલીવાળું લુક કે એકદમ આકર્ષક દેખાતાં ચાઈના સિલ્કનો મોટે ભાગે શર્ટ અને ડ્રેસ બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિલ્કનો લાઈનીંગ તરીકે પણ વપરાશ થાય છે તથા તેને સહેલાઈથી ધોઈ શકાય છે.

- ડયુપીઓની : એક સાથે બે રેશમના કીડાને બાંધીને તેમાંથી મળતાં તાંતણામાંથી આ સિલ્ક બને છે. જોકે આ તાંતણા અસમાન હોય છે. ઇટાલિયન ડયુપીઓની સૌથી પાતળું હોય છે ત્યાર બાદ ચીન અને પછી ભારતનું ડયુપીઓની વખણાય છે.

- જ્યોર્જટ : શિફોન કરતાં વજનમાં થોડું ભારે, ક્રિંકલ્ડ સપાટી ધરાવતું આ ક્રેપ સિલ્ક છે.

- મટકા સિલ્ક : મલબેરી સિલ્કના કચરામાંથી ગમ કાઢ્યા વગર આ સિલ્ક બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતના ગામડામાં વસતી મહિલાઓ હાથે સ્પન કરીને તેને બનાવે છે. 

- સિલ્ક શાનટુંગ: આ ડયુપીઓની પ્રકારનું જ સિલ્ક હોય છે જે ચીનના શાનટુંગ પ્રાંતમાં બને છે.

- ટસર સિલ્ક : વન્ય રેશમના કીડામાંથી મળતાં રેશમના રેષામાંથી સાદા વણાટ દ્વારા ટસર સિલ્ક બને છે. આ તાંતણા એક સમાન ન હોવાથી કાપડની સપાટી અને રંગ અસમાન હોય છે. ટસર સિલ્કના ઓછાડ અને કુશન કવર સરસ દેખાય છે.

- મુગા સિલ્ક : આ સિલ્ક આસામમાં બને છે અને આસામી શબ્દ 'મુગા'  પરથી તેને મુગા સિલ્ક નામ આપવામાં આવ્યું છે. બ્રાઉન રંગના મુગા કીડા પરથી મળતાં રેશમના તાંતણામાંથી આ સિલ્ક બને છે. આ સિલ્ક કુદરતી રીતે જ સોનેરી, ચળકતું અને ટકાઉ હોય છે.

- સિલ્ક ઓર્ગેન્ઝા: આમ તો આ સિલ્ક કોટન ઓરગન્ડી જેવું જ હોય છે. ફરક માત્ર એટલો છે કે તે સિલ્કમાંથી બનાવવામાં આવે છે અને પારદર્શક હોય છે. આ સિલ્ક ક્રિસ્પી હોય છે અને રેશમના તાંતણાને ટાઈટ રાખીને  વણાટકામ કરવામાં આવે છે. તાંતણાને ટાઈટ રાખવા જે ગમ લગાડવામાં આવે છે તેનાથી કાપડ કડક બને છે.

- સિલ્ક જેકાર્ડ : આ કાપડનું વણાટ પેટર્નમાં કરવામાં આવે છે. ઘેરો રંગ કરેલું અને હાથેથી  પેન્ટ કરવામાં આવેલી ડિઝાઈન ધરાવતું જેકાર્ડ ખૂબ જ આકર્ષક દેખાય છે. આથી તેનો ઉપયોગ ટેબલ પર કરવામાં આવે છે.

સિલ્ક તાફેટા : અત્યંત પાસે  પાસે વણાટ કરવામાં આવેલું આ હળવા વજનનું સિલ્ક હોય છે.

- રૉ સિલ્ક: રૉ સિલ્ક કલાસિક અને કરચલીથી મુક્ત હોય છે.

સ્પન સિલ્ક : સિલ્કના વણાટ દરમિયાન વધેલા કચરામાંથી આ સિલ્ક બનાવવામાં આવે છે. 

ધ્યાનમાં રાખો

- સિલ્કને ડ્રાય ક્લિન માટે આપવું.

-  સિલ્કના કાપડને ઘરમાં ધોવું હોય તો ઠંડા પાણીમાં ધોવું અને ખૂબ જ ઓછો સાબુ લગાડવો. કાપડને સુકવવા માટે તડકામાં નાંખવું નહિ.

-  સિલ્કને ઈસ્ત્રી કરવી હોય તો ઊંધી બાજુ કરવી.

-  સફેદ રંગનું સિલ્ક પીળું ન પડી જાય તે માટે ધોતી વખતે પાણીમાં પેરોકસાઈડ અને એમોનિયા નાંખવું.

-  સિલ્ક પર પડેલા પીળા ડાઘને દૂર કરવા ઠંડા પાણીમાં ૩થી ૪ ચમચી વ્હાઈટ વિનેગર નાંખીને કાપડને બોળી રાખવું.

-  સિલ્કના કાપડની આસપાસ ડામરની ગોળી મૂકવી નહિ.

-  સિલ્કના કાપડ પર પરફ્યુમ ન છાંટવું.