નવરાત્રીનો મંગલમય તહેવાર આવી પહોંચતાં ચારેકોર તેની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. તેમાંય યુવતીઓની સુંદરતાને ચાર ચાંદ લગાડતાં ઓક્સિડાઈઝ્ડ ઘરેણાઓની તો વાત જ શી કરવી? ઘૂઘરી લગાડેલા બાજુબંધ, લાલ-લીલા દોરામાં કોડીઓ જડીને તેમાંથી તૈયાર કરાયેલા કમરપટ્ટા, ઝગમગતા અરીસાઓ વડે મિરર વર્ક કરેલો ગળાનો નેકલેસ, નાચતાં સમયે થનગનાટ કરતાં પગોને અવાજ અર્પતા ઝાંઝર, ચૂડા, બંગડીઓ, કડાં, કાચથી જડેલાં ઝૂમખાં અને બાંધીઓના ઝગમગાટથી સમસ્ત વાતાવરણમાં નવરાત્રીનો નવરંગ રેલાઈ રહ્યો છે. નવરાત્રીના મહોત્સવમાં મહાલનારાઓ માટે આ દાગીનાઓ એ અવિભાજ્ય ઘટક બની ગયા છે. ૫૦ રૂપિયાથી માંડીને ૫૦૦ થી ૭૦૦ રૂપિયા સુધીની કિંમતે મળનારા આ દાગીનાઓ નવરાત્રીના સાજશૃંગારમાં અનન્ય ભાગ ભજવે છે. આ વખતે પણ 'ઘાઘરો જો ઘૂમિયો'ના નાદથી સૌ કોઈ ઉમળકાભેર બજારોમાં દોડવા લાગ્યા છે. નવરાત્રીની તૈયારી રૂપે બજારોએ પણ દાગીનાઓ અને ઝગમગતાં વસ્ત્રોથી નવો સાજ સજ્યો છે. દરેક પ્રદેશોને કેટલાક ખાસ વૈશિષ્ટયપૂર્ણ દાગીના અને સાજશણગાર હોય છે, પરંતુ નવરાત્રીમાં ખાસ કરીને ગુજરાતી અને રાજસ્થાની પોષાકો અને દાગીનાના સાજશણગારની અસર વધારે જોવા મળે એ સહજ છે.
આમ તો આખા વર્ષ દરમિયાન દુકાનોમાં ઓક્સિડાઈઝ્ડ ઘરેણાઓ પ્રાપ્ય હોય છે, પરંતુ નવરાત્રીમાં મળતાં ઘરેણાઓ અનોખા વર્ક, કારીગરી અને કલાકૃતિ જેવી ખાસિયતોને લીધે તેને સામાન્ય કરતા હટકે દેખાવ પ્રાપ્ત થાય છે. બોરીવલીથી મલાડ ને છેક ભુલેશ્વરનાં બજારો નવરાત્રીના આઠ-દસ દિવસ પહેલેથી જ દાગીનાઓથી ઊભરાવા માંડે છે. લગભગ એક મહિના પહેલાં જ દાગીનાનો આ માલ અમદાવાદ અને ગુજરાતથી મુંબઈ લાવવામાં આવે છે. એક સાથે ૫૦ થી ૬૦ હજાર રૂપિયાનો માલ ખરીદ્યો હોય તો પણ સિઝનના સમયે ૭૦ થી ૭૫ હજાર રૂપિયામાં વેચાતા તેમને ખાસ્સો નફો રળી આપે છે.
છેલ્લાં ૪૦ વર્ષથી આ વ્યવસાયમાં રહેલા એક વ્યાપારી જણાવે છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં નવરાત્રીના દાગીનાના વેચાણમાં તેજી આવી છે. કેટલીક ફિલ્મોમાં હિરોઈનોને આવા દાગીના પહેરીને નાચતી જોઈને યુવતીઓ પણ આ રીતે દાગીનાનો ઉપયોગ કરવા લાગી છે.
ગરબા ન રમનારાઓમાં પણ નવરાત્રીમાં તૈયાર થઈને દાગીના પહેરવાનો શોખ સારા પ્રમાણમાં વિકસ્યો છે એમ સૂરતના વેપારીએ જણાવ્યું હતું.
નવરાત્રિમાં યુવક-યુવતીઓ ભિન્ન ભિન્ન પ્રકારના ડ્રેસ, આભૂષણો પરિધાન કરે છે. બદલાતા જમાનામાં યુવક-યુવતીઓ, સ્ત્રીઓની બદલાતી પસંદને કારણે નવા નવા આભૂષણોની બોલબાલા વધી છે પરંતુ નવરાત્રિના સમય દરમિયાન ચમકતી કાળી આભાવાળાં ઓક્સિડાઈઝ્ડ આભૂષણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ આભૂષણો નવરાત્રીમાં માત્ર યુવતીઓ જ નહીં હવે તો યુવકો પણ ધારણ કરી રહ્યા છે.
ઓક્સિડાઈઝ્ડના આભૂષણોમાં મોતી, નંગ, ડાયમંડ, શંખ-છીપ અને બીડ્સનો ઉપયોગ કરીને બનાવાતી અનેક વસ્તુઓ જોવા મળે છે. જેમાં ગળામાં પહેરાતા અલગ અલગ આકારો, ડિઝાઈનોવાળા નાના-મોટા જાડા-પાતળા હાર, મોતી, બીડ્સ અને નંગ તેમ જ ડાયમંડના ઉપયોગથી બનેલી નાના-મોટા, ગોળ, ચોરસ, ત્રિકોણ વગેરે આકારોવાળી વિવિધતા દર્શાવતી વીંટીઓ તેમ જ હાથનાં કડા, બંગડીઓ અને આ દરેક વસ્તુના ઉપયોગથી બનતા રંગીન, જાડા-પાતળા, ઘૂઘરીવાળા પાટલા, મોટા કડા. આ ઉપરાંત ઝૂમર આકારના, શંખ અને છીપવાળી ઘૂઘરીવાળી અલગ અલગ આકારોની બુટ્ટીઓ વગેરે તેમ જ પગની ઝાંઝર, કમરનો કંદોરો પણ અલગ પ્રકારના જોવા મળે છે. આ દરેક ઓક્સિડાઈઝ્ડની વસ્તુઓ વિવિધ આકારો અને ડિઝાઈનો સાથે યુવતીઓ અને સ્ત્રીઓ પસંદ કરે છે.
આભૂષણો ઓક્સિડાઈઝ્ડના હોય કે માત્ર એના જેવા રંગરૂપના હોય, યુવતીઓ તો તેને પહેરવા તલપાપડ બની જ જાય છે. ઓક્સિડાઈઝ્ડ આભૂષણો વિવિધતાદર્શી છે. મોતીમાં પરોવેલાં, કાળા દોરામાં સિંગલ પેન્ડલ, ઘૂઘરીવાળા, ઝૂમરવાળા રંગબેરંગી નંગવાળા, બીડ્સ અને છીપ પણ આભૂષણોને વિશિષ્ટ બનાવે છે. ક્યારેક બીડ્સ સાથે મળીને આ આભૂષણો નવીનરૂપ ધારણ કરે છે, તો ક્યારેક વળી સેટમાં બીડ્સ સાથે તેના જેવો જ આકાર ધારણ કરી એકરૂપ થઈ જાય છે. વળી આ આભૂષણોમાં રંગબેરંગી ઝીણા મોતી સાથે બીડ્સવાળાની ખૂબ બોલબાલા છે.
- ઈશિતા


