Get The App

મોહક મેકઅપ અને વસ્ત્રો વિના દિવાળીનો ઝગમગાટ અધૂરો

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
મોહક મેકઅપ અને વસ્ત્રો વિના દિવાળીનો ઝગમગાટ અધૂરો 1 - image

તહેવારના દિવસોમાં સરસ મઝાના દાગીના અને વસ્ત્રો પહેરવાનું કોને ન ગમે. પણ સુંદર દેખાવા માટે શું આકર્ષક વસ્ત્રાભૂષણો પૂરતાં છે? ના, સુંદર પરિધાન અને અલંકાર સાથે મેકઅપ પણ આવશ્યક છે. પણ મેકઅપ કરવો શી રીતે?

મેકઅપ કરવો એ એક કળા છે. વ્યવસ્થિત રીતે કરેલો મેકઅપ સાધારણ દેખાવની યુવતીને પણ સુંદર બનાવી દે છે. જ્યારે સુંદર માનુની વધુ આકર્ષક દેખાય છે. પણ ઘણી માનુનીઓ મેકઅપ શી રીતે કરવો તે બાબતે મુંઝવણ અનુભવે છે. વાસ્તવમાં મેકઅપ કરવાની ચોક્કસ રીત હોય છે. આ પધ્ધતિ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ કરો તો ચહેરાનું સૌંદર્ય ખીલી ઉઠે છે.

સૌથી પહેલા ચહેરાને ક્લિન્ઝર વડે ક્લિન કરી લો. ત્યાર પછી સમગ્ર ચહેરા પર ફાઉન્ડેશનના ટપકાં કરો. આ ફાઉન્ડેશન આંગળીઓના ટેરવાંથી હળવે હળવે આખા ચહેરા પર ફેલાવો. ફાઉન્ડેશન ફેલાવવા માટે સ્પંજનો ઉપયોગ પણ કરી શકાય. જો સ્પંજ વડે ફાઉન્ડેશનને ચહેરા પર પ્રસરાવવું હોય તો સ્પંજ ભીનું કરવાનું ન ભૂલવું. ફાઉન્ડેશન હમેશાં નીચે તરફ ફેલાવો. ગમે તે રીતે ફાઉન્ડેશન ફેલાવવાથી ચહેરા પર લિસોટા પડી ગયા હોય એવું દેખાશે.

ફાઉન્ડેશન લગાવી લીધા પછી નાના બ્રશ અથવા આંગળીઓ વડે આંખોની આસપાસ કન્સીલર લગાવો અને તેને આંગળીઓ વડે હળવેથી બ્લેન્ડ કરો.

અન્ય મેકઅપ કરવાથી પહેલા સમગ્ર ચહેરાને સારી રીતે જોઈ લો. ક્યાંય કોઈ ડાઘ-ધાબા તો નથી દેખાતા ને. જો ફાઉન્ડેશન લગાવ્યા પછી ચહેરા પર ડાઘ-ધાબા દેખાય તો કન્સીલર વડે તેને ઢાંકી દો. નાના બ્રશ અથવા સ્પંજ વડે જ્યાં ડાઘ-ધાબા દેખાતા હોય તે જગ્યા ઢાંકી દો. ખાસ કરીને  જોલાઈન નીચે અને નાકની આસપાસ કન્સીલર લગાવો. ત્યાર પછી આંગળીઓ વડે હળવેથી થપથપાવો, જેથી તે ચહેરા પર બરાબર સેટ થઈ જાય.

આંખોની આજુબાજુ કન્સીલર અને ફાઉન્ડેશન સેટ કરવા માટે એક નાના બ્રશને લુઝ પાવડરમાં બોેળીને તે હળવેથી ડસ્ટ કરો. લુઝ પાવડર એકદમ પ્રમાણસર લો. જો વધુ લાગી જશે તો ચહેરો ભદ્દો લાગશે.

આટલું કર્યા પછી ફાઉન્ડેશન અને કન્સીલરને સેટ કરવા માટે ફાઉન્ડેશન સાથે મેળ ખાતું ટ્રાંસ્લુસેંટ પાવડર લગાવો. પણ પાવડર એકદમ પ્રમાણસર હોય તેનું ધ્યાન રાખો. વધારે પાવડર લગાવવાથી ચહેરાની કુદરતી ચમક નથી દેખાતી. એક મોટા ગોળ બ્રશથી થોડું ટ્રાંસ્લુસેંટ પાવડર ડસ્ટ કરો. જો મેટ ફિનિશ જોઈતી હોય તો થોડું પાવડર પફ લગાવો.

લિપસ્ટિક મેકઅપનો મહત્ત્વનો ભાગ છે. આટલું કર્યા પછી લિપ લાઈનર લગાવીને પછી લિપસ્ટિક લગાવો. પરંતુ તમને એવો વિચાર પણ આવશે કે આ મેકઅપ કેટલા કલાક ટકશે? ચિંતા કરવાની જરૂર નથી. પ્રસંગોપાત આખો દિવસ તમારો ચહેરો આકર્ષક લાગે તે માટે મેકઅપ પર નજર રાખો. ટચ અપ માટે એક સ્ટિક ફાઉન્ડેશન તમારી સાથે રાખો. જરૂર પડયે સ્ટિક ફાઉન્ડેશન વડે ટચ અપ આપો પણ પાવડરનો વધારે પડતો ઉપયોગ કરવાનું ટાળો.