Get The App

ફિલ્મોમાં રાસ ગરબાની રમઝટ .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
ફિલ્મોમાં રાસ ગરબાની રમઝટ                               . 1 - image

- મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશથી ઢોલી તારો ઢોલ વાજે ... સુધી

ઢોલી તારો ઢોલ બાજે.. ઢોલ બાજે.... એ ગીત કાને પડે અને તરત જ પગ થનગનવા લાગે. હમ દિલ દે ચૂકે સનમનું આ ગીત ભલે ફિલ્મી ગીત હોય પરંતુ  નવરાત્રિમાં એ ઠેર ઠેર ગાજવાનું. આ જ ફિલ્મનું નિંબુડા... નિંબુડા... ગીત પણ રાસ ગરબાના રસિકોમાં ખૂબ લોકપ્રિય થયું છે.

ગરબાની વાત સાથે રંગીન નવરાત્રિ અને ગરબે ઘૂમતી ગોરીઓ અને છેલબટાઉ યુવાનો ધ્યાનમાં આવ્યા વગર ન રહે. ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજાનો આ માનીતો ઉત્સવ તો હવે સમાજની દરેક જાતિ અને દરેક સ્તરમાં લોકપ્રિય બન્યો છે. અરે ટેલિવિઝન સિરિયલવાળા પણ એક યા બીજી રીતે દાંડિયા રાસ-ગરબાના દ્રશ્ય ધારાવાહીકોમાં ઉમેરે છે.

સૌ જાણે છે કે, રાસ-ગરબાની લોકપ્રિયતા કેટલી છે અને એટલે જ તો ફિલ્મવાળાઓએ લોકરુચિને ધ્યાનમાં રાખીને સૌથી વધુ લાભ લીધો છે. અમિતાભ બચ્ચન અને રેખાએ 'સુહાગ' માં જે દાંડિયારાસ લીધા હતા. એ દ્રશ્ય બધાને યાદ હશે એવી જ રીતે ફિલ્મ 'આ અબ લૌટ ચલે'માં અક્ષય ખન્ના, ઐશ્વર્યા અને સુમન રંગનાથનનો રાસ પણ ખૂબ જ દિલચશ્પ હતો. 

રાસ-ગરબાને ગુજરાતી ફિલ્મવાળાઓએ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે, એ વાત પણ સૌ જાણે છે. અત્યારે તો ગુજરાતી ફિલ્મોની સંખ્યા જ સાવ નહિવત્ થઈ ગઈ છે. પણ ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગમાં અનેક ફિલ્મોમાં ગરબો અચૂક સમાવાયો છે એ હકીકત છે. અમુક નિર્માતાઓ માટે તો રાસ-ગરબો એ ફિલ્મનું અવિભાજ્ય અંગ બની ગયો હતો.

એક જમાનો તો એવો પણ આવ્યો હતો કે ગુજરાતી ફિલ્મ સાવ નબળી હોય તો પણ એમાં એક-બે હીટ ગરબા હોય તો બોક્સ ઑફિસ પર ચાલી જતી. કેટલીકવાર કલાકારો નબળા અથવા નવા હોય તો પણ ફિલ્મ આરામથી ૧૫-૨૦ અઠવાડિયા ચાલી જતી.

ગુજરાતના ગરબાએ અગાઉ કહ્યું તેમ ગુજરાતની બહાર પણ લોકોને ઘેલા કર્યા છે. પ્રાંતની બહાર ગરબાનું મહત્ત્વ વધારવામાં બહાર વસતા ગુજરાતીઓનો મોટો ફાળો છે.

બહાર વસતા ગુજરાતીઓનો એક મોટો હિસ્સો મુંબઈમાં વસે છે ને એ ગુજરાતીઓએ મુંબઈ નગરીમાં વસતા ફિલ્મવાળાઓને ગરબાનો ચસ્કો લગાડયો છે. આજે મુંબઈમાં મોટા મંડળો દ્વારા યોજાતા નવરાત્રિ ઉત્સવમાં મરાઠી, પંજાબી, સિંધી અને સરદારજીઓ સુધ્ધાં ભાગ લે છે.

ગરબાનો ચસ્કો મુંબઈના ફિલ્મવાળાઓને લાગે પછી  તો પૂછવું જ શું? ફિલ્મવાળાઓએ રાસ-ગરબાની લોકપ્રિયતા જોઈને એને રોકડી કરવાનો તુક્કો લડાવ્યો. ફિલ્મવાળા આમેય કોઈપણ ચીજને હંમેશા ધંધાકીય દ્રષ્ટિથી જુએ છે. એટલે એમણે ગુજરાતના ગરબાને સીધે સીધો રૂપેરી પડદે ઢાળી દીધો.

ગોવિંદ સરૈયાએ ઘણા વર્ષો પહેલાં 'સરસ્વતી ચંદ્રમાં લતા પાસે ''મૈ તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયા કા ઘર પ્યારા લગે...' માં રાસ-ગરબાનો ઉપયોગ કર્યો હતો. એ ગીત એટલું બધું લોકપ્રિય બન્યું હતું કે મહિનાઓ સુધી ગલીએ ગલીએ ગૂંજતું રહ્યું હતું.

ફિલ્મોવાળા દરેક વસ્તુમાં નવીનતા આણવાની કોશિશો કરતા રહે છે. એમણે શેરીઓમાં ગુજરાત-સૌરાષ્ટ્રના રાસ-ગરબાની મજા માણી અને એને રૂપેરી પડદે પેશ કર્યો પણ, એને વધુ રસપ્રદ અને દર્શનીય બનાવવા એમાં પણ  અવનવા પ્રયોગો કર્યા. સરસ્વતીચંદ્ર પછીની જે જે ફિલ્મોમાં રાસ-ગરબાનો ઉપયોગ થયો એમાં કંઈને કંઈ નવીનતા લાવવાના પ્રયત્નો ફિલ્મવાળાઓએ કર્યો છે.

'સુહાગ'માં અમિતાભ-રેખા, 'લવ લવ લવ'માં આમિર-જૂહી, 'ક્રાંતિવીર'માં નાના-ડીમ્પલ વગેરે ઘણાં ઉદાહરણો છે. જરા વિચાર કરો કે રૂપેરી પડદે અમિતાભ-રેખા, માધુરી દીક્ષિત-અનિલ કપૂર, જૂહી ચાવલા અને આમિર ખાન જેવા સ્ટાર ગરબે ઘૂમતા જોવા મળે તો લોકોને કેવી મઝા આવે.

'સુહાગ'નું માતું શેરોવાલી, ઊંચી ડેરોવાલી ગીત રાસ-ગરબા રૂપે ખૂબ  લોકપ્રિય થયું હતું પણ તે ગીતના શૂટિંગ વખતે કલ્યાણજી આણંદજીએ તેને ગરબાના ઢાળમાં ઢાળી અમિતાભ-રેખા પાસે દાંડિયારાસ રમાડવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. પણ અમિતાભે એમ કહીને ના પાડી કે ગરબાના ઢાળમાં આ ગીત નહીં જામે અને બીજું પોતાને ગરબા ગાતા નહીં ફાવે.

તો કલ્યાણજીભાઈએ જણાવ્યું હતું કે, આ ગરબામાં નાચવું આસાન છે અને તે મોહક લાગશે. ગીત હિટ જશે. ખુદ કલ્યાણજી ભાઈએ દાંડિયારાસ રમી અમિતાભને દેખાડયું ત્યારે અમિતાભ તેનાથી પ્રભાવિત થયો અને સુહાગનું તે ગીત ખૂબ જ વખણાયું તેમાં અમિતાભ - રેખાના દાંડિયારાસ પણ વખણાયા.

એવું જ 'અંગાર' ફિલ્મમાં જેકી શ્રોફ અને ડિમ્પલ કાપડિયાના દાંડિયારાસ વખતે થયું. બન્ને કલાકારો ગુજરાતી હોવાથી રાસના સ્ટેપ્સ યોગ્ય રીતે લઈ શકતા હતા.

ગુજરાતી ફિલ્મોમાં જે હદે દાંડિયા રાસ છવાયા છે તેના સંદર્ભે નરેશ કનોડિયાએ એક સ્થળે જણાવ્યું હતું કે, દાંડિયા ગરબાનો જાદુ લોકો પર એટલી હદે છવાઈ ચૂક્યોે છે કે દેશ વિદેશમાંના તેમના પ્રશંસકો તેમની ફિલ્મમાં દાંડિયારાસ હોવા જ જોઈએ તેવી ફરમાઈશ કરતા થઈ ગયા છે અને ગરબા રાસમાં જુદી જુદી અનેક રીતે રજૂ કરી શકાય છે.

કવિ પ્રદિપને વર્ષોની સાધના બાદ પણ સફળતા પ્રાપ્ત નહોતી થઈ. તે વખતે 'જય જય સંતોષી મા' એ ન માત્ર આર્થિક પણ સામાજિક સફળતા પ્રાપ્ત કરાવી દીધી અને તેમાં 'જય  સંતોષી માતા જય  જય મા'ની આરતીને ગરબાના ઢાળમાં રજૂ કરવામાં આવી હતી અને નોેંધપાત્ર સફળતા મળી હતી.

ગુજરાતના રાસ-ગરબાને ફિલ્મવાળાઓએ રૂપેરી પડદા પર રોકડી કરવા માંડયો તેમ કેટલાક ચતુર આયોજકોએ પ્રાઈવેટ પ્લોટોમાં જાણીતા ફિલ્મ કલાકારોને બોલાવી બિઝનેસ શરૂ કર્યો. આવા આયોજકો પ્રાઈવેટ પ્લોટમાં નવરાત્રિનું આયોજન કરે છે ને મોંઘી ટિકિટો રાખે છે. ત્યાં મનગમતો ફિલ્મ સ્ટાર આવવાનો હોઈ લોકો આંખો મીંચીને ટિકિટો ખરીદે છે. પેલા આયોજક ફિલ્મ સ્ટારને ત્યાં હાજરી આપવા બદલ ફી ચૂકવે છે ને છતાં એને સારો એવો નફો થાય છે.

ગુજરાત-સૌરાષ્ટ્ર જેવી રંગીન નવરાત્રિ મુંબઈ જેવા શહેરોમાં જોવા ન મળે પણ કેટલાક આયોજકોએ ફિલ્મ સ્ટારોને બોલાવી મુંબઈની ફિક્કી લાગતી નવરાત્રિને રંગીન બનાવી દીધી છે.

મુંબઈમાં નવરાત્રિના નવે નવ દિવસોએ  મોટી સોસાયટીઓ, બહુમાળી મકાનો, પાર્ટી પ્લોટો અને બંગલાઓમાં આવી નવરાત્રિ યોજાય છે.   આવી નવરાત્રિમાં ફિલ્મ સ્ટારોને ગરબે ઘૂમતા જોવાની ફી કરતાં એમની સાથે ગરબે ઘૂમવાની ફી વધારે હોય છે.

આવા બિઝનેસમાંં નફો થતો હોય તો કોણ ન કરે? આ બિઝનેસમાં સારી એવી કમાણી થતી હોઈ હવે ફિલ્મસ્ટારો અને ટી.વી. સ્ટારો પણ ઊંચા ભાવ લેવા માંડયા છે. કેટલાક  કલાકારો તો નવરાત્રિ દરમિયાન શૂટિંગો માટે તારીખો નથી આપતા અને આ નવ દિવસ દરમિયાન ખાસ્સી કમાણી કરી લે છે.

ગરબાના આયોજકો શરૂમાં આવા શોની કિંમત ૧૦૦ થી ૨૦૦ રૂપિયા રાખતા પણ હવે ખર્ચા અને કલાકારોના ભાવ પણ વધ્યા હોઈ ૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધીની પાસ રખાય છે અને તોય પૈસા ખર્ચનારા ખર્ચે છે. એક ઉત્સવના સીઝન પાસ પાછળ પાંચ-દસ હજાર રૂપિયા ખર્ચી નાંખનારા શોખીનો પણ મુંબઈમાં છે.

આવા શોના આયોજકોને પ્રાયોજક એટલે કે સ્પોન્સરો પણ મળી રહે છે કારણ કે ખાસ્સી મેદની એકઠી થતી હોઈ પ્રાયોજકોનો ત્યાં ખૂબ પ્રચાર થાય છે.

રાસ-ગરબાનો આ ક્રેઝ અગાઉ કહ્યું તેમ ગુજરાતમાંથી મુંબઈમાં અને ત્યાંથી આગળ વધીને વિદેશોમાં પણ પહોેંચ્યો છે. ગુજરાતીઓની વસ્તીવાળા દુબઈ, અમેરિકા, બ્રિટન, કેનેડામાં ફિલ્મસ્ટારોના સ્ટેજ શો તથા મ્યુઝિકલ નાઈટ્સ યોજાય છે.

આવા સ્ટેજ શો અને મ્યુઝિકલ નાઈટમાં પણ શરૂ શરૂમાં એકાદ ગરબાની આઈટમ રખાતી હતી પણ હવે તો અમેરિકા-કેનેડાના ગુજરાતીઓ પણ નવેનવ દિવસ નવરાત્રિ ઉત્સવ મનાવતા થઈ ગયા છે. વિદેશોમાં સ્ટેજ શો અને મ્યુઝિકલ નાઈટ્સનું આયોજન કરનાર આયોજકોના ધ્યાનમાં આ વાત આવતાં એમણે વિદેશોમાં પણ નવરાત્રિનું આયોજન કરીને એમાં ફિલ્મ સ્ટારોને બોલાવવા માંડયા છે.

કેટલાક ફિલ્મ કલાકારો નવરાત્રિના સમયમાં જ શૂટિંગોમાંથી રજા લઈને વિદેશ ફરવા જતા રહે છે ને ત્યાં કોઈ આયોજકના શોમાં હાજરી આપી કમાણી કરતા આવે છે.

માધુરી દીક્ષિત, જુહી ચાવલા, રવિના ટંડન, સારા અલી ખાન, આમિર ખાન,કરિના, સલમાન ખાન જેવા કલાકારો વિદેશમાં વસતા ગુજરાતીઓને નચાવવા જાય છે અને અઢળક ડોલર પાઉન્ડ કમાઈ આવે છે.

ફિલ્મોમાં રાસ-ગરબાની વાત કરીએ તો એક બાબત ઊડીને આંખે વળગે તેવી છે અને તે એ છે કે, પાછલા વર્ષોમાં ગુજરાતી રાસ-ગરબામાં જે રીતે પરિવર્તન આવ્યું છે તેવું જ પરિવર્તન ફિલ્મોમાં દર્શાવાતા ગરબામાં પણ આવ્યું છે.

પહેલાં અસલ ગુજરાતી ઢબનો ગરબો ફિલ્મોમાં રજૂ થતો પણ પછી પશ્ચિમનો વાયરો વાતા ગરબો પણ આધુનિક અને પશ્ચાત્ય બનવા માંડયો. ડિસ્કો દાંડિયા, રેપ દાંડિયા અને બીજું ઘણું બધું ફિલ્મી ગરબામાં પ્રવેશ્યું છે. 

ફિલ્મોમાં ગરબાને રજૂ કરીને એનું મહત્ત્વ વધારાય એ સારી વાત છે પણ હવેના યુગમાં  ગરબામાં પણ ''હમ્મા....હમ્મા'' ની તર્જ પર ''અંબા...અંબા...' અને 'મુકાબલા મુકાબલા'ની તર્જ પર '' હે મારી મા... હે મારી મા.... ગવાય છે. ટૂંકમાં ગરબો એનું અસલ સ્વરૂપ ગુમાવી રહ્યો છે.

ગરબે રમનારા પણ પશ્ચિમના રંગે રંગાઈ ચૂક્યા છે. જાતજાતની રંગબેરંગી વેશભૂષા અને મેકઅપ પાછળ નવી પેઢી તો સાવ ઘેલી બનીને નવરાત્રિમાં ફરે છે. આ પેઢીને માતાજીના ગરબાના ધાર્મિક મહત્ત્વ અને મૂલ્યની કશી પડી નથી.

છેલ્લા બે-ત્રણ વર્ષથી તો વળી એક નવો ચેપ નવી પેઢીને લાગ્યો છે. એનું નામ છે. 'રેઈન ડાન્સ' આ રેઈન ડાન્સ ધીમે ધીમે રેઈન ગરબા બની ગયો છે. કેટલાક લોકો વિશાળ પાર્ટી પ્લોટમાં આવા રેઈન ગરબા ગોઠવે છે, જેમાં નાના-મોટા અનેક લોકો કૃત્રિમ વરસાદ હેઠળ મનફાવે તે રીતે નાચે છે. ગરબા ગાય છે અને ડિસ્કો પણ કરે છે.

આવી રીતે ગુજરાતના ભાતીગળ ગરબા જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જુદી જુદી રીતે રજૂ થતા રહ્યા છે તેમાં આધુનિક વાજિંત્રોના સૂર-તાલ મળ્યા છે તો બિન ગુજરાતીઓના લહેકા ભળ્યા છે અને ફિલ્મી હસ્તીઓની દેખાદેખી, લટકા-ઝટકા ઉમેરાયા છે.