આખા ઉનાળામાં રાજ કરતું ફળ : કેરી
- ગુણકારી કાચી કેરીને અથાણાંના સ્વરૂપમાં સંઘરવામાં પાવરધા ભારતીયો
- ઇસુની સદીથી એક હજાર વર્ષ પુરાણા આપણા ઉપનિષદોમાં સુધ્ધાં કેરીનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા વેદો-ઉપનિષદોમાં કેરીનું જ વર્ણન છે તે આંબા પ્રત્યેનો આપણો આદર પુરવાર કરે છે. તેમાં કેરીને બ્રહ્માસ્વરૂપ અને કેરીના ફૂલને કામદેવના બાણ સમાન ગણવામાં આવ્યાં છે.
ફળોના 'તાજ' આંબાની મોસમ શરૂ થઈ ગઈ છે અને આપણે આ ઉનાળુ ફળના સ્વાદ-સોડમને દિલથી માણી રહ્યાં છીએ. જે ઓરડામાં કેરીની પેટી પડી હોય તે રૂમમાં પ્રવેશતાં જ આંબાની મીઠી મીઠી સોડમ મનને તરબતર કરી દે. કેરી ગમે તેટલી મોંઘી હોય તોય મધ્યમ વર્ગના લોકો પણ સિઝનમાં એકાદ વખત તો આંબા અચૂક ખાય. ગુજરાતી પ્રજા ઘરમાં કેરી આવે એટલે પહેલા બ્રાહ્મણને ખવડાવે, મંદિરમાં ધરી આવે, ઘર મંદિરમાં ભગવાનને આંબાનો ભોગ ચડાવે ત્યાર પછી જ આંબો મોઢમાં મૂકે. ઘરના બાળકોએ કેરી ન ખાધી હોય ત્યાં સુધી વડિલોના મોઢે આંબો ન જાય, પરિણીત પુત્રીના ઘરે કેરીનો કરંડિયો મોકલાવ્યા પછી જ માતાપિતા આંબો ચાખે. આ સઘળી પરંપરા આંબા પ્રત્યેનો આપણો આદર-પ્રેમ પુરવાર કરે છે.
મહત્ત્વની વાત એ છે કે કેરી પ્રત્યેનો આપણો લગાવ આધિપત્યની હદ સુધીનો છે. આંબા પર માત્ર આપણું જ પ્રભુત્વ હોય તેમ આપણે એ વાત ઝટ માની જ શકતા નથી કે ભારત સિવાયના દેશોમાં પણ કેરી પાકે છે. પરંતુ એ હકીકતને નકારી શકાય તેમ નથી કે કેરીનું સામ્રાજ્ય સર્વવ્યાપી છે. થાઈલેન્ડવાસીઓની કેરીની પોતીકી જાત છે. ત્યાંના લોકો કેરી શેરીઓમાં વેચે છે અને આ ફળ તેમના સલાડનો મહત્ત્વનો ભાગ છે. તેમને પણ પોતાના આંબા પ્રત્યે એટલો લગાવ છે કે બેંગકોકને તેઓ 'બિગ મેંગો' તરીકે ઓળખાવે છે. જોકે આ વાત સાચી નથી. થાઈલેન્ડવાસીઓ કેરી પકવી જાણે છે, તેમને આ ફળ પ્રત્યે પુષ્કળ પ્રેમ છે એ કબૂલ. પણ એનો અર્થ એવો નથી કે તેઓ આપણા આંબાને પોતાના કહે. એ વાત સર્વવિદિત છે કે કેરી હિન્દુસ્તાનનું ફળ છે.
આપણા દેશમાં સાડીના પાલવ, બોર્ડર કે બુટ્ટીમાં તેમજ આભૂષણોમાં કેરીની ડિઝાઈનનું ચલણ સેંકડો વર્ષથી ચાલ્યું આવે છે. ચાહે તે સાડી સિલ્કની હોય કે સુતરાઉ. તેવી જ રીતે ઘરેણાં સોના-ચાંદીના હોય કે હીરા-મોતી-જડાઉના, કેરીની ડિઝાઈન તેમાં અત્યંત આકર્ષક લાગે છે. વસ્ત્રાભૂષણો પર કેરીની ડિઝાઈન જોવા આપણે એટલા બધા ટેવાઈ ગયા છીએ કે જો કોઈ એમ કહે કે આ પરંપરા ભારતીય નથી પણ ઇંગ્લિશ છે તો આપણા ગળે આ વાત ઉતારવાનું મુશ્કેલ બની જાય. જ્યારે વાસ્તવમાં આ પરંપરા ઇંગ્લિશ છે. વિદેશીઓ કેરીની પેટર્નને 'પેઈસલી' તરીકે ઓળખે છે.
ઇસુની સદીથી એક હજાર વર્ષ પુરાણા આપણા ઉપનિષદોમાં સુધ્ધાં કેરીનો ઉલ્લેખ જોવા મળે છે. આપણા વેદો-ઉપનિષદોમાં કેરીનું જ વર્ણન છે તે આંબા પ્રત્યેનો આપણો આદર પુરવાર કરે છે. તેમાં કેરીને બ્રહ્માસ્વરૂપ અને કેરીના ફૂલને કામદેવના બાણ સમાન ગણવામાં આવ્યાં છે. તોય ઘણાં લોકોનું માનવું છે કે ઇસુની સદીના ૨૦૦૦ વર્ષ પહેલા કેરી ઉપખંડમાં વાવવામાં આવી હતી. ત્યાર બાદ આપણે ત્યાંથી તે સમગ્ર એશિયામાં ફેલાઈ. આપણે એમ માનીએ છીએ કે કેરી ઉત્તર ભારતનું ફળ છે. પણ મૂળભૂત રીતે તે ઉત્તર-પૂર્વનું, મોટા ભાગે મિઝોરમનું ફળ છે. તેનું ધાર્મિક માહત્મ્ય હોવા છતાં તે છેવટે મૂળભૂત રીતે આપણું ફળ ગણાયું જે દરેક ધર્મ-જાતિના લોકોને એકસમાન રીતે આકર્ષતુ હતું, આજે પણ આકર્ષે છે. મોગલો ભારતમાં આવ્યા ત્યાર પછી આપણા આંબાના સ્વાદ-સોડમથી એટલા બધા અંજાઈ ગયા હતા કે બાદશાહ અકબરે તો ૧૬મી સદીમાં બિહારના દરભંગામાં કેરીના એક લાખ વૃક્ષ રોપ્યા હતા. આંબાનો આ બગીચો 'લાખ બાગ' તરીકે ઓળખાયો.
યુરોપિયનો અહીં આવ્યા ત્યાં સુધી કેરીનો વ્યાપ મધ્ય પૂર્વ તેમજ ઇજિપ્ત સુધી થઈ ગયો હતો. પરંતુ પશ્ચિમના દેશો સુધી તેની સોડમ નહોતી પ્રસરી પોર્ટુગીઝો આંબાને આફ્રિકા અને પછી બ્રાઝિલ સુધી લઈ ગયા. ૧૮મી સદી સુધી વેસ્ટ ઇન્ડિઝમાં કેરી રોપાઈ ગઈ હતી. ત્યાર બાદના કેટલાંક દશકોમાં આંબો અમેરિકા પહોંચ્યો. ફલોરિડા અને હવાઈમાં ઉગાડવામાં આવેલી કેરીનું મૂળ ભારત છે તેની ભલે અમેરિકનોને જાણ નહોતી. આમ છતાં હજારો અમેરિકનો ફળોના આ રાજાનો સ્વાદ મનભરીને માણતા.
જોકે કેરીના વિકાસનો મોટા ભાગનો યશ યુરોપિયનોને ફાળે જાય છે. કેરીની કલમ કરીને તેની નવી નવી જાતો ઉગાડવાનો આરંભ પોર્ટુગીઝમાં થયો. આપણા સર્વાધિક પ્રિય આફૂસ આંબાની કલમ પોર્ટુગીઝના નિકોલસ આલફોન્સોએ કરી હતી. આપણે જે આફૂસ શબ્દ બોલીએ છીએ તે હકીકતમાં આલફોન્સોનું અપભ્રંશ છે. મઝાની વાત એ છે કે ઘણાં લોકો તેને આફૂસ નહીં પણ હાફૂસ કહે છે.
કેરીની મોસમ શરૂ થતાવેંત ગુજરાતી ગૃહિણીઓ બજારમાં કાચી કેરી લેવા દોડી જાય. અથાણાં બનાવવા માટે. ગોળ કેરી, કેરીનું ખાટું અથાણું, છુંદો, કટકી, મીઠો મુરબ્બો, કેરીની ચટણી અને કેરી સાથે ગુંદા, કેરડા, ગરમર, કરમદા, મરચાં, ખારેક જેવી અનેક વસ્તુઓ મિક્સ કરીને બનાવેલું અથાણું આપણે આખું વર્ષ ખાઈએ છીએ. કેરી ભલે મોસમી ફળ હોય, પણ તેના અથાણાંનો આનંદ બારે માસ લઈ શકાય છે. અલબત્ત, કેરીનો ઘટ્ટ રસ અને ગરમ ગરમ પુરી અથવા રોટલી ખાવાની મઝા તો આંબાની સિઝનમાં જ માણી શકાય. તેમાંય જો આફૂસ અને પાયરી આંબાનો મિક્સ રસ હોય તો તેના ખટમધુરા સ્વાદ-સોડમની લિજ્જત જ કાંઈક ઓર હોય. જોકે સોડમની બાબતમાં રાજાપુરી કેરી પણ ગાંજી જાય એવી નથી હોતી. તેની વિશેષ પ્રકારની સુગંધ દૂરથી જ તેના હોવાનો અહેસાસ કરાવે છે. તેવી જ રીતે ખાટી કેરીના મુરબ્બા કરતાં રાજાપુરી કેરીના મુરબ્બાનો અનોખો સ્વાદ દાઢે રહી જાય એવો હોય છે.
કેરીના અથાણાં બનાવવામાં ગુજરાતી મહિલાઓ નિપુણ હોય છે એ વાતમાં બે મત નથી. પણ કેરળમાં સુધ્ધાં કેરીમાંથી અથાણાં બનાવવાની પરંપરા પુરાણી છે. જ્યારે કાચી કેરી નાખીને બનાવેલી કેરળની કરી તો લાજવાબ હોય છે. જો ગુજરાતીઓ અને કેરળવાસીઓ કાચી કેરીના અથાણાં બનાવવામાં નિપુણ હોય તો મહારાષ્ટ્રીયનો પણ ક્યાં ઓછા ઉતરે એવાં હોય છે. આફૂસ કેરી માટે જાણીતા રત્નાગીરી પટ્ટાના મહારાષ્ટ્રીયનો મુંબઈ જેવા શહેરમાં 'આંબા ઉત્સવ' રાખે ત્યારે ત્યાંની મીઠીમધુરી કેરી સાથે તેમના આગવા સ્વાદના અથાણાં, આમપાપડ અને કેરીમાંથી બનાવેલી અન્ય વાનગીઓનો સ્વાદ માણવો એ પણ એક લહાવો છે. તેઓ કેરીના રસને ચોક્કસ પધ્ધતિથી પ્રિઝર્વ કરીને કાચની બાટલીઓમાં વેચે છે જે છ મહિના સુધી ટકે છે. જોકે કેરીના અથાણાં સમગ્ર ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં બનાવવામાં આવે છે. માત્ર તે બનાવવાની રીત અલગ અલગ હોય છે.
આજની તારીખમાં થાઈલેન્ડ, અમેરિકા, ઇજિપ્ત અને ભારતમાં વિશ્વની સૌથી વધુ કેરી પાકે છે. સ્થાનિક સ્તરે ભારતમાં કેરીની ભરપૂર માગ હોવા છતાં તેનું ઉત્પાદન એટલું બધું હોય છે કે આપણે આંબાની નિકાસ પણ કરીએ છીએ.
સામાન્ય રીતે આપણે બે-ચાર ફળોનંુ મિશ્રણ કરીને કોકટેલ જ્યુસ બનાવીએ છીએ. પણ તેમાં આંબો નાખી શકાય? ના, બિલકુલ નહીં. જો તેમાં આંબો નાખવામાં આવે તો કોકટેલમાં તેના જ સ્વાદ-સુગંધ છવાઈ જાય. કેરીનો અસામાન્ય સ્વાદ અને બેજોડ સુગંધ અન્ય ફળોના સ્વાદ-સુગંધને ખાઈ જાય છે એમ કહીએ તો તે વધારે પડતું નહી ગણાય. તેથી જ તમને ક્યારેય કેરી સાથે અન્ય ફળને મિક્સ કરીને બનાવેલું જ્યુસ કે આઈસ્ક્રીમ જોવા નહીં મળે.
આપણે કેરીની સિઝનની આતુરતાપૂર્વક રાહ જોતાં હોઈએ છીએ. ઉનાળો આવતાં જ કાગડોળે આંબાની રાહ જોઈ રહેલા ભારતીયો મનભરીને તેનો સ્વાદ માણે છે. પણ મઝાની વાત એ છે કે અમેરિકામાં આંબા બારે માસ મળે છે. આમ છતાં આપણે ઉનાળાના ત્રણ-ચાર મહિનામાં જેટલી કેરી ખાઈએ છીએ એટલા આંબા અમેરિકનો આખા વર્ષમાં પણ નથી ખાતા. અને જે વસ્તુ રોજેરોજ આસાનીથી મળી શકે તેની કિંમત શી? મોજ તો એ વસ્તુની જ માણી શકાય જે ક્યારેક ક્યારેક અથવા ચોક્કસ સમયગાળામાં જ મળે. ભારતમાં કેરી મોસમી ફળ હોવાને કારણે જ કદાચ તેનું મૂલ્ય વધારે અંકાય છે.