એક ફિલ્મી ગીતની કડી કદાચ બધાએ સાંભળી હશે, 'રજનીગંધા ફૂલ તુમ્હારે, મહકે યૂં હી જીવનમેં....' ખરેખર, રજનીગંધાના ફૂલ જીવનમાં અનેક રીતે સુગંધ પ્રસરાવે છે. તમે ઇચ્છો તો આ ફૂલને ફૂલદાનીમાં સજાવો અથવા ગુલદસ્તામાં સજાવી કોઈને ભેટ આપો. રજનીગંધાના સફેદ રંગના આ સુગંધીદાર ફૂલો તેના દેખાવ અને સુગંધથી સૌ કોઈનું મન મોહી લે છે. ૧થી ૧૧/૨ ઈંચ લાંબા અને ૧/૨થી ૧/૪ ઈંચ પહોળા આ ફૂલની પાંખડીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. રજનીગંધાનાં ફૂલને પાતળી નળી જેવી ડાંડલી (ટયુબ જેવી) આધાર આપતી હોવાથી અંગ્રેજીમાં રજનીગંધાને 'ટયૂબરોઝ'ના નામે પણ ઓળખવામાં આવે છે.
આમ તો રજનીગંધાની સુગંધ દિવસે પણ આવતી હોય છે. પરંતુ તેનો ખરો આનંદ તો રાત્રે જ આવે છે. તેની કળીઓ દિવસ આથમતાં ખીલવા લાગે છે કળી ખીલીને ફૂલ બને પછી આખી રાત તેની સુગંધ આવ્યા જ કરે છે.
ફૂલ છોડની વચ્ચેથી ઉપરની બાજુએ જતી ડાંડલી પર ખીલે છે. એક છોડમાં એક જ ડાંડલી ફૂટે છે. ફૂલની ડાંડલીમાંથી ફૂટેલી કળીઓ નીચેની બાજુથી ખીલવા લાગે છે. ધીમે ધીમે ઉપરની બાજુની કળીઓ પણ ખીલવા લાગે છે.
એક ડાંડલીનાં ફૂલ ૧૫-૨૦ દિવસ સુધી ખીલતાં રહે છે. આમ બધાં ફૂલ ખીલી જાય ત્યારે છોડની ઉંચાઈ ૧૧/૨ ફૂટ સુધીની થઈ જાય છે. એક ફૂલ ૩-૪ દિવસ સુધી ખીલેલું રહે છે. તે પછી તે કરમાઈ જાય છે. કરમાયેલા ફૂલોને છોડથી અલગ કરી દેવા જોઈએ. છોડનાં પાંદડાં ૧૧/૨ ઈંચ લાંબા અને ૧/૨ ઈંચ પહોળા હોય છે.
આ ફૂલને 'રજનીગંધા' એટલા માટે કહેવાય છે કે, રજની એટલે રાત્રે તે તેની સુગંધ વધારે ફેલાવે છે. તેથી તે 'રાતરાણી' પણ કહેવાય છે. ઉર્દૂમાં તેને 'ગુલેશબ' અથવા 'ગુલશબા' કહેવામાં આવે છે. 'ગુલ' એટલે ફૂલ અને 'શબ' એટલે રાત એટલે કે ગુલેશબનો અર્થ રાતનું ફૂલ. રાતરાણીનું વાનસ્પતિ શાસ્ત્રીય નામ પોલીએન્થેસ ટયૂબરોઝ છે. અને તે ઇમેરાઈઝલીડેસી વનસ્પતિ કુળનો છોડ છે.
રજનીગંધાનો છોડ કંદ દ્વારા ઉગાડાય છે. કંદ ડુંગળીના જેવા જ, પરંતુ કદમાં થોડાક નાના હોય છે. છોડ ઉગાડવા માટે ૩/૪ ઇંચથી ૧ ઈંચ સુધીની પહોળાઈ ધરાવતા કંદ ઠીક રહે છે. કંદને બન્ને બાજુથી ૮-૯ ઈંચના અંતરે ૨થી ૨૧/૨ ઇંચની ઊંડાઈએ ક્યારીઓમાં રોપવામાં આવે છે.
કંદ રોપ્યા પછી માટીને દબાવીને સમતલ કરી દેવી જોઈએ. કંદ રોપતાં પહેલાં છાણના ખાતર કે જૂના કમ્પોસ્ટ ખાતરને માટી સાથે બરાબર ભેળવીને ક્યારીમાં નાખવામાં આવે છે. કંદને માર્ચ-એપ્રિલમાં રોપવા જોઈએ. તેના માટે કાંપવાળી માટી વધુ યોગ્ય છે.
કંદમાંથી અંકુર ૨૦-૨૫ દિવસે ફૂટે છે. થોડોક છાંયડો અને થોડોક તડકો હોય તેવા સ્થાન પર છોડ વધારે ફાલે છે. જ્યાં ફકત છાંયડો કે એકલો તડકો હોય તે સ્થાન રજનીગંધા માટે યોગ્ય નથી.
કંદને કુંડામાં પણ વાવી શકાય છે, પરંતુ તે માટે કુંડા ૧૨ ઈંચ પહોળાં હોવાં જોઈએ. કુંડામાં ૧/૨ ભાગ માટી, ૧/૪ ભાગ છાણિયું ખાતર અને ૧/૪ ભાગ ગળતિયા (કમ્પોસ્ટ) ખાતરનું મિશ્રણ કરીને ભરવું જોઈએ. આમ તો એક કુંડામાંનું કંદ પણ વાવી શકાય છે, પરંતુ ૧ કંદ વાવવો વધારે સારો છે. ૩ કંદ વાવવા હોય તો ત્રિકોણ બનાવીને વાવવા અને જો એક જ કંદ વાવવો હોય તો કુંડાની માટીની બરાબર વચ્ચે વાવવો જોઈએ. કંદ રોપવાની ઉંડાઈ ક્યારાની માફક જ હોવી જોઈએ.
કંદ ક્યારીમાં રોપ્યા હોય કે કૂંડામાં, પરંતુ તેના અંકુર ફૂટે ત્યાં સુધી માટી ભીની રાખવી જરૂરી છે. આની સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યારી કે કુંડામાં પાણી ભરાઈ ન રહે. જો પાણી ભરાઈ રહે, તો કંદ સડી જાય છે. કંદ રોપીએ કે તરત જ એક વાર પાણી સિંચવું જોઈએ.
પછી જૂન સુધી એક અઠવાડિયે અને શિયાળામાં ૧૦-૧૨ દિવસે પાણી સિંચવું જોઈએ. છોડની વૃદ્ધિ થતી હોય તે વખતે એક બે વખત છાણિયું પ્રવાહી ખાતર આપવું જોઈએ. છાણનું પ્રવાહી ખાતર બનાવવા માટે છાણ અને પાણીને ઘોળી ઓગાળી તૈયાર કરેલ મિશ્રણને ગાળીને તૈયાર કરવું જોઈએ. ફુલ જુન-જુલાઈથી ડિસેમ્બર જાન્યુઆરી સુધી ખીલે છે, પરંતુ તે વધારે તો ચોમાસામાં એટલે કે જુલાઈ-ઓગસ્ટમાં જ ખીલે છે.
છોડમાંથી ફૂલની ડાંડલી નીકળે પછી તેને સીધી લાકડીથી ટેકો આપવો જોઈએ. જેથી ફૂલની ડાંડલી સીધી અને સુંદર બને.
જાન્યુઆરીના અંતમાં છોડ ખીલવાનું બંધ થતાં જ પાંદડાં પીળાં પડી જાય છે. અને સુકાઈ જાય છે. કદાચ તે પાંદડા સુકાય નહીં તો પણ, છોડને જમીનની સપાટીએ કાપી નાખી કંદને જમીનમાં જ રહેવા દેવા. તે પછી કંદને પાણી સિંચવું બંધ કરવું જોઈએ. માર્ચ-એપ્રિલમાં જમીનમાં દટાયેલાં કંદ ફરીથી ફૂટવા લાગે છે પછી છોડ વધે છે અને ફાલે છે.
ઉપયોગમાં લેવા માટે ફૂલોની ડાંડલીને જમીનથી ૧ ઈંચ ઉપર કાપવી જોઈએ. જેથી જમીનની અંદરના કંદોનો વિકાસ થતો રહે. ૨-૩ વર્ષ પછી કંદને ખોદીને સુરક્ષિત રાખવા જોઈએ અને પછી તેની અનુકૂળ ઋતુ આવતાં તેમને ફરીથી રોપવા જોઈએ.
જાહેર અને ખાનગી બગીચામાં રજનીગંધાના છોડ સહેલાઈથી રોપી શકાય છે. સ્ત્રીઓ તેનાં ફૂલોનો તેમના માટે વેણી, ગજરો કે માળા ગૂંથવામાં ઉપયોગ કરે છે. ઘરની અંદરની સજાવટ માટે પણ રજનીગંધાનાં ફૂલ ઉપયોગી છે. ફૂલની ડાંડલીઓ ફૂલદાનીમાં ગોઠવીને બેઠકખંડ, શયનખંડ, ડિનર ટેબલ, ઓફિસ, અતિથિકક્ષ વગેરે જગ્યાએ મૂકી શકાય છે. આમ ઘરનું વાતાવરણ સુગંધી બનાવી શકાય છે.


