Get The App

મહિલા રાજકરણીઓનો ફેશન પાવર

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
મહિલા રાજકરણીઓનો ફેશન પાવર 1 - image

- સ્ટાઈલ અને રાજકરણનો સંગમ

રાજકરણમાં ફેશન ભાગ્યેજ પોષાક સંબંધિત હોય છે, તે તો ઓળખ, સત્તા અને ઈરાદાની ચિવટપૂર્વક રચાયેલી ભાષા હોય છે. ભારતીય રાજકરણમાં પહેરવેશનો દેખાવ અથવા પરંપરાથી હટીને કંઈક કરવાની બાબત મહિલા રાજકરણીઓ સુધી જ સીમિત રહી. ભારતમાં મહિલા રાજકરણીઓએ માત્ર વ્યક્તિગત અભિવ્યક્તિ તરીકે જ નહિ પણ તેમની જાહેર છબીના સશક્ત પ્રદર્શન તરીકે પણ કપડા પહેરવાની શૈલીનો ઉપયોગ કર્યો છે. સાદગીભરી શાલીનતાથી લઈને બેબાક પ્રતીકો સુધી, તેમનો પોષાક વિચારધારા, સુસંગતતા અને વ્યક્તિત્વને તેમના ભાષણો કરતા પણ વધુ પ્રભાવશાળી રીતે વ્યક્ત કરે છે. આ દ્રશ્ય સંકેત જનમાનસને આકાર આપે છે, વૃત્તાંતને પ્રભાવિત કરે છે અને ક્યારેક નીતિ તેમજ કર્તૃત્વથી પર થઈને ટીકાઓ પણ આમંત્રે છે.

મહુઆ મોઈત્રા જેવી હસ્તીઓ સ્ટાઈલ અને દ્રઢતાના મિશ્રણથી ફેશનને આત્મવિશ્વાસપૂર્વક, વિના કોઈ ખચકાટ અપનાવે છે જ્યારે શાઈના એનસી જેવી વ્યક્તિ ડીઝાઈનમાં તેના મૂળ સાથે રાજકીય ઓળખને સરળતાથી સામેલ કરી નાખે છે. સદ્ગત સુષ્મા સ્વરાજે  દર્શાવ્યું હતું કે કેવી રીતે પરંપરાને વ્યાવહારીક નવાચાર સાથે ઢાળી શકાય જ્યારે નિર્મલા સીતારમણે સાદગીભરી છતાં પ્રભાવશાળી પસંદગી દ્વારા પ્રતીકવાદની નવી વ્યાખ્યા કરી. બીજી તરફ કંગના રણૌત જેવી હસ્તી રાજકરણમાં ફિલ્મી દુનિયાની નજાકત લાવે છે અને સેલિબ્રિટી તેમજ પ્રશાસન વચ્ચેની ભેદરેખાને ઝાંખી પાડે છે.

એટલા જ પ્રભાવશાળી છે માયાવતી અને મમતા બેનર્જી જેવા નેતાઓ, જેમનો પારંપરિક પહેરવેશનો હેતુપૂર્વકનો અસ્વીકાર અથવા સાદગીકરણ સ્થાપિત માનદંડોને પડકારે છે અને સામાજિક-રાજકીય સંદેશ પ્રતિબિંબિત કરે છે.

એકંદરે આ મહિલાઓએ સાબિત કર્યું છે કે કેવી રીતે પહેરવેશ શક્તિ પ્રદર્શન કરવા, રૂઢીઓ નકારવા અને પરંપરાગત પુરુષ પ્રધાન ક્ષેત્રમાં અપેક્ષાઓને આકાર આપવા માટે એક વ્યૂહાત્મક સાધન બની જાય છે.

મહુઆ મોઈત્રા : હાઈ ફેશન પંસદગી

કેટલાક અંશે મહુઆ મોઈત્રાના ઉદાહરણથી સાબિત થાય છે કે શા માટે તેના જેવી આપબળે  રાજકરણી બનેલી મહિલાઓએ વધુ પડતા ટ્રોલિંગ અને અપમાનજનક ટિપ્પણીઓનો ભોગ બનવું પડે છે. મોઈત્રા તેની ફેશન પસંદગીઓ કોઈપણ ખચકાટ વિના અપનાવે છે અને તેના પોષાકના કેવા અર્થ કરવામાં આવે છે તેની પરવા નથી કરતી. તેની પોતાની આગવી પસંદગી છે અને તે એને પોતાની રાજકીય ઓળખ બનાવવા હેતુપૂર્વક અપનાવે છે. તેની ફેશન પસંદગી તેના સ્પષ્ટવક્તા અને બેબાક વર્તન સાથે મેળ ખાય છે.

શાઈના એનસી : સાદગીપૂર્ણ, છતાં આકર્ષક

શાઈના એનસી એક રાજકરણી હોવા ઉપરાંત આપબળે બનેલી ફેશન ડીઝાઈનર પણ છે. શાઈનાએ તેની સાડીની ડીઝાઈનના પ્રદર્શનો યોજ્યા છે,એકસોથી વધુ ડ્રેપિંગ સ્ટાઈલ રજૂ કરવા માટે તેની મુલાકાત લેવામાં આવી છે અને અનેક ફેશન મેગેઝાઈનમાં તેને સ્થાન મળ્યું છે. શાઈના પરિસ્થિતિ મુજબ પોષાકની પસંદગી કરવાની સલાહ આપે છે.

દિવંગત સુષ્મા સ્વરાજ : પરંપરા સાથે સગવડ

પોતાના મતદાર સંઘમાં અસાધારણ પ્રગતિના વચન આપનાર તમામ મહિલા રાજકરણીઓની જેમ સુષ્મા સ્વરાજની ફેશન પસંદમાં પણ એક અંગત સ્પર્શ હતો. સુષ્મા સ્વરાજના વોર્ડરોબમાં પ્રત્યેક સાડી માટે વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલી બંડી તેમની ખાસિયત બની ગઈ. સિંદૂર અને મંગળસૂત્રને પોતાના પોષાકનો હિસ્સો બનાવનાર મહિલા માટે આ એક અસાધારણ અને કેટલાક અંશે પૌરુષીય પસંદગી હતી. સુષ્માના કહેવા અનુસાર તેનો કાર્યાત્મક હેતુ હતો. તેમના કહેવા મુજબ આ બંડી મારા ફોન, પેન અથવા ચાવીઓ માટે છે. આખરે સાડીમાં ખિસ્સા તો નથી હોતા.

નિર્મલા સીતારમણ : પ્રતીકવાદ નહિ, પણ સ્ટાઈલ

તમામ ફેરફાર પોષાક અથવા રંગથી નથી આવતા. નિર્મલા સીતારમણનું જ ઉદાહરણ લઈએ. તેની  પાર્ટીની અન્ય મહિલાઓથી વિપરીત તે કેસરી અને પીળા રંગના પોષાકથી દૂર જ રહે છે અને તેના સ્થાને પોતાના રાજ્ય આંધ્ર પ્રદેશની વેંકટગીરી અથવા અન્ય હેન્ડલૂમ અને કમલકારી બ્લાઉઝ તેમજ તમિલ નાડુની શાનદાર પટ્ટુ સાડીઓને પ્રાથમિકતા આપે છે. પરંપરાથી તેમનો આ ભેદ કપડાની બાબતમાં નહિ પણ પ્રતીકવાદમાં પણ દેખાયો. ૨૦૧૯માં નાણા મંત્રી તરીકે તેમણે પ્રચલિત કાળા બ્રીફકેસને તિલાંજલિ આપી અને તેના સ્થાને તેમણે ત્રણ સિંહ અને અશોક ચક્ર સાથેના ભારત સરકારના પ્રતીક ચિહ્નો સાથે અંકિત થયેલા લાલ કપડાનો ઉપયોગ કર્યો. લાલ રંગ ભારતના વાણિયા વેપારીઓની પંરપરાગત લેજર, ખાતાવહીનું પ્રતીક હતો અને આ હેતુપુર્વકનો ફેરફાર ભારતની આર્થિક કામગીરીમાં સ્થાનિક તત્વોને મહત્વ આપવાનો સંકેત હતો.

કંગના રણાૌત : ગ્લેમરની નવી વ્યાખ્યા

જો કે રાજકરણી મહિલાઓની મધ્યમ વર્ગીય, સામાન્ય લોકો સાથે સંકળાયેલી છબી સામે કંગના રણૌતે મોટો પડકાર ઊભો કર્યો છે. ફેશન સ્ટાઈલીસ્ટોના મતે કંગના પોતાના લૂકને નવેસરથી ઘડી શકે છે. તેની પેન્સિલ જેવી પાતળી બોર્ડર સાથેની સાદી સાડીઓ, પફ સ્લીવ્સ વાળા ક્રિસ્પ બ્લાઉઝ, પાતળા સોનેરી બ્રેસલેટ અને પોનીટેલમાં લહેરાતા વાળ સુંદર રીતે સ્ટાઈલ કરેલા હોય છે. ઊંચા ગળા સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરનારી તે એકમાત્ર મહિલા છે અને તે નાજુક દાગીના તેમજ વૈભવી બેગનો ઉપયોગ કરવામાં સહેજ પણ ખચકાટ નથી અનુભવતી. કંગનાએ પોતાનું સેલિબ્રિટી ગ્લેમર છોડવાના સ્થાને તેને નવી દિશા આપી છે. સોશિયલ મીડિયા પરની તેની ટિપ્પણીઓ પર  ધ્યાન આપીએ તો તેના અપમાન થાય ત્યારે પણ તેના દેખાવની તો પ્રશંસા જ થાય છે. વિશ્લેષકોના મતે જો કંગના લાંબો સમય રાજકરણમાં રહે તો તે ઈન્દિરા ગાંધીની સાડીઓ ફરતે રચાયેલી દંતકથા સાથે ચોક્કસ સ્પર્ધા કરી શકે.

માયાવતી : પરંપરાનો  ઈરાદાપૂર્વક ત્યાગ

માયાવતી જેવી મહિલા રાજકરણીઓએ તેમનો ઓળખ સ્થાપવા વ્યૂહાત્મક રીતે સાડીનો ત્યાગ કર્યો. ઉત્તર પ્રદેશની ચાર વાર મુખ્ય મંત્રી રહી ચુકેલી માયાવતી ફાયરબ્રાન્ડ તેમજ બહેનજી  તરીકે પણ ઓળખાય છે. તેમણે ભદ્ર સમાજની તેમજ ઉચ્ચ વર્ગના ઘમંડથી બિલકુલ  વિપરીત ખાસયિતો અપનાવી. તેમનો સીન્થેટીક સલવાર-કમીઝ (મોટાભાગે ગુલાબી), ક્યારેક બનારસી દુપટ્ટા અથવા લેધર જેકેટ સાથેનો પોષાક તેમની ઓળખ બની ગયો. તેમના હાથમાં કાયમ રહેતી હેન્ડબેગ તેમણે હાંસલ કરેલી સત્તાનું રૂપક બની ગઈ. સાડી નકારવાનો તેનો નિર્ણય ઈરાદાપૂર્વકનો હતો. તેને ઈન્દિરા ગાંધી જેવું પણ નહોતું દેખાવવું કે શિફોન સાડીમાં લપેટાયેલી મહારાણી જેવું પણ નહોતું બનવું. તેના ગળા ફરતે લપેટાયેલા દુપટ્ટા ક્યારેય સજાવટ માટે નહોતા, અને તેણે ધારણ કરેલા હીરાના દાગીના પસંદગીનો અતિરેક  નહિ પણ પ્રભાવ પાડવા માટે હતા. માયાવતીનો સમૃદ્ધિનો દેખાડો દલિતોને જે બાબતોથી વંચિત રાખવામાં આવ્યા તેના વિરોધમા ંહતો.

મમતા બેનર્જી : બ્લ્યુ બોર્ડર રાજકરણ

માયાવતીએ ઉચ્ચ વર્ગથી છેડો ફાડવા સાડી નકારી તો મમતા બેનર્જીએ તેને સાદગીનું પ્રતીક બનાવ્યું. તેમની રાજકીય છબી બે સ્તંભો પર ઘડાયેલી હતી, ઉગ્ર ભાષણો અને સાદો પોષાક. મમતા કાયમ સામાન્ય ભાષામાં મધર ટેરેસા સાડી તરીકે ઓળખાતી બ્લ્યુ કલરની બોર્ડરની સાડી તેમજ રોજ પહેરવાના સ્લીપરમાં જ દેખાય છે. સામ્યવાદ, હાથ વણાટના મલમલ અને જમદાની, સંગીત, શિક્ષણ તેમજ કલા માટે ઊંડા મૂળની સંવેદના માટે પ્રસિદ્ધ પશ્ચિમ બંગાળે સત્તાના પોતાના પ્રતીકો ઊભા કર્યા છે. પણ દીદીએ સેવા અને સંતત્વની ઓળખ તરીકે 'સેન્ટ ઓફ ધી ગટર' (મધર  ટેરેસા)ની પસંદગી કરી. તેમના પર લખેલા તમામ પુસ્તકના કવર પર એક જ પ્રકારની છબી જોવા મળશે, હાથમાં માઈક, હાથ ઊંચો કરેલો, ખભે ચુસ્તપણે વીંટળાયેલી બ્લ્યુ બોર્ડરની સાડી. જો કે કેટલીક ચીજો બદલાઈ છે, હવે તેઓ સ્માર્ટવોચ પહેરે છે, તેમના સ્લીપર અગાઉ જેવા સાદા નથી રહ્યા તેમજ તેમની સાડીઓ પણ હવે વ્યવસ્થિત ઈસ્ત્રી કરેલી હોય છે.

- ઉમેશ ઠક્કર